વેદ થી માંડીને છેક પુરાણ સુધીના અને ક્યારેક તો તે પછી છેક મધ્યયુગ સુધીમાં રચાયેલા બધા ગ્રંથો સામાન્ય રીતે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. તેથી સૌ પ્રથમ તો શાસ્ત્ર એટલે શું તે સમજવું જરૂરી છે.
શાસ્ત્ર એટલે શું ?
શબ્દાર્થ : ‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’ અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર.
ભાવાર્થ : ઋષિઓના ઉપદેશ ધરાવતા પવિત્ર ગ્રંથોને શાસ્ત્ર કહેવામાં આવે છે.
સમયના વહેણમાં દરેક તબક્કે અનેક મહાત્માઓએ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ધર્મનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. તેમાંના ઘણાએ જુદે જુદે માર્ગે ચાલીને એક જ લક્ષ્યને સાધ્યું હતું. સૃષ્ટિના જીવમાત્રના કલ્યાણના ઉદ્દેશથી પ્રાચીનકાળના આ મહાત્માઓએ તેમના જ્ઞાન અને અનુભવનો ઉપદેશ અનેક ગ્રંથો મારફત આપણને આપ્યો છે. આ ગ્રંથોને આપણે “શાસ્ત્રો” તરીકે ઓળખીએ છીએ.
સમાજના જુદા જુદા લોકોને ધર્મની સમજ આપવાની હોવાથી, આ બધા લોકોના બૌદ્ધિક, વ્યવહારિક અને આધ્યાત્મિક સ્તર મુજબ જુદી જુદી કક્ષાનાં અને જુદા જુદા પ્રકારનાં અનેક શાસ્ત્રો રચાયેલ છે.
શાસ્ત્રોનું મહત્વ :
માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે. ઉપરાંત શાસ્ત્રો આ સિદ્ધાંતોને અનુકૂળ વિધિ-વિધાનો કરવા પ્રેરણા પણ આપે છે અને આ સિદ્ધાંતોના વિરુધ્ધનું આચરણ કરવાથી રોકે પણ છે. શાસ્ત્રોના મહત્વને સમજાવતું એક સુભાષિત સંસ્કૃત ભાષામાં છે:
अनेकसंशयोत्व्छेदि परोक्षार्थस्य दर्शकम् ।
सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्घ एव सः॥
શબ્દાર્થ : શાસ્ત્ર સર્વ શંકાઓનો નાશ કરે છે અને પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે. શાસ્ત્ર માનવીની આંખો છે, તેથી જે શાસ્ત્રને જાણતો નથી તે ખરેખર આંધળો જ છે.
ભાવાર્થ : શાસ્ત્ર આપણી બધી શંકાઓનું સમાધાન કરે છે અને આડકતરા લાગતા સનાતન સિદ્ધાંતો આપણા જીવનમાં કઈ રીતે સીધી અસર કરે છે તે સમજાવે છે. શાસ્ત્રરૂપી આંખના માધ્યમથી કંટકછાયો જીવનપથ સરળતાથી પાર કરી શકાય છે. પરંતુ જે મનુષ્ય શાસ્ત્રને જાણતો નથી, તેણે આંધળાની જેમ જીવનપથ પાર કરવો પડે છે. આમ શાસ્ત્રોનું જ્ઞાન આપણને વિશ્વની તમામ જીવસૃષ્ટિનું જીવન સારી રીતે જીવી શકાય શકે તે માટેનું માર્ગદર્શન આપે છે.
શાસ્ત્ર કેટલાં છે અને ક્યાં ક્યાં ?
આપણાં શાસ્ત્રોની ગણતરી કરીએ તો લગભગ ૪૦ થી ૫૦ તો મુખ્ય ગ્રંથ છે અને અને તેના ઉપગ્રંથો, મીમાંસા, સંબંધિત ગ્રંથો વિગેરેને સાથે ગણતાં સાથે કુલ આંકડો ૫૦૦ની સંખ્યાને પણ પાર કરી જાય છે. આ ઉપરાંત જો તેમાં હાલ અપ્રાપ્ય છે એવા અસંખ્ય ગ્રંથો, હજુ સુધી હસ્તલિખિત પ્રતના સ્વરૂપમાં જ છે અને પ્રકાશિત થયા નથી તેવા અનેક ગ્રંથો, સંખ્યાબંધ અમાન્ય ગ્રંથો અને અગણિત સાંપ્રદાયિક ગ્રંથોને પણ ગણતરીમાં લઈએ, તો કુલ શાસ્ત્રોની સંખ્યા હજારોમાં પહોંચે.
આ બધાં શાસ્ત્રોમાં “વેદ” સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. લોકો ભલે શાસ્ત્રો વિષે વધારે માહિતી કદાચ ના ધરાવતા હોય, પરંતુ મોટાભાગના લોકો એટલું તો જરૂર જાણે છે કે “વેદ” આપણો સૌથી પ્રાચીન અને સૌથી મહત્વનો ગ્રંથ છે. વાસ્તવમાં વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો જ કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે.
એક મહત્વની હકીકત એ પણ છે કે વેદ એ કોઈ માનવરચિત ગ્રંથ નથી, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા અપાયેલું જ્ઞાન છે. પૃથ્વી અને મનુષ્યની ઉત્પત્તિ સમયે ઈશ્વરે ઋષિઓને વેદનું જ્ઞાન આપ્યું. આ ઋષિઓએ પોતાના શિષ્યોને આ જ્ઞાન આપ્યું અને તે જ રીતે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા વેદોના આ જ્ઞાનનું આદાન-પ્રદાન ચાલતું રહ્યું. ઘણા લાંબા સમય સુધી વેદના જ્ઞાનનો પ્રસાર-પ્રચાર આ રીતે ફક્ત ‘પઠન અને શ્રવણથી’ એટલે કે ‘બોલીને અને સાંભળીને’ થતો રહ્યો. સમયાંતરે લખાણ અને છપાઈની સુવિધાઓ શોધાઈ, તે પછી વેદો પુસ્તક રૂપે મળવા લાગ્યા.
વેદોમાં સર્વ વિદ્યાઓનું સંક્ષેપમાં વર્ણન છે. વેદો જ્ઞાનનો ભંડાર છે અને તેમાં જીવનનાં અનેક ગૂઢ રહસ્યો પ્રગટ કરાયેલાં છે. એવું પણ કહી શકાય કે વેદો વિચારોના ગ્રંથો છે. અન્ય બધાં જ શાસ્ત્રો વેદનો મહિમા ગાય છે અને વેદને જ ધર્મનું મૂળ માને છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.
વેદો હિંદુ ધર્મના મૂળ ધર્મગ્રંથ ગણાય છે. જોકે વેદોના ઉપદેશનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના લોકો માટેના ગ્રંથો નથી, પરંતુ સમસ્ત માનવજાતના કલ્યાણ માટેના ગ્રંથો છે. આમ વેદો ધર્મગ્રંથ નહિ પણ જ્ઞાનગ્રંથ છે.
વેદના જ્ઞાનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં સમાવિષ્ટ પદાર્થોનું સ્વરૂપ રજુ થયેલ છે. યજુર્વેદમાં કર્મોના અનુષ્ઠાનનું, સામવેદમાં ઈશ્વરની ભક્તિ અને ઉપાસનાના સ્વરૂપનું અને અથર્વવેદમાં વિવિધ વિજ્ઞાનનું મુખ્યરૂપે વર્ણન કરેલું છે.
આ ચાર વેદોમાં વર્ણન કરેલું જ્ઞાન ઘણું ગહન છે અને તેમાં જીવનનાં ગૂઢ રહસ્યો અત્યંત સંક્ષિપ્તમાં રજૂ કરેલ છે, જેથી ફક્ત વિદ્વાનો જ તેને જાણી અને સમજી શકે છે. આથી આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાનને સરળ બનાવવા પ્રયત્ન કર્યો, તો તેમાંથી ૫૦૦થી પણ વધારે ગ્રંથો રચાયા, જે બધા પણ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ બધા ગ્રંથોની ટૂંકમાં વિગતો હવે જાણીશું.
ચારે વેદના એક-એક ‘ઉપવેદ’ છે. ઋગ્વેદના ઉપવેદનું નામ આયુર્વેદ છે, જેમાં તંદુરસ્તી, તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગ, રોગનાં કારણો, દવાઓ અને વૈદકીય સારવારનું વર્ણન કરેલ છે. યજુર્વેદના ઉપવેદનું નામ ધનુર્વેદ છે, જેમાં સૈન્ય, હથિયાર, યુધ્ધકળા વિગેરેનું વર્ણન છે. સામવેદના ઉપવેદનું નામ ગંધર્વર્વેદ છે, જેમાં ગાયન, વાદન, નર્તન વિગેરેનું વર્ણન છે. જયારે અથર્વવેદના ઉપવેદનું નામ અર્થર્વેદ છે, જેમાં વેપાર, અર્થવ્યવસ્થા વિગેરેનું વર્ણન છે.
વેદના મંત્રોની સરળ સમજ માટે ઋષિઓએ દરેક વેદને ભાષ્ય એટલેકે વ્યાખ્યાના રૂપમાં રજુ કરી જે ગ્રંથોની રચના કરી તે ‘બ્રાહ્મણ ગ્રંથો’ કહેવાય છે. ચારે વેદોના મળીને કુલ ૧૭ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હોવાનું કહેવાય છે, પરંતુ તેમાંથી ઘણા સમયની સાથે લુપ્ત થઇ ગયા છે. જે ઉપલબ્ધ છે તેમાં ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ એતરેય, યજુર્વેદના શતપથ, સામવેદના તાણ્ડય અને અથર્વવેદના ગોપથનો સમાવેશ થાય છે.
બ્રાહ્મણ ગ્રંથોના ભાગ રૂપે આરણ્યક ગ્રંથોની રચના થઇ, જેમાંથી અત્યારે ૬ ગ્રંથ ઉપલબ્ધ છે. ઐતરેય, શાંખાયન, કૌષીતકી, તૈત્તિરીય, મૈત્રાયણી અને બૃહદારણ્યક.
આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ, જીવ, મન, સંસ્કાર, જપ, સ્વાધ્યાય, તપસ્યા, ધ્યાન, સમાધિ વિગેરે વિષયોનું અલંકારિક વાર્તાઓ અને ઉદાહરણ સાથે સરળ રૂપમાં વર્ણન કરતા ગ્રંથો લખ્યા, જે ‘ઉપનિષદ’ તરીકે ઓળખાય છે. વેદોનું જ્ઞાન એટલું ગૂઢ અને વિશાળ છે કે તેને સરળ રૂપમાં રજુ કરવામાં લગભગ ૩૦૦ જેટલાં ઉપનિષદ રચાયાં. આમાંથી ૧૦૮ ઉપનિષદ માન્ય ગણાય છે, જેમાંથી ૧૦ ઉપનિષદ મુખ્ય ગણાય છે: ઇશોપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુક્યોપનિષદ, એતરેયોપનિષદ, તૈત્તિરીયોપનિષદ, છાંદોગ્યોપનિષદ અને બૃહદારણ્યકોપનિષદ.
ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી “વેદાંત” તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથો છે.
વેદોના ગહન મંત્રોના સુક્ષ્મ અર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે આપણા વિદ્વાન ઋષિઓએ ‘વેદાંગ’ નામના ૬ ગ્રંથોની રચના કરી છે. શિક્ષાગ્રંથમાં સંસ્કૃત ભાષાના અક્ષરોનું વર્ણન, તેમની સંખ્યા, પ્રકાર, ઉચ્ચારણ, સ્થાન વિગેરેનું વિવરણ કરેલું છે. કલ્પગ્રંથમાં વ્યવહાર, સુનીતિ, ધર્માચાર વિગેરે વિષયોનું વર્ણન છે. વ્યાકરણગ્રંથમાં શબ્દોની રચના, ધાતુ, પ્રત્યય તથા કયા શબ્દના કેટલા અર્થ થાય છે તે વિષેનું વર્ણન છે. નિરુક્તગ્રંથમાં વેદના મંત્રોનો અર્થ કઈ વિધિથી કરવો તેનો નિર્દેશ કરેલો છે. છંદગ્રંથમાં શ્લોકોની રચના તથા ગાયનકલાનું વર્ણન છે અને જ્યોતિષગ્રંથમાં ભૂગોળ-ખગોળની સ્થિતિ-ગતિ અને ગણિત જેવી વિદ્યાઓનું વર્ણન છે.
આપણા વિદ્વાન ઋષિઓએ વેદોનાં દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે ૬ ગ્રંથોમાં કરી છે તે વેદનાં ‘ઉપાંગ’ અથવા ‘દર્શનશાસ્ત્ર’ તરીકે ઓળખાય છે. જૈમિનીઋષિકૃત મીમાંસાદર્શનમાં ધર્મ, કર્મ, યજ્ઞ વિગેરેનું વર્ણન છે. વ્યાસઋષિકૃત વેદાન્તદર્શનમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરનું વર્ણન છે. ગૌતમઋષિકૃત ન્યાયદર્શનમાં તર્ક, પ્રમાણ, વ્યવહાર તથા મુક્તિનું અને કણાદઋષિકૃત વૈશેષિકદર્શનમાં જ્ઞાન-વિજ્ઞાનનું વર્ણન છે. કપિલઋષિકૃત સાંખ્યદર્શનમાં પ્રકૃતિ, પુરુષ (જીવ)નું અને પતંજલિઋષિકૃત યોગદર્શનમાં યોગસાધના, ધ્યાન, સમાધિ આદિ વિષયોનું વર્ણન છે.
આમ ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શન મળીને ૪૦ તો મુખ્ય શાસ્ત્ર થયાં. ઉપરાંત બીજાં ૯૮ ઉપનિષદ ઉમેરીએ તો કુલ ૧૩૮ શાસ્ત્ર થયાં. આ બધાં શાસ્ત્રો મુખ્યત્વે વેદ પર આધારિત ગ્રંથો છે, જેથી “વૈદિક સાહિત્ય” તરીકે ઓળખાય છે. મોટેભાગે આ ગ્રંથો મૂળ રૂપમાં સચવાઈ રહ્યા છે અને તેમાં મોટે ભાગે આધ્યાત્મિક જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવ્યો છે.
આ “વૈદિક સાહિત્ય”ની રચના પછીના સમયમાં પણ આપણા ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા લગભગ ૪૦૦થી પણ વધારે ગ્રંથો રચેલા છે. આ બધા ગ્રંથોનો પણ શાસ્ત્રોમાં સમાવેશ થાય છે. આ ગ્રંથોની રચના મનુષ્યને કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ કરાવવા માટે થયેલ છે અને તેમાં કૌટુંબિક, સામાજીક, ધાર્મિક અને રાજનૈતિક નિયમોનું વિધાન છે. પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં ધાર્મિક ભાવના, કર્મકાંડ, ક્રિયાકાંડ, કૌટુંબિક અને સામાજીક વ્યવહાર, વર્ણવ્યવસ્થા વિગેરે બાબતોનું વર્ણન પણ કરેલું છે.
આમ પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન કરતાં ધાર્મિક અને સામાજીક વિષયો પર વધુ ઝુકાવ છે. ઉપરાંત સમયે સમયે આ ગ્રંથોમાં સુધારા-વધારાની ભેળસેળ થતી રહી છે, જેથી આ ગ્રંથોમાં કોઈવાર ઋષિઓના મૂળ ઉપદેશનું બદલાયેલું અને કયારેક વિકૃત થયેલું સ્વરૂપ પણ જોવા મળે છે.
તો આપણે જોયું કે કુલ શાસ્ત્રોના બે મુખ્ય ભાગ છે:
(૧) વૈદિક સાહિત્ય: જે સંપૂર્ણપણે વેદ આધારિત જ્ઞાનની વાતો ધરાવે છે, “શ્રુતિ” તરીકે ઓળખાય છે, મૂળ સ્વરૂપમાં જળવાઈ રહ્યું છે અને તેમાં આધ્યાત્મિક જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવ્યો છે.
(૨) અન્ય (પાછળથી રચાયેલાં) શાસ્ત્રો: વેદના આદેશોમાં ક્યારેક થોડીઘણી બાંધછોડ કરીને રચાયેલ છે, “સ્મૃતિ” તરીકે ઓળખાય છે, મૂળ સ્વરૂપમાં જળવાઈ રહ્યા નથી અને તેમાં સામાજીક વિષયો પર વધારે ભાર આપવામાં આવ્યો છે.
વૈદિક સાહિત્યની ઉપરોક્ત પ્રાથમિક માહિતી સરળ સમજ માટે આકૃતિના સ્વરૂપમાં પણ રજુ કરું છું (સંદર્ભ અને આભાર : દર્શન યોગ મહાવિદ્યાલય, રોઝડ, જી. સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સાહિત્ય):
હવે આપણે જોઈએ એક રસપ્રદ સરખામણી કે આપણો વૈદિક ધર્મ તથા દુનિયાના અન્ય ધર્મ અને આપણા દેશના અનેક સંપ્રદાય ક્યારે ક્યારે રચાયા છે (સંદર્ભ: દર્શન યોગ મહાવિદ્યાલય, રોઝડ, જી. સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સાહિત્ય):
પંચામૃત: આપણી સંસ્કૃત ભાષા વિશ્વભાષા ગણાતી અંગ્રેજી ભાષા કરતાં કેટલી ચડિયાતી છે, તેની સાબિતીરૂપ એક ઉદાહરણ જોઈએ. અંગ્રેજી ભાષાની વર્ણમાળાના (આલ્ફાબેટ -આપણે ABCD તરીકે ઓળખીએ છીએ તે) દરેક અક્ષર આવી જાય તેવું એક બહુ જાણીતું વાક્ય છે: The quick brown fox jumps over a lazy dog. અંગ્રેજી શીખવતી દરેક શાળામાં આ વાક્ય મહાન વાક્યરચના તરીકે બહુ ગર્વથી અને ભારપૂર્વક ભણાવાય છે. પરંતુ વાસ્તવમાં તેમાં બે મોટી ખામીઓ છે. એક તો અંગ્રેજીના ૨૬ મૂળાક્ષરોને બદલે ૩૩ નો ઉપયોગ થયો છે, એટલે કે ૭ મૂળાક્ષર બે વખત વાપરવા પડ્યા છે. આવા પુનરાવર્તન વગરનું અર્થસભર અંગ્રજી વાક્ય હજુ સુધી રચી શકાયું નથી. બીજી ખામી એ છે કે મૂળાક્ષરોનો ક્રમ આડાઅવળો છે, અર્થાત્ A, B, C, D, E … એ ક્રમ જળવાયો નથી. વાસ્તવમાં મૂળાક્ષરોનો ક્રમ જાળવીને અર્થસભર અંગ્રેજી વાક્ય રચવું એ ફક્ત મુશ્કેલ જ નહિ, પરંતુ નામુમકીન છે. હવે આપણી સંસ્કૃત ભાષાનો આ શ્લોક જુઓ: कः खगीघाङचिच्छौजा झाञ्ज्ञौsटौठीडडण्ढणः । तथोदधीन् पफर्बाभीर्मयोsरिल्वाशिषां सहः ।। અર્થ: પક્ષીઓનો પ્રેમી, શુદ્ધ બુદ્ધિનો, પારકાના બળનું અપહરણ કરી લેવામાં પારંગત, શત્રુના સંહારકોનો અગ્રણી, મનથી અટલ તથા નીડર અને મહાસાગરનું સર્જન કરનારો એટલે કોણ? રાજા મય કે જેને શત્રુનાશના આશિર્વાદ મળ્યા છે. હવે ધ્યાનથી જુવો કે આ શ્લોકમાં સંસ્કૃત વર્ણમાળાના તમામ ૩૩ અક્ષર આવી જાય છે, ઉપરાંત તે બધા અક્ષર વર્ણમાળાના મૂળ ક્રમાનુસાર જ આવે છે. અર્થાત્ ક ખ ગ ઘ ચ... એવો ક્રમ જાળવીને જ આ અર્થસભર શ્લોક રચાયો છે. એટલું જ નહિ, ઙ અને ઞ જેવા સામાન્ય વ્યવહારમાં વપરાતા ના હોય તેવા અક્ષરોનો પણ મૂળ ક્રમમાં ઉપયોગ કરવાનું ચૂકાયું નથી. આવી અદ્વિતીય સાહિત્યિક વિલક્ષણતા ધરાવતા શ્લોકની રચના મહાપરાક્રમી રાજા, પ્રખર વિદ્વાન કવિ અને જેનો દરબાર મહાકવિ કાલીદાસ સહિત ૧૪૦૦ કવિઓ શોભાવતા હતા, એવા રાજા ભોજે પોતાના કાવ્યસંગ્રહ “સરસ્વતી કંઠાભરણમ”માં કરી છે. તો આપણે બધા આપણા આવા ભવ્ય સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવીને તેનો પ્રચાર-પ્રસાર કરીને ગર્વ અનુભવીએ.
આ લેખમાળાના હવે પછીના લેખ “શાસ્ત્રોનું વિભાગીકરણ” પર જવા અહીં ક્લિક કરો.
આ લેખમાળાના અગાઉના લેખ “પ્રસ્તાવના” પર જવા અહીં ક્લિક કરો.
આ લેખ આપને ગમ્યો હોય તો, વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.
આ લેખ અને આ બ્લોગ વિષે આપનો ફીડબેક અહીં આપશો તો આભારી થઈશ.
આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લેશો એવી અપેક્ષા રાખું છું.
આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે,
-સુરેશ ત્રિવેદી
Sara’s mahiti Che gnan vadhrva mateni bahu upyogi Che mare prasnal ma joia Che plz
આભાર મહેશભાઈ
વેદ થી પુરાણ સુધીના મારા લેખોનું પુસ્તક બહાર પાડવાનું વિચારી રહ્યો છું, પણ હજુ થોડા આર્ટિકલ લખવાના બાકી છે, તેથી થોડો સમય લાગશે. પુસ્તક પબ્લિશ થશે, એટલે અહીં જાહેરાત કરીશું.
Excellent Article. Hard work of compilation / fathoming out the information rarely known to the most of us.
In true sense you are “the GEOLOGIST” of this area.
Keep it up.