(3) નિશાળ

માડકાના ચોકમાં આવેલ જૈન ઉપાશ્રયનું અત્યારનું દ્રશ્ય
માડકાના ચોકમાં આવેલ જૈન ઉપાશ્રયનું અત્યારનું દ્રશ્ય. નિશાળના તે સમયના મકાનની જગ્યાએ હવે ગ્રામપંચાયતનું નવું મકાન બની ગયું છે. 

તે જમાનામાં ગામડામાં બાળકોના ભણતરનું પ્રમાણ ઘણું ઓછું હતું. ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. એ બંને વ્યવસાયમાં માનવબળની જરૂરિયાત ઘણી વધારે, જેથી નાની ઊંમરથી બાળકોને પહેલાં પશુપાલન અને પછી ખેતીના કામકાજમાં જોતરી દેવાની પ્રથા થઇ ગયેલી. વળી આ બંને વ્યવસાય પરંપરાગત હોવાથી અનુભવથી જ સારી રીતે શીખી શકાય અને તેના માટે ભણતરની જરૂર નથી તેવી લોકોની જડ માન્યતા. આમ સાચી સમજણ તથા યોગ્ય સલાહના અભાવથી લોકો તેમનાં બાળકોને ભણવા માટે મોકલે જ નહિ અને મોકલે તો પણ માંડ બેત્રણ ધોરણ સુધી જ. તે વખતે ભણતરની આવી ઉપેક્ષા આખા ભારતમાં હતી. કદાચ તમને નવાઈ લાગશે પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તાજેતરના એક અહેવાલ મુજબ વર્ષ ૧૯૫૨માં આપણા દેશની લોકસભાની સૌ પ્રથમ ચુંટણી વખતે કુલ મતદારોના ૮૫%ને લખતાં કે વાંચતાં નહોતું આવડતું !

વળી  બેત્રણ ધોરણ સુધી ભણવાની વાત કરી તે પણ ફક્ત છોકરાઓને જ લાગુ પડતી હતી. છોકરીઓને તો વળી ભણવાનું શાનું હોય ? છોકરીઓને તો મોટા થઈને ઘર સંભાળવાનું અને બાળકો પેદા કરી મોટાં કરવાનું કામ જ છે, તેથી તેમને ભણવાની કોઈ જરૂર નથી તેવીજ બધાની જડ માન્યતા. ગામનો વેપારીવર્ગ પણ છોકરીઓને બેત્રણ ધોરણ સુધી ભણાવી સંતોષ માને, જયારે ખેડૂત અને કારીગરવર્ગની છોકરીઓ તો નિશાળનું પગથિયું જ ચડી ન હોય.  

આજે છોકરીઓ પ્રાથમિક શિક્ષણ તો ઠીક, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ છોકરાઓને હંફાવી રહી છે, ત્યારે આજની પેઢીને આ વાત કદાચ નવાઈભરી લાગે કે ફક્ત પચાસ વર્ષ પહેલાં સ્ત્રીઓ માટે આવી વિચારસરણી અને વાસ્તવિક પરિસ્થિતિ હતી. પરંતુ વધારે દુઃખની વાત તો એ છે કે આજના જમાનામાં પણ દુનિયાના કેટલાક વિસ્તારોમાં આવીજ વિચારસરણી અસ્તિત્વમાં છે. તારીખ ૦૬-૦૫-૨૦૧૪ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આફ્રિકાના નાઇઝેરિયા દેશમાં ‘બોકો હરમ’ નામનું મુસ્લિમ આતંકવાદી સંગઠન વર્ષ ૨૦૦૨માં સ્થપાયું છે. બોકો હરમનો અર્થ ત્યાંની ભાષા મુજબ ‘પાશ્ચાત્ય કેળવણીનો બહિષ્કાર’ થાય છે. આ સંગઠન માને છે કે સ્ત્રીઓએ તેમના પતિ અને બાળકોનું ધ્યાન રાખવા ઘરમાં જ રહેવું જોઈએ અને તેમણે વાંચવા કે લખવાનું શિખવાની કોઈ જરૂર નથી. પોતાની માન્યતાઓનો જબરદસ્તી અમલ કરાવવા આ સંગઠને મે ૨૦૧૪માં ૨૨૩ વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યું છે અને તે બધીને ગુલામ તરીકે વેચી દેવાની ધમકી આપી છે. હાલ નાઈઝેરિયન સરકાર અપહૃતોને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે. 

બાળકોના ભણતર માટે આવી પરિસ્થિતિને લીધે તે સમયે નાના ગામડામાં કાં તો સરકારી શાળા હોય જ નહીં અને હોય તો ધોરણ એક થી ચાર સુધીની જ શાળા હોય. ફક્ત વાવ, સુઈગામ, મોરવાડા, ઢીમા, બેણપ અને માડકા જેવાં વાવ તાલુકાનાં મોટાં ગામોમાં જ ધોરણ સાત સુધીની શાળાની સગવડ હતી, જે સેન્ટરશાળા તરીકે ઓળખાતી. આજુબાજુનાં નાના ગામોની ચાર ધોરણ સુધીની શાળાઓ આ સેન્ટરશાળાના વડપણ હેઠળ કામ કરતી. તે જમાનામાં શિક્ષકો ‘માસ્તર’ તરીકે અને સેન્ટરશાળાના મુખ્ય શિક્ષક ‘હેડમાસ્તર’ તરીકે ઓળખાતા. તે વખતે વાવ તાલુકામાં એક પણ હાઈસ્કૂલ ન હતી, અર્થાત ધોરણ સાતથી આગળના ભણતર માટેની સગવડ પૂરા તાલુકામાં ક્યાંય ન હતી. તાલુકાની સૌ પ્રથમ હાઈસ્કૂલ વાવ ખાતે વર્ષ ૧૯૬૪માં શરુ થઇ, જે ઘણાં વર્ષો સુધી તાલુકાની એકમાત્ર હાઈસ્કૂલ બની રહી. તો પછી કેળવણી ક્ષેત્રે આવી સગવડ(?) ધરાવતા વાવ તાલુકાને પછાત તાલુકો કહેવો જ પડે ને !   

નિશાળની જ સગવડ માંડમાંડ હોય, ત્યારે બાળમંદિર તો ક્યાંથી હોય ? એટલે તે વખતે બાળક છ વર્ષનું થાય ત્યારે તેને સીધા જ પહેલા ધોરણમાં ભણવા બેસાડતા. આમ અમારી પેઢીનાં ગામડાનાં બાળકો બાળમંદિરમાં ગયાં જ નથી. ઘણાં વર્ષો પછી બાળકને ચાર વર્ષે બાળમંદિરમાં દાખલ કરી જુનીયર કેજી અને સિનીયર કેજી એમ બે વર્ષ ભણવાનાં વધ્યાં. તે પછી નર્સરીનું એક વર્ષ ઉમેરી, ત્રણ વર્ષના બાળકનો પણ રમવાનો આનંદ છીનવી લીધો. અને હવે તો બે વર્ષના બાળકને પ્લેગ્રુપમાં દાખલ કરી દેવામાં આવે છે ! દિવસે દિવસે બાળક પર ભણતરનો ભાર વધતો જાય છે, પરતું ભણતરની કિંમત ઘટતી જાય છે. આનું મુખ્ય કારણ છે અંગ્રેજોએ દાખલ કરેલ કારકુનો પેદા કરવા માટેનું ભણતરનું મોડલ, જે આઝાદી પછીના સાત દાયકા પછી પણ આપણે બદલી શક્યા નથી.

એક અભિપ્રાય મુજબ બાળકોને ભણતરની નહિ પણ કેળવણીની જરૂર છે. ભણતરમાં ત્રણ ચીજ આવે: વાંચવું, લખવું ને ગણવું.  કેળવણીમાં પણ ત્રણ ચીજ આવે : મગજ, હ્રદય ને હાથપગ. આ ત્રણેને તાલીમ આપવી તેનું નામ કેળવણી. સાદા શબ્દોમાં કહીએ તો બાળકોને ભણતરની સાથે ગણતર (ભણતરના જ્ઞાનનો પ્રેક્ટિકલ જિંદગીમાં કઈ રીતે ઉપયોગ કરવો તે કળા) પણ શીખવાડવું જોઈએ. બહુ ભણેલા માણસો કોઈવાર વાસ્તવિક જિંદગીમાં નિષ્ફળ જાય છે, ત્યારે કહેવાય છે ને કે ભણ્યા પણ ગણ્યા નહિ ! આમ ભણતરની સાથે ગણતરની પણ તાલીમ આપવામાં આવે તો વિદ્યાર્થી પોતાની જિંદગીની લડાઈ ખુદ લડવા શક્તિમાન બને છે અને દેશનો આદર્શ નાગરિક પણ બને છે.

આજે તો ભણતર ફક્ત નોકરી મેળવવા માટેનું એક સાધન બનીને રહી ગયું છે, પરંતુ નોકરી મળ્યા પછી ભણતર જિંદગીમાં ખાસ ઉપયોગી થતું નથી. ઉપરાંત જેને પોતાનો ઉદ્યોગ કે ધંધો કરવો છે તેવા વર્ગ માટે તેમજ ઘર સંભાળવાની સાથે બાળકોનો ઉછેર કરવાની ઘણી મોટી જવાબદારી જેના પર છે તેવા વિશાળ સ્ત્રીવર્ગ માટે પણ ભણતર જિંદગીમાં કંઇ ઉપયોગી થતું નથી.

બીજી વાત એ છે કે દેશમાં હવે ભણતરનું પ્રમાણ વધતું જાય છે, પણ સાથેસાથે બેરોજગારી પણ તેટલા જ પ્રમાણમાં વધતી જાય છે. અર્થાત ભણેલા માણસને પણ નોકરી કે રોજગાર મળતો નથી. ભણતરની ખામીભરી સિસ્ટમનું આ પરિણામ છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ એક અહેવાલમાં જુદાજુદા દેશમાં કુશળ કારીગર (સ્કિલ્ડ લેબર)નું પ્રમાણ કેટલું છે તેનો સર્વે પ્રગટ થયો છે. તે મુજબ સાઉથ કોરિયામાં ૯૬%, જાપાનમાં ૮૦%, જર્મનીમાં ૭૫% અને બ્રિટનમા ૬૮% કારીગર સ્કિલ્ડ લેબર છે, જયારે આપણા દેશમાં આ પ્રમાણ ફક્ત ૨% છે. અર્થાત કુલ કારીગર વર્ગના ફક્ત ૨% સ્કિલ્ડ લેબર એટલેકે આવડતવાળા કારીગર છે જયારે બાકીના ૯૮% અનસ્કિલ્ડ લેબર એટલેકે મજૂર છે. ઉપરાંત આ સર્વે મુજબ આપણા દેશમાં ૧૫થી ૨૫ વર્ષના ફક્ત ૨% યુવાન વ્યવસાયિક શિક્ષણ મેળવે છે. મારો પોતાનો અનુભવ કહું તો બેંક મેનેજરની મારી કારકિર્દી દરમ્યાન મારે ઘણા ઉદ્યોગકારો સાથે તેમને ઉદ્યોગ ચલાવવામાં પડતી તકલીફો વિષે ચર્ચાઓ થઇ છે. જવાબમાં મોટાભાગના ઉદ્યોગકારોએ આવડતવાળા કારીગર (સ્કિલ્ડ લેબર) મળતા નથી તેને એક મુખ્ય કારણ તરીકે બતાવ્યું છે. આમ ખામીભરેલી શિક્ષણપદ્ધતિને લીધે એકબાજુ બેરોજગારોની સંખ્યા વધતી જાય છે, જયારે બીજી બાજુ ઉદ્યોગધંધા માટે આવડતવાળા કારીગર મળતા નથી.        

મારું સ્પષ્ટપણે માનવું છે કે કેળવણીના આજના મોડલમાં આમૂલ પરિવર્તન કરીને વિદ્યાર્થી પોતાની જાતને, પોતાના કુટુંબને, સમાજને અને દેશને ઉપયોગી બને તેવું વ્યવસાયિક શિક્ષણ સાથેનું કેળવણીનું મોડલ શરુ કરવામાં આવે તો બેરોજગારો અને ઉદ્યોગ ધંધા આ બંનેનો પ્રશ્ન એકસાથે હલ થઇ શકે છે. આપણા દેશમાં વસ્તી ઘણી વધારે છે, જેથી આ અપાર માનવબળને યોગ્ય કૌશલ્ય અને શ્રેષ્ઠ માળખાકીય સવલતો પૂરી પાડવામાં આવે તો દરેક વ્યક્તિની પ્રગતિ સાથે દેશની પણ ઝડપી પ્રગતિ થઇ શકે છે. તેથી વિદ્યાર્થી પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ કે ધંધો કરી શકે એવું વ્યાવસાયિક શિક્ષણ આપવાની ખાસ જરૂર છે, સાથેસાથે ભણેલી વ્યક્તિ ફક્ત ખુરશીમાં બેસીને કરવાની નોકરી (વ્હાઈટ કોલર જોબ) જ કરે તે માનસિકતા બદલાવાની પણ જરૂર છે.       

હવે મૂળ વાત પર આવીએ. બાળક છ વર્ષનું થાય એટલે તેના વાલી તેને ભણવા બેસાડવા નિશાળે લઈને આવે, પરતું મોટાભાગના વાલીઓ પોતે અભણ હોવાથી તેમને પોતાના બાળકની જન્મતારીખ યાદ ન હોય. શિક્ષક ઘણી પૂછપરછ કરે ત્યારે એવા જવાબ મળે કે પેલો મોટો દુકાળ પડ્યો હતો તેના પછીને વર્ષે જન્મ્યો હતો કે જે વર્ષે સળંગ ત્રણ દિવસ ભારે વરસાદ પડ્યો હતો એ વર્ષે જન્મ્યો હતો. આ રીતે જન્મનું વર્ષ તો નક્કી થાય, પરતું જન્મનો ચોક્કસ મહિનો કે દિવસ તો વાલી કહી જ ન શકે. છેવટે સરકારી નિયમ મુજબ જે તે વર્ષનો વચલો દિવસ એટલે કે ૧લી જુનના દિવસને જન્મતારીખ ગણવામાં આવે. આને લીધે તે વખતે નિશાળના મોટા ભાગના વિદ્યાર્થીઓનો જન્મદિવસ એક જ દિવસે એટલેકે ૧લી જુનના રોજ આવતો હતો. જોકે તે વખતે અત્યારની જેમ બાળકોના જન્મદિવસ ઉજવવાની પ્રથા ન હતી એટલે આવી વાત ખાસ કોઈના ધ્યાનમાં આવતી નહીં.

અત્યારે ધોરણ દસ અને ધોરણ બાર માં બોર્ડની પરિક્ષા હોય છે, તેમ તે જમાનામાં ધોરણ સાત પછી ‘ફાઈનલ’ તરીકે ઓળખાતી બોર્ડની પરિક્ષા લેવાતી. તે વખતે આ ‘ફાઈનલ’ પરિક્ષામાં પાસ થવું ઘણું અઘરું ગણાતું અને તેમાં પાસ થનારને ખૂબ યશ મળતો તેમજ શિક્ષક કે તલાટી જેવી નોકરી પણ તરત જ મળી જતી. જોકે આવા શિક્ષકો અનટ્રેઈન્ડ શિક્ષક તરીકે ઓળખાતા અને ઓછો પગાર મેળવતા. ટ્રેઈન્ડ શિક્ષકની પૂરા પગારની કાયમી નોકરી માટે પીટીસી (પ્રાયમરી ટીચર્સ સર્ટિફિકેટ) નામનો એક વર્ષનો કોર્સ કરવો પડતો. તે વખતે પીટીસી કોલેજ ફક્ત અમદાવાદ અને વડોદરા જેવાં મોટાં શહેરોમાં જ હતી, જેથી પીટીસીનો કોર્સ કરવો તે ઘણું ખર્ચાળ અને અગવડભર્યું હતું, પરંતુ પીટીસી પાસ શિક્ષકનો માનમરતબો પણ ઉંચો હતો.   

બાપાએ અનટ્રેઈન્ડ શિક્ષક તરીકે વર્ષ ૧૯૩૯માં નોકરી લીધી હતી અને વર્ષ ૧૯૫૨માં પીટીસી પાસ કરી હતી. તે પછી તેમની સુઈગામ, ભોરોલ અને માડકા જેવાં મોટાં ગામોની સેન્ટરશાળાઓમાં હેડમાસ્તર તરીકે નિમણુંક થઇ. માડકા મોટું ગામ હોવાથી તેમાં સેન્ટરશાળા હતી. તદુપરાંત પોસ્ટઓફીસ પણ શાળા સાથે જોડાયેલી હતી, આથી બાપા હેડમાસ્તર ઉપરાંત પોસ્ટમાસ્તર તરીકે પણ ફરજ બજાવતા, જે માટે તેમને વધારાનો પગાર મળતો.    

માડકામાં શાળાનું મકાન ગામની વચ્ચોવચ્ચ આવેલા ચોકના એક છેડે હતું, જે નિશાળ તરીકે ઓળખાતું. હેડમાસ્તરને રહેવાનું ક્વાર્ટર પણ નિશાળના મકાનની પાછળ જોડાયેલું હતું. નિશાળનું મકાન જૂની ઢબનું, ઇંટોની દીવાલવાળું અને દેશી નળિયાંના છાપરાવાળું નાનુંસરખું મકાન હતું. નિશાળમાં બે મોટા લંબચોરસ આકારના રૂમ હતા. મકાનના આગળના ભાગમાં ખુલ્લો ચોક હતો, જેનો ઉપયોગ સવારની પ્રાર્થના, સમૂહ કસરત અને રમતગમત માટે થતો. નિશાળની પાછળ અમારે રહેવાનું ક્વાર્ટર હતું, જેમાં બે રૂમ હતા. મુખ્યરૂમના બે ભાગ કરી આગળનો ભાગ બેઠકખંડ તરીકે અને પાછળનો ભાગ રસોડા તરીકે વપરાતો. બીજો રૂમ સામાન રાખવા માટે વપરાતો. ઉપરાંત થોડો ખુલ્લો ચોક હતો. એકંદરે રહેઠાણ નાનું હતું, પરંતુ જરૂર પડ્યે નિશાળના સમય બાદ નિશાળના રૂમોનો ઉપયોગ કરી શકાતો એટલે વાંધો ન આવતો.

તે જમાનામાં માળખાકીય સવલતોના અભાવે અને શિક્ષકોની પણ અછત હોવાથી એક શિક્ષકને એકથી વધુ વર્ગ એકસાથે ભણાવવા પડતા. મોટેભાગે રૂમમાં વચ્ચે ટેબલ-ખુરશી રાખીને બે ભાગ કરીને બંને તરફ વિદ્યાર્થીઓના જુદાજુદા વર્ગ બેસાડવામાં આવતા. તે સમયમાં શિક્ષકને પોતાના માટે જ ખુરશી અને ટેબલની વ્યવસ્થા માંડમાંડ થતી, તેથી વિદ્યાર્થીઓ માટે બેસવાની પાટલી (બેંચ)ની વ્યવસ્થાની તો કલ્પના જ ન કરાય ને ! અર્થાત વિદ્યાર્થીઓ જમીન ઉપર નીચે બેસીને જ ભણતા.

ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ગણવેશ (યુનિફોર્મ)ની કોઈ પ્રથા નહોતી તેમજ તેઓ દફતર (સ્કૂલબેગ), પાણીની બોટલ કે નાસ્તાના ડબ્બા એવું કશું લઈને આવતા નહોતા. વિદ્યાર્થીઓ પોતાનાં પુસ્તકો કપડાની થેલીમાં ભરીને લાવતા. પીવાના પાણીની વ્યવસ્થા નિશાળમાં રહેતી, જયારે નાસ્તા માટે વિદ્યાર્થીઓ રીસેસ દરમ્યાન પોતપોતાના ઘેર જતા. જોકે સરકારી નિશાળ હોવાથી કોઈ જાતની ફી કે અન્ય કોઈ ખર્ચ ન હતા. તેમજ ધોરણ ત્રણ સુધી તો માત્ર પાટી (સ્લેટ) અને પેન (માટીની સ્ટીક) નો જ ખર્ચ કરવો પડતો.

વાર્ષિક પરિક્ષા પણ માત્ર મૌખિક જ રહેતી. તે પછી ધોરણ ચારથી  નોટ અને પેન્સિલનો ઉપયોગ શરુ થતો. છતાં વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકો, થોડી નોટો અને કંપાસબોક્ષ કે કલર પેન્સિલ સિવાય અન્ય કોઈ ઝાઝો ખર્ચ કરવાનો રહેતો નહીં. આજની જેમ સ્વાધ્યાયપોથી, પ્રયોગપોથી, નકશાપોથી, ડ્રોઈંગબુક, ગાઈડબુક, સ્કેચપેન, કલર ટ્યુબ અને નીતનવા પ્રોજેક્ટ બનાવવા માટે જાતભાતની વસ્તુઓ અને સાધનો ઉપરાંત મોંઘાદાટ દફતર, વોટરબેગ, ટીફીનબોક્ષ કે બુટ અને મોજાં જેવા બેફામ અને બિનજરૂરી ખર્ચ તે વખતે કરવા ન પડતા. બધા નિશાળિયા (વિદ્યાર્થીઓ) પગે ચાલીનેજ નિશાળે આવતા. આમ નિશાળે જવા રિક્ષા કે વાનનો ખર્ચ નહોતો કે સાયકલ અથવા સ્કૂટરની જરૂર નહોતી. આમ તે સમયે ભણતરનો ખર્ચ સાવ નહિવત હતો.

હું ધોરણ સાત સુધી નાના ગામડાની આવી સરકારી શાળામાં કોઈ જાતની સાધનસામગ્રી કે સગવડ વગર ભણ્યો, છતાં પણ જયારે ઉચ્ચ અભ્યાસ માટે પાલનપુરની વિવિધલક્ષી વિદ્યામંદિર અને અમદાવાદની એમ જી સાયન્સ કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ગયો ત્યારે અનેક સાધનસામગ્રી અને સગવડો સાથે ભણેલા શહેરના સ્માર્ટ વિદ્યાર્થીઓને પાછળ રાખી દઈને તેમનાથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શક્યો. આમ મારા પોતાના અનુભવને આધારે કહી શકું છું કે સારું ભણવા માટે વિદ્યાર્થીને કોઈ ખાસ સગવડ કે સાધનસામગ્રીની જરૂર હોતી નથી. માત્ર થોડું દિમાગ, થોડું ધ્યાન, થોડી મહેનત અને થોડી દોરવણી (શિક્ષક અને વાલી તરફથી) આટલીજ વસ્તુઓની જરૂર હોય છે સારું ભણવા માટે.

જેમ ખાસ સગવડ કે સાધનસામગ્રી હોય તોજ સારું ભણી શકાય એવું જરૂરી નથી, તેમ જિંદગીમાં પણ ખાસ સગવડ કે સાધનસામગ્રી જેવાં કે બંગલો, ગાડી, નોકર-ચાકર, ધનદોલત વિગેરે મળી જાય એટલે સુખી થઈ જવાય તેવું જરૂરી નથી. જો માણસની રોટી, કપડાં અને મકાનની મૂળભૂત જરૂરિયાતો (જોકે અત્યારના જમાના પ્રમાણે રૂમાલી રોટી, બ્રાન્ડેડ કપડાં અને આલીશાન સેન્ટ્રલી એસી મકાન !) પૂરી થઇ જાય તો પછી જિંદગીમાં સુખી થવા માટે સંતોષ સૌથી અગત્યની ચીજ છે. પરંતુ માણસની સૌથી મોટી નબળાઈ એ છે કે જે વસ્તુ મેળવવાની ઘણી ઈચ્છા હોય, તે વસ્તુ મળ્યા પછી તેનો આનંદ તો માણે છે, પરંતુ સંતોષ માનતો નથી, જે દુઃખનું કારણ બને છે. કોઈ માણસને પોતાનું એક મકાન હોય તો ભયોભયો એવી ઇચ્છા હોય અને તેને તેવું મકાન મળે તો સંતોષ માની સુખી થયાની લાગણી અનુભવવાને બદલે તેથી મોટા મકાનની ઈચ્છા કરશે. એવું મોટું મકાન મળ્યા પછી બે મકાનની ઈચ્છા કરશે. બે મકાન મળ્યા પછી બીજા શહેરમાં પણ એક મકાન હોય તેવી ઈચ્છા કરશે. આમ ઈચ્છાઓનો અંત કોઈ દિવસ આવતો નથી અને તેને લીધે માણસ પોતાને સુખી માનતો નથી. અંતે માણસ સુખી થવા માટે અનેક પ્રકારની પૂજા, બાધા-આખડી અને હોમહવન કરે છે, જાતભાતનાં દેવ અને દેવીઓનાં દર્શન કરવા જાય છે તથા નીતનવા ગુરુ, સાધુ કે મહંતોની શરણમાં જાય છે. એમાં કોઈવાર ‘કાગનું બેસવું અને તાડનું પડવું’ એ ન્યાયે આવા કોઈ પ્રયોગ પછી ઈચ્છાપૂર્તિ થઇ જાય તો તરતજ નવી ઈચ્છા ધારણ કરી તેને પૂરી કરવા તેવા પ્રયોગ ફરીથી શરુ કરે છે. આમ માણસ એક વિષચક્રમાં ફસાઈને જિંદગી પૂરી કરે છે.           

હવે વિષયાંતર છોડીને પાછા મૂળ વિષય પર આવીએ. અમારું રહેઠાણ નિશાળની જોડેજ હોવાથી હું ફાજલ સમયમાં બીજા વર્ગોમાં ચાલતું શિક્ષણકાર્ય પણ ધ્યાનથી સાંભળતો. ઉપરાંત મારે નિશાળના અને અન્ય ગામોની શાળાઓના શિક્ષકો, નિશાળના ઇન્સ્પેકશનમાં આવતા અધિકારીઓ, પોષ્ટઓફિસના કર્મચારીઓ વિગેરે સાથે સંપર્ક રહેતો, જે મારો બૌદ્ધિક વિકાસ કરવામાં ઘણા મદદરૂપ થયો. વાંચનનો મને પહેલેથી જ ઘણો શોખ હતો. નિશાળમાં જ પુસ્તકાલય હોવાથી હું ફાજલ સમયમાં કંઈક ને કંઈક વાંચ્યા જ કરતો. નાનપણમાં બકોર પટેલ, મિયાં ફૂસકી, છકો-મકો, અડુકિયો-દડુકિયો, છેલ-છબો, સોટી અને પોઠી જેવી અનેક બાલકથાઓ; ટારઝન, જાદુગર મેન્ડ્રેક અને ફેન્ટમની ચિત્રવાર્તાઓ અને બુલબુલ, રમકડું અને ઝગમગ જેવાં મેગેઝીન ખૂબ વાંચ્યાં. થોડા મોટા થયા પછી પરી, રાજકુમાર અને રાક્ષસની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, સાહસ કથાઓ અને વિજ્ઞાન કથાઓ વાંચી અને તે પછી નવલકથાઓ અને પૌરાણિક કથાઓ વાંચી. સાતમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં હું રામાયણના ચાર ભાગ (ગ્રંથ), મહાભારતના ચાર ભાગ, શિવપુરાણ, ભાગવત, વેતાળપચીસી વિગેરે એકથી વધારે વખત વાંચી ચૂક્યો  હતો.

વાંચનનો શોખ મોટા થવા સાથે વધતો ગયો. કોલેજમાં ભણવા અમદાવાદ આવ્યા પછી વિવિધ પુસ્તકાલયોનો લાભ મળ્યો જેથી મારી વાચનભૂખ વધારે ઉઘડી અને કોલેજનું ભણવાનું પૂરું થયું ત્યાં સુધીમાં ગુજરાતના ખ્યાતનામ લેખકોનાં અનેક પુસ્તકો હું વાંચી ચૂક્યો  હતો. હાઇસ્કુલ સુધીના સમયમાં વાંચેલાં પુસ્તકોની નોંધ તો મેં રાખી નહોતી, પરતું અમદાવાદના કોલેજકાળનાં છ વર્ષ દરમ્યાનની મારી નોંધ મુજબ મારા પ્રિય લેખકો ગુણવંતરાય આચાર્યનાં ૭૦થી વધારે પુસ્તકો, કનૈયાલાલ મુનશીનાં ૧૮, ર.વ. દેસાઈનાં ૩૪, ધૂમકેતુનાં ૩૩, ચુનીલાલ મડિયાનાં ૧૪, પન્નાલાલ પટેલનાં ૨૧, ઈશ્વર પેટલીકરનાં ૧૭, અને ઝવેરચંદ મેઘાણીનાં ૯ પુસ્તકો સાથે મેં લગભગ ૫૦૦થી વધારે નાનાંમોટાં પુસ્તકો વાંચ્યાં હશે. મુનશીનું ‘ગુજરાતનો નાથ’ તો કદાચ ૫ થી ૬ વખત વાંચ્યું હશે. ગાંધીજીનું ‘સત્યના પ્રયોગો’ પણ અનેક વાર વાંચ્યું.  શરદબાબુ, રવીન્દ્રનાથ ટાગોર અને વિ સ ખાંડેકરનાં પુસ્તકોના  ગુજરાતી અનુવાદ પણ વાંચ્યા અને ફ્રેંચ લેખકો વિક્ટર હ્યુગોનું લા મિઝરેબલ અને એલેકઝાન્ડર ડુમાનાં થ્રી મસ્કેટીયર્સ અને કાઉન્ટ ઓફ મોન્ટેકાર્લો, અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સનું એ ટેઈલ ઓફ ટુ સીટીઝ, સ્પેનિશ લેખક સર્વેન્ટીસનું ડોન કિહોટે વિગેરેના ગુજરાતી અનુવાદ પણ વાંચ્યા. ગુજરાતી ન હોવા છતાં ગુજરાતીમાં લખતા ફાધર વાલેસ અને કાકાસાહેબ કાલેલકરને પણ વાંચ્યા. હાસ્ય લેખકોમાં જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ અને ચીનુભાઈ પટવાને વાંચ્યા અને નવી પેઢીના લેખકોમાં મોહમ્મદ માંકડ, ચંદ્રકાંત બક્ષી, વર્ષા અડાલજા, રસિક ઝવેરી, વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ વિગરેને વાંચ્યા.

કોલેજની લાયબ્રેરી ઉપરાંત યુનિવર્સીટીની લાયબ્રેરી અને અમદાવાદની ખ્યાતનામ એમ જે લાયબ્રેરીનો હું નિયમિત મુલાકાતી હતો. આ બધી લાયબ્રેરીઓમાં જઈને અખંડઆનંદ, નવચેતન, કુમાર, સંસ્કૃતિ, મિલાપ, નવનીત જેવાં મેગેઝીન હું નિયમિત વાંચું. કોલેજમાં એસ વાય બીએસસીના વર્ષથી અંગ્રેજી મિડીયમમાં ભણવાનું શરુ થયું તે પછી રીડર્સ ડાયજેસ્ટ, ખુશવંતસિંહનું ઈલ્લેસ્ટ્રેટેડ વીકલી, ટાઇમ, નેશનલ જ્યોગ્રાફિક જેવાં મેગેઝીન પણ હું વાંચવા લાગ્યો. બહોળા વાંચનથી મારી વિચારશક્તિનો વિકાસ થયો અને બુદ્ધિઆંક (આઈ. ક્યુ.) વધ્યો, જે મને ભવિષ્યની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળતા મેળવવામાં મદદરૂપ થયા. તદુપરાંત મને દરેક વિષયની સારી તથા નરસી બાજુ ચકાસવાની તેમજ ધર્મ અને સમાજના રૂઢિગત રિવાજો અને બંધનો ઉપર ટિકાત્મક પરિક્ષણ (ક્રીટીકલ એસેસમેન્ટ) કરીને પોતાનો સ્પષ્ટ અભિપ્રાય નક્કી કરવાની ટેવ પડી.  

વાંચનના શોખને લીધે મને કાવ્ય અને વાર્તાઓ પ્રત્યે ઘણી રૂચી હતી. ડીસેમ્બર ૧૯૬૪માં જયારે હું સાતમા ધોરણમાં હતો, ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું. કોલેજકાળ દરમ્યાન પણ કાવ્ય અને વાર્તાઓ લખેલ. ઉપરાંત ચિત્રકામના શોખને લીધે ઘણાં ચિત્રો પણ દોર્યાં હતાં અને પૂઠાકામની પણ અનેક ચીજો બનાવેલ. પરંતુ વાવના ઘરમાં ઉધઈનો ઉપદ્રવ થવાથી આ બધું જ સાહિત્ય નાશ પામ્યું અને અત્યારે તેમાંથી કંઈ પણ સચવાયું નથી.

દરેક સિક્કાને બે બાજુ હોય છે, તે ન્યાયે વાંચવાના શોખના અતિરેકથી બાળપણમાં મારી પ્રકૃતિ આળસુ થઇ ગઈ હતી. એક તો માતાપિતાને ત્રણ સંતાનો શિશુવયમાં ગુજરી ગયા પછી મારો જન્મ થયેલો, તેથી માતાપિતાએ ખૂબ લાડકોડથી ઉછેર કર્યો હતો. માંદા ના પડાય કે રમવામાં કે દોડવામાં પડી ન જવાય કે વાગી ન જાય તેની સતત સાવચેતી રાખવામાં મારું રમવાનું અને દોડવાનું જ બંધ થઇ ગયું. એક તો ઘી-દૂધવાળો સારો ખોરાક ઉપરાંત શારીરિક શ્રમનો અભાવ અને વાંચનનો અત્યંત શોખ, આ બધાને પરિણામે નાનપણમાં મારું  શરીર જાડું થઇ ગયું, જેથી મારા બાલમિત્રો મને જાડિયો કહીને ચીડવતા. માતાપિતાના સાવચેતીભર્યા ઉછેરને લીધે મને ઝાડ ઉપર ચડવાની, તળાવમાં ભૂસકા મારવાની કે તરવાની, અથવા ખેતરોમાં કે વગડામાં રખડવા જવાની છૂટ ન હતી. આમ ગામડામાં બાળપણ વિતાવ્યું છતાં ગામડાનાં બાળકોને સુલભ હોય તેવાં શારીરિક કૌશલ્યો હું મેળવી ન શક્યો. આ ખામીઓનો વસવસો મને મોટા થયા પછી ઘણી વખત રહ્યો.

મારી શારીરિક દુર્બળતાનો માતાપિતાને જયારે ખ્યાલ આવ્યો ત્યારે તેમણે મને વાંચન ઓછું કરીને પરાણે રમવા જવાની ફરજ પણ પાડી. પરંતુ મારું શરીર જાડું થઇ ગયું હોવાથી મને શારીરિક શ્રમ પડે તેવી રમતો ગમતી નહીં, તેથી હું બેઠાંબેઠાં રમાય તેવી રમતોમાં જ ભાગ લેતો. ના છુટકે કબડ્ડી કે ખોખો જેવી રમતોમાં ભાગ લેવો પડે ત્યારે હું એમ્પાયર બની જતો, જેથી ઝાઝો શ્રમ લેવો ન પડે. આમ બાળપણમાં મારૂ શરીર નબળું જ રહ્યું, જોકે તેનો અહેસાસ તે વખતે મને ન હતો. પરંતુ ધોરણ ૧૧માં મારે વતન છોડીને પાલનપુર ખાતે છાત્રાલયમાં રહેવા જવાનું થયું, ત્યારે બધા સહછાત્રોને જોઇને મને મારી શારીરિક નિર્બળતાનું ભાન થયું. તે પછી મેં કસરત કરવાનું ચાલુ કર્યું. તદુપરાંત છાત્રાલયની કઠીન જીવનશૈલી અને માનસિક જાગૃતિથી એક-બે વર્ષમાં જ મારા શરીરના બાંધામાં ઘણો સુધારો થયો. આમ છતાં ખડતલ શરીર બની ન શક્યું તેનો વસવસો મને ઘણાં વર્ષ રહ્યો.

માણસને પોતાની પાસે જે કંઈ છે તેનાથી સંતોષ નથી હોતો અને જે નથી હોતું તેની જ ઈચ્છા રહેતી હોય છે. માણસની લાલસા સમજાવતું એક સરસ કાર્ટુન જોયું હતું. પહેલા ચિત્રમાં પગે ચાલીને જતો એક માણસ પોતાની પાસે સાયકલ હોય તો કેવું સારું એમ વિચારતો હતો. બીજા ચિત્રમાં તે માણસ સાયકલ ચલાવતો હતો અને પોતાની પાસે સ્કૂટર હોય તો કેવું સારું એમ વિચારતો હતો. ત્રીજા ચિત્રમાં તે માણસ સ્કૂટર ચલાવતો હતો અને પોતાની પાસે ગાડી હોય તો કેવું સારું એમ વિચારતો હતો. પછીના ચિત્રમાં તે માણસને સ્કૂટર ચલાવતાં અક્સ્માત થાય છે. છેલ્લા ચિત્રમાં તે માણસ એક કપાયેલા પગ સાથે બગલઘોડીથી ચાલતો હોય છે અને પોતે પોતાના પગે ચાલીને જઈ શકતો હોત તો કેવું સારું એમ વિચારતો હતો.

મારા કિસ્સામાં પણ કંઇક આવુંજ થયું હતું. હું ભણવામાં હોશિયાર હતો અને ગણિત મારો પ્રિય વિષય હોવાથી પરિક્ષાઓમાં ઉચ્ચ પરિણામ લાવતો. તદુપરાંત બહોળા વાંચન અને ઉંચો બુદ્ધિઆંક હોવાથી સારી કારકિર્દી બનાવવાની ક્ષમતા તો હતી જ. પરંતુ ખડતલ શરીર ન હોવાથી રમતગમત ક્ષેત્રે આગળ વધી ન શકવાનો અફસોસ હતો. તેથી એકવાર મિત્રો સાથે ‘તમને શું થવું ગમે’ એની ચર્ચામાં કોઈએ પાઈલોટ બનવાની તો કોઈએ કલેકટર બનવાની વાત કરી, ત્યારે મેં મોટા પહેલવાન બનવાની ઈચ્છા પ્રગટ કરેલી!

પંચામૃત :
જયારે આપણે પોતાની જાત માટે બીજા પાસે નિખાલસ અભિપ્રાય માગતા હોઈએ છીએ, ત્યારે ખરેખર તો આપણને આપણાં વખાણ સાંભળવાં હોય છે.
                  -ફ્રેંચ લેખક વિલિયમ સમરસેટ 
Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s