પ્રસ્તાવના

 
1934-4x6-1

વર્ષ ૨૦૧૦ના ઓકટોબર મહિનાની ૪થી તારીખ. સવારે ઘરમાંથી ચોકમાં જવાનું પગથીયું ઉતરતાં પગ લપસ્યો અને હાડકાંના ડોક્ટરે ડાબે પગે મસમોટો પાટો બાંધીને કહી દીધું કે માઈનોર ફ્રેકચર છે, જેથી એક મહિનો જમીન ઉપર પગ મૂકવો નહીં. અર્થાત એક મહિનો ઓફીસ જવું નહીં. હવે બેંક અધિકારીની એકદમ વ્યસ્ત અને સમર્પિત જિંદગીમાં ખાસ પ્રસંગ કે પ્રવાસ સિવાય આટલી લાંબી રજા ક્યારેય લીધેલ નહીં, તેથી મોટો પ્રશ્ન એ થયો કે એક મહિના સુધી ઘેર બેસીને કરવું શું.

મને અવારનવાર બાળપણના સમયની પ્રવૃત્તિઓ, લોકજીવન, અવનવા પ્રસંગો વિગેરેની યાદ આવ્યા કરતી અને મારાં પત્ની સાથે તેની ચર્ચાઓ થયા કરતી. આ સંદર્ભમાં તેમણે સૂચન કર્યુંકે તમારી બાળપણની સ્મૃતિઓને લખાણનું સ્વરૂપ આપી દો, જેથી ફાજલ સમયની તક મળી છે તેનો સદુપયોગ થશે. બસ, આમ શરુ થયું મગજની હાર્ડડીસ્કમાં ખૂણેખાંચરે સંઘરાયેલા ડેટાને કાગળ પર ઉતારવાનું. મનમાં ધરબાયેલી બાળપણની સ્મૃતિઓ જેમ યાદ આવતી ગઈ તેમ લખતો ગયો. આમ નવરા બેસી રહેવાનો પ્રશ્ન હલ થયો અને બાળપણનાં સંભારણાં (તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માંવાળા ભીડે માસ્તરના શબ્દોમાં “અમારા જમાનાની વાતો”) મિત્રો સાથે વહેંચીને તાજી કરીશું એમ વિચાર્યું.

તે મુજબ મારા લખાણની હસ્તપ્રત કેટલાક મિત્રોને વાંચવા માટે આપી. આ મિત્રોને મારું લખાણ રસપ્રદ લાગ્યું અને તેઓએ આ લખાણને પુસ્તકરૂપ આપવા સુચન કર્યું. પરંતુ ફરીથી વ્યસ્ત બનેલી જિંદગીમાં હસ્તપ્રતને મઠારીને પુસ્તકરૂપ આપવાનો યોગ જલ્દી આવ્યો નહીં. કદાચ કુદરતને ફરીથી પગનું ફ્રેકચર કરાવવાનું પસંદ નહીં હોય! છેવટે બેંકમાંથી નિવૃત્ત થયા પછી હવે આ અધૂરું કાર્ય પૂરું થયું અને તેના ફળસ્વરૂપ આ  પુસ્તિકા રજૂ કરૂ છું.

હું કોઈ લેખક હોવાનો દાવો કરતો નથી કે આ પુસ્તિકા મારી આત્મકથા છે તેવું પણ કહેતો નથી. આમ પણ આત્મકથા લખવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. આત્મકથા લખવાના સંદર્ભમાં અબ્રાહમ કાઉલીનું એક સરસ અવતરણ યાદ આવે છે.

“ પોતે પોતાના વિશે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે, કારણકે પોતાના વિશે કશુંક ખરાબ લખતાં પોતાને ખટકે અને સારું કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે !”

આમ આ પુસ્તિકા મારી આત્મકથા નથી. મેં તો ફક્ત મારા બાળપણના સમયના ગામડાનાં લોકજીવન અને સંસ્કૃતિને લગતું વાસ્તવિક ચિત્ર, મારા મનમાં જેવું ધરબાયેલું હતું તેનું તેવું નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો વાંચકોને આ પુસ્તિકામાં રસ પડશે અને વાંચવાલાયક ગણશે તો મારો પ્રયત્ન સફળ ગણીશ. વાંચકોને મારા લખાણમાં માહિતીદોષ, ઉણપ કે અન્ય કોઈ ક્ષતિ જણાય તો ક્ષમ્ય ગણવા અને મને પત્ર અથવા ઈ મેલ દ્વારા જાણ કરવા વિનંતી છે. ઉપરાંત આપના સારા અને નરસા બન્ને પ્રકારના પ્રતિભાવો મને જણાવશો તો હું બહુ જ આભારી થઈશ (email id : sctwav@gmail.com). આ પુસ્તિકા તથા મારાં અન્ય લખાણો મારા બ્લોગ (www.dadajinivato.wordpress.com) ઉપર ઉપલબ્ધ છે, જેના પર પણ આપના પ્રતિભાવો મોકલી શકાશે.

આ પુસ્તિકાના લખાણથી પ્રકાશન સુધીના ભગીરથ કાર્યમાં દરેક તબક્કે મને સલાહ-સુચન, સાથ-સહકાર તેમ જ પ્રોત્સાહન આપવા માટે મારાં પત્ની કપિલાબેન ત્રિવેદી તથા મિત્રો શ્રી ભરતભાઈ ત્રિવેદી, શ્રી રમેશભાઈ ત્રિવેદી, શ્રી પ્રભુદાન ગઢવી તથા અન્ય સર્વે મિત્રોનો હું ઋણસ્વીકાર કરું છું.

– સુરેશ ત્રિવેદી

ઉત્તરાયણ, સંવત ૨૦૭૧, તા. ૧૪-૦૧-૨૦૧૫

૨૧, ત્રિશલા રેસીડેન્સી, સોલા સિવિલ સામે, એસ જી હાઇવે,

ઘાટલોડિયા, અમદાવાદ ૩૮૦ ૦૬૧

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s