(૪) મકાનોની બાંધણી

ગામના મકાનોનું અત્યારનું એક દ્રશ્ય
ગામના મકાનોનું અત્યારનું એક દ્રશ્ય

જે સમયની હું વાત કરી રહ્યો છું, તે વખતે ગામડામાં સિમેન્ટ કોંક્રીટનાં પાકાં મકાનો બનતાં નહીં, કારણકે તે વખતે સિમેન્ટ મોંઘી વસ્તુ ગણાતી અને સહેલાઇથી મળતી પણ નહીં. વળી મોટાભાગનાં ગામોને પાકી સડક ન હતી, જેથી કરીને માલ અને માણસની આવનજાવન સરળ ન હતી. ઉપરાંત સિમેન્ટ કોંક્રીટનાં મકાનો બનાવે એવા કારીગર પણ ઉપલબ્ધ ન હતા. આથી ગામનાં મોટાભાગનાં મકાનો કાચાં મકાનો હતાં, જેની દીવાલો એક જાતની ચીકણી કાળી માટીમાંથી બનાવવામાં આવતી. તળાવ જેવી જગ્યાએથી આવી માટી લાવીને પાણી સાથે સારી રીતે ગૂંદીને લગભગ એક ઘનફૂટ જેટલો માટીનો લોંદો બનાવીને દીવાલની જગ્યાએ મુકવામાં આવતો. આવી રીતે ઉપરાપર માટીના લોંદા ગોઠવીને દીવાલનું ચણતર કરવામાં આવતું જે સુકાઈ ગયા પછી મજબૂત બની જતું.

સમયની સાથે આવી માટીમાંથી કાચી ઈંટ (ગરમીથી પકાવ્યા વગરની) બનાવી તેનાથી દીવાલો બનાવવાનું શરુ થયું, જે ગામનો કુંભાર જ બનાવી લેતો. આવી દીવાલો બની જાય પછી તેની ઉપર ગાર (છાણનું લીંપણ) કરવામાં આવતી, જેથી વરસાદમાં દીવાલોની માટી ધોવાઇ ન જાય. મકાન બનાવવાનો આવો કાચો માલ (માટી અને છાણ) ગામમાંથી જ વગર ખર્ચે મળી જતો. વળી ખેડૂતવર્ગ તો આવા મકાન જાતે જ બનાવી શકતો, જેથી મજૂરીનો ખર્ચ પણ ન લાગતો. ઉપરાંત છાણમાં માટી ભેળવીને સ્ત્રીઓ હાથેથી જ દીવાલોને લીંપણ કરતી, જેથી દીવાલો પર લહેરિયાની કલાત્મક છાપ ઉપસતી.

માટી ઉષ્ણતા પ્રતિરોધક હોવાથી બહુ ગરમ કે બહુ ઠંડી થતી નથી. ઉપરાંત કાચાં મકાનોની દીવાલોની જાડાઈ દોઢ થી બે ફૂટ જેટલી રાખવામાં આવતી, જેથી મજબૂતાઈ વધતી અને ઠંડી-ગરમી સામે ઘણું રક્ષણ મળતું. અત્યારે મકાનોની દીવાલો ઈંટ તથા સિમેન્ટ કોંક્રીટમાંથી બને છે જે જલ્દીથી ગરમ કે ઠંડી થાય છે. ઉપરાંત દીવાલો માત્ર ૯ ઈંચ જાડાઈની જ બનાવવામાં આવે છે, જેથી ઘરને વાતાવરણ સામે યોગ્ય રક્ષણ પૂરું પાડી શકતી નથી. આથી શિયાળામાં ઘર જલ્દી ઠરી જાય છે અને ઉનાળામાં જલ્દી ગરમ થઇ જાય છે. આમ કાચાં મકાનો ગામમાંથી મળતા માલસામાન અને મજૂરીથી બનતાં હોવાથી સહેલાઇથી બનતાં, કિમતમાં સસ્તાં હતાં છતાં વાતાવરણ સામે ઘણું રક્ષણ પૂરું પાડતાં. જોકે સમયની સાથે લોકો પાકાં મકાનો બાંધવા તરફ વળ્યા, કારણકે કાચાં મકાનોની મજબૂતી પ્રમાણમાં ઓછી હતી, વળી ઉપર બીજો માળ બનાવવો શક્ય હતો નહીં તથા દર બે કે ત્રણ વર્ષે દીવાલો પર છાણનું લીંપણ ફરીથી કરવું પડતું, એટલે મેન્ટેનન્સ વધારે હતું.  

આ પછીના શરૂઆતના તબક્કામાં અર્ધપાકાં મકાનો બનવા લાગ્યાં, જેમાં પાકી ઈંટ (માટીની ઈંટને તપાવીને બનતી લાલ રંગની ઈંટ) સાથે રેફડી તરીકે ઓળખાતી માટીનો બંધક તરીકે ઉપયોગ કરીને દીવાલો બનાવવામાં આવતી અને તેની ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર કરવામાં આવતું. તે વખતે સિમેન્ટ મોંઘી વસ્તુ ગણાતી અને સહેલાઇથી મળતી નહીં, તેથી ચણતરકામમાં સિમેન્ટનો ઉપયોગ ન કરીને ફક્ત પ્લાસ્ટર પુરતું સિમેન્ટ વપરાતી. દીવાલોની જાડાઈ ૧૪ ઇંચ રખાતી, જેથી મજબૂતાઈ વધે અને વાતાવરણ સામે પણ વધારે રક્ષણ મળે.

તે વખતનાં મકાનોની ડિઝાઈન વિષે વાત કરું તો સામાન્ય રીતે દરેક ઘરમાં બે ઓરડા (બે ઢાળવાળા બંધ રૂમ) હોય; તે બંને ઓરડાની આગળ સળંગ ઓશરી (એક ઢાળનો એક બાજુ ખુલ્લો રૂમ) હોય, જેના એક ભાગમાં રસોડું તથા પાણિયારું હોય અને ઓશરીની આગળ આંગણું (ઉપરથી ખુલ્લો પણ ભોંયતળિયું બાંધેલો ચોક) હોય. આંગણા પછી ખુલ્લો ચોક હોય, જેમાં એકાદ ઢાળિયું (એક ઢાળવાળો એક બાજુ ખુલ્લો રૂમ) પણ હોય. સૌથી આગળ માઢ (બે ઢાળના છાપરાવાળો પણ એક બાજુ ખુલ્લો રૂમ) તરીકે ઓળખાતો રૂમ હોય. માઢ પુરુષોના બેઠકખંડ તરીકે વપરાતો. તે જમાનામાં સ્ત્રીઓમાં લાજ કાઢવાનો કુરિવાજ ઘણો પ્રચલીત હતો, જેથી ઘર સિવાયના વડીલ પુરુષો માઢથી અંદર ઘરમાં પ્રવેશતા નહી. કોઈ મકાનમાં માઢ ન હોય તો સીધો મુખ્ય દરવાજો આવે જે ડેલી કે ખડકી તરીકે ઓળખાતો. ગામનાં મોટાભાગનાં ઘર આવી જ રચનાવાળાં હતાં.

મોટાં મકાનોમાં વાડો તરીકે ઓળખાતો ખુલ્લો ચોક પણ રહેતો, જે ગાય, બળદ, ભેંશ, બકરી જેવાં પશુઓ રાખવા તથા ખેતપેદાશો અને બળતણનાં લાકડાં વિગેરે રાખવાની જગ્યા તરીકે વપરાતો.

બે ઢાળવાળા ઓરડાની બનાવટ વિષે વિગતથી વાત કરું તો બંને બાજુ તરફ ઉપરના ભાગમાં ત્રિકોણ આકારની દીવાલ બને જેને ‘કરો’ કહેવાય અને પાછળની લંબચોરસ દીવાલને ‘પછીત’ કહેવાય. છાપરા માટે ‘કરા’ના ત્રિકોણાકાર ભાગની ટોચે લાકડાનું સૌથી મજબૂત થડિયું ગોઠવાય જે ‘મોભ’ તરીકે ઓળખાય. મોભ મકાનનો સૌથી ઉંચો અને છાપરાનો સૌથી મજબૂત ભાગ હોવાથી કુટુંબની મુખ્ય વ્યક્તિ માટે ‘મોભી’ શબ્દ આવ્યો છે. મોભને સમાંતર બીજાં ‘નાટ’ તરીકે ઓળખાતાં થડિયાં ગોઠવાય. તેના ઉપર ૧ થી ૨ ઈંચની જાડાઈવાળી લાકડાની વળીઓ ખીલીઓથી ચોડી તેના ઉપર લાકડાની પાતળી સોટીઓ પાથરીને દોરીથી બાંધવામાં આવે. આ સોટીઓ ઉપર દેશી નળિયાં ગોઠવીને છાપરું તૈયાર થાય. 

તે સમયે મકાનોનાં છાપરાં દેશી નળિયાંનાં જ બનાવતા. દેશી નળિયાં માટીમાંથી બનતાં હોવાથી ગરમી-ઠંડી સામે રક્ષણ પૂરું પાડતાં. ઉપરાંત તેની ગોઠવણી એવી રીતે થતી કે વરસાદનું પાણી ઘરમાં ન આવે પરંતુ હવાની અવરજવર થઇ શકે. આથી ઘરની અંદરની ગરમ હવા બહાર નીકળી જતી અને ઘર અંદરથી ઠંડુ રહેતું. વળી આ નળિયાં ગામનો કુંભાર જ બનાવતો, જેથી કિમતમાં સસ્તાં પડતાં અને ગામના કારીગરોને રોજી પણ મળી રહેતી. સમય જતાં વિલાયતી નળિયાં તરીકે ઓળખાતાં કારખાનામાં બનેલાં નળિયાં વપરાશમાં આવ્યાં, જેમાં પણ સ્થાનિક કારીગરને રોજી મળવા સિવાયના દેશી નળિયાંના અન્ય ફાયદા તો હતા જ.

પણ દેશી નળિયાંના છાપરામાં મુખ્ય તકલીફ એ હતી કે ગામડામાં વાંદરાઓ અવારનવાર આવી ચડતા અને છાપરાં ઉપર કૂદાકૂદ કરીને નળિયાં તોડી નાખતા. ઉપરાંત ભારે પવનથી કે અન્ય કોઈ કારણસર નળિયાં ખસી જાય તો તેવી જગ્યાએથી વરસાદનું પાણી ઘરમાં આવતું, જેને ‘ચૂવા પડવા’ એમ કહેવાતું. આથી દર વર્ષે નળિયાં નવેસરથી ગોઠવવાં પડતાં, જેને ‘નળિયાં ચાળવાં’ એમ કહેવાતું. આમ નળિયાંના છાપરામાં મેન્ટેનન્સ વધારે રહેતું.   

આ રીતે બનતાં મકાનોમાં ઈંટ, રેફડી, છાપરા માટેનું લાકડું, નળિયાં વિગેરે (સિમેન્ટ સિવાયની બધી જ વસ્તુઓ) ગામમાંથી કે આસપાસના વિસ્તારમાંથી જ મળી રહેતી, જેથી મકાન બનાવવાનો ખર્ચ ઘણો ન આવતો અને કડિયા, સુથાર અને કુંભાર જેવાં સ્થાનિક કારીગરોને રોજી મળી રહેતી.

પરંતુ સમયની સાથે મકાનોના છાપરામાં અન્ય વિકલ્પો આવ્યા. પહેલાં ગેલ્વેનાઇઝડ પતરાં આવ્યાં, જે વાંદરાઓના ત્રાસ સામે મજબૂત અને મેન્ટેનન્સથી પણ મુક્ત હતાં, પરંતુ લોખંડ ઉષ્ણતાનું સુવાહક હોવાથી ઉનાળામાં જલ્દીથી ગરમ થઇ જતાં અને શિયાળામાં જલ્દીથી ઠંડાં થઇ જતાં. ઉપરાંત નળિયાંના છાપરા જેવી હવાની અવરજવર શક્ય ન હતી. આથી ઘરને વાતાવરણ સામે રક્ષણ આપવાને બદલે વધારે પ્રતિકૂળ બનતાં. વળી એ જમાનામાં વીજળી હજુ આવી ન હતી, જેથી પંખા કે કુલર જેવાં ગરમી સામે રક્ષણ આપે તેવાં ઉપકરણો હતાં નહી. આથી ગેલ્વેનાઇઝડ પતરાંનાં છાપરાં ખાસ લોકપ્રિય ન થયાં. તે પછી એસ્બેસ્ટોસનાં પતરાં આવ્યાં જે ગરમી-ઠંડી સામે રક્ષણ આપતાં હોવાથી વધારે ઉપયોગી નીવડયાં.

છેવટે વર્ષો પછી સિમેન્ટ સહેલાઇથી ઉપલબ્ધ થવા લાગ્યો, ત્યારથી કોંક્રીટનાં ધાબા બનવા લાગ્યાં, જે અન્ય વિકલ્પો કરતાં ઘણાં ટકાઉ અને મજબૂત તથા મેન્ટેનન્સથી મુક્ત હતાં. ઉપરાંત આવાં ધાબાં ગેલ્વેનાઇઝડ પતરાં જેટલાં ગરમ ન થતાં હોવાથી અને ધાબા ઉપર બીજો માળ બનાવી શકાતો હોવાથી જલ્દીથી લોકપ્રિય બન્યાં. અલબત્ત કોંક્રીટનાં ધાબા નળિયાંના છાપરા જેવું વાતાવરણ સામે રક્ષણ આપી શકતાં નથી અને અન્ય તમામ વિકલ્પો કરતાં વધારે ખર્ચાળ છે. પરંતુ હવે પંખા અને કુલર જેવાં ઉપકરણો દરેક ગામમાં આવી ગયાં છે જેથી ગરમી સામે રક્ષણ મેળવી શકાય છે. ઉપરાંત લોકોની આવક અને ખરીદશક્તિ પણ વધી છે, જેથી કોંક્રીટનાં ધાબાનો ઉપયોગ એકમાત્ર વિકલ્પ તરીકે થવા લાગ્યો છે.

મકાનોના ભોંયતળિયાની વાત કરીએ તો તે વખતે છાણ અને માટીના મિશ્રણમાંથી ભોંયતળિયું બનાવવામાં આવતું. ગામમાં ઢોરઢાંખર ઘણાં હોવાથી છાણ જોઈતા પ્રમાણમાં મળી રહેતું. તેમાં માટી ભેળવીને જમીન પર એકસરખું પાથરીને તેના પર હળવેથી પગ દબાવવાથી તે જમીન સાથે ચોંટી જતું અને સૂકાયા પછી એક મજબૂત પડ બની જતું. આ પ્રક્રિયાને ‘ભગરોળા કરવા’ એમ કહેવાય. આ રીતે બનાવેલું ભોંયતળિયું શિયાળામાં વધુ ઠંડુ ન થાય અને ઉનાળામાં વધુ ગરમ ન થાય. ઉપરાંત કિમતમાં લગભગ મફતમાં જ તૈયાર થાય, ફક્ત છાણ અને માટી એકઠું કરવાનો અને ભગરોળા કરવાનો શ્રમ કરવો પડે. જોકે આવું ભોંયતળિયું જલ્દીથી ઘસાઈ જતું હોવાથી બે કે ત્રણ વર્ષે ફરીથી બનાવવું પડે. જેથી મેન્ટેનન્સની માથાકૂટથી કંટાળીને અને સમયની સાથે નવા સારા વિકલ્પો મળતાં લોકો સિમેન્ટ પ્લાસ્ટર, મોઝેક ટાઈલ્સ અને કોટાસ્ટોનનાં ભોંયતળિયાં બનાવવા તરફ વળ્યા.

ગામના ગરીબવર્ગને તો ઉપર વર્ણન કર્યું છે તેવાં સસ્તાં મકાન પણ પોસાય તેમ ન હતાં, જેથી તેઓ ઝૂંપડું બાંધીને રહેતાં. ઝૂંપડું બનાવવા માટીની વર્તુળાકાર દીવાલ બનાવીને તેના પર લાકડાની વળીઓ અને ઘાસનું બનેલું છાપરું લગાવવામાં આવતું. દરવાજા તરીકે લાકડું તથા ઘાસનો બનાવેલો ઝાંપો લગાવતો. આવાં ઝૂંપડાં બનાવવાનો બધો માલસામાન, એટલેકે માટી, લાકડું, ઘાસ વિગેરે વગડામાંથી જોઈએ તેટલાં મળી રહે છે, જેથી જાતમહેનત કરે તો કંઈપણ ખર્ચ વગર આવાં ઝૂંપડાં બનાવી શકાય છે. તદુપરાંત તે પર્યાવરણમિત્ર (ઈકોફ્રેન્ડલી) છે અને વિષમ વાતાવરણ સામે સારુંએવું રક્ષણ પૂરું પાડી શકે છે. થોડાંઅંશે આ ઝૂંપડાંની રચના કચ્છના પ્રખ્યાત ‘ભૂંગા’ને મળતી આવે છે.

છેલ્લાં થોડાં વર્ષોથી તમે લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે હવે ગરમી ઘણી પડે છે; ગરમી દર વર્ષે વધતી જાય છે; આપણા ગુજરાતમાં તો ૧૨ માંથી ૧૦ મહિના ઉનાળાની ઋતુ ચાલતી હોય તેવું લાગે છે વિગેરે વિગેરે. વૈજ્ઞાનિકો આને ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવે છે, જે માનવી દ્વારા કરાયેલા પર્યાવરણના ઘોર વિનાશનું પરિણામ છે. મને લાગે છે કે હવે આપણને ગરમી વધારે લાગે છે તે માટે ગ્લોબલ વોર્મિંગ ઉપરાંત આપણી જીવનશૈલીમાં થયેલ બદલાવ, જે આપણને કુદરતથી દૂર  લઇ ગયેલ છે તે પણ કારણભૂત છે.

એક તો માટીની જાડી દીવાલો, છાણનું ભોંયતળિયું અને નળિયાંના છાપરામાં બનતાં પરંપરાગત મકાનોમાં ગરમી સામે જે રક્ષણ મળતું, તે સિમેન્ટ-કોંક્રીટનાં આધુનિક મકાનોમાં મળતું નથી. પરંપરાગત મકાનોમાં પંખા વગર લોકો આરામથી રહી શકતા હતા, જયારે આજનાં આધુનિક મકાનોમાં પંખા સાથે પણ ગરમીથી ત્રાસી જાય છે. આથી કુલર અને એસી નો ઉપયોગ વધ્યો છે, જે વીજળીના વધુ વપરાશમાં પરિણમ્યો છે. વધુ વીજળી ઉત્પાદન કરવા માટે પાછો પર્યાવરણનો ભોગ લેવાય છે. આમ એક વિષચક્ર ચાલે છે. ઉપરાંત એસી મશીન રૂમની અંદર ઠંડક પહોંચાડે છે, પણ બહાર તો ગરમી જ ફેંકે છે. એટલે ઘર, ઓફીસ કે વાહનમાં એસીનો જેટલો વપરાશ વધે, તેટલી વધુ ગરમી તેમના દ્વારા વાતાવરણમાં ફેંકાય. આ પ્રમાણે અન્ય દરેક યંત્ર, મશીન કે વાહન ચાલુ હોય ત્યારે તે ગરમ થાય છે અને તે ગરમી વાતાવરણમાં ભળે છે. આથી ભારે યંત્રો ચાલતાં હોય તેવા અને ઘણાં વાહનો ચાલતાં હોય તેવા વિસ્તારો વધારે ગરમ થાય છે.     

બીજું વિકાસના નામે ડામરના રસ્તા બનાવવા આપણે વૃક્ષોનું નિકંદન કાઢયું છે, જેથી વૃક્ષોથી મળતી ઠંડક ગુમાવી છે અને પાકા રસ્તા જલ્દી ગરમ થઇ આપણને વધારે તપાવે છે. પાકા રસ્તાઓને લીધે વરસાદી પાણી જમીનમાં ઉતરી શકતું નથી, જેથી ભૂતળનાં પાણી ઊંડાં જાય છે. ઉપરાંત વરસાદી પાણીના વહેણનો ખ્યાલ રાખ્યા સિવાય આડેધડ બનાવેલા પાકા રસ્તાઓને લીધે કુદરતી તળાવોમાં વરસાદી પાણી આવતું રોકાઈ જાય છે, જેથી કેટલાંય તળાવો સુકાઈ ગયાં છે. બચી ગયેલાં તળાવોને આપણે મકાનો બનાવવા માટે પૂરી દીધાં છે. આમ તળાવોને લીધે મળતી ઠંડક આપણે ગુમાવી છે.

અંતમાં, આધુનિકતાને નામે આપણે બહુમાળી મકાનો અપનાવ્યાં છે, પરંતુ આવાં મકાનો બનાવવામાં કુદરતી હવાઉજાશના નિયમો ધ્યાનમાં લેવામાં આવતા નથી. આપણા દેશમાં ઉનાળામાં નૈઋત્ય (સાઉથ વેસ્ટ) દિશા તરફથી પવન આવે છે અને શિયાળામાં ઇશાન (નોર્થ ઇસ્ટ) દિશા તરફથી પવન આવે છે. આ દિશાઓનું ધ્યાન રાખીને મકાનની ડિઝાઈન એવી રીતે બનાવવી જોઈએ કે મકાનમાં ઉનાળામાં ગરમી ઓછી લાગે અને શિયાળામાં ઠંડી ઓછી લાગે. પરંતુ બિલ્ડર્સ આ નિયમો ધ્યાનમાં રાખ્યા સિવાય જે તે જગ્યામાં વધુમાં વધુ મકાન બને તેવી રીતે ફ્લેટ્સ બનાવે છે, જેથી આવાં મકાનો ગરમી સામે યોગ્ય રક્ષણ આપી શકતાં નથી.

સિમેન્ટ કોંક્રીટનાં મકાનો ભલે ગરમી સામે માટીનાં મકાનો જેટલું રક્ષણ ન આપતાં હોય, બીજા દેખીતા ફાયદાઓને લીધે તે હવે અનિવાર્ય પસંદગી છે. તેથી ગરમીની અસર ઘટાડવા આપણે અન્ય ઉપાયો કરવા જોઈએ. જેમકે દીવાલોના ચણતરમાં સાદી ઈંટ કે સિમેન્ટના સાદા બ્લોકસને બદલે વચ્ચેથી પોલા સિમેન્ટના બ્લોકસ વાપરવામાં આવે તો દીવાલની વચ્ચે હવાનું પડ રહે, જે દીવાલોને વધુ ગરમ થતી અટકાવે; ભોંયતળિયા માટે વિટ્રીફાઈડ કે સિરેમિક ટાઈલ્સના આકર્ષક દેખાવ અને રંગનો મોહ છોડીને આરસપહાણ (માર્બલ), સેન્ડસ્ટોન કે કોટાસ્ટોન જેવા કુદરતી પથ્થર વાપરવામાં આવે; મકાનની ડિઝાઈન બનાવતી વખતે હવાની કુદરતી અવરજવરની દિશાઓનું ધ્યાન રાખવામાં આવે અને દરેક રૂમને પુરતું વેન્ટીલેશન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે; દીવાલો ઉપર વનસ્પતિના વેલા ચડાવવામાં આવે; ધાબા ઉપર ટેરેસ ગાર્ડન તથા બાલ્કની અને ખુલ્લી જગ્યાઓમાં શક્ય એટલાં વધુ છોડ કે ઘાસ (લોન) ઉગાડવામાં આવે અને મકાનની આજુબાજુ ઊંચાં વૃક્ષો  ઉગાડવામાં આવે તો ગરમી સામે ઘણું રક્ષણ મળી શકે છે.

આ ઉપરાંત લોકો અને સરકાર સાથે મળીને વરસાદનું પાણી જમીનમાં ઉતારવાના અને કુદરતી તળાવો તથા કૂવાઓ તરફ વાળવાના, પાણીના બોર રિચાર્જ કરવાના અને નવાં તળાવો તથા ચેકડેમ બનાવવાના પ્રામાણિક પ્રયત્નો કરે; લોકો મકાનોમાં તેમજ ખુલ્લી જગ્યાઓમાં વરસાદી પાણીના સંચયની (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) યોગ્ય વ્યવસ્થા કરે અને તેનો ઉપયોગ તે વિસ્તારમાં ઊંચાં વૃક્ષો ઉગાડવામાં અને ખુલ્લી જગ્યાઓમાં અન્ય લીલોતરી કે ઘાસ (લોન) ઉગાડવામાં કરે; નાનાં અંતર માટે કાર અને બાઈકને બદલે સાઇકલનો ઉપયોગ કરવામાં આવે; ખાનગી વાહનોને બદલે બસ અને ટ્રેન જેવાં પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવે; અને પ્લાસ્ટીક, પેટ્રોલ, કાગળ, વીજળી વિગેરેનો ઉપયોગ સમજદારીથી કરી પ્રદૂષણ વધતું અટકાવવામાં આવે તો ગરમી વધતી અટકાવી શકાશે.

વરસાદી પાણીના સંચયની જે વાત લખી છે તે કોઈને પ્રેક્ટિકલ ન લાગે તો એક સત્ય હકીકત રજૂ  કરું છું. તા ૧૨-૦૪-૨૦૧૪ના ગુજરાત સમાચાર મુજબ રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના બોરિયા ગામમાં દરેક ઘરમાં વરસાદી પાણીના સંચય માટે પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે. મકાનની જગ્યા અને કુટુંબના સભ્યસંખ્યા પ્રમાણે ૧૦૦૦૦ થી ૪૦૦૦૦ લીટર સુધીની ક્ષમતાનાં ૫૫૦ ટાંકા હાલ બનેલા છે અને દરેક નવા મકાનમાં આવો ટાંકો બનાવવો ફરજીયાત છે. ગામલોકો આ પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. મીનરલ વોટરની સમકક્ષ આ પાણીનો ખર્ચ લીટરે ૧૦ પૈસા જેટલો નીચો આવે છે અને તેનો ઉપયોગ શરુ કર્યા પછી લોકોને પથરી જેવા રોગોની તકલીફ અગાઉ થતી હતી તે નાબૂદ થઇ છે. ગામની સીમમાં ૧૪૦ જેટલા ચેકડેમ પણ બનાવવામાં આવ્યા છે, જેનાથી ભૂતળનાં પાણી જે ૬૦૦ ફૂટ જેટલાં ઊંડાં હતાં ત્યાં હવે ૧૦૦ ફૂટે પાણી મળે છે. આથી ખેતી માટે પાણીનો ખર્ચ ઘટ્યો છે, સાથે સાથે ખેતઉત્પાદનમાં પણ સારોએવો વધારો થયો છે. આવી રીતે દરેક ગામ થોડો પ્રયત્ન કરે તો પાણીની બાબતમાં સ્વાવલંબી બની શકે છે.  

એક બીજું ઉદાહરણ. તા. ૦૨-૦૬-૨૦૧૪ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ એક રિસર્ચ રિપોર્ટની વિગત મુજબ બેંગલોર શહેરની એક કરોડની વસ્તીને વ્યક્તિદીઠ રોજના ૧૬૦ લીટર લેખે વાર્ષિક ૫૮૪ કિલો મીલીયન લીટર પાણીની જરૂરિયાત છે. તેની સામે બેંગલોરના તમામ મકાનોનો છતનો વિસ્તાર અંદાજે ૨૧૦ મીલીયન ચો.મી. છે. જો આ બધાં જ મકાનોનું વરસાદી પાણી એકઠું કરવામાં આવે, તો બેંગલોરના સરેરાશ વાર્ષિક વરસાદ ૧૦૦૦ મીમી પ્રમાણે કુલ ૨૧૦ કિલો મીલીયન લીટર વરસાદી પાણી મળે, જે બેંગલોરની વાર્ષિક જરૂરિયાતના ૩૫% જેટલું છે. આમ વરસાદી પાણીના સંચયની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો અત્યારે દરેક શહેરમાં પાણી પુરવઠા માટે કરોડો રૂપીયા ખર્ચાય છે તેને બદલે ઓછા ખર્ચે વધારે ચોખ્ખું પાણી મેળવી શકાય અને પર્યાવરણને બહુ મોટો ફાયદો થાય તે નફામાં.   

ગામડાનાં પરંપરાગત મકાનોની બાંધણીની ઉપયોગીતા, ફાયદાઓ અને નબળી બાજુઓની આપણે ચર્ચા કરી, તો હવે તેની ખામીઓની પણ ચર્ચા કરવી જરૂરી છે. મારી દ્રષ્ટિએ પારંપારિક મકાનોની ડિઝાઈનની સૌથી મોટી ખામી એ બાથરૂમ અને જાજરૂ (શૌચાલય)ની સગવડનો અભાવ ગણાય. નવાઈ કહો કે દુઃખની વાત ગણો, પરંતુ સત્ય હકીકત એ છે કે તે વખતે પૂરા માડકા ગામના કોઈપણ ઘરમાં બાથરૂમ કે શૌચાલય ન હતાં.

પુરુષવર્ગ તો ઘરની કે કૂવા-તળાવ પાસેની ખુલ્લી જગ્યામાં ન્હાઈ લે અને શૌચ માટે ગામની ભાગોળે જાય. પણ ખરી તકલીફ સ્ત્રી વર્ગને પડે છે. તેમણે ઘરમાં ખાટલાની આડશ લઈને ન્હાવા માટે બેસવું પડે અથવા તળાવ જેવી ખુલ્લી જગ્યામાં પૂરાં કપડાં પહેરીને ન્હાવું પડે. આનાથી શરીરનાં અંગોની સરખી સફાઈ ન થવાથી ચામડીના અને અસ્વચ્છતાથી થતા અનેક રોગો થાય અને માનસિક ક્ષોભ અને શરમ તો વધારામાં. સ્ત્રી વર્ગને શૌચ માટે તો એથી પણ મોટી તકલીફ. ઘરમાં કે આજુબાજુ મોટા વાડાની સગવડ ન હોય તેમણે ગામની ભાગોળે જવું પડે. માનસિક ક્ષોભ અને શરમને લીધે વહેલી સવારે કે સાંજે અંધારું હોય તેવો સમય પસંદ કરવો પડે, એટલે કુતરું કે એરુઝાંઝરું કરડવાનો તથા સુરક્ષાનો પણ પ્રશ્ન રહે. ઉપરાંત કુદરતી હાજતો રોકવાથી થતી શારીરિક તકલીફોનો ભોગ પણ બનવું પડે. પરંતુ આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના દૃષ્ટિકોણથી કોઈ વિચારતું નથી, તેથી આ પ્રાણપ્રશ્નની હજુ સુધી ઉપેક્ષા થઇ રહી છે.

તે જમાનામાં જગ્યા અને સમય બંનેની છૂટ ઘણી હતી અને માળવાળાં ઊંચાં મકાનો ખાસ હતાં નહી, તેથી સ્ત્રીઓની મર્યાદા થોડાઘણા અંશે જળવાઈ જતી હતી. વળી પાણી પણ માથે ઊંચકીને લાવવું પડતું હોવાથી અને શૌચાલયમાં વધારે પાણીની જરૂર પડતી હોવાથી શૌચાલયનો ઉપયોગ તે વખતે કદાચ વ્યવહારુ નહોતો. એટલે એ વખતના સમય મુજબ આ સગવડના અભાવને કદાચ ક્ષમ્ય ગણી લઈએ, પરંતુ દુઃખ તો એ વાતનું છે કે પચાસ વર્ષ પછી આજે પણ આ પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નથી.   

જુન ૨૦૧૪માં ઉત્તરપ્રદેશના બદાયું ગામમાં બળાત્કાર અને હત્યાનો જઘન્ય અપરાધ થયો, તેમાં બહાર આવ્યું છે કે ગામની બે દીકરીઓ શૌચ માટે રાત્રે વગડામાં ગઈ હતી, ત્યારે તેમની સાથે આ કૃત્ય થયું હતું. આમ ઘરમાં કે ગામમાં શૌચાલયની સગવડના અભાવે આ બનાવ બન્યો હતો અને આવા બીજા ઘણા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ પ્રમાણે ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ભારતનાં ગામડાઓમાં સરેરાશ ૬૯.૩% ઘરોમાં શૌચાલયની સગવડ નથી. રાજ્યોની સૂચી પ્રમાણે જોઈએ તો ઝારખંડ ૯૨% સાથે આ બ્લેકલિસ્ટમાં સર્વ પ્રથમ છે. તે પછી ઓરિસ્સા, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ૮૦%થી વધારે અભાવવાળાં રાજ્ય છે. પ્રગતિશીલ ગણાતું આપણું ગુજરાત રાજ્ય પણ ૬૭% સાથે આ બ્લેકલિસ્ટમાં સાતમા સ્થાને છે, અર્થાત ગુજરાતનાં ગામડાંઓનાં ૬૭% ઘરોમાં શૌચાલયની સગવડ નથી. આ બાબતમાં શહેરોની પરિસ્થિતિ પણ કંઈ ઉત્સાહપ્રેરક નથી, કારણકે શહેરોમાં ૫૩% ઘરોમાં શૌચાલયની સગવડ નથી. આ બાબતમાં વધુ વિગત રજૂ  કરું તો તા. ૦૬-૦૮-૨૦૧૪ના ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારના સત્તાવાર આંકડા મુજબ તા. ૩૧-૧૨-૨૦૧૩ની સ્થિતિએ ગુજરાતમાં ૩૧.૩૧ લાખ ઘરોમાં શૌચાલયની સગવડ નથી. જીલ્લા મુજબ પરિસ્થિતિ જોઈએ તો બનાસકાંઠા જીલ્લો ૩.૫૩ લાખ આવાં સગવડવિહોણાં ઘર સાથે બ્લેકલિસ્ટમાં સર્વ પ્રથમ છે. અમારો બનાસકાંઠા જીલ્લો પછાત કેમ ગણાય છે તેનું આ એક વધુ પ્રમાણ. 

થોડાં ઊંડા ઉતરીને આ પરિસ્થિતિ માટે જવાબદાર પરિબળો જોઈએ. મારી દ્રષ્ટિએ જાજરૂની સગવડના અભાવ માટે સૌથી મોટું પરિબળ આપણી જડ વિચારસરણી છે.  શૌચક્રિયા જેવું ગંદુ(?) કાર્ય ઘરમાં ન થાય તેવી આપણા લોકોની પહેલેથી પ્રબળ માન્યતા, તેથી તેના માટે ઘરથી બને એટલું દૂર જવું, પછી એ જગ્યા બીજા કોઈના ઘર પાસે હોય તો એનો વાંધો નહીં ! જયારે ઘરથી દૂર જવું શક્ય ન બન્યું અને ફરજિયાતપણે શૌચાલય ઘરમાં બનાવવાં પડ્યાં, ત્યારે ઘરના સૌથી દૂરના છેડા ઉપર અથવા ઘરની બહાર શેરીમાં પડે તેમ શૌચાલય બનાવ્યાં. છેવટે ફ્લેટ કલ્ચર પ્રચલિત થયા પછી આધુનિક મકાનોમાં શૌચાલય રહેઠાણની અંદરનો ભાગ બન્યાં. હવે તો અલગ શૌચાલયનો કન્સેપ્ટ જ નીકળી ગયો છે અને વોશબેઝિન, બાથ અને શૌચાલય એમ ત્રણે સગવડ એક સાથે ધરાવતા આધુનિક બાથરૂમ રસોડાની બાજુમાં હોય તો પણ સ્વીકાર્ય બન્યા છે. પરંતુ ગામડામાં હજુ જૂની વિચારસરણીમાં ખાસ ફરક પડ્યો નથી.       

શૌચાલયની સગવડ ન હોવા માટે વિચારસરણી પછી બીજું અગત્યનું પરિબળ પાણીનો અભાવ છે. પુરતું પાણી મળતું ન હોય તો શૌચાલયની સગવડ ધરાવતા હોય તેઓ પણ તેનો ઉપયોગ ન કરી શકે. પરંતુ આ પ્રશ્નનો સરળ ઉકેલ પણ હવે મળ્યો છે. એસટીપી (STP -સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ના ઉપયોગ વડે ન્હાવા-ધોવાના અને રસોડાની ગટરનાં પાણીને સામાન્ય ટ્રીટમેન્ટ આપીને શૌચાલયમાં વાપરવા લાયક બનાવી શકાય છે. તાજેતરમાં મારે બેંગ્લોર જવાનું થયું ત્યારે ત્યાં જોવા મળ્યું કે ત્યાં દરેક કોમ્પલેક્ષમાં અને મોટાં મકાનોમાં એસટીપી લગાડવામાં આવે છે. એના માટે જાજરૂની ફ્લશટેંક માટે પાણીની તેમજ ગટરની અલગ પાઈપલાઈનો લગાડવી જરૂરી છે. બાથરૂમ અને રસોડાની ગટરનું પાણી પાઈપલાઈન મારફત એસટીપી માં જાય, ત્યાં સાદી પ્રક્રિયા વડે ઘન કચરો અને સાબુ જેવાં કેમિકલ દૂર કરી શુદ્ધ થયેલું પાણી અલગ પાઈપલાઈન મારફત જાજરૂની ફ્લશટેંકમાં જાય અને ફક્ત જાજરૂની ગટરનું પાણી મ્યુનિસિપલ ગટરમાં નિકાલ માટે જાય. આમ બાથરૂમ અને રસોડાની ગટરનું પાણી ફરી ઉપયોગમાં લઇ શકવાથી પાણીની ઘણી બચત થઇ શકે છે. વળી ટ્રીટ થયેલું પાણી શૌચાલય ઉપરાંત બગીચામાં પણ વાપરી શકાય છે. દેખીતી રીતે એસટીપી પાણીની બચત તો કરે જ છે અને સાથેસાથે ગટરમાં વહી જતા પાણીને રિયુઝ કરી ગટરના પાણીનો જથ્થો પણ ઘટાડે છે.

મને લાગે છે કે જેમ સૂર્યકુકર અને સૂર્યહીટર જેવાં ઉર્જા બચાવતાં ઉપકરણો બેસાડવામાં સરકારી સબસીડી મળે છે, તે જ રીતે એસટીપી માટે પણ સબસીડી આપીને તેને લોકપ્રિય બનાવી શકાય છે. ઉપરાંત એસટીપી લગાડે તે નાગરિકોને પાણીના ટેક્ષમાં રાહતનું પ્રોત્સાહન આપી શકાય છે. વળી નવાં બનતાં દરેક મકાનોમાં એસટીપી ફરજીયાત બનાવી શકાય. પાણીની જેટલી બચત થશે, તેટલો મ્યુનીસીપાલીટીનો પાણી પૂરું પાડવાનો ખર્ચ અને ગટરના પાણીના નિકાલનો ખર્ચ પણ ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે તે વધારામાં.  

ત્રીજું પરિબળ છે શૌચાલય બનાવવા માટે પૈસાનો અભાવ. આપણા દેશમાં ૬૦%થી વધારે પ્રજા ગરીબી રેખાની નીચે જીવે છે, જેઓ શૌચાલય બનાવવા માટે આર્થિક રીતે સક્ષમ નથી. આવા વર્ગ માટે પૂરતા પ્રમાણમાં કોમ્યુનીટી શૌચાલયની સગવડ ઉભી કરવી જોઈએ અને તેની ચોખ્ખાઈ અને સંભાળ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

પરંતુ સૌથી અગત્યની જરૂર છે આ બાબતમાં લોકોમાં જાગૃતિ લાવવાની. કારણકે આપણા સભ્ય સમાજને તો શૌચક્રિયા જેવો શબ્દ સાંભળતાં કે વાંચતાં જ નાકનાં ફોયણાં ફૂલી જાય છે ! કદાચ કેટલાક વાચકોને પણ એવું લાગતું હશે કે આ લેખક આવા વિષય પર હવે કેટલું પીંજણ કરશે? પરંતુ આપણે વ્યક્તિગત રીતે તેમજ સામાજીક રીતે અનિવાર્ય એવી શૌચાલયની મૂળભૂત જરૂરિયાતને ઘૃણાજનક ગણીને ઉપેક્ષા ના જ કરી શકીએ. 

શ્રી જયરામ રમેશ અને શ્રી નરેન્દ્ર મોદી જેવા સમજદાર રાજકીય નેતાઓને શૌચાલયની જરૂરિયાત અને અગત્ય સમજાઈ ગઈ હતી, પરતું તેમણે શૌચાલયની જરૂરિયાતને દેવાલયની જરૂરિયાત સાથે સાંકળીને બિનજરૂરી વિવાદ ઉભો કર્યો અને એમાં મૂળ મુદ્દો બાજુમાં રહી ગયો. પરંતુ તાજેતરમાં (ઓગસ્ટ ૨૦૧૪) આપણા ગુજરાતના નવા મુખ્યપ્રધાન આનંદીબેને આ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે કે જે વ્યક્તિના ઘરમાં શૌચાલયની સગવડ નહીં હોય, તે વ્યક્તિ પંચાયતથી પાર્લામેન્ટ સુધીની કોઈપણ ચુંટણી લડી નહીં શકે. ઉપરાંત સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા પરથી આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશમાં શૌચાલયની સગવડ વધારવા અંગે અગત્યની જાહેરાતો કરી છે. આમ રાજકીય ક્ષેત્રે શૌચાલયની જરૂરિયાતને અગત્ય આપવાની શરૂઆત તો થઇ ગઈ છે, જે ધન્યવાદને પાત્ર છે.

સામાજીક દ્રષ્ટિએ જોઈએ તો હાલમાં રેડીયો અને ટીવી ઉપર શૌચાલયની અગત્ય સમજાવતી કેટલીક જાહેરખબરો જોવા મળે છે, જેમાં નવી વહુને શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યામાં જવું પડે તો પછી ઘૂમટાથી ચહેરો ઢાંકવાનો શું મતલબ, તેવો સંદેશ વિદ્યાબાલન જેવી લોકપ્રિય અભિનેત્રી દ્વારા આપીને શૌચાલયની અગત્ય અસરકારક રીતે સમજાવી છે. હવે સામાજીક અને ધાર્મિક નેતાઓ અને સંસ્થાઓએ આ મુદ્દો આગળ ધપાવવાની જરૂર છે. અત્યારે આપણો દેશ વિકાસશીલ દેશોની હરોળમાં બેસવા થનગની રહ્યો છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે, સ્વચ્છતા જાળવવા માટે, સ્ત્રીઓની મર્યાદા સાચવવા માટે અને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખરડાયેલી દેશની છબી સુધારવા માટે, દરેક નાગરિકને શૌચાલય (ખાનગી અથવા જાહેર)ની સગવડતા મળે એવી વ્યવસ્થા વહેલામાં વહેલી તકે ગોઠવાવી જોઈએ.

પંચામૃત : પૃથ્વીના એક ભાગમાં જમીન અને ત્રણ ભાગમાં પાણી છે. પૃથ્વી ઉપર પાણીનો આટલો વિશાળ જથ્થો હોવા છતાં જીવસૃષ્ટિ માટે પીવાનું પાણી કુલ પાણીના જથ્થાના ૦.૩%થી પણ ઓછું છે, કારણકે ૯૭.૨% પાણી સમુદ્રોમાં ખારા પાણી રૂપે છે અને ૨.૧૪% પાણી ધ્રુવપ્રદેશોમાં બરફ સ્વરૂપે કેદ છે.
Advertisements

One thought on “(૪) મકાનોની બાંધણી

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s