(૬) મનોરંજન

ગામના જૈન દેરાસરનું અત્યારનું દ્રશ્ય
ગામના સુંદર જૈન દેરાસરનું અત્યારનું દ્રશ્ય

જે વાચકોને ગામડામાં રહેવાનું થયું નહી હોય તેમને અગાઉનું પ્રકરણ વાંચીને કદાચ એવું લાગ્યું હશે કે તે જમાનામાં ગામડાના લોકો દુઃખી દુઃખી હશે, કારણકે તેમની પાસે વીજળી, પાણીના નળ, અનાજ દળવાની ઘંટી અને રસોઈગેસ જેવી મૂળભૂત જરૂરિયાતો ઉપરાંત સ્કૂટર અને બાઈક, મોબાઈલ અને ટેલીફોન, રેડીયો અને ટીવી જેવી આજે અનિવાર્ય લાગતી સગવડોનો પણ અભાવ હતો. પરતું વાસ્તવમાં તે વખતે ગામડાના લોકો પોતાની રીતે સુખી હતા અને આનંદથી જીવન ગુજારતા હતા. તેનાં બે કારણ છે. એક તો જે તે વસ્તુ કે સગવડનો અભાવ હતો તે આખા ગામ માટે સમગ્રપણે હતો. પાડોશીને ત્યાં હોય અને આપણે ત્યાં ન હોય ત્યારેજ તેનું દુખ લાગે, આથી આવી સગવડોના અભાવનો અસંતોષ કોઈને નહોતો. બીજું, લોકોને આવી સગવડો વિના જીવવાની ટેવ પડી ગઈ હતી. ઉપરાંત સામાન્ય રીતે પેઢી દર પેઢી લોકોનું જીવનસ્તર થોડું ઊંચું આવતું જ હોય છે. તેથી દરેક પેઢી એમ માને છે કે અગાઉની પેઢી કરતાં પોતે વધારે સુખી છે. જોકે છેલ્લાં ૧૫-૨૦ વર્ષોમાં જીવનસ્તર ઊંચું આવવાનો દર એકદમ વધી ગયો છે, એટલે જૂની પેઢી કરતાં નવી પેઢીને ઝડપથી વધારે સગવડો મળી રહી છે, તેમજ હવે શહેરોની નવી સગવડો તરત જ ગામડામાં પહોંચી જાય છે. તો હવે તે જમાનામાં ગામડાના લોકો મનોરંજનનો આનંદ કઈ રીતે લેતા તે જોઈએ.

તે વખતે ટ્રાન્ઝીસ્ટર રેડિયો ઘેરઘેર પહોંચ્યા નહોતા, પણ ગ્રામપંચાયત કચેરીમાં બેટરીથી ચાલતો રેડિયો અને લાઉડસ્પીકર ગોઠવેલાં હતાં. તેના પર સવાર-સાંજ ભજન અને ગ્રામ્યલક્ષી કાર્યક્રમો લોકો સાંભળતા, જેમાં “શાણાભાઈ અને શકરાભાઈ”નો વાર્તાલાપનો કાર્યક્રમ ઘણો લોકપ્રિય હતો. કોઈને ત્યાં થાળીવાજું (ગ્રામોફોન) પણ સાંભળવા મળતું, જેમાં હાથથી હેન્ડલ ફેરવીને ચાવી ભરવાથી રેકર્ડ વગાડી શકતી. ગીત અને સંગીતનો શોખ લોકો અવારનવાર ભજનના કાર્યક્રમ ગોઠવી પૂરો કરતા. ઉપરાંત લગ્ન પ્રસંગે દસ-બાર દિવસ પહેલાંથી સ્ત્રીઓ લગ્નગીતો ગાવાનો આનંદ લેતી. વળી કોઈપણ તહેવાર કે આનંદનો પ્રસંગ હોય, ઢોલના તાલે ગરબાની મજા તો સ્ત્રીઓ લે જ. ભલે ગરબા ગાવાવાળી પાર્ટી કે મ્યુઝિક સીસ્ટમની સગવડ નહોતી, લોકો ગરબા રમવાનો આનંદ બરાબર લેતા અને અત્યારે ગરબા રમનાર કરતાં જોવાવાળા વધારે હોય છે તેવું ત્યારે નહોતું બનતું.

જોકે મનોરંજનનું મુખ્ય સાધન તો નાટક હતાં. તે વખતે રાવળીયા તરીકે ઓળખાતા પરંપરાગત નાટકમંડળીવાળા અવારનવાર ગામમાં આવતા અને દિવસો સુધી દરરોજ રાત્રે ભવાઈના ખેલ, રામાયણ અને મહાભારતના પ્રસંગો આધારીત તથા પૃથ્વીરાજ ચૌહાણ અને જસમા ઓડણ જેવા ઐતિહાસિક વિષયો પરનાં સંગીતપ્રધાન નાટકો ભજવતા. ગામના ચોકમાં કુંડાળું કરીને વચ્ચે નાટક ભજવાય અને ચારેબાજુ લોકો બેસે. સ્ટેજ કે પડદા જેવું કંઈ પણ નહી. પાથરણાંની વ્યવસ્થા પણ ન હોય, ત્યારે ખુરશીઓની તો વાત જ ના કરાય ને. નાટકનાં સ્ત્રીપાત્રોનો વેશ પણ પુરુષ કલાકારો જ ભજવે. પ્રકાશ માટે મશાલનો ઉપયોગ થતો, પણ મોટી મંડળી હોય તો પેટ્રોમેક્ષ લઈને આવે. નાટક જોવા જાહેર આમંત્રણ હોય, એટલે દરેક જણ આવી શકે. બદલામાં ગામલોકો ફાળો એકઠો કરી મંડળીવાળાને ખુશ કરે.

કોઈવાર પ્રોફેશનલ નાટકમંડળી પણ ગામમાં આવતી, જેની પાસે સ્ટેજ, પડદા, સંગીતનાં વાજિંત્રો વિગેરે સગવડ રહેતી. આવી મંડળી સામાજીક નાટકો પણ રજૂ  કરતી, જેમાં ગીતો ગાવાની પ્રધાનતા રહેતી. વળી તેઓ લોકોની ફરમાઇશ મુજબ ગીતો રજૂ  કરતા અને એક ગીત ગાવાનું ચાલુ હોય ત્યારે બીજા લોકો વધુ રકમ ચૂકવી તે ગીત કટ કરી બીજા ગીતની ફરમાઈશ પણ કરતા. સમય જતાં ટીકીટના દર વાળી નાટકમંડળીઓ પણ ગામમાં આવતી થઇ હતી.

નાટકની આટલી લોકપ્રિયતાને લીધે નિશાળના વિદ્યાર્થીઓ પણ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના રોજ નાટક ભજવતા. તેમાં પણ ગામલોકો નાટક જોવા માટે ઉમટી પડતા અને જે ફાળો એકત્ર થાય તેમાંથી નિશાળની લાયબ્રેરી માટે પુસ્તકો ખરીદાતાં.

બાળપણની અમારી રમતોમાં પણ નાટકનું મહત્વનું સ્થાન હતું. ખાસ કરીને વેકેશનમાં જયારે નિશાળના રૂમો ખાલી હોય અને બહારગામથી બીજા બાલમિત્રો પણ ગામમાં આવેલ હોય, ત્યારે બધા ભેગા થઈને નાટક ભજવવાની રમતો ખૂબ રમતા. પૂઠાને કાપીને તેના પર ચળકતો રંગીન કાગળ ચોંટાડી તેમાંથી રાજાનો મુગટ બનાવીએ; લાકડાના દંડામાંથી રામની, રાવણની અને શિવાજીની તલવાર બનાવીએ; જાડા લાકડામાંથી ભીમની ગદા બનાવીએ અને વાંસની પટ્ટીમાંથી અર્જુન કે પૃથ્વીરાજનું ધનુષ્ય બનાવીએ એટલે નાટકની તૈયારી પૂરી. સાધન ગમે તેવું હોય, અમને તો રમવાની ઘણી મજા પડતી અને ટીકા કરનાર તો કોઈ રહેતું નહી, કારણકે જેટલા મિત્રો એકઠા થયા હોય, તે બધા જ નાટકનાં પાત્ર બન્યા હોય, પ્રેક્ષક તો કોઈ હોય જ નહી. વળી સીતા કે સંયુક્તા જેવાં સ્ત્રીપાત્રો ભજવવા કોઈ તૈયાર ન થાય એટલે કોઈના નાના ભાઈ પર પસંદગી ઉતારવી પડે અથવા ખુરશી પર રંગીન કપડું ઓઢાડી તેને સ્ત્રી પાત્ર બનાવવું પડે. અમારું નાટકની વાર્તાનું જ્ઞાન પણ મર્યાદિત હોય એટલે ક્લાસિક કોમેડી ફિલ્મ “જાને ભી દો યારો”માં મહાભારતના દ્રૌપદી વસ્ત્રાહરણના  નાટકમાં પાંડવકૌરવ સાથે અકબર પણ આવે અને સલીમ પણ આવે, એમ અમારાં નાટકોમાં ક્યારેક રામ સાથે રાવણને બદલે પૃથ્વીરાજની લડાઈ પણ ચાલતી હોય અને ક્યારેક હનુમાન સાથે શિવાજી પણ બાખડતા હોય. પરંતુ વાર્તા કે પ્રસંગ ગમે તે હોય, અમને નાટકનો ખેલ રમવાની મજા ખૂબ આવતી.

અમારી બીજી પ્રિય બાળરમત “પોસ્ટઓફીસની રમત” હતી. બે મિત્રો પોસ્ટમાસ્તર બને અને બે જુદી જુદી જગ્યાએ બેસે, બે જણ ટપાલી બન્યા હોય, બાકીના બધા મિત્રો બને ગામલોકો. પોસ્ટમાસ્તર પાસેથી લોકો કાગળના ટુકડાનાં બનાવેલાં પોસ્ટકાર્ડ ખરીદે અને બીજા રૂમવાળા મિત્રોનાં નામ લખી એક ડબલામાં નાખે, ટપાલીઓ આ બધાં પોસ્ટકાર્ડ ભેગાં કરીને એક થેલીમાં નાખી બીજા રૂમમાં નામ પ્રમાણે મિત્રોને વહેંચે. અત્યારે એમ લાગે છે કે આવી રમતમાં શું મજા આવે, પરંતુ અમે આ રમત દરરોજ રમતા, એટલે અમને બધાને જરૂર ઘણી મજા આવતી હશે.

ફરી મૂળ વાત પર આવીએ. કોઈવાર ગામમાં સરકારના માહિતીખાતાની જીપ પ્રોજેક્ટર તથા જનરેટર લઈને આવે અને રાત્રે એક બે નાનીસરખી ફિલ્મો બતાવે, સાથે સરકારી ખાતાની કામગીરીને લગતી કોઈ ડોકયુમેન્ટરી ફિલ્મ અને ગુજરાતની જયગાથાનું જાણીતું ગીત “સુવર્ણ અક્ષરે લખશે કવિઓ જયગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની” પણ જરૂર હોય. મજાની વાત તો એ થતી કે આવી જીપ ગામના ચોકમાં ઉભી રહે, એટલે મોટાભાગના લોકો નાટક જોવા બેસવાની ટેવ મુજબ જીપની ચારે બાજુ કુંડાળું કરીને બેસી જાય. પછી તેમને સમજાવવા પડે કે ફિલ્મ તો સામે લગાડેલા પડદા પર જોવાની છે અને જીપમાં કઈ જોવાનું નથી.

દિવસના ભાગમાં કયારેક નટ, મલ્લ અથવા બજાણીયા ખેલ રજૂ કરે તો ક્યારેક વાદી, મદારી અથવા બહુરૂપી પોતાની કળા રજૂ કરે. કોઈવાર જાદુગર આવે તો કોઈવાર કઠપૂતળીવાળો આવે. આમ અવારનવાર લોકોના મનોરંજન માટે કશુંક આયોજન થયા કરતું. આવો કોઈપણ ખેલ હોય, ગામના લોકો તરતજ ભેગા થઇ જતા અને પોતપોતાની રીતે તેનો આનંદ માણતા. આવા ખેલ સિવાય પણ કોઈ ફેરિયો વસ્તુઓ વેચવા આવ્યો હોય કે વાસણને કલાઈ કરનારો આવ્યો હોય કે તેલના ડબ્બાને કાપીને ઢાંકણાવાળો ડબ્બો બનાવનાર આવ્યો હોય, ત્યારે અમે બાલમિત્રો તો ઠીક, મોટી ઉંમરના લોકો પણ ટોળે વળીને જોવા માટે ઉભા રહી જતા.

એ વખતે ભણવામાં હોમવર્ક જેને અમે લેશન કહેતા, તેનું ખાસ દબાણ નહોતું અને ટ્યુશન જેવી પ્રથા તો હતી જ નહિ. તેથી અમને રમવાનો, રખડવાનો (પ્રકૃતિનો આનંદ લેવાનો) અને ઈતરપ્રવૃત્તિ માટેનો પુરતો સમય મળી રહેતો. અત્યારે સ્પર્ધા વધવાથી અને શિક્ષકો તથા વાલીઓની અપેક્ષાઓ પણ ઘણી વધી હોવાથી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ હોમવર્ક અને ટ્યુશન ક્લાસ પાછળ એટલો બધો સમય આપવો પડે છે કે મોટાભાગનાં બાળકો બાળપણના સોનેરી સમયનો આનંદ પૂરો માણી શકતા નથી.

બાળપણની શેરીરમતોની વાત કરું તો મોટેભાગે તો રમવા માટે કોઈ સાધનસામગ્રીની જરૂર ન પડે તેવી ખોખો, કબડ્ડી અને દોડપકડ જેવી રમતો જ અમે રમતા. કોઈવાર ગીલ્લીદંડા કે ગેડીદડા જેવી રમતો રમાતી, જેમાં પણ રમવાનાં સાધનો માટે કોઈ ખર્ચ કરવાની જરૂર ન પડતી. કપડા ઉપર દોરી વીંટીને દડો બનાવવામાં આવતો કારણકે રબરના દડા ગામમાં મળતા નહિ, જયારે ગીલ્લી, દંડા અને ગેડી બનાવવા માટે લાકડાં જોઈએ તેટલાં મળી રહેતાં. ગામમાં બાળકો માટે હિંચકો અને લપસણી જેવાં કોઈ સાધનો હતાં નહી, પરંતુ કોઈને ત્યાં ઝાડ પર રાંઢવું (જાડું દોરડું) બાંધીને બનાવેલા હિંચકા ખાવા અમે જતા. બાળકો માટે ટ્રાઇસિકલ કે બાઈસિકલ જેવું કશું હતું નહિ, તેથી તે શોખ પૂરો કરવા અમે લોખંડના પતરાની પટ્ટીને ગોળ વાળી બનાવેલા પૈડાને લોખંડના તારમાંથી બનાવેલા હૂકથી રસ્તા પર દોડાવીને મજા લેતા.

તે વખતે પ્લાસ્ટિક હજુ આવ્યું નહોતું, તેથી બાળકો માટે લાકડામાંથી અને પતરામાંથી બનેલાં રમકડાં મળતાં, પરતું તેમાં ખાસ વિવિધતા નહોતી. વળી ગામમાં તો એવું કશું મળતું નહી, તેથી અમે રમકડાંથી ખાસ રમ્યા નથી. એ રીતે જોઈએ તો અત્યારની પેઢીનાં બાળકો એ બાબતમાં નસીબદાર છે, કેમકે તેમને ઘરે જાતજાતનાં રંગબેરંગી રમકડાંથી રમવા મળે છે અને સોસાયટીમાં, જાહેર બગીચામાં અને મોલમાં અવનવાં સાધનોથી રમવાની મજા માણવા મળે છે.

તહેવારોની ઉજવણીની વાત કરું તો લોકો અખાત્રીજ, દિવાસો, દિવાળી, બેસતું વર્ષ, હોળી, શિવરાત્રી, રામનવમી, નવરાત્રિ જેવા બધા તહેવારો રંગેચંગે ઉજવતા. પરંતુ અત્યારે દિવાળીમાં ફટાકડા માટે, ઉત્તરાયણમાં પતંગ માટે અને નવરાત્રીમાં ડેકોરેશન પાછળ જે ધૂમ ખર્ચો થાય છે તેવો ખર્ચ થતો નહી. વળી ફટાકડા અને પતંગ ગામમાં મળતા પણ નહી. તે જ રીતે રક્ષાબંધનના તહેવારે બહેનો રાખડી બાંધે તેવી પ્રથા પણ તે વખતે ન હતી. તેને બદલે તે દિવસે ગોર એટલે કે બ્રાહ્મણ પોતાના યજમાનોને રાખડી બાંધતા.

તે વખતે જન્મદિવસ કે લગ્નદિવસ ઉજવવાની પ્રથા પણ ન હતી, પણ લગ્ન જેવા પ્રસંગની ઉજવણી દસથી પંદર દિવસ સુધી ચાલતી અને જાન પણ માંડવે બે-ચાર દિવસ રોકાય તે સામાન્ય હતું. જોકે જાનમાં ૨૦-૨૫થી વધારે વ્યક્તિઓ આવતા નહી, તેથી જાનની સગવડ સાચવવામાં ખાસ તકલીફ પડતી નહીં.

દરેક જ્ઞાતિઓને લગ્ન પ્રસંગ ઉજવવાના પોતપોતાના અલગ અલગ સામાજીક રીવાજો હતા. અમારી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં તે વખતે જાન સાત ટંક સુધી રોકાતી. સમય જતાં જાન રોકાવાનો સમય ઘટતો ગયો અને જાનમાં વ્યક્તિઓની સંખ્યા વધતી ગઈ. વર્ષ ૧૯૭૫માં મારાં લગ્ન થયાં ત્યારે અમારી જ્ઞાતિમાં જાન ત્રણ ટંક સુધી રોકાતી અને જાનમાં પચાસેક માણસ લઇ જવાનો રિવાજ હતો. ઉપરાંત ત્રણે ટંક માટે જમવાનું મેનુ નક્કી કરેલું હતું, અર્થાત સમાજમાં કોઈને પણ ઘેર લગ્ન હોય, જમવાનું મેનુ એક જ હોય. પહેલા ટંકમાં જમવામાં શીરો અને ચોળાનું શાક એ બે જ આઈટમ હોય, જોડે પુરી, ફરસાણ કે સલાડ કશું જ નહી. બીજા ટંકમાં જરા વ્યવસ્થિત મેનુ મળે જેમાં મોહનથાળ, પુરી, ભજિયાં કે ફૂલવડી, લીલું શાક, દાળ તથા ભાત હોય. છેલ્લા ટંકમાં લાપશી, વડીઓનું શાક અને તળેલો પાપડ એમ ત્રણ જ આઈટમ હોય, પરંતુ પાપડ વ્યક્તિ દીઠ ફક્ત એક જ મળે !

તે વખતે વાહનવ્યવહારની સારી સગવડ ન હોવાથી લીલાં શાક ખાસ મળતાં નહી, તેમજ લગ્નની રસોઈ પણ કુટુંબના સભ્યો જાતે જ બનાવી નાખતા, તેથી લગ્નના જમણમાં આવી સાદી રસોઈ બનાવવાનો રિવાજ હતો. વળી નક્કી મેનુને લીધે ચડસાચડસીમાં થતા વધારે ખર્ચમાંથી પણ બચી શકાતું. અત્યારે લગ્નના જમણવારમાં જાતભાતનાં પકવાન અને ફરસાણ બનાવવામાં આવે છે, તેથી વાચકોને એ જાણીને કદાચ નવાઈ લાગશે કે જાન જયારે સાત ટંક રોકાતી, ત્યારે તો સવારે બાજરીના રોટલા તથા શાક અને સાંજે ખીચડી તથા કઢી એવું સાદું મેનુ જ રહેતું, ફક્ત વરરાજા માટે ઘઉંની રોટલી બને, જેના ઉપર દળેલી ખાંડ અને ઘી આપવાથી મીઠાઈની ગરજ સરે !

જમવાના મેનુની વાત નીકળી છે તો એક નવાઈભરી વાત યાદ આવે છે. મારા એક નાગર બ્રાહ્મણ મિત્ર કહેતા કે તેમના જ્ઞાતિના જમણવારમાં આઈસ્ક્રીમ, પુરી અને બટાકાનું શાકનું મેનુ હોય છે અને આઈસ્ક્રીમ રીતસર ડોલમાં ભરીને ચમચાથી થાળીમાં પીરસવામાં આવે ! એથી પણ વધારે નવાઈ મને તળાજા (જીલ્લો ભાવનગર)ના કોળી જ્ઞાતિના જમણવારની સાદગીની વાત સાંભળીને લાગેલી. ત્યાંનાં ગામડાઓમાં કોળી જ્ઞાતિનો જમણવાર હોય, ત્યારે યજમાને કક્ત બે જ વસ્તુઓની સગવડ કરવાની. એક તો મોટું કડાયું લાવીને તેમાં જથ્થાબંધ શીરો બનાવી દેવાનો અને બીજું ઢોરને પાણી પાવાનો અવાડો (સિમેન્ટની લાંબી ખુલ્લી ટાંકી) હોય તેને સાફ કરી તેમાં પીવાનું ચોખ્ખું પાણી ભરી દેવાનું. જમવા માટે લોકો આવે ત્યારે તાંસળું (મોટા બાઉલ જેવું વાસણ) સાથે લઈને આવે, તેમાં શીરો જમીને તે જ તાંસળામાં અવાડામાંથી પાણી લઈને પી લે. પછી અવાડાના પાણીથી પોતાનું તાંસળું જાતે જ સાફ કરી તેને માથા પર ઊંધું મૂકી તેના પર ફાળિયું બાંધીને ચાલતા થાય. યજમાન તથા મહેમાન બંને પક્ષ માટે કેટલું સાદું અને સરળ !

પંચામૃત : 
આપણે એવા દેશમાં વસીએ છીએ જ્યાં પગમાં પહેરવાનાં બુટચંપલ એસી શોરૂમમાં વેચાય છે અને ખાવા માટેનાં શાકભાજી ફૂટપાથ ઉપર કચરાના ઢગલાની બાજુમાં વેચાય છે.
Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s