(૭) ગામડાનાં દૂષણો

ગામના તળાવનું અત્યારનું દ્રશ્ય
ગામના તળાવનું અત્યારનું દ્રશ્ય

ગામડું હોય કે શહેર, બંનેને પોતપોતાની જુદી ખાસિયતો અને ઉજળી બાજુઓ છે, સાથેસાથે પોતપોતાની નબળાઈઓ પણ છે. શહેરમાં રહેતો માણસ બેચાર દિવસ માટે ગામડે જાય ત્યારે તે ગામડાની ઉજળી બાજુઓનો આનંદ લઈને ગામડું વધારે સારું છે તેમ માની લે છે. પરંતુ જયારે તેને બેચાર મહિના ગામડામાં રહેવાનું થાય, ત્યારે ત્યાંના લોકોની જડ અને રૂઢીચુસ્ત વિચારસરણી, આધુનિક સગવડોનો અભાવ અને વ્યસન, વહેમ, અંધશ્રદ્ધા, જાતિવાદ જેવાં અનેક દૂષણોનો અનુભવ થયા પછી ફરી પોતાનું શહેર પ્યારું લાગવા માંડે છે. આવો જ અનુભવ ગામડાના માણસને શહેરમાં જઈને થાય છે. અત્યાર સુધી ગામડાંની ખાસિયતો અને ઉજળી બાજુઓની ઘણી વાત કરી તો હવે ગામડાંનાં દૂષણોની વાત કરવી પણ જરૂરી છે. 

મારી દ્રષ્ટિએ જડ જાતિવાદ એ ગામડાનું સૌથી મોટું દૂષણ ગણાય, કારણકે તે ગામડાંના લોકોમાં ફાટફૂટ અને વેરઝેર માટે જવાબદાર સૌથી મોટું પરિબળ છે. દુઃખની વાત તો એ છે કે પચાસ વર્ષ પહેલાં અનુભવેલું આ દૂષણ આજે પણ ગામડાઓમાં તે જ પ્રમાણમાં પ્રસરેલું છે, કદાચ વધારે વકર્યું છે. જાતિવાદથી ફક્ત સવર્ણ અને દલિત એમ બે વર્ગ જ પડ્યા છે એવું નથી. ગામડાઓમાં સવર્ણવર્ગમાં પણ ઊંચનીંચના અનેક ભેદ છે અને આવુંજ દલિતવર્ગની અંદર પણ છે. વળી હલકા રાજકારણને લીધે અને જાતિવાદના આધારે લડાતી ચુંટણીઓને લીધે સમાજના જુદાજુદા વર્ગો વચ્ચેની ખાઈ વધતી જાય છે, જે ગામડાંના સર્વાંગી વિકાસ માટે અવરોધરૂપ બને છે.

પચાસ વર્ષ પહેલાંના સમયની વાત કરું તો તે વખતે આભડછેટનું દૂષણ ઘણું વકરેલું હતું અને દલિત વર્ગનું આર્થિક, સામાજીક અને શૈક્ષણિક સ્તર ઘણું નીચું હતું. વિજ્ઞાન અને કેળવણીના વિકાસથી, સુધારાવાદી પ્રચારથી અને સરકાર તથા સામાજીક સંસ્થાઓના સક્રિય પ્રયત્નો પછી હવે તેમાં ઘણો સુધારો આવ્યો છે. શહેરોમાં તો રહેઠાણ માટે ફ્લેટ કલ્ચર વ્યાપક બન્યા પછી એક બિલ્ડીંગ કે કોમ્પલેક્ષમાં બધી જ જ્ઞાતિઓના માણસો જોડે રહેતા થયા હોવાથી જુદીજુદી જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવ હવે ઓછા જોવા મળે છે તથા સવર્ણ અને દલિતવર્ગો વચ્ચેની દૂરી પણ અમુક અંશે ઓછી થઇ છે. પરંતુ ગામડાઓમાં જે તે જ્ઞાતિઓનાં રહેઠાણ મોટેભાગે એક જ વિસ્તારમાં હોવાથી બીજી જ્ઞાતિઓ સાથે અંતર અને ભેદભાવ વધારે જોવા મળે છે. વળી શિક્ષણના અભાવથી અને રૂઢીચુસ્ત વિચારસરણીથી જાતિવાદનું દૂષણ ગામડાંના લોકોના માનસમાં ઘણું ઊંડું ઉતરેલું છે, જેને દૂર કરવા માટે ભગીરથ પ્રયત્નની જરૂર પડશે. આ મુદ્દે ધાર્મિક, સામાજીક અને રાજકીય એમ બધા જ નેતાઓ સાથે મળીને પ્રયત્ન કરે, તો જ સુમેળભર્યો ઉકેલ લાવી શકાય તેમ છે.

તે વખતનાં ગામડાંઓનું બીજું મોટું દૂષણ બાળકોને શિક્ષણ ન આપવાની માનસિકતા હતું. ગામમાં શાળાની સગવડ હોય, તો પણ લોકો તેમનાં બાળકોને ભણવા ન મોકલે અથવા બેચાર ધોરણથી આગળ ન ભણાવે. આને લીધે એક આખી પેઢી ઝડપથી વિકસતા જમાના સાથે તાલ મિલાવી ન શકવાથી આર્થિક અને સામાજીક એમ બંને રીતે પછાત રહી ગઈ. અત્યારે આ પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. હાલ માડકામાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ એમ બધી સગવડ ઉપલબ્ધ છે અને સારી એવી સંખ્યામાં બાળકો શિક્ષણનો લાભ લે છે તે એક સંતોષજનક બાબત કહેવાય.

સ્ત્રીઓનું નીચું સ્થાન અને સ્ત્રીશક્તિની અવગણના એ પણ ગામડાનું મોટું દૂષણ હતું. આપણો સમાજ પુરુષપ્રધાન હોવાને લીધે કુટુંબના આર્થિક, સામાજીક, ધાર્મિક, નૈતિક વિગેરે તમામ જાતના નિર્ણયોમાં સ્ત્રીવર્ગની થોડીઘણી અવગણના તો થાય જ છે, પરંતુ ગામડામાં આનું પ્રમાણ ઘણું વધારે છે. એક તો છોકરીઓને શિક્ષણ અપાતું નહિ. અશિક્ષિત માતાઓ તેમનાં બાળકોનો ઉછેર યોગ્ય રીતે ન કરી શકે, તેથી પછીની પેઢીનો પણ યોગ્ય વિકાસ ન થાય. આમ એક વિષચક્રને લીધે ગામડાંનો સમાજ પછાત રહી ગયો. વળી બાળલગ્નના કુરિવાજથી બાળકીઓ નાની ઉમરે માતા બની જતી. તેને લીધે અને ગામડામાં દવાખાનાની સગવડ ન હોવાથી પ્રથમ પ્રસુતિ વખતે માતા અને બાળકનું મૃત્યુ થવાનો દર ઘણો ઉંચો હતો. ઉપરાંત માસિક સમયને લગતી જડ માન્યતાઓને લીધે અને લાજ કાઢવાના કુરિવાજને લીધે ગામડાની સ્ત્રીઓએ ઘણી હેરાનગતી અને મૂંઝવણ ભોગવવી પડી છે. વિધવા સ્ત્રીઓની સમાજમાં ખૂબ ઉપેક્ષા થતી અને તેમાંય નાની ઉમરમાં વિધવા બનેલી સ્ત્રીઓની તો ખરેખર દયાજનક સ્થિતિ હતી. આજે ગામડામાં સ્ત્રીઓની સ્થિતિમાં થોડો સુધારો જરૂર થયો છે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે.

શિક્ષણના અભાવને લીધે તે વખતે ગામડાંના લોકોમાં વહેમ અને અંધશ્રદ્ધા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલાં હતાં, તેમજ લોકો શુકન-અપશુકન, ભૂતપ્રેત, વિગેરેમાં એટલું માનતા કે રોગ મટાડવા તેમજ સામાજીક અને આર્થિક મુશ્કેલીઓના નિવારણ માટે બાધાઆખડી, મંત્રતંત્ર, દોરાધાગા, વિગેરેનો આશરો લઇ બરબાદ થતા. આજે શિક્ષણના પ્રચાર થકી અને આરોગ્ય અને ટ્રાન્સપોર્ટની સગવડો ગામડાઓમાં પહોંચ્યા પછી લોકમાનસમાં ઘણો સુધારો થયો છે જે સંતોષ લેવા જેવી વાત છે.   

તે વખતે ગામડાંઓમાં બીડીનું વ્યસન વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું હતું અને ખેડૂત, કારીગર તથા મજુરવર્ગના તો મોટાભાગના પુરુષો બીડીના બંધાણી હતા. આશ્વાસનની વાત એ ગણાય કે અગાઉની પેઢીના ઘણા પુરુષો અફીણના બંધાણી હતા, પરંતુ અફીણનું વેચાણ અને ઉપયોગ ગેરકાયદેસર જાહેર કરાયા પછી નવી પેઢીમાં અફીણનું વ્યસન ઓછું થયું છે. જોકે તેનું સ્થાન બીડીએ લીધું, જે ભલે અફીણ કરતાં ઓછી નુકશાનકારક છે, પરંતુ આરોગ્ય અને આર્થિક રીતે લોકોને પાયમાલ કરનારી તો છે જ. આજે બીડીનું સ્થાન ગુટખાએ લઇ લીધું છે. ગુટખા કંપનીઓ માર્કેટિંગનાં તિકડમ ચલાવીને ગામડાંઓના લોકોને પાયમાલ કરી રહી છે, જયારે સરકાર ટેક્ષની આવક સાચવવા ગુટખા પર પ્રતિબંધ મુકતી નથી અને લોકોનાં આરોગ્ય બગડવા દે છે.          

ગામડાનાં દુષણોની વાત કર્યા પછી હવે ગામડાંના અભાવોની વાત કરીએ. મારી દ્રષ્ટિએ ગામડાનો સૌથી મોટો અભાવ બાથરૂમ અને શૌચાલયની સગવડનો અભાવ ગણાય, જેની વિસ્તારપૂર્વક ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા  છીએ.

તે પછીનો અભાવ ગામડામાં દવાખાનાની સગવડ ન હતી તે ગણાય. તે વખતે માડકા ગામમાં એકપણ દવાખાનું નહોતું કે કોઈ ડોક્ટર ન હતો. ઉપરથી પાકા રોડ અને વાહનવ્યવહારની સગવડનો અભાવ. એટલે રોગની આપાતકાલીન સ્થિતિમાં (મેડીકલ ઈમરજન્સી) તો લોકો રામભરોસે જ રહે. માંદા પડે એટલે કેટલાક લોકો “ડોશીમાનું વૈદું” અજમાવી રોગમુક્ત થવાનો પ્રયત્ન કરે, જયારે કેટલાક લોકો દોરાધાગા, માનતા (રોગ મટશે તો અમુક દેવને અમુક વસ્તુ ચડાવીશ એવા સંકલ્પ) અને ભૂવાઓનો આશરો લે. જયારે રોગ બહુ વધી જાય ત્યારે જ મોટા ગામ કે શહેરમાં ડોક્ટરની દવા લેવા જાય. પણ બહારગામ જવાની પ્રતિકૂળતા, દવાના સેવન અંગે માનસિક જાગૃતિનો અભાવ અને આરોગ્યના દૃષ્ટિકોણથી અસ્વચ્છ, અનિયમિત તથા અનિયંત્રિત જીવનશૈલીને લીધે લોકોમાં રોગોનું પ્રમાણ વધારે હતું અને લોકોના જીવનની સરેરાશ ઉમર પણ ઘણી નીચી હતી. ૬૦ વર્ષે લોકો ઘરડા લાગવા માંડતા અને ૭૦ વર્ષથી  વધુનું આયુષ્ય પ્રમાણમાં ઓછા લોકો ભોગવી શકતા.

કૂવા  કે તળાવનું પાણી શુદ્ધિકરણ વગર પીવા માટે વપરાતું, જેથી લોકો અનેક બીમારીઓનો ભોગ બનતા, જેમાં “વાળો” જેવા ભયંકર રોગનો પણ સમાવેશ થતો. વાળાના જંતુવાળું દૂષિત પાણી પીવાથી શરીરમાં જ આ જંતુ મોટું થઇ સાપોલિયા જેવડું બની આખા શરીરમાં ફર્યા કરે અને અનેક તકલીફો આપે છે. આ ઉપરાંત શીતળા અને ઓરી જેવા રોગ પણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા હતાં. દવાખાનાની સગવડને અભાવે સ્ત્રીઓની પ્રસુતિ માટે દાયણોની સેવા લેવી પડતી, જેમાં વૈદકીય જ્ઞાન, યોગ્ય દવાઓ અને સાધનોના અભાવથી માતા અને નવજાત બાળકના મૃત્યુનું પ્રમાણ ઘણું ઊંચું હતું.

લોકોનાં ઘર કાચાં અને છાપરાવાળાં હોવાથી અને લાકડાં, ઘાસ જેવી વસ્તુઓનો સ્ટોરેજ ઘરના વાડામાં જ થતો હોવાથી ઘરમાં સાપ અને વીંછી જેવાં સરીસૃપો અવારનવાર આવી ચડતા. વળી લોકોને ખેતી, પશુપાલન, બળતણ માટેનાં લાકડાં વીણવા જેવાં કામ માટે સીમમાં જવું જ પડે, જ્યાં પણ સાપ અને વીંછી કરડવાના ઘણા બનાવ બનતા. દવાખાનાની સગવડના અભાવે આવા કિસ્સામાં ભૂવા પાસે મંતરાવીને ઝેર ઉતારવાનો પ્રયત્ન કરાતો. સાપ બિનઝેરી હોય કે પ્રમાણમાં ઓછું ઝેર શરીરમાં ગયું હોય તો વાંધો ન આવતો, અન્યથા જે તે વ્યક્તિનું મોત નિશ્ચિત થતું. આ ઉપરાંત હડકાયા કૂતરાઓનો પણ ગામડામાં ઘણો ત્રાસ હતો. મહિનામાં એક કે બે વખત તો કુતરું હડકાયું થઈને ગામમાં આતંક મચાવી જ દે. અને જો આવું કૂતરું કરડી જાય તો સારવાર માટે દૂરના  મોટા ગામ થરાદ જવું પડતું અને હડકવાનાં ૧૪ ઈન્જેકશન લેવાં પડતાં. આમ ગામમાં દવાખાનાની સગવડનો અભાવ ગામડાનાં લોકો માટે ઘણો દુઃખદાયક હતો. હાલ આ પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે.

મારા આ લખાણને મઠારતી વખતે મને લાગ્યું કે એકવાર માડકાની નવેસરથી મુલાકાત લઈને ગામની પચાસ વર્ષ પહેલાંની હાલત અને અત્યારની પરિસ્થિતિની થોડી સરખામણી કરવી જોઈએ. મારે ઘણા દુઃખ સાથે લખવું પડે છે કે મારી તાજેતરની માડકાની મુલાકાત દરમ્યાન મને થોડી નિરાશા અને હતાશા થઇ છે, કારણકે સમયની સાથે ગામનો જેવો અને જેટલો વિકાસ થવો જોઈએ તેવો વિકાસ થયો નથી.

પહેલાં વિકાસના સારા મુદ્દા જોઈએ તો ગામને પાકા રોડની સુવિધા મળી છે અને એસ ટી બસની તેમજ ખાનગી વાહનોની સગવડ વધી છે, જેથી મુસાફરી સરળ બની છે. પાણીના નળ મોટા ભાગના ઘરે મુકાઇ ગયા છે, જેથી પાણી સરળતાથી મળી રહે છે. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને હાઇસ્કુલની સગવડ થઇ છે તથા શિક્ષણ માટે જાગૃતિ વધી છે. આંગણવાડીમાં બાળકોના આરોગ્યનું ધ્યાન રખાય છે તેમજ ખાનગી દવાખાનાની સગવડ ઉપલબ્ધ છે. વળી દૂધમંડળી તથા બેંકની સગવડ પણ થઇ છે. ગામમાં પાકાં મકાનો વધ્યાં છે અને હવે આધુનિક સગવડતાવાળાં મકાનો બને છે. લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે અને રાંધણગેસ, ટીવી, ફ્રીજ, ટેલીફોન, મોબાઈલ, વાહન જેવાં આધુનિક ઉપકરણો વસાવવા લાગ્યા છે. આમ લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.           

હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે તો ઉણપ શાની છે? મારા નિરિક્ષણ મુજબ અત્યારે માડકા ગામમાં (અને વાવ તાલુકાનાં મોટા ભાગનાં અન્ય ગામોમાં પણ) સૌથી મોટી ઉણપ એ છે કે ગામલોકોમાં ઉત્સાહ અને ચેતનાનો અભાવ પહેલી નજરે દેખાઈ આવે છે. વધારે વિગતથી સમજાવું તો ગામમાં ધંધારોજગારની કમી હોવાથી વેપારીવર્ગ અને કારીગરવર્ગનાં સંતાનો ગામ છોડીને અમદાવાદ કે સુરત જેવાં શહેરોમાં સ્થાયી થઇ ગયાં છે. તે જ રીતે ખેતીના ધંધામાં પણ કસ ના હોવાથી અને શારીરિક મહેનત વધારે હોવાથી ખેડૂતવર્ગની નવી પેઢીએ પણ નોકરી કરવા માટે કે હીરા ઘસવાના ધંધા માટે ગામ છોડી દીધું છે. હવે સ્ફૂર્તિ, ઉત્સાહ અને તરવરાટથી થનગનતી યુવાનપેઢી વગર ગામમાં ઉત્સાહ અને ચેતના કઈ રીતે દેખાય ?

નિરાશાની બીજી વાત એ દેખાય છે કે આધુનિકરણની લ્હાયમાં ગામડાએ પોતાની આગવી ઓળખ ગુમાવી દીધી છે. ગામમાં આધુનિક સગવડની સાથે આધુનિકતાના અભિશાપ સમ પ્લાસ્ટિકની કોથળીઓ તથા ગુટખાનાં પાઉચનો કચરો રસ્તાઓ પર પથરાઈ ગયો છે અને વીજળી, ટેલીફોન અને ટીવી કેબલના વાયર આકાશમાં છવાઈ ગયા છે. ગામના તળાવ, કૂવા  અને મોટાં વૃક્ષોની જાળવણીની ઉપેક્ષા થઇ છે. ગામની સીમમાં ઘટાદાર મોટાં વૃક્ષોની હારમાળાને બદલે કાંટાળા બાવળિયા છવાઈ ગયેલા દેખાય છે. મનોરંજન માટે મેળો, ગરબા, ભવાઈ, નાટક કે જાહેર ફિલ્મની વ્યવસ્થા હતી ત્યારે લોકો સામૂહિક રીતે ભાગ લેતા, જેથી અરસપરસ મેલઝોલ વધતા હતા, જયારે હવે ટીવી અને મોબાઈલથી વ્યક્તિગત મનોરંજન મેળવીને ગામડાનો માણસ પણ એકલો પડી ગયો છે. દરરોજ સાંજે ગામના ચોકમાં બધા લોકો સાથે બેસીને અલકમલકની વાતો કરતા અને ભૂલકાંઓ ધીંગા મસ્તી કરતાં એ દ્રશ્ય હવે જોવા મળતું નથી.

હું જાણું છું કે પરિવર્તન અનિવાર્ય છે અને ગયેલા દિવસો પાછા આવતા નથી. તેથી ઘડિયાળના કાંટા ઉંધા ફેરવવાનો મારો કોઈ આશય નથી. પણ ગામડામાં આધુનિકતા આવે તો અધકચરી નહી પરંતુ સંપૂર્ણ રીતે આવે અને આધુનિક સગવડ વધે પરંતુ ગામના પર્યાવરણને નુકશાન ન કરે તે ધ્યાન રાખવામાં આવે એ જરૂરી છે. પાકાં મકાનો બાંધવાથી કે લોકો પાસે મોબાઈલ તથા બાઈક આવી જવાથી ગામનો વિકાસ થયો છે તેમ ના કહી શકાય, પણ જયારે ગામમાં શિક્ષણ, આરોગ્ય, સમૃદ્ધિ અને સુખાકારી વધે ત્યારે ગામનો વિકાસ થયો કહેવાય.

અત્યારે ગામડાંની પ્રજા નોકરી, ધંધા અને વેપાર માટે શહેરોમાં વસીને શહેરોની ભીડ વધારી રહી છે. આ ટ્રેન્ડને અટકાવવા માટે અને ગામ છોડી ગયેલા લોકોને પાછા પોતાના ગામમાં લાવવા માટે ગામડાં આર્થિક રીતે સમૃદ્ધ બને તેવાં પગલાં પડશે. આ માટે સૌ પ્રથમ તો ખેતીને કાર્યક્ષમ બનાવવી પડશે. તેના માટે જરૂરી છે કે વરસાદનું પાણી તળાવો અને ચેકડેમમાં સંગ્રહ કરીને ખેતી માટે વાપરવામાં આવે; વધારાનું પાણી કૂવા તથા રિવર્સ બોર મારફત જમીનમાં ઉતારવામાં આવે; વધારે ઉપજ અને નફો આપતા પાક ઉગાડવા માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સાધનસામગ્રી પૂરી પાડવામાં આવે; તૈયાર પાક સંગ્રહ માટે ગોડાઉનની સામૂહિક સગવડ ઉભી કરવામાં આવે; પાક વેચાણ માટે બધા લોકો સહકારી રીતે સાથે મળી ટ્રાન્સપોર્ટ અને ભાવતાલ નક્કી કરે તો જથ્થાબંધ વેચાણ માટે ખર્ચ ઘટાડીને વધારે સારો ભાવ મેળવી શકાય. આ ઉપરાંત પશુપાલનના વિકાસ માટે ગોચરની જમીન ફાળવવામાં આવે, પશુ દવાખાનાની સગવડ કરવામાં આવે, દૂધ એકઠું કરવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને તેના વેચાણ માટે સહિયારો પ્રયાસ કરવામાં આવે, તો ખેડૂતવર્ગને ખેતી ઉપરાંત વધારાની આવક પ્રાપ્ત થશે. 

કારીગરવર્ગના આર્થિક વિકાસ માટે લઘુઉદ્યોગ અને ગૃહઉદ્યોગને પ્રોત્સાહન આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે, તો ગામડામાં શહેર કરતાં ઓછા ખર્ચમાં ઉત્પાદન કરી શકાય છે. આ રીતે ગામનો ખેડૂત અને કારીગરવર્ગ આર્થિક રીતે સમૃદ્ધ થશે તો તેમની ખરીદશક્તિ વધવાથી વેપારીવર્ગનો ધંધો પણ વધશે. આમ ગામડાની સ્વતંત્ર આવક શરૂ થાય તો ગામડાં ભાંગતાં બંધ થાય. ગામના સેવાભાવી નાગરિકો અને નિવૃત સિનીયર સિટીઝન તેમની કુશળતા અને અનુભવનો લાભ ગામના વિકાસકાર્યોના વહીવટ માટે આપે તો સોનામાં સુગંધ ભળે.

આવો વિકાસ સપનામાં જ શક્ય છે, તેમ તમે માનતા હો તો તમે ખાંડ ખાઓ છો. તાજેતરના નવગુજરાત સમયના એક અહેવાલ મુજબ આપણા સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામે ચારપાંચ વર્ષના ટૂંકા ગાળામાં અદભૂત વિકાસ હાંસલ કરી ગામની કાયાપલટ કરી છે. પુંસરીના યુવાન સરપંચે દૂરદર્શી નેતૃત્વ, પારદર્શક વહીવટ અને નિષ્પક્ષ વ્યવહાર થકી ગામલોકોને સાથે રાખીને પુંસરીને આદર્શ ગામ બનાવી દીધું છે. ગામના તમામ બાળકોને શાળામાં જતા કરીને ૧૦૦% શિક્ષણદર હાંસલ કર્યો છે. દરેક ગ્રામજનને સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલીસીનું કવચ પુરું પાડવામાં આવ્યું છે. ઊંટગાડી દ્વારા ગોબર (છાણ) એકઠું કરી તેમાંથી ગોબરગેસ પ્લાન્ટ ચલાવીને બાયોગેસ ઉત્પન્ન કરી સસ્તી વીજળી મેળવાય છે. ટ્રેકટરથી ગામનો કચરો એકઠો કરી ગામને ચોખ્ખુંચણાક રખાય છે. દૂધમંડળી દ્વારા દૂધ એકઠું કરવાની સુંદર વ્યવસ્થા ગોઠવી ગામલોકોને પશુપાલન માટે પ્રોત્સાહિત કરાય છે. ગામમાં વાઈ ફાઈ, સીસીટીવી કેમેરા, અને પબ્લિક એડ્રેસ સીસ્ટમ લગાડવામાં આવી છે. આમ દ્રઢ ઈરાદો હોય અને બધા લોકોનો સાથસહકાર હોય તો આવો વિકાસ દરેક ગામમાં શક્ય છે.

આ જ રીતે માડકામાં પણ હાલ લોકમુખે ચડેલું સુત્ર “સબકા સાથ, સબકા વિકાસ” અમલમાં મુકાય અને ગામના બધા લોકોને સાથે લઈને બધાનો વિકાસ થાય અને માડકા ગામ ફરી “ગોકળીયું ગામ” બને તેવી અંતરેચ્છા સાથે આ પુસ્તિકાનું સમાપન કરું છું. 

 

પંચામૃત : 
જયારે ભગવાન તમારી મુશ્કેલીઓ દૂર કરે છે, ત્યારે તમને ભગવાનની શક્તિમાં વિશ્વાસ હોય છે અને જયારે ભગવાન તમારી મુશ્કેલીઓ દૂર નથી કરતા, ત્યારે ભગવાનને તમારી શક્તિમાં વિશ્વાસ હોય છે.
Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s