હાસ્યગીત અને શાયરી

laughter1

કાવ્ય લખવું એ એક ઉચ્ચ કક્ષાની કળા છે અને હાસ્યગીત લખવા માટે કવિ હોવા ઉપરાંત એક વધારે લક્ષણની જરૂર પડે છે. સદભાગ્યે આપણને અનેક ઉચ્ચ કક્ષાના હાસ્યકવિઓ અને હાસ્યલેખકો મળ્યા છે. તેમાંથી કેટલાક જાણીતા અને માનીતા હાસ્યકવિઓની કેટલીક સુંદર રચનાઓ (સર્વે રચનાકારના આભાર સાથે) અહીં રજુ કરું છું :   


૧) આજના બાળકનૈયાને તેની યશોદામા સવારના પહોરમાં કઈ રીતે જગાડે છે, તે આપણા ખ્યાતનામ કવિ રતિલાલ બોરીસાગર આ હાસ્યગીતમાં આબાદ રીતે રજુ કરે છે:

જાગને જાદવા !

જાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા !
તુજ વિના સ્કૂલમાં કોણ જાશે ?

મેગી પિઝા અને કરકરા કુરકુરે,
‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે ?
જાગ ને જાદવા…

લેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું
પડ્યું હોમવર્ક પછી કોણ કરશે ?
જાગ ને જાદવા…

બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,
દફતરનો ભાર તે કોણ વ્હેશે ?
જાગ ને જાદવા…

વાન આવી જશે, હોર્ન બહુ મારશે,
તુજ વિના ગિરદી કોણ કરશે ?
જાગ ને જાદવા…

સ્ટડીરૂમમાં વળી કવિતા ગોખતાં,
ફીલમી ગીતડાં કોણ ગાશે ?
જાગને જાદવા…

ભણે સાગર વળી આટલું ભણ્યા પછી
નોકરીમાં તને કોણ લેશે ?
જાગને જાદવા…


૨) કનૈયો વહેલો ઉઠીને ભણવા તો ગયો, પરંતુ ત્યાં તેની કેવી દશા થાય છે, તે આપણા પ્રસિદ્ધ કવિ રઈશ મણીયાર તેમની આ હઝલ (હાસ્યગઝલ)માં હળવા શબ્દોમાં સરસ રીતે વ્યક્ત કરે છે: 

Say Sorry, My Son! Say Sorry…

Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…


૩) કનૈયાની આ દશા જોઇને એક કલ્પનાશીલ કવિ તેને કઈ રીતે લીલાલહેર કરવી તેની સલાહ આપે છે:

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતરતણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !


૪) હવે આપણે જોઈએ કે માનવીના અળવીતરા સ્વભાવ વિષે કવિ રઈશ મણીયાર તેમની આ હઝલ (હાસ્યગઝલ)માં શું કહે છે:

રોજ જગથી કશું

રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.

હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.

ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.

આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.

એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.

પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે.


૫) ફરી એકવાર કવિ રઈશ મણીયાર તેમની આગવી સુરતી ભાષામાં પરણવા તૈયાર થયેલ મૂરતિયાને ચેતવે છે તેમની આ યાદગાર હઝલ દ્વારા :

પન્નીને પહતાય તો કે’ટો ની….

(પરણીને પસ્તાય તો કહેતો નહીં )

પન્નીને પહતાય તો કે’ટો ની,
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ,
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી,
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

એની આંખોના આભમાં પંખીના ટોળાં,
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ,
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.


૬) એજ સુરતી ભાષામાં “ળ” ને બદલે “ર” બોલતો માણસ કેવી કવિતા કરે તે આપણને સમજાવે છે કવિ શ્યામલ મુન્શી:

કારજીપૂર્વક સાંભરજો નહીં તો…

હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા

વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….

કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…

મેરામાંથી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…


૭) હવેના ઈન્ટરનેટ ના જમાનમાં ગોપી કૃષ્ણ ને કેવો સંદેશો મોકલે તે આપણને બતાવે છે કવિ ભાગ્યેશ જહા: 

એક સંદેશ શ્યામ ને

SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.

સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,

ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો

SMS કરવાનું ….

વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો

SMS કરવાનું ….

ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,

કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો

SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.


૮) નાનપણમાં ભણવાનું ભલે ગમતું ન હોય અને જલ્દીથી મોટા થઇ જવાનું મન થતું હોય, મોટા થયા પછી તો ફરીથી બાળક બની જવાનું અને ફરીથી શાળાએ જવાનું કેવું મન થાય છે, તે આ કાવ્યમાં આબાદ વ્યક્ત થયું છે :

મારે ફરી એકવાર શાળાએ જવું છે. 

મારે ફરી એકવાર શાળાએ જવું છે. 
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે, 
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. 
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , 
સુંદર અક્ષરે મારું નામ લખવું છે. 
…મારે ફરી એકવાર શાળાએ જવું છે. 

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી, 
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. 
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી ..મરચુ મીઠું ભભરાવેલ,

આમલી જમરૂખ બોર બધું ખાવું છે, 
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે, 
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય, 
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે, 
અનપેક્ષીત રજાના આનંદ માટે… 
મારે ફરી એકવાર શાળાએ જવું છે. 

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં, 
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. 
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને, 
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. 

રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર 
વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે. 
તો ભાગી જવાની મોજ અનુભવવા… 
મારે ફરી એકવાર શાળાએ જવું છે. 

દીવાળીના વેકેશનની રાહ જોતાં, 
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. 
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી, 
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. 

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી, 
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. 
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… 
મારે ફરી એકવાર શાળાએ જવું છે. 

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , 
પીઠ પર દફતરનો બોજ વળગાડવો છે…. 
ગમે તેવી ગરમીમાં એરકંડીશન્ડ ઓફીસ કરતાં, 
પંખા વીના ના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. 

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં, 
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે… 

“બચપણ પ્રભુની દેણ છે” તુકારામના એ અભંગનો 
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. 
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે… 
મારે ફરી એકવાર શાળાએ જવું છે. 

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું… 
આજે જયારે મોટો થયો ત્યારે ખ્યાલ આવે છે કે, 
તૂટેલા સ્વપ્નો અને અધુરી લાગણીઓ કરતાં
તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક સારાં હતાં  

આજે સમજાય છે કે જયારે બોસ ખીજાય એના કરતાં, 
શાળામાં શિક્ષક અંગુઠા પકડાવતા હતા એ સારું હતું… 

 આજે ખબર પડી કે ૧૦ – ૧૦ રૂપિયા ભેગા કરીને

નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પીઝામાં નથી આવતો… 

ફક્ત મારેજ નહી, 
-આપણે બધાને ફરી સ્કુલે જવું છે…l


૯) બાળપણની નાનીનાની વાતો કેટલી યાદ આવે છે, તે નીચેના ગીતમાં પણ સરસ રીતે પ્રગટ થઇ છે:

હું કેટલો બદલાઇ ગયો છું !

નાની સાઇકલમાં બહુ મજા આવતી 
આજે કાર પણ એ મજા નથી આપતી.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

છાસમાં પલાળેલી બ્રેડ પર મીઠું મરચું નાખીને ખાવાથી મળતો આનંદ

મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો 
પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

ખેતર કે વગડામાં ઝાડવા નીચે પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો 
ને આજે એસી રૂમમાં પણ સતત પડખા બદલ્યા કરુ છું.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો 

એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા છે.. 
વાત થતી નથી કે મળાતું નથી.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

બે ચાર મિત્રોનો સહવાસ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો 
અને આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા સાવ એકલો હોઉં એમ લાગે છે.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

કંઇ ખબર ન પડવા છતાય મંદિરમાં આંખ બંધ કરીને બેસતો 
અને ભગવાનની મૂર્તિ દેખાતી,, 
આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ મનને સ્થિર નથી કરી શકતું.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

અગરબતીની સાથે સાવ મફતમાં આવતા અતરની સુવાસ દિવસો સુધી આવતી

અને આજે નોટીકાના મોંઘા પરફ્યુમની સુવાસ બે સેકન્ડ પણ નથી અનુભવી શકતો.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા 
આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે.. 
હું કેટલો બદલાઇ ગયો છું ! 

બેંક બેલેન્સ વધવા છતા પણ 
દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે.. 
હું કેટલો બદલાઇ ગયો છું !


 

અગાઉનો લેખ “English Vinglish” વાંચવા માટે અહીં ક્લિક કરો. 
આના પછીનો લેખ પૌરાણિક પ્રસંગો તીરછી નજરે વાંચવા માટે અહીં ક્લિક કરો.   

આ હાસ્યગીતો કેવાં લાગ્યાં તે “મારો અભિપ્રાય” કોલમમાં જરૂર જણાવશો.

– સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s