આપણાં પૌરાણિક પાત્રો જો આજના જમાનામાં ફરીથી આવી જાય તો કેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય તેની કાલ્પનિક વાતો, આ બધાં પાત્રોની ક્ષમાયાચના સાથે, રજૂ કરું છું.
રાવણ સીતાનું અપહરણ કરવા માટે સાધુવેષ ધારણ કરી વનમાં રામની પર્ણકુટીના દ્વારે ગયો. તેણે અહાલેકનો સાદ પાડ્યો એટલે એક અંદરથી એક સુંદર સ્ત્રી ભિક્ષા આપવા બહાર આવી. રાવણે પ્રપંચથી તેને લક્ષ્મણરેખાની બહાર બોલાવીને પકડી લીધી અને ખુશ થતાં થતાં અટ્ટહાસ્ય કરીને કહ્યું: હા હા હા! હું કોઈ સાધુબાધુ નથી. હું તો સીતાનું અપહરણ કરવા માટે જ આવેલો લંકાપતિ રાવણ છું! હા હા હા!
સામે પેલી સ્ત્રીએ પણ બેદરકારીથી હસતાં હસતાં કહ્યું: હું પણ કોઈ સીતાબીતા નથી! હું તો સીતાની કામવાળી છું!
.
.
જોક અહીં પૂરો થતો નથી….
.
.
રાવણ વધુ ખુશ થઈને બોલ્યો: અરે વાહ! તો તો વધારે સારું! અમારી કામવાળી કેટલાય દિવસથી જતી રહી છે, એટલે હું તો વાસણ ઘસીને થાકી ગયો છું. આમેય સીતાને લઇ ગયો હોત તો પાછી મંદોદરી રિસાઈ જાત! પણ હવે તેને બદલે તું મળી ગઈ એમાં તો મારે પણ નિરાંત અને મંદોદરી પણ ખુશ! વાહ ભાઈ વાહ! આજનો દિવસ તો નસીબદાર નીકળ્યો!
અને રાવણ કામવાળીને લઈને લંકા જવા ઉપડી ગયો!!!
ચાલો હવે જોઈએ આજના કેટલાક નેતાઓની સરખામણી મહાભારતનાં પાત્રો સાથે:
દુર્યોધન અને રાહુલ ગાંધી: બંને લાયકાત કે યોગ્યતા વગર, ફક્ત જન્મના આધારે રાજગાદીની મહેચ્છા ધરાવે છે.
ભીષ્મ અને અડવાણી: રાજગાદી માટે સુપાત્ર અને હકદાર હોવા છતાં ક્યારેય ગાદી મેળવી શક્યા નહિ, વડીલ તરીકે બહુમાન તો મળ્યું, પરંતુ જીવનના અંતભાગમાં બંને નિ:સહાય બની ગયા.
અર્જુન અને નરેન્દ્ર મોદી: બંને પોતાની કુશળતાથી અને યોગ્ય પક્ષમાં રહેવાથી માનભર્યા સ્થાને પહોંચ્યા.
કર્ણ અને મનમોહનસિંહ :બંને હોંશિયાર અને કુશળ હોવા છતાં ખોટા પક્ષમાં જોડાયા જેથી જશ મેળવી ના શક્યા.
અભિમન્યુ અને કેજરીવાલ: યુદ્ધ લડવામાં બંને નવા નિશાળિયા હતા, છતાં મહારથીઓને મ્હાત આપી શક્યા. જો કે અંતે તો ચક્રવ્યૂહનો છેલ્લો કોઠો ભેદી ન શક્યા, એમાં એકે જીવ ગુમાવ્યો અને બીજાએ રાજગાદી.
શકુની અને દિગ્વિજયસિંહ : બંને હોંશિયાર અને કુશળ, છતાં પોતાના માલિકને શ્રેષ્ઠ સાબિત કરવા જાતે બદનામ થયા.
ધૃતરાષ્ટ્ર અને સોનિયા: બંને પુત્રમોહમાં આંધળા હોવાથી દેશનું ભલું ના કરી શક્યા.
શ્રીકૃષ્ણ અને અબ્દુલ કલામ સાહેબ: બંને જણ કુશળ અને લોકપ્રિય નેતા. દરેક જણ આ બંનેની પ્રશંસા કરે છે, પરંતુ તેમના બતાવેલ માર્ગ પર કોઈ ચાલતું નથી.
લંકાના ભીષણ યુદ્ધ પૂરું થયા પછી હનુમાનજીએ તેઓ ઓફિસના કામ સંદર્ભે (તેમના બોસ લક્ષ્મણની સારવાર માટે) સંજીવની બુટ્ટી લેવા હિમાલય ગયા હતા તે મુસાફરીના ખર્ચનું બીલ અયોધ્યા સરકારને મંજુર કરવા મોકલ્યું.
ઉપરી ઓફિસે આ બીલમાં નીચેના ત્રણ વાંધા કાઢી બીલ મંજુર કર્યાં સિવાય પાછું મોકલ્યું:
૧) હનુમાનજીએ તેમના હિમાલયના પ્રવાસની પૂર્વ મંજુરી સક્ષમ અધિકારી (અયોધ્યાના તત્કાલીન રાજા, ભરત) પાસેથી મેળવી નહોતી.
૨) હનુમાનજી વર્ગ ૨ ના કર્મચારી હોવાથી હવાઈ મુસાફરીના અધિકારી નથી.
૩) હનુમાનજીને ફક્ત સંજીવની બુટ્ટી એટલે કે એક છોડ લાવવા માટે મોકલ્યા હતા, જયારે તેઓ આખો પર્વત લઇ આવ્યા, જેથી અનધિકૃત વધારાના સરસામાનનો ખર્ચ ચૂકવી શકાય નહીં.
બીલ પાછું આવવાથી હનુમાનજી અને શ્રીરામ પરેશાન થયા અને લક્ષ્મણને આનો નિવેડો લાવવા વિનંતી કરી. છેવટે ચાલાક લક્ષ્મણ ઉપરની ઓફિસમાં મળીને બીલના ૨૦% રકમની લાંચ આપી આવ્યા.
બીજા દિવસે નીચે મુજબના શેરા સાથે બીલ પાસ થઈને આવી ગયું:
અરજીકર્તાની ફેરતપાસણીની વિનંતીથી નીચેનાં કારણસર બીલ મંજૂર કરવામાં આવે છે:
૧) પ્રવાસના સમય દરમ્યાન શ્રીરામ, તેમની પાદુકાના માધ્યમથી અયોધ્યાના રાજા હતા, જેમની પાસેથી હનુમાનજીએ મુસાફરી માટેની પૂર્વમંજુરી મેળવી હતી, જે સરકારી નિયમોને આધીન છે
૨) આપાતકાલીન સ્થિતિમાં નીચેના વર્ગના કર્મચારીને પણ હવાઈ મુસાફરી માટે સક્ષમ અધિકારી દ્વારા મંજૂરી આપી શકાય છે.
૩) વધારાના સરસામાનનો ખર્ચ પણ મંજુર કરવામાં આવે છે, કારણકે ભૂલથી ખોટો છોડ લાવવામાં આવ્યો હોત તો એક થી વધુ વખત મુસાફરીનો ખર્ચ સરકારી તિજોરીને આવત.
સરકારી નિયમો ઝિંદાબાદ.
મહાભારતનાં વિવિધ પાત્રો જો આજની ઓફીસમાં કામ કરતાં હોત તો તેમની કામ કરવાની શૈલી અને આવડત કેવી હોત, એ જોઈએ તીરછી નજરે!!
દ્રોણાચાર્ય: સલાહકાર અધિકારી: એવો અધિકારી જેને પોતાને કામ કરવું ગમતું ન હોય, પરંતુ નવા કર્મચારીઓને કામ શીખવવા હંમેશાં તત્પર રહેતો હોય.
ભીષ્મ : વફાદાર અધિકારી: એવો સિનીયર અધિકારી જે તેના બોસની મૂર્ખાઈ અને અણઆવડત જાણતો હોય છતાં હમેશાં તેને ટેકો આપીને વફાદાર રહે.
ધૃતરાષ્ટ્ર : અંધ બોસ: જે જાણતો હોય કે તેનો પ્રોજેક્ટ મૂળથી જ ખોટો છે, છતાં તેના પ્રત્યેના લગાવથી તેનો અમલ કરાવે જ રાખે.
ગાંધારી: હાજીહા કરનાર અધિકારીઓ: બોસની એકદમ નીચેના જુનીયર અધિકારીઓ, જે જાણતા હોય કે તેઓ ખોટા પ્રોજેક્ટનો હિસ્સો છે, છતાંય આંખે પાટા બાંધ્યા હોય તેમ કશું જોયું નથી તેવું બતાવે રાખે.
યુધિષ્ઠિર: સત્યવાદી બોચિયો: એવો બિચારો કર્મચારી જેણે ક્યારેય મસ્ટરમાં ખોટી સહી કરી નથી અને મરવા પડ્યા સિવાય ક્યારેય માંદગીની રજા પણ મૂકી નથી.
ભીમ: લડાઈખોર આખલો: એવો ઉતાવળિયો અને ઝઘડાળુ કર્મચારી જે તેના ઉપરી અધિકારીઓ, હાથ નીચેના કર્મચારીઓ, ગ્રાહકો અને બોસ સાથે પણ ઝઘડવાનું બહાનું શોધતો જ હોય.
અર્જુન: છેલછબીલો મીઠાબોલો હીરો: ઓફિસમાં સૌથી શ્રેષ્ઠ કામનો એવોર્ડ મેળવનાર અને પોતાની આવડત અને મીઠાશથી બધા સ્ટાફ, ગ્રાહકો અને બોસની નજરોમાં હીરો અને ઓફિસની મહિલાઓનો પ્રીતિપાત્ર.
નકુલ અને સહદેવ: એવરેજ કર્મચારી: આપેલું કામ કર્યાં કરે અને જેમની ખાસ નોંધ ના લેવાય એવા સામાન્ય કર્મચારી.
દુર્યોધન: ભૂરાંટો બળદિયો: મીઠા શબ્દોથી, લાંચ આપીને કે ધમકી આપીને એમ યેન કેન પ્રકારેણ પોતાનું કામ કઢાવી લે તેવો મતલબી અધિકારી, જે નકુલ અને સહદેવ જેવાં કર્મચારીઓને બીવડાવીને પણ પોતાનું કામ કરાવી લે.
કર્ણ: કમનસીબ હીરો: ઓફિસનું શ્રેષ્ઠ કામ કરતો હોવા છતાં ક્યારેય તેનો જશ મળતો ના હોય એવો કમનસીબ હીરો, જેની મહિલાઓ પણ ઉપેક્ષા કરે છે.
શકુની: દુષ્ટ પંચાતિયો: ઓફીસની દરેક નાની વાતમાં પણ ચંચુપાત કરી લોકોને લડાવી મારી તમાશો જોવાનો શોખીન.
દુષ્ટદુમ્ન: ફક્ત એક વારનો વિજેતા:ઓફિસમાં માત્ર એક વખત નોંધપાત્ર કામગીરી બતાવી પછી બાકીની આખી જીન્દગી તેની બડાઈ હાંકવાવાળો કર્મચારી.
શ્રીકૃષ્ણ: ઓફિસનો આખરી માલિક: જે જાણે છે કે ઓફીસના બધા કર્મચારીઓ તેના માટે અને તેની ઈચ્છા મુજબ કામ કરી રહ્યા છે, પરંતુ તે દરેકને એવું લાગવા દે છે કે તે બધા કોઈ અગત્યની કામગીરી કરી રહ્યા છે.
એક ચોખવટ જરૂરી છે. આ જોક્સ અને વ્યંગ વાર્તાઓ મારા લખેલ નથી. ઈન્ટરનેટ, ફેસબુક અને વોટ્સ એપ પર વાંચેલી પોસ્ટમાંથી મારી પસંદગીની પોસ્ટ અહીં રજુ કરી છે. તે તમામ નામી-અનામી મૂળ લેખકોનો હું આભાર માનું છું.
અગાઉનો લેખ “હાસ્યગીત અને શાયરી” વાંચવા માટે અહીં ક્લિક કરો.
અગાઉનો લેખ “English Vinglish” વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ રમુજો કેવી લાગી તે “મારો અભિપ્રાય” કોલમમાં જણાવવા વિનંતી છે.
– સુરેશ ત્રિવેદી
Nice bapu
Nice to read and enjoyable sir. Banker with writer. Great