શું તમારા લોહીમાં લોખંડ છે ?

શું તમારા લોહીમાં લોખંડ છે ?

blood

 

આ પ્રશ્ન વાંચીને આશ્ચર્ય ના અનુભવતા અને તેનો જવાબ ‘ના’માં તો આપતા જ નહીં, કારણકે દરેક પ્રાણીના લોહીમાં અમુક પ્રમાણમાં લોખંડ (Iron) એટલે કે “લોહતત્વ” હોય જ છે અને એટલા માટે તો “લોહ” ઉપરથી તેનું નામ “લોહી” આવ્યું છે….

મોટાભાગના લોકો એ જાણે છે કે આપણા લોહીનો લાલ રંગ તેમાં રહેલા રક્તકણને લીધે હોય છે. હવે વધારાની માહિતી તરીકે એ પણ જાણી લો કે રક્તકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીનને આભારી છે.

હિમોગ્લોબીન શું છે ?

હિમ એટલે લોહતત્વ અને ગ્લોબીન છે કે જાતનું પ્રોટીન. આમ લોહતત્વ અને પ્રોટીનનું બનેલું છે હિમોગ્લોબીન. 

હિમોગ્લોબીન શા માટે જરૂરી છે ?

આપણું શરીર કરોડો કોષોનું બનેલું છે. આ દરેક કોષને જીવંત રહેવા માટે અને તેનું કાર્ય સારી રીતે કરવા માટે ઓક્સિજનની સતત જરૂર પડે છે.

આપણે નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ, તે ફેફસામાં જાય છે, જ્યાં શ્વાસમાં રહેલો ઓક્સિજન લોહીમાં રહેલા હિમોગ્લોબીનમાં ભળે છે. આ ઓક્સિજનવાળું લોહી (શુધ્ધ લોહી) જયારે શરીરનાં બધાં અંગોમાં વહે છે, ત્યારે શરીરના બધા કોષોને ઓક્સીજન પૂરો પાડે છે.

હવે જો લોહીમાં હિમોગ્લોબીન નિર્ધારિત માત્રાથી ઓછું હોય, તો લોહીમાં ઓક્સીજન પણ ઓછો ભળે. પરિણામે શરીરના કોષોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળે નહિ. જેને લીધે તે બધા કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે નહીં. આવા સંજોગોમાં શરીરને થાક, સુસ્તી, અશક્તિ, ચક્કર આવવાં, ગભરામણ થવી, શ્વાસ ચઢવો, પગમાં સોજા ચઢવા જેવી અનેક તકલીફો થઇ શકે છે. આવું ન થાય એટલા માટે આપણા લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોવું ખુબ જરૂરી છે.

પૂરતું હિમોગ્લોબીન એટલે કેટલું?

હાલનાં ધારાધોરણ મુજબ પુરુષનું હિમોગ્લોબીન લેવલ ૧૩ થી ૧૭ G% અને સ્ત્રીનું હિમોગ્લોબીન ૧૨.૫ થી ૧૫ G% હોવું જોઈએ.

હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા શું કરવું?

સૌ પહેલાં આપણે સમજવું પડશે કે હિમોગ્લોબીન બનવા માટે શું જરૂરી છે. તો જાણી લો કે હિમોગ્લોબીનના ત્રણ અગત્યના ઘટક છે: લોહતત્વ (Iron), ફોલિક એસીડ (Folic Acid), અને વિટામીન બી૧૨ (Vitamin B12). આ ત્રણે ઘટકમાં લોહતત્વ સૌથી અગત્યનું છે. તેથી શરીરમાં લોહતત્વનું પ્રમાણ વધારવામાં આવે તો હિમોગ્લોબીનનું પ્રમાણ આપોઆપ વધે છે.

શરીરને લોહતત્વ મુખ્યત્વે ખોરાકમાંથી મળે છે. આપણું શરીર જરૂર પૂરતા લોહતત્વનો ઉપયોગ કરે છે અને વધારાના લોહતત્વને યકૃત (Liver), ફેફસાં અને હૃદયમાં જમા કરે છે. જયારે શરીરને લોહતત્વની ઉણપ ઉભી થાય, ત્યારે આ વધારાના લોહતત્વનો ઉપયોગ થાય છે. કુદરતની કેવી અદભૂત વ્યવસ્થા !!

હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે દરેક વ્યક્તિ એ દરરોજના ખોરાકમાં કેટલું લોહતત્વ લેવું જોઈએ:

લોહતત્વની દરરોજની જરૂરિયાત –મિલી ગ્રામમાં (WHO ના માપદંડ પ્રમાણે)

 • ૧ વર્ષ સુધીનું બાળક                               ૦.૫
 • ૧ થી ૧૨ વર્ષ સુધીનું બાળક                   ૧.૦
 • કિશોર                                                      ૧.૮
 • પુખ્ત પુરુષ                                              ૦.૯
 • માસિક આવતું હોય તેવી સ્ત્રી                    ૨.૪
 • ગર્ભવતી સ્ત્રી                                            ૩.૫
 • માસિક ના આવતું હોય તેવી સ્ત્રી              ૦.૯

તમારે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું છે?

જો તમારે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવું હોય, તો સૌથી સારો ઉપાય એ છે કે તમારે જે ખોરાકમાં લોહતત્વ વધારે હોય તેવો ખોરાક લેવો જોઈએ. તો હવે જાણીએ કે ક્યા ખોરાકમાં લોહતત્વ વધારે છે:

શાકભાજી:

 • પાલક
 • બીટ
 • રીંગણ
 • ગાજર
 • ટામેટાં
 • ડુંગળી
 • ફુદીનો

ફળ:

 • કેળાં
 • અખરોટ
 • સફરજન
 • જરદાલુ
 • કાળી દ્રાક્ષ

અન્ય ખોરાક:

 • ચાળ્યા વગરનો ઘઉંનો લોટ (Whole Wheat)
 • સાઠી ચોખા (Brown Rice)
 • બાજરી
 • કઠોળ
 • સોયાબીન
 • ગોળ
 • મધ
 • બદામ
 • ખજુર
 • અમુક માંસાહારી ખોરાક

લોહતત્વવાળો ખોરાક લેવાની સાથે તમારે થોડી બીજી વાતોનું પણ ધ્યાન રાખવું પડશે:

શરીર ક્યારે લોહતત્વ ગુમાવે:

 • દરેક વ્યક્તિ પરસેવો, આંસુ, પેશાબ અને ઝાડા મારફત થોડું લોહતત્વ દરરોજ ગુમાવે જ છે.
 • સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન મોટી માત્રામાં લોહતત્વ વહી જાય છે. આથી આવી સ્ત્રીઓએ વધુ લોહતત્વવાળો ખોરાક લેવો વધુ જરૂરી છે.
 • તે જ રીતે ગર્ભવતી સ્ત્રીઓએ તેના પેટમાં રહેલ બાળકના સારા પોષણ માટે વધુ લોહતત્વવાળો ખોરાક લેવો ખૂબ જરૂરી છે.
 • જો કરમિયાની તકલીફ હોય અથવા કોઈ લાંબા સમયની માંદગી હોય તો પણ શરીરમાં લોહતત્વ ઓછું થઇ જાય છે. આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ મુજબ પગલાં લેવાં.

લોહતત્વ કઈરીતે લોહીમાં ભળે:   

 • પ્રાણીજ ખોરાક (માંસાહારી ખોરાક તથા દૂધ અને તેની બનાવટો)માં રહેલું લોહતત્વ શરીરમાં જલ્દીથી શોષાઈ જાય છે.
 • પરંતુ વનસ્પતિજન્ય ખોરાકમાં રહેલું લોહતત્વ શરીરમાં જલ્દીથી શોષાતું નથી. આથી શાકાહારી લોકોમાં લોહતત્વની ખામી વધારે જોવા મળે છે.
 • ધાવણાં બાળકોને તેમની માતાના દૂધમાંથી પૂરતું લોહતત્વ મળી રહે છે. પણ જો આ બાળકો બહારના દૂધ પર રહેતાં હોય તો તેમને લોહતત્વની ઉણપ ઉભી થાય છે.
 • “વિટામીન સી” ની હાજરીમાં લોહતત્વ શરીરમાં સારી રીતે શોષાય છે. આથી લોહતત્વવાળા ખોરાકની સાથે લીંબુ કે સંતરા જેવાં વિટામીન સી ધરાવતાં ફળ લેવાથી વધારે ફાયદો થાય છે.
 • પરંતુ “કેલ્શિયમ”ની હાજરીથી શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો થાય છે. એટલા માટે લોહતત્વવાળા ખોરાકની સાથે દૂધ લેવામાં આવે તો દૂધના કેલ્શિયમને લીધે ખોરાકનું લોહતત્વ શરીરમાં બરાબર ભળતું નથી.   
 • ઘઉંના થુલામાં રહેલ ફાય્ટીક એસીડ (Phytic Acid) પણ શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
 • ચા અને કોફીમાં રહેલ કેફીન અને ટેનિન પણ શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે. માટે જમવાની સાથે કે જમ્યા પછી તરતજ ચા કે કોફી લેવાં જોઈએ નહીં.
 • લોહતત્વની ઉણપ ગરીબ અને પૈસાદાર બંને વર્ગને નડે છે. ગરીબ વર્ગને પોષક ખોરાકના અભાવે અને પૈસાદાર વર્ગને રીફાઇન્ડ, રેફ્રિજરેટેડ અને જંક ખોરાકની આદતોને લીધે લોહતત્વની ઉણપ થાય છે. જોકે ગરીબ વર્ગ લોઢાનાં વાસણ, ચપ્પુ વિગેરે વાપરે છે, તેથી તેમને લોહતત્વની થોડીઘણી પૂરણી થઇ જાય છે.
 • જો તમે ડોક્ટરની સલાહ મુજબ લોહતત્વની ગોળીઓ કે દવા લેતા હો તો જાણી લો કે જમ્યા બાદ આ ગોળીઓ લઈએ તો શરીરમાં લોહતત્વ ઓછું શોષાય છે. પરંતુ જો આ ગોળીઓ ભૂખ્યા પેટે લઈએ તો પેટમાં બળતરા અને બીજી અનેક તકલીફો કરે છે. તેથી આવી ગોળીઓ જમ્યા પછી લેવી હિતાવહ છે. ઉપરાંત આ ગોળીઓ દૂધ સાથે લેવી ના જોઈએ, કારણકે દુધમાં રહેલા કેલ્શિયમને લીધે લોહતત્વ શરીરમાં બરાબર ભળતું નથી. આમ છતાં દવાઓને લગતા દરેક સૂચનનો અમલ યોગ્ય ડોક્ટરની સલાહ મુજબ જ કરવો.
 • છેલ્લે એ પણ જાણી લો કે “અતિ સર્વત્ર વર્જ્યતે”, અર્થાત્ શરીરમાં લોહતત્વનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય, તો વધારાનું લોહતત્વ યકૃત, હૃદય અને ફેફસાંમાં એકઠું થાય છે અને આ અંગોને નુકસાન પહોંચાડે છે. એટલે ડોક્ટરની સલાહ વગર લોહતત્વની દવાઓ લેવી ના જોઈએ તેમજ ડોક્ટર દ્વારા નિર્ધારિત સમયથી વધારે ચાલુ પણ ના રાખવી જોઈએ.

(સંદર્ભ અને આભાર : ડો. મદન કટારિયા (લાફ્ટર ક્લબના આદ્યસ્થાપક)ના અંગ્રેજી મેગેઝીન “ડોક્ટર”ના નવેમ્બર ૧૯૭૭નો અંક)    

ડિસ્ક્લેમર:આ પેજ અને આ બ્લોગનાં બીજાં બધાં પેજમાં બતાવેલી ટીપ્સનો અમલ નિષ્ણાત ડોક્ટરની સલાહ લીધા પછી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જ કરવો.
તમારો અભિપ્રાય, સલાહ-સૂચન અને અનુભવ અહી "મારો અભિપ્રાય" કોલમમાં બધા સાથે વહેંચશો એવી અપેક્ષા રાખું છું.
આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “પહેલું સુખ તે .....” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉના લેખ “કબજીયાત નો ક...” પર જવા માટે અહીં ક્લિક કરો. 
આના પછીના લેખ “શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?” પર જવા અહીં ક્લિક કરો.

આ સાથે આ લેખનું સમાપન કરું છું. આશા છે કે વાચકોને ઉપયોગી માહિતી મળી હશે.

-સુરેશ ત્રિવેદી  

Advertisements

One thought on “શું તમારા લોહીમાં લોખંડ છે ?

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s