૨) અંગદાન-શ્રેષ્ઠદાન

dan0

આપણે અગાઉના લેખમાં જોયું કે અંગદાન શા માટે સર્વે પ્રકારનાં દાનમાં શ્રેષ્ઠદાન ગણાય છે.

હવે આપણે જોઈશું કે અંગદાન એટલે શું અને આપણા શરીરનાં કેટલાં અને કયાં કયાં અંગોનાં દાન કરી શકાય છે, આવું દાન કોણ, ક્યારે તથા કઈ રીતે કરી શકે છે અને અંગદાનઇચ્છુક વ્યક્તિ તે માટેની નોંધણી કઈ રીતે કરી શકે છે.

અંગદાન એટલે શું?

તંદુરસ્ત માનવ શરીરનાં કેટલાક અંગો તે વ્યક્તિ અને/અથવા તેનાં કુટુંબીજનોની સંમતિ મેળવ્યા પછી યોગ્ય ડોકટરો દ્વારા સલામત રીતે કાઢી લઈને જે દર્દીઓનાં આવાં અંગો ખરાબ થયાં હોય તેમને આ અંગો બેસાડવામાં આવે છે એટલે કે ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવામાં આવે છે અને તે દર્દીઓને ફરી તંદુરસ્ત બનાવવામાં આવે છે.

જો જીવંત વ્યક્તિ અંગદાન કરતી હોય, તો તેની પોતાની તંદુરસ્તીને અસર ના થાય, તેવાં અને તેટલાં જ અંગો લેવામાં આવે છે, જેવાં કે રક્ત, એક કીડની, યકૃતનો એક ભાગ, ફેફસાંનો એક ભાગ વિગેરે. જયારે હૃદય, આંખો, બંને કીડની જેવાં જરૂરી અંગો ફક્ત મૃત્યુ કે મગજમૃત્યુ પામેલ વ્યક્તિનાં જ લઇ શકાય છે.       

કયાં અંગોનું દાન કરી શકાય?

કઈ વ્યક્તિ કયાં અંગોનું દાન કરી શકે તે વિગત નીચેના કોઠામાં સરળ રીતે સમજાવી છે:

જીવંત વ્યક્તિ કુદરતી રીતે મૃત વ્યક્તિ બ્રેઈન ડેડ વ્યક્તિ 
રક્ત

અસ્થીમજ્જા (બોનમેરો)

એક કિડની

યકૃતનો ભાગ

ફેફસાંનો ભાગ

સ્વાદુપિંડનો ભાગ  

આંખો

હૃદયના વાલ્વ

ચામડી

હાડકાં અને સ્નાયુબંધ

અસ્થિકૂર્ચા

ધમની અને શીરા (લોહીની નળીઓ)

બંને કિડની, યકૃત (લીવર)

ફેફસાં, સ્વાદુપિંડ

નાનું આંતરડું

સ્વરપેટી, હાથ

ગર્ભાશય, અંડાશય

ચહેરો, આંખો

કાનના ભાગો, ચામડી

હાડકાં અને સ્નાયુબંધ

અસ્થિકૂર્ચા

ધમની અને શીરા (લોહીની નળીઓ)

હાથ અને પગની આંગળીઓ    

અંગદાન કોણ કરી શકે?

 • પુખ્તવયની દરેક વ્યકિત અંગદાન કરી શકે છે. જો માતાપિતા સંમતિ આપે તો બાળકો પણ અંગદાન કરી શકે છે.
 • કેન્સર, એચઆઈવી, કે ચેપી રોગવાળી વ્યક્તિ અંગદાન કરી શકે નહીં.
 • વ્યક્તિની ઉંમર મુજબ નીચે પ્રમાણે અંગોનાં દાન થઇ શકે:
  • ૧૦૦ વર્ષ સુધીની વ્યક્તિ: ફક્ત આંખો અને ચામડી
  • ૭૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, કીડની, યકૃત
  • ૫૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદય, ફેફસાં 
  • ૪૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદયના વાલ્વ

અંગદાનના વિવિધ પ્રકાર:

૧) જીવંત વ્યક્તિ દ્વારા નજીકનાં સગાંને અંગદાન:

જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ પોતાનાં નજીકનાં સગાંને દાન કરે છે. નજીકનાં સગાંમાં માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પૌત્ર–પૌત્રી, પતિ-પત્ની નો સમાવેશ થાય છે.

૨) જીવંત વ્યક્તિ દ્વારા સગપણ સિવાયની વ્યક્તિને અંગદાન:

જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ લાગણીના સંબંધથી જોડાયેલી વ્યક્તિને દાન કરે છે. આમાં સારો મિત્ર, સંબંધી, પાડોશી અને શ્વસુરપક્ષનાં સગાંનો સમાવેશ થાય છે.

૩) મૃત વ્યક્તિ દ્વારા અંગદાન:

જો કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી હોય તો તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરી મેળવ્યા પછી તેનાં અંગોનું પ્રત્યારોપણ વેઇટિંગ લીસ્ટમાંથી યોગ્ય વ્યક્તિને કરાય છે.

કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી ના હોય તો પણ તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરીથી તેનાં અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે.

જે દર્દીને આવાં અંગદાનની જરૂર હોય તેમણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

અંગદાન કરવા માટેની જરૂરિયાતો:

જો કોઈ વ્યક્તિ ઘેર મૃત્યુ પામે તો તેનાં અંગોમાંથી ફક્ત આંખો, ચામડી અને અમુક ટીસ્યુ જ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય રહે છે અને તે પણ મૃત્યુ બાદ તરતજ કાઢી લેવામાં આવે તો જ. કારણકે બાકીનાં બધાં અંગો તો તે વ્યક્તિના મૃત્યુ સાથે જ મૃત્યુ પામે છે.

હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવાં અગત્યનાં અંગો ફક્ત હોસ્પીટલના આઈસીયુ (ICU)માં રહેલા મગજમૃત્યુવાળા (બ્રેઈનડેડ) વ્યક્તિનાં જ કામ લાગે છે, કારણકે પ્રત્યારોપણ માટે આવાં અંગો કાઢી લેવામાં આવે ત્યાં સુધી તેમાં લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજનનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. એટલા માટે આવા દર્દીને વેન્ટીલેટર પર રાખવા જરૂરી છે, જેથી તેના શરીરનાં બધાં અંગોને ઓક્સિજન સતત મળતો રહે.        

અંગદાનનો ખર્ચ:

અંગદાતાના કુટુંબને પ્રત્યારોપણને લગતા કોઈપણ ખર્ચ ભોગવવાના હોતા નથી.

પરંતુ અંગદાન સ્વીકાર કરનાર દર્દીને પ્રત્યારોપણ ઓપરેશનનો ખાસ્સો એવો ખર્ચ થાય છે. ઉપરાંત આવા દર્દીએ ઓપરેશન બાદ જિંદગીપર્યંત દવાઓ લેવી પડે છે, જેના આશરે ખર્ચની વિગત નીચે મુજબ છે:

પ્રત્યારોપણનાં અંગ   ઓપરેશનનો ખર્ચ ઓપરેશન બાદનો ખર્ચ
આંખો સરકારી હોસ્પીટલ આશરે રૂ ૮૦૦૦
ખાનગી હોસ્પીટલ ૩૫ થી ૬૫ હજાર
કીડની સરકારી હોસ્પીટલ ૬૦ હજાર પહેલું વર્ષ: માસિક ૧૫ થી ૨૦ હજાર

૨ થી ૫ વર્ષ: માસિક ૮ થી ૧૦ હજાર

૫ વર્ષ પછી માસિક ૫ હજાર 

ખાનગી હોસ્પીટલ સમાન બ્લડ ગ્રુપ -૩.૫ થી ૫.૫ લાખ

વિરુદ્ધ બ્લડ ગ્રુપ -૮ થી ૧૫ લાખ

યકૃત સરકારી હોસ્પીટલ ૭ થી ૮ લાખ પહેલા ત્રણ મહિના: માસિક ૩૦ થી ૪૦ હજાર

૪ થી ૬ મહિના: માસિક ૨૫ હજાર

ત્યાર બાદ માસિક ૧૦ હજાર 

ખાનગી હોસ્પીટલ ૧૮ થી ૩૦ લાખ
હૃદય સરકારી હોસ્પીટલ
ખાનગી હોસ્પીટલ ૧૦ થી ૧૬ લાખ પહેલું વર્ષ: માસિક ૩ થી ૪ હજાર

ત્યાર બાદ ઘટતો જાય

માનવઅંગોનું વેચાણ:

માનવ શરીરનાં કોઈપણ અંગોનું વેચાણ કે ખરીદી “ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગેન્સ એક્ટ” હેઠળ પ્રતિબંધિત છે. આ કાયદાના ભંગ માટે દંડ અને કેદની સજાનું પ્રાવધાન છે.

અન્ય અગત્યની માહિતી:

 • એક વ્યક્તિની બે આંખો (વાસ્તવમાં કોર્નિયા એટલેકે કીકી) દાનમાં મળે તો બે આંધળા માણસોને એક એક આંખ આપીને બંનેને દેખતા કરાય છે.
 • દાનમાં મળેલ એક લીવરમાંથી સાત દર્દીને લીવર પ્રત્યારોપણ કરી શકાય છે.
 • ચામડીનું પ્રત્યારોપણ દાઝી ગયેલી વ્યક્તિઓ માટે જરૂરી હોય છે.
 • બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઓછું છે.
 • અંગદાનનું સૌથી ઊંચું પ્રમાણ સ્પેનમાં છે -૩.૬ અંગદાન દર એક લાખ વ્યક્તિએ. જેની સામે આપણા દેશનો દર છે ૦.૫ અંગદાન દર એક લાખ વ્યક્તિએ.
 • આપણા દેશમાં તીવ્ર ડાયાબિટીસ અને ઊંચા બ્લડપ્રેશરના વધતા જતા પ્રમાણથી કીડની નિષ્ફળ જવાના કિસ્સા વધતા જાય છે.

દિલને સ્પર્શી જાય એવા અંગદાનના પ્રસંગો:

૧) ૦૪-૦૮-૨૦૧૫ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ફેબ્રુઆરી ૨૦૧૫માં રીટા દેસાઈ નામની ૫૭ વર્ષની સ્ત્રીને રોડ એકસીડન્ટ થયા પછી ડોક્ટરોએ તેણીને બ્રેઈનડેડ જાહેર કરી. રીટાનાં કુટુંબીજનોએ ડોક્ટરોની સલાહ પર ચર્ચા-વિચારણા પછી રીટાનાં કીડની, લીવર અને આંખોનું દાન કર્યું. રીટાની એક કીડની અનિતા ઘરાત નામની ૪૨ વર્ષની એક સ્ત્રીને આપવામાં આવી, જે સાત વર્ષથી ડાયાલીસીસને આધારે મુશ્કેલ જિંદગી જીવતી હતી. બીજી કીડની ૧૨ વર્ષના એક છોકરાને આપવામાં આવી.

રીટાનાં કુટુંબીજનો ચુસ્ત જૈન હતાં. તેમને જયારે જાણ થઇ કે અનિતા માંસાહારી છે, ત્યારે તેમણે અનિતાને વિનંતી કરી કે રીટા ખુબ ધર્મિષ્ઠ અને ચુસ્ત શાકાહારી હતી, તેથી અનિતા માંસાહારી ખોરાક ના લે તો રીટાનો આત્મા ઘણો રાજી થશે. રીટાનાં કુટુંબીજનોની લાગણી ધ્યાનમાં રાખી નવજીવન પામેલી અનિતા સાથે તેના સમગ્ર પરિવારે પણ માંસાહારનો ત્યાગ કરીને આભાર પ્રગટ કર્યો.

૨) અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતાં ૫૦ વર્ષનાં સવિતાબેન પ્રજાપતિ અને તેમની દીકરી નીલમ લોકોના ઘરે કામ કરીને જીવન ગુજારતાં હતાં. સવિતાબેનને અક્સ્માત થવાથી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં. ડોક્ટરોની સલાહ માનીને ફક્ત નવ ધોરણ ભણેલી અને ચાર ઘરે કામ કરીને ઘર ચલાવતી પણ ઉદાર હૃદય અને ઊંચા વિચારવાળી નીલમે એક ક્ષણની પણ રાહ જોયા સિવાય તેની માતાની બંને કીડનીનું દાન કરવાની સંમતિ આપી દીધી.

ડોક્ટરોએ નીલમનાં મોંફાટ વખાણ કરતાં કહ્યું કે ભણેલ-ગણેલ વર્ગને પણ અંગદાન માટે સમજાવતાં નાકમાં દમ આવી જાય છે, પરંતુ ગરીબ વર્ગની આ ઉદાર કન્યાએ નિસ્વાર્થભાવે તરત જ અંગદાન માટે સંમતિ આપી. એટલું જ નહીં, તેણીએ આ અંગો કોને આપવામાં આવે છે, તે જાણવાની પણ ઈચ્છા રાખી નહોતી. ધન્ય છે નીલમ ! એક અનન્ય ઉદાહરણ પૂરું પાડવા માટે માનવસમાજ તારો આભારી છે.                           

૩) અમદાવાદની ૪૩ વર્ષની જયશ્રી ઝેરી મેલેરીયામાં સપડાઈ. લોહીમાં શ્વેતકણો એકદમ ઘટી જવાથી ડોક્ટરોએ તાત્કાલિક ૫ બોટલ લોહી ચડાવવું પડશે તેમ જણાવ્યું. જયશ્રીનાં પરિવારજનો એ દોડાદોડી કરીને ચાર બોટલ લોહી તો એકઠું કર્યું, પરંતુ એક બોટલ ખૂટતી હતી. છેવટે કોઈ જાણકાર મારફત બ્લાઈંડ પીપલ્સ એસોસિએશનમાં ફોન કર્યો. ફોન પર સમાચાર મળતાં જમવા બેઠેલો ૨૩ વર્ષનો અશ્વિન પરમાર થાળી પડતી મૂકી લોહી આપવા પહોંચી ગયો અને એક પણ સવાલ પૂછયા સિવાય રક્તદાન કરી દીધું. આ બહાદુર અને દિલદાર અશ્વિનને ખાસ સલામ એટલા માટે કે તે સંપૂર્ણપણે અંધ છે, છતાં અત્યાર સુધીમાં આ રીતે ૯ વખત રક્તદાન કરી ચૂક્યો છે ! ધન્ય છે યુવાન અશ્વિન તને અને તને જન્મ આપનારી માતાને ! (નવગુજરાત સમય. તા. ૧૮-૦૯-૨૦૧૫)

૪) ૬૨ વર્ષના ભીમસેન જોશી અને ૬૪ વર્ષના વેણુગોપાલની બંન્ને કિડનીઓ ખરાબ થઇ ગઈ હતી. આ બંને દર્દીઓની પત્નીઓ પોતાના પતિને એક કિડનીનું દાન કરવા તૈયાર હતી, પરંતુ પતિ અને પત્નીનું બ્લડગ્રુપ મેચ થતું નહોતું, જેથી પત્નીઓની કિડનીનું પ્રત્યારોપણ પતિઓને કરવું શક્ય નહોતું.

પરંતુ ડોક્ટરોના ધ્યાનમાં આવ્યું કે જોશીનાં પત્ની અનુરાધાનું બ્લડગ્રુપ વેણુગોપાલ સાથે મેચ થાય છે અને વેણુગોપાલનાં પત્ની સાવિત્રીનું બ્લડગ્રુપ ભીમસેન જોશી સાથે મેચ થાય છે. એટલે અનુરાધા અને સાવિત્રી એકબીજાના પતિઓને કીડની આપવા સંમત થઇ.

નજીકના સગાં સિવાય અંગદાન કરવાનું હોય ત્યારે તેમાં પૈસાની આપલે ના થાય તેનું ખાસ ધ્યાનમાં રાખવું પડે છે. એટલા માટે માન્ય સરકારી કમિટી દ્વારા પૂરી તપાસ અને મંજુરી બાદ, તા.૨૪-૦૬-૨૦૧૫ના રોજ બેંગલોર ખાતે સફળ ઓપરેશનથી બંને દર્દીઓ નવી કીડની દ્વારા નવજીવન પામ્યા.

૫) તા. ૦૭-૦૭-૨૦૧૫ના રોજ નવસારીના મહેશભાઈ મિસ્ત્રી રોડ એકસીડન્ટમાં ઈજાગ્રસ્ત થયા. બેભાન હાલતમાં લાવેલ મહેશભાઈને સુરતની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કર્યા. તા. ૦૯-૦૯-૨૦૧૫ના રોજ ડોક્ટરોએ તેમણે બ્રેઈન ડેડ જાહેર કર્યા. સુરતની સ્વયંસેવી “ડોનેટ લાઈફ સંસ્થા”ના પ્રમુખ શ્રી નીલેશ માંડલેવાલાએ મૃતકના પરિવારને મૃતકનાં અંગોનું દાન કરવા સમજાવ્યા. પરિવારની સંમતિ મળ્યે અમદાવાદ ની કીડની હોસ્પિટલનો સંપર્ક સાધી મૃતકનાં બંને કીડની અને લિવરનું દાન સ્વીકારવામાં આવ્યું. દાનમાં મળેલું લિવર અમદાવાદના ૫૪ વર્ષીય કનૈયાલાલ પટેલને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. બંને કીડની પૈકી એક બનાસકાંઠાનાં ૩૨ વર્ષીય દરીયાબેન બારોટને અને બીજી કીડની વડોદરાના ૫૨ વર્ષીય ભરતભાઈ વ્યાસને આપવામાં આવી.                    

અંગદાન રજીસ્ટ્રેશન:

ઉપરોક્ત માહિતી જાણ્યા પછી જો તમે અંગદાન કરવા માટે માનસિક રીતે તૈયાર હો તો તેના માટેની વિધિ જાણી લો:

૧) આ વેબસાઈટ પર જાઓ: http://www.organdonationday.in

૨) તમારું નામ, સરનામું, ઇમેલ આઈડી વિગેરે વિગતો અને જે અંગોનું દાન કરવાની ઈચ્છા હોય તેની વિગત નિયત ફોર્મમાં ઓનલાઈન ભરો અને સબમિટ કરો.

૩) તમને તરત જ “ડોનર કાર્ડ”ની સોફ્ટ કોપી મળશે. હાર્ડ કોપી પાછળથી ટપાલ મારફત મળશે.

૪) તમારાં કુટુંબીજનોને તમારા શુભ ઈરાદાની જાણ કરો, જેથી તેઓ તમારા મૃત્યુ અથવા મગજમૃત્યુના કમનસીબ બનાવ સમયે હોસ્પિટલ સત્તાવાળાઓને તમારી ઉમદા ઈચ્છા જણાવીને તે મુજબ જરૂરી કાર્યવાહી કરી શકે. 

૫) ધ્યાનમાં રહે કે આવાં સમયે તમારી ઈચ્છા જાહેર કરી હોવા છતાં, તમારાં અંગોનાં દાન માટે તમારાં કુટુંબીજનોની સંમતિ આવશ્યક છે.

તો શ્રેષ્ઠ દાનવીર બનવા માટે તમારે ફક્ત આટલું જ કરવાનું છે.

હજુ શું વિચાર કરો છો ?

આપની તંદુરસ્તીની શુભકામનાઓ સાથે આ લેખ પૂરો કરું છું.

અગાઉનો લેખ શ્રેષ્ઠ દાનવીર કોણ છે ? વાંચવા માટે અહીં ક્લિક કરો.
તમારો અભિપ્રાય, સલાહ-સૂચન અને અનુભવ બધાની સાથે વહેંચવા અહિ નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવશો એવી આશા રાખું છું.
તો આ બ્લોગનાં અન્ય પેજની પણ મુલાકાત લેવા અને આપને જે તે લખાણ કેવું લાગ્યું તે દરેક પેજની નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જરૂરથી જણાવવા વિનંતી.   
જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારું ઇમેલ આઈડી અહીં રજીસ્ટર કરીને આ બ્લોગના ચાહક બનવા વિનંતી છે. જેથી કરીને બ્લોગ પર જયારે જયારે નવી પોસ્ટ મુકાય ત્યારે આપને ઈમેલ દ્વારા જાણ થાય તેવી સુવિધા મળશે.  
મિત્રો, જો શક્ય હોય તો, આ બ્લોગનાં જે પેજ તમે વાંચો તેના પરનો તમારો અભિપ્રાય અને સલાહ-સૂચન દરેક પેજની નીચે આપેલ "મારો અભિપ્રાય"ના કોલમમાં આપવા વિનંતી છે. 

આપને જે પેજ પસંદ આવે, તે પેજને નીચેના ભાગમાં આપેલ લાઇક (like)ના બટન પર ક્લિક કરવા વિનંતી છે. 
દરેક પેજની આપની પસંદ અથવા નાપસંદ નીચે આપેલ "અહીં મૂલ્યાંકન કરો" કોલમમાં દર્શાવવા વિનંતી છે. 
જે પેજ તમને પસંદ પડે તેને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s