જુલાઈ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ના વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આ લેખમાળા લખવા પાછળનો મારો મૂળભૂત હેતુ આપને ટૂંકમાં જણાવી દઉં.

આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એટલા માટે મને વિચાર આવ્યો કે વાસ્તવિક જિંદગીમાંથી આવા મૂરખના સરદારને શોધીને તમારી સમક્ષ રજૂ કરું અને આપણે બધા મળીને તેને આપીએ “મૂરખનો સરદાર એવૉર્ડ”.

મિત્રો, મેં વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં દર અઠવાડિયે “મૂરખનો સરદાર એવૉર્ડ” અર્પણ કરવાની આ લેખમાળા શરુ કરી, ત્યારે મને થોડી આશંકા હતી કે કદાચ દર અઠવાડિયે આ એવોર્ડના યોગ્ય દાવેદાર મળશે કે નહીં. ખરેખર એવું બનત, એટલેકે કોઈ અઠવાડિયે લોકોની મૂર્ખાઈનો એક પણ કિસ્સો વાંચવા ના મળત, તો મને ઘણો આનંદ થાત. પરંતુ અફસોસની વાત છે કે લોકોની મૂર્ખાઈના કિસ્સાઓ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં છાપાઓમાં પ્રકાશિત થયા કરે છે. વળી છાપામાં આવતા નથી એવા તો કેટલાય કિસ્સાઓ બનતા હશે, એ તો અલગ !!!

વાસ્તવમાં આ લેખમાળા શરુ કરવા પાછળનો મારો હેતુ મૂર્ખાઈભર્યાં કામ કરનારાઓની મજાક ઉડાવવાનો જરાપણ નથી, પરંતુ આવા કિસ્સાઓ વાંચીને લોકો સજાગ બને અને આવા બનાવો ફરીથી ના બને તે દ્રષ્ટિકોણથી આ લેખમાળા શરુ કરી છે. તો આપ સર્વેને સજાગ અને સાવચેત બનવાની વિનંતી સાથે આપણે આગળ વધીએ નવા એવોર્ડ વિજેતાની શોધમાં ……..

૧) આપણી જૂની અને જાણીતી કહેવત ફરી યાદ કરવી પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે”! લોકોને ‘સસ્તું’, ‘વધારે’ અને ‘મફત’ મેળવવાની લાલચ એટલી મોટી હોય છે કે ઠગાઈના આટલા બધા કિસ્સા બહાર આવે છે તો પણ લોકો તેમાંથી કંઈ પાઠ ભણતા નથી અને સંખ્યાબંધ લોકો અવારનવાર ઠગાઈનો ભોગ બન્યે જ જતા હોય છે. તાજેતરમાં જ સમાચાર વાંચ્યા કે અમદાવાદના એક “ઠગ પરિવારે” વધુ વ્યાજ આપવાની લાલચ આપીને “રુદ્રાક્ષ ચેરીટેબલ ટ્રસ્ટ”ના નામે અનેક સિનીયર સિટીઝન પાસેથી કરોડોની ડીપોઝીટ ઉઘરાવી લીધી અને પછી સમગ્ર પરિવાર છૂમંતર થઇ ગયો. વિગતવાર સમાચાર માટે જુઓ તા. ૨૪ અને ૨૫ જૂન ૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારોની આ ક્લિપસ.

240616

NS 250616

હવે તમે જ કહો કે વધુ વ્યાજ લેવા જતાં મુદ્દલ પણ ગુમાવનાર આ બધા લોકોને મૂરખના સરદાર કહેવાય કે નહિ ? તો ઉપરોક્ત ટ્રસ્ટના તમામ ઇન્વેસ્ટર્સ લોકોને સમર્પિત છે જુલાઈ ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.

૨) અદ્યતન ટેકનોલોજીના આ યુગમાં આપણી પાસે અનેક ગેજેટ્સ આવી ગયાં છે, જેના વડે આપણી જિંદગી સવલતવાળી અને મનોરંજક બની ગઈ છે. પરંતુ જો આ ગેજેટ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે ના કરીએ, તો ઘણાં ખતરનાક પરિણામો પણ આવી શકે છે.

“સેલ્ફી”ની ઘેલછા કેવી જીવલેણ નીવડી શકે છે તેના કિસ્સાઓ હવે તો વારંવાર જાણવા મળે જ છે. તાજેતરમાં જ તા. ૨૫-૦૬-૨૦૧૬ના નવગુજરાત સમયમાં સમાચાર વાંચ્યા કે દીવના દરિયાકાંઠે ફરવા ગયેલા અમદાવાદના વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓ સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં તણાઈ ગયા હતા. જોકે આસપાસના લોકોએ મહામહેનતે એક વિદ્યાર્થીને તો બચાવી લીધો હતો, પરંતુ હર્ષિલ નામના બીજા વિદ્યાર્થીનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘણા દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:

250616-3

અણમોલ જિંદગી ગુમાવનાર હર્ષિલ પ્રત્યે સહાનુભૂતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક ચીજ માટે પોતાની અણમોલ જિંદગીનું જોખમ લેવાની મૂર્ખાઈ કરવા માટે આ હર્ષિલને અર્પણ છે જુલાઈ ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” ! સાથેસાથે આપણે આશા રાખીએ કે આ વિદ્યાર્થીઓએ કરી તેવી બેવકુફીભરી અને જીવલેણ નીવડે એવી મૂર્ખાઈ બીજો કોઈ ના કરે.

૩) લોકોની મૂર્ખાઈના કિસ્સાઓ લખી લખીને હું હવે થોડો કંટાળ્યો છું, તે જ રીતે તમે બધા પણ આવા કિસ્સાઓ વાંચીને જરૂર કંટાળ્યા હશો. તો નવો કિસ્સો જાણતાં પહેલાં થોડી હળવાશ માણી લઈએ.

એક વ્યક્તિ દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મને સંતાન આપો. છેવટે એક દિવસ ભગવાન કંટાળીને પ્રગટ થયા અને બોલ્યા: ઓ મૂરખના સરદાર, પહેલાં લગ્ન તો કર !

જેમ સંતાનપ્રાપ્તિ માટે લગ્ન એ પ્રાથમિક શરત છે, તે જ રીતે લોટરીનું ઇનામ લાગવા માટે લોટરીની ટિકિટ ખરીદવી પડે એ પ્રાથમિક શરત છે. એટલા માટે જયારે કોઈપણ જાતની ટિકિટ ખરીદ્યા સિવાય તમને લોટરી લાગ્યાના સમાચાર મળે તો સર્વ પ્રથમ તમને એ સમાચાર પ્રત્યે શંકા થવી જ જોઈએ. જો તમને આવી શંકા ના જાગે તો તમારા આ લેખમાળાની એવોર્ડ અર્પણવિધિમાં ભાગીદાર બનવાના ચાન્સ ઘણા કહેવાય ! હા હા હા ….. અરે ભાઈ, ખોટું ના લગાડશો…. આ તો ખાલી મજાક જ હતી…

ઉપરોક્ત વાત ભલે મજાક સ્વરૂપે કહી હોય, પરંતુ મોટી રકમની લોટરી લાગી છે તેવા સમાચાર એસએમએસ, ઇમેલ અથવા ફોન મારફત જણાવીને ટેક્સ અને ખર્ચા માટે થોડી રકમ ભરો તેવું જણાવીને ઠગાઈ કરતા કિસ્સાઓ અવારનવાર જાણવા મળે છે. મોટાભાગના લોકો ઠગાઈની આવી યુક્તિથી માહિતગાર થઇ ગયા છે, તેથી આવા સંદેશા પર ધ્યાન આપતા નથી, પરંતુ દુઃખની વાત છે કે હજુ પણ ઘણા લોકો આવી ઠગાઈનો ભોગ બનતા જોવા મળે છે.   

અમદાવાદના જમાલપુર વિસ્તારનાં સાયરાબેન બુખારીને રૂ ૨૫ લાખની લોટરી લાગ્યાના સમાચાર ફોન મારફત મળ્યા, જેમાં લોટરીની રકમ મેળવવા માટે પહેલાં રૂ ૨૫ હજાર ટેક્સના ભરવાનું જણાવ્યું. સાવ મફતના ભાવમાં એટલે કે ૨૫ હજાર આપીને ૨૫ લાખ મેળવવાની લાલચમાં સાયરાબેને જણાવેલ બેંક ખાતામાં રૂ ૨૫ હજાર ભરી દીધા, એટલે વળી બીજા પૈસા ભરવાનો ફોન આવ્યો. આમ ટૂકડે ટૂકડે જુદાં જુદાં કુલ ૨૨ બેંક ખાતામાં રૂ ૪.૫૭ લાખ ભરાવ્યા. છેવટે પોતે છેતરાયા છે તેનું ભાન થતાં સાયરાબેને પોલીસ માં ફરિયાદ કરી. વિગતવાર સમાચાર માટે જુઓ ૨૯-૦૬-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.

NS-290616

તો લોટરીની ટિકિટ પણ લીધા વગર લોટરીનું ઇનામ લેવાની લાલચમાં મૂર્ખ બની જનાર અમદાવાદની આ મહિલાને આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ જુલાઈ ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”. સાથે સાથે આપણે બધા આશા રાખીએ કે આવા સમાચાર વાંચીને લોકોમાં જાગૃતિ આવે અને ‘સસ્તું’ કે ‘મફત’ મેળવવાની લાલચ છોડીને આ રીતે છેતરાઈ જતા અટકે.

૪) આણંદની એક મહિલાને એક અજાણ્યા વિદેશી યુવક સાથે ફેસબુક પર મિત્રતા થઇ. અવારનવાર ચેટીંગ કરતાં હોવાથી બંને જાણે કે મિત્રો બની ગયા. હવે આ યુવકે મહિલાને પરાણે ગીફ્ટ પાર્સલ મોકલ્યું. તે પછી દિલ્હીથી કુરિયર કંપનીનો ફોન આવ્યો કે પાર્સલ છોડાવવા રૂ ૩૫ હજાર ભરવા પડશે. તે મહિલા આટલા પૈસા ભરવા ખચકાતી હતી, તેવામાં તે યુવકનો ફોન આવ્યો કે પાર્સલમાં ૫૦ હજાર ડોલર છે, તે તું લઇ લેજે. હવે આ મહિલાને ૫૦ હજાર ડોલર એટલે કે રૂ ૩૩ લાખ મેળવી લેવાની લાલચ થઇ ગઈ, એટલે તેણીએ કુરિયરે જણાવેલા બેંક ખાતામાં રૂ ૩૫ હજાર ભરી દીધા. તે પછી કુરિયરનો ફરી ફોન આવ્યો કે પાર્સલમાં ડોલર હોવાથી કસ્ટમ વિભાગે કેસ કર્યો છે, જેની પતાવટ માટે રૂ ૭૦ હજાર ભરવા પડશે. કેસની વાતથી ગભરાઈને આ મહિલાએ રૂ ૭૦ હજાર પણ ભર્યા. તે પછી કુરીયરે ફરી ફોન કર્યો કે હવે રૂ ૧ લાખ ભરીને પાર્સલ છોડાવી લો. આ તબક્કે મહિલાને શંકા જાગવાથી તેણીએ તેના પતિને જાણ કરી, જેમણે પોલીસમાં ફરિયાદ કરી. વધુ વિગત જાણવા માટે જુઓ ૦૨-૦૭-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.       

NS-020716 

પૂરતી ઓળખાણ સિવાય મિત્રતા કરનાર અને વધુ પૈસા મેળવવાની લાલચમાં પોતાના પૈસા ગુમાવનાર આણંદની આ મહિલાને અર્પણ છે જુલાઈ ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉના મહિનાના “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો. 
હવે પછીના મહિનાના “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s