(૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

ved

પ્રકરણ (૧)માં આપણે શાસ્ત્રો વિષે પ્રાથમિક માહિતી મેળવી અને જોયું કે શાસ્ત્રોના બે મુખ્ય વિભાગો છે: શ્રુતિ અને સ્મૃતિ. પરંતુ વધુ વિગતવાર અભ્યાસ કરવા માટે હિંદુ ધર્મનાં બધાં શાસ્ત્રોને કુલ ૧૨ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે:

૧) વેદ:

પ્રાથમિક દ્રષ્ટીએ વેદના ચાર ભાગ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં સમાવિષ્ટ પદાર્થોનું સ્વરૂપ રજુ થયેલ છે. યજુર્વેદમાં કર્મોના અનુષ્ઠાનનું, સામવેદમાં ઈશ્વરની ભક્તિ અને ઉપાસનાના સ્વરૂપનું અને અથર્વવેદમાં વિવિધ વિજ્ઞાનનું મુખ્યરૂપે વર્ણન કરેલું છે.

પરંતુ કેટલાક વિદ્વાનોના મત મુજબ વેદ કોઈ એક ગ્રંથ નથી, પણ ગ્રંથોનો સમૂહ છે. તે મુજબ વેદની મંત્રસંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકગ્રંથો અને ઉપનિષદો આ ચારેય ગ્રંથસમૂહો વેદના ભાગરૂપ ગણાય છે.

વેદનો મંત્રભાગ સંહિતા કહેવાય છે. જે શબ્દરાશિનો યજ્ઞમાં સાક્ષાતરૂપે ઉપયોગ થાય છે તે મંત્રભાગ છે. વાસ્તવમાં વેદની જેટલી શાખાઓ હતી, તે દરેકને પોતપોતાની સંહિતા હતી. હવે ચારે વેદની કુલ ૧૧૩૧ શાખાઓ છે, એટલે કુલ ૧૧૩૧ સંહિતાઓ હોવી જોઈએ. પરંતુ વર્તમાનકાળમાં બહુ ઓછી એટલે કે માત્ર ૧૧ શાખાઓ ઉપલબ્ધ છે, જયારે બાકીની શાખાઓ લુપ્ત થઇ ગઈ છે. ઉપલબ્ધ સંહિતાઓમાં પાંચ સંહિતાઓ મુખ્ય છે: ઋગ્વેદસંહિતા, શુક્લ યજુર્વેદસંહિતા, કૃષ્ણ યજુર્વેદસંહિતા, સામવેદ સંહિતા અને અથર્વવેદસંહિતા.

વેદના મંત્રોની સરળ સમજ માટે ઋષિઓએ દરેક વેદને ભાષ્ય એટલેકે વ્યાખ્યાના રૂપમાં રજૂ કરીને જે ગ્રંથોની રચના કરી તે બ્રાહ્મણગ્રંથો કહેવાય છે. તેમાં વેદના મંત્રોનો યજ્ઞમાં ક્યારે અને કેવી રીતે ઉપયોગ તેની સમજ છે અને યજ્ઞની વિધિ, કથા, આખ્યાયિકા અને સ્તુતિ તેમજ યજ્ઞની પદ્ધતિ, ઉદબોધન, ફલપ્રાપ્તિ વિગેરેનું વિવેચન છે. અહીં યજ્ઞની ક્રિયા એટલેકે કર્મકાંડ મુખ્ય વિષય છે. ચારે વેદોના મળીને કુલ ૧૭ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હોવાનું કહેવાય છે, પરંતુ તેમાંથી ઘણા સમયની સાથે લુપ્ત થઇ ગયા છે. હાલ જે ઉપલબ્ધ છે તેમાં ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ એતરેય, યજુર્વેદના શતપથ, સામવેદના તાણ્ડય અને અથર્વવેદના ગોપથનો સમાવેશ થાય છે.   

બ્રાહ્મણ ગ્રંથોના ભાગ રૂપે આરણ્યક ગ્રંથોની રચના થઇ છે. આરણ્યક ગ્રંથોમાં યજ્ઞની પદ્ધતિ, મંત્રો, ફલપ્રાપ્તિ વિગેરેના વર્ણનમાં આધ્યાત્મિક સંકેત આપવામાં આવ્યા છે. અહીં ઉપાસના મુખ્ય વિષય છે. આ ગ્રંથોનું અધ્યયન અને મનન વિશેષતઃ વનમાં એટલેકે અરણ્યમાં થયું હોવાથી તેમને આરણ્યક કહે છે. અત્યારે ૬ આરણ્યક ગ્રંથ ઉપલબ્ધ છે: ઐતરેય, શાંખાયન, કૌષીતકી, તૈત્તિરીય, મૈત્રાયણી અને બૃહદારણ્યક.

પ્રાચીન ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ, જીવ, મન, સંસ્કાર, જપ, સ્વાધ્યાય, તપસ્યા, ધ્યાન, સમાધિ વિગેરે વિષયોનું અલંકારિક વાર્તાઓ અને ઉદાહરણ સાથે સરળ રૂપમાં વર્ણન કરતા ગ્રંથો લખ્યા, જે ઉપનિષદ તરીકે ઓળખાય છે. ઉપનિષદ વેદનો અંતિમ ભાગ છે, તેથી તેમને વેદાંત પણ કહે છે.

આ ગ્રંથોમાં વેદનો નિષ્કર્ષ આપવામાં આવેલો છે, અર્થાત વેદનો અર્ક અથવા નિચોડ તેમાં છે. આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન મુખ્ય વિષય છે. સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથો છે.

વેદોનું જ્ઞાન એટલું ગૂઢ અને વિશાળ છે કે તેને સરળ રૂપમાં રજુ કરવામાં લગભગ ૩૦૦ જેટલાં ઉપનિષદ રચાયાં. આમાંથી ૧૦૮ ઉપનિષદ માન્ય ગણાય છે, જેમાંથી ૧૦ ઉપનિષદ મુખ્ય ગણાય છે: ઇશોપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુક્યોપનિષદ, એતરેયોપનિષદ, તૈત્તિરીયોપનિષદ, છાંદોગ્યોપનિષદ અને બૃહદારણ્યકોપનિષદ.

આમ બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ગ્રંથો વેદને એટલેકે સંહિતાભાગને સંલગ્ન અને પુરક છે. તેથી અમુક વિદ્વાનો આ ગ્રંથોને વેદના ભાગ તરીકે જ ગણે છે. આમ પ્રત્યેક વેદ ચાર વિભાગમાં જોવા મળે છે. પહેલા ત્રણ ભાગ એટલે કે મંત્રસંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક ભાગોને પૂર્વમીમાંસા દર્શન કહે છે, જેમાં કર્મકાંડનું વર્ણન છે. જયારે ઉપનિષદ વેદનો અંતિમ ભાગ હોવાથી વેદાંતદર્શન તરીકે ઓળખાય છે અને તેમાં જ્ઞાનકાંડની ચર્ચા છે. આ બધા જ ગ્રંથોની રચના વૈદિકકાલ દરમ્યાન એટલેકે સૌથી પ્રાચીન યુગમાં થઇ છે. આધુનિક ઈતિહાસકારો મુજબ આ સમય ઈ.પૂ. ૫૦૦૦ થી ઈ.પૂ. ૧૨૦૦ સુધીનો અથવા તેનાથી પણ ઘણો પ્રાચીન હોઈ શકે છે.  

૨) ઉપવેદ:

ચારે વેદના એક-એક ઉપવેદ છે. ઋગ્વેદના ઉપવેદનું નામ આયુર્વેદ છે, જેમાં તંદુરસ્તી, તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગ, રોગનાં કારણો, દવાઓ અને વૈદકીય સારવારનું વર્ણન કરેલ છે. યજુર્વેદના ઉપવેદનું નામ ધનુર્વેદ છે, જેમાં સૈન્ય, હથિયાર, યુધ્ધકળા વિગેરેનું વર્ણન છે. સામવેદના ઉપવેદનું નામ ગંધર્વર્વેદ છે, જેમાં ગાયન, વાદન, નર્તન વિગેરેનું વર્ણન છે. જયારે અથર્વવેદના ઉપવેદનું નામ અર્થર્વેદ છે, જેમાં વેપાર, અર્થવ્યવસ્થા વિગેરેનું વર્ણન છે. આ ગ્રંથોની રચના ઉત્તર વૈદિકકાલ દરમ્યાન (ઈ.પૂ. ૧૨૦૦થી ઈ.પૂ. ૮૦૦) થઇ હોવાનું માનવામાં આવે છે.

અત્યારની શિક્ષણવ્યવસ્થાના અનુસંધાનમાં વાત કરીએ તો ગંધર્વર્વેદ આર્ટસ (Arts) છે, ધનુર્વેદ સાયન્સ (Science) છે, અર્થર્વેદ કોમર્સ (Commerce) છે અને આયુર્વેદ મેડીકલ સાયન્સ (Medical Science) છે. આમ આધુનિક કાળના ઉચ્ચ શિક્ષણના અભ્યાસનું જે માળખું છે, તેનાં મૂળ આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળે છે. તો હવે તો માનશો ને આપણાં શાસ્ત્રોનું મહત્વ! આપણા પ્રાચીન ઋષીઓ કેટલા વિદ્વાન અને દીર્ઘદ્રષ્ટા હશે કે જે યુગમાં લીપી શોધાઈ નહોતી અને લખાણની શરૂઆત પણ થઇ નહોતી, તે સમયે તેમણે જ્ઞાનની જે જે શાખાઓ નક્કી કરી હતી, તેને હજારો વર્ષ પછી આધુનિક કાળમાં પણ અપનાવવી પડી છે.         

૩) વેદાંગ:

વેદોના ગહન મંત્રોના સુક્ષ્મ અર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે આપણા વિદ્વાન ઋષિઓએ વેદાંગ નામના ૬ ગ્રંથોની રચના કરી છે. શિક્ષાગ્રંથમાં સંસ્કૃત ભાષાના અક્ષરોનું વર્ણન, તેમની સંખ્યા, પ્રકાર, ઉચ્ચારણ, સ્થાન વિગેરેનું વિવરણ કરેલું છે. કલ્પગ્રંથમાં વ્યવહાર, સુનીતિ, ધર્માચાર વિગેરે વિષયોનું વર્ણન છે. વ્યાકરણગ્રંથમાં શબ્દોની રચના, ધાતુ, પ્રત્યય તથા કયા શબ્દના કેટલા અર્થ થાય છે તે વિષેનું વર્ણન છે. નિરુક્તગ્રંથમાં વેદના મંત્રોનો અર્થ કઈ વિધિથી કરવો તેનો નિર્દેશ કરેલો છે. છંદગ્રંથમાં શ્લોકોની રચના તથા ગાયનકલાનું વર્ણન છે અને જ્યોતિષગ્રંથમાં ભૂગોળ-ખગોળની સ્થિતિ, ગતિ અને ગણિત જેવી વિદ્યાઓનું વર્ણન છે. આ ગ્રંથોની રચના ઉત્તર વૈદિકકાલ દરમ્યાન (ઈ.પૂ. ૧૨૦૦થી ઈ.પૂ. ૮૦૦) થઇ હોવાનું માનવામાં આવે છે.

એક વાત ધ્યાનમાં રહે કે અહીં જે જ્યોતિષની વાત છે, તે અંક જ્યોતિષ છે અને ફલિત જ્યોતિષ નથી. અર્થાત તેમાં ખગોળમાં ગ્રહોની સ્થિતિ અને ગતિ આધારિત ગણિતનું વર્ણન છે, પરંતુ ગ્રહોની સ્થિતિ મુજબ વ્યક્તિને કેવું ફળ મળે તે ફલન જ્યોતિષનું વર્ણન નથી. આમ ફલન જ્યોતિષ વેદ આધારિત નથી અને તેનો ઉદભવ વેદના સમયથી ઘણો મોડો એટલેકે પૌરાણિક કાળમાં એટલે કે પુરાણોની રચના થઇ તે સમયમાં થયો હોવાનું માનવામાં આવે છે.    

૪) દર્શન:

વેદોનાં દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે ૬ ગ્રંથોમાં કરેલ છે તે વેદનાં ઉપાંગ અથવા દર્શનશાસ્ત્ર તરીકે ઓળખાય છે.  જૈમિનીઋષિકૃત મીમાંસાદર્શનમાં ધર્મ, કર્મ, યજ્ઞ વિગેરેનું વર્ણન છે. વ્યાસઋષિકૃત વેદાન્તદર્શનમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરનું વર્ણન છે. ગૌતમ ઋષિકૃત ન્યાયદર્શનમાં તર્ક, પ્રમાણ, વ્યવહાર તથા મુક્તિનું અને  કણાદઋષિકૃત વૈશેષિકદર્શનમાં જ્ઞાન-વિજ્ઞાનનું વર્ણન છે. કપિલઋષિકૃત સાંખ્યદર્શનમાં પ્રકૃતિ, પુરુષ (જીવ)નું અને પતંજલિ ઋષિ કૃત યોગદર્શનમાં યોગસાધના, ધ્યાન, સમાધિ આદિ વિષયોનું વર્ણન છે. આ ગ્રંથોની રચના ઉત્તર વૈદિકકાલ દરમ્યાન (ઈ.પૂ. ૧૨૦૦થી ઈ.પૂ. ૮૦૦) થઇ હોવાનું માનવામાં આવે છે.

૫) સ્મૃતિ:

સ્મૃતિગ્રંથોમાં વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વિશેષ પ્રસંગોના આચાર, લગ્નવ્યવસ્થા, પ્રાયશ્ચિતકર્મો, શાસનના નિયમો, દંડવ્યવસ્થા વગેરે અનેક વિષયોનું વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથોની રચના ઉત્તર વૈદિકકાલ દરમ્યાન (ઈ.પૂ. ૧૨૦૦થી ઈ.પૂ. ૮૦૦) થઇ હોવાનું માનવામાં આવે છે.

સ્મૃતિગ્રંથોની સંખ્યા ૧૦૦થી પણ વધારે છે, જેમાંથી મનુસ્મૃતિ સૌથી વધુ પ્રખ્યાત નામ છે. અન્ય મુખ્ય સ્મૃતિઓ આ મુજબ છે: યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અત્રિ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, હારિત સ્મૃતિ, ઔશનસ્ સ્મૃતિ, આંગિરસ સ્મૃતિ, યમ સ્મૃતિ, આપસ્તમ્બ સ્મૃતિ, સંવર્ત સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, શાતાતપ સ્મૃતિ, વસિષ્ઠ સ્મૃતિ, પ્રજાપતિ સ્મૃતિ.

૬) અન્ય વૈદિક સાહિત્ય:

અન્ય વૈદિક સાહિત્યમાં સૂત્રગ્રંથો, પ્રાતિશાખ્ય, અનુક્રમણી વિગેરેનો સમાવેશ થાય છે.

સૂત્રગ્રંથો: સુત્રકાલ (ઈ.પૂ. ૮૦૦થી ઈ.પૂ. ૫૦૦) દરમ્યાન ધાર્મિક, સામાજીક, શાસ્ત્રીય અને તાત્વિક વિષયોને લગતા નિયમોને ક્રમબદ્ધ રૂપે અલ્પતમ શબ્દો વડે સૂત્રમાં પરોવીને સૂત્રગ્રંથોની રચના કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક આ સુત્રોને કંઠસ્થ કરી શકે. સૂત્રગ્રંથો ત્રણ પ્રકારનાં છે: શ્રોતસૂત્રોમાં યજ્ઞને લગતાં વિધિવિધાનો આપવામાં આવ્યાં છે, તો ગૃહસૂત્રોમાં કૌટુંબિક જીવનને લગતાં અને ધર્મસૂત્રોમાં ધર્મનું પાલન તેમજ વર્ણવ્યવસ્થા, સામાજીક અને રાજકીય પરંપરાઓને લગતાં વિધિવિધાનો આપવામાં આવ્યાં છે.

આ સમય દરમ્યાન મહાન વ્યાકરણશાસ્ત્રી પાણીનીએ અષ્ટાધ્યાયી નામના સુત્રગ્રંથની રચના કરી, જે પછીના સમયમાં સંસ્કૃત ભાષાનો નિયામક ગ્રંથ બની રહ્યો. બાદરાયણે ઉપનિષદોના દર્શન પર વેદાંતસુત્રો (બ્રહ્મસૂત્ર) રચ્યાં. તદુપરાંત શૂલ્બસુત્રો નામના ગ્રંથો પણ રચાયા જેમાં ભૌતિક વિજ્ઞાનનું વર્ણન છે. જેમકે કાત્યાયન શૂલ્બસુત્રમાં ભૂમિતિશાસ્ત્રનું વર્ણન છે. પરંતુ અફસોસની વાત છે કે હાલ મોટાભાગનાં શૂલ્બસુત્રો લુપ્ત થઇ ગયેલ છે.

પ્રાતિશાખ્ય ગ્રંથો: વેદની અનેક શાખાઓ છે અને પ્રત્યેક શાખાને યજ્ઞવિધિ, મંત્રોની ઉચ્ચારપદ્ધતિ, આહારવિહાર વિગેરેની પોતપોતાની વિશિષ્ટ પરંપરા હોય છે. આ પરંપરાઓની નોંધ પ્રાતિશાખ્ય ગ્રંથોમાં કરવામાં આવી છે. પ્રાતિશાખ્ય પ્રત્યેક શાખા માટેના શિક્ષા, છંદ અને વ્યાકરણના વિશિષ્ટ નિયમોને સમજાવનાર ગ્રંથો પણ છે. વેદના મંત્રોનું યોગ્ય પઠન કરવા માટે વેદની તે શાખાના પ્રાતિશાખ્યનો અભ્યાસ કરવો જરૂરી છે. હાલ ઋકપ્રાતિશાખ્ય, તૈત્તિરીયપ્રાતિશાખ્ય અને પ્રાતિશાખ્યસુત્ર જેવાં ગ્રંથો ઉપલબ્ધ છે.

અનુક્રમણી ગ્રંથો: વેદોની સંહિતાઓની રક્ષા અને જાળવણી માટે અનુક્રમણી નામના વિશિષ્ટ પ્રકારના ગ્રંથો રચાયા છે, આ ગ્રંથોમાં સંહિતામાં સમાવિષ્ટ મંત્રો, દેવતા, ઋષિ, છંદ વિગેરેની યાદી આપવામાં આવી છે. ઋગ્વેદની આવી દસ અનુક્રમણીઓ હતી.    

૭) પુરાણ:

પુર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવ્યા છે. આ ગ્રંથોની રચના સૂત્રકાલ દરમ્યાન (ઈ.પૂ. ૮૦૦થી ઈ.પૂ. ૫૦૦) થઇ હોવાનું માનવામાં આવે છે.

પુરાણોએ અત્યાર સુધી વેદના જ્ઞાનથી વંચીત રહેલા સ્ત્રી, શુદ્ર અને અન્ય જનસમાજને આ જ્ઞાન સરળ આખ્યાનોના માધ્યમથી આપીને સમાજને લોકપ્રિય ઢબે ધર્મ, નીતિ અને સદાચારના માર્ગે દોરવાની મહત્વની કામગીરી બજાવી છે.  

પુરાણ અઢાર છે: બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, શ્રીમદ્ ભાગવત, નારદ પુરાણ,  માકઁડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કૂર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગુરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ.

આ અઢાર પુરાણો ઉપરાંત અઢાર ઉપ-પુરાણ પણ છે: સનત પુરાણ, નારસિંહ પુરાણ, નારદ પુરાણ, શૈવ પુરાણ, કપિલ પુરાણ, માનવ પુરાણ, ઔશનસ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, સાંબ પુરાણ, સૌર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠ પુરાણ,નંદિ પુરાણ, પારાશ પુરાણ અને દુર્વાસા પુરાણ.

૮) ઈતિહાસ:

સૂત્રકાલ દરમ્યાન જ પુરાણોનાં આદર્શ અને લોકપ્રિય આખ્યાનોને આધારે સમકાલીન મહાન રાજપુરુષોનાં જીવનચરિત્રો પર વેદવ્યાસ અને વાલ્મીકી જેવા વિદ્વાન ઋષિઓએ અનુક્રમે મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યોની રચના કરી, જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક બંને દ્રષ્ટિથી બેજોડ ગણાય છે. આ બંને ગ્રંથોમાં કુટુંબધર્મ અને રાજધર્મ કેન્દ્રસ્થાને છે તેમ છતાં માનવધર્મનું પણ વ્યાપક નિરૂપણ થયું છે. આ ગ્રંથોમાં મનુષ્ય સ્વભાવનું સુક્ષ્મ અવલોકન કરીને મનુષ્યજીવનનું અદભૂત દર્શન કરાવ્યું છે, જેથી હજારો વર્ષથી અનેક લોકોએ પ્રેરણાત્મક જીવન માટે આ ગ્રંથોનો આશરો લીધો છે. આ ગ્રંથોએ હિંદુધર્મ અને સમગ્ર ભારતીય સમાજ પર અનેરો પ્રભાવ પાથર્યો છે.          

મહાભારતમાં નિરુપિત ભગવદ્ ગીતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને મુખે ગવાઈ હોવાથી વેદોની જેમ તેને પણ શ્રુતિ સાહિત્ય ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે વેદોના જ્ઞાનનો નીચોડ ઉપનિષદોમાં છે અને ઉપનિષદોના જ્ઞાનનો નીચોડ ગીતામાં છે.   

ઈતિહાસ અને પુરાણ ગ્રંથોમાં વેદના તત્વનું જ વિશેષ વર્ણન થયું છે, તેથી વેદના અર્થને સમજવા માટે ઈતિહાસ અને પુરાણો ઉપયોગી થઈ શકે છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ, વિગેરે ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે.

૯) નિબંધ:

મધ્યયુગમાં વિશાળ નિબંધ સાહિત્યની રચના થઈ છે. સ્મૃતિઓ અને પુરાણોમાં જે વાત કહી છે તે પ્રત્યેક વિષયનું પ્રમાણ આપીને વિસ્તારપૂર્વક વિવેચન આ નિબંધગ્રંથોમાં થયું છે. તદુપરાંત સ્મૃતિઓ અને પુરાણોમાં પરસ્પર ભિન્નતા અને અસ્પષ્ટતા જોવા મળે છે, તેનું સ્પષ્ટીકરણ પણ નિબંધ ગ્રંથોમાં થયું છે.

મુખ્ય નિબંધ ગ્રંથો આ પ્રમાણે છે: દાયભાગ, કાલવિવેક, વ્યવહાર માતૃકા, સ્મૃતિ તત્વ, રધુનંદન, હારલતા, અશૌચ વિવરણ, પિતૃદયિતા, આચાર સાગર, પ્રતિષ્ઠા સાગર, અદ્ભૂત સાગર, દાન સાગર, આચારદર્શ, સમય પ્રદીપ, શ્રાધ્ધ કલા, સ્મૃતિ રત્નાકર, આચાર ચિંતામણિ, આહિનક ચિંતામણિ, કૃત્યચિંતામણિ, તીર્થ ચિંતામણિ, વ્યવહાર ચિંતામણિ, શુધ્ધિ ચિંતામણિ, શ્રાધ્ધ ચિંતામણિ, તિથિનિર્ણય, દ્વૈતનિર્ણય, સ્મૃતિ ચંદ્રિકા, ચતુર્વર્ગચિંતામણિ, નિર્ણય સિન્ધુ, કૃત્યકલ્પતર, ધર્મસિન્ધુ અને નિર્ણયામૃત

૧૦) ભાષ્ય:

વૈદિક ગ્રંથોથી લઈને નિબંધગ્રંથો સુધીના અસંખ્ય ગ્રંથો પર અગણિત ભાષ્યો અને ટીકાઓ લખાયા છે અને આ ભાષ્યો અને ટીકાઓ પર પણ ટીકાઓ લખાઈ છે. આ ભાષ્યગ્રંથોમાં ચાર પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે – ભાષ્ય, ટીકા, કારિકા અને સારસંગ્રહ.

૧૧) સાંપ્રદાયિક ગ્રંથો:

હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. શૈવમત, શાક્યમત, કબીરમત, રાધાસ્વામી મત, દાદૂપંથ, રામસ્નેહી, પ્રણામી, ચરણદાસી, સ્વામીનારાયણ પંથ, ઉદાસીન પંથ, નાથસંપ્રદાય, રામાનંદી પંથ, કાશ્મીર શૈવમત, પાશુપતમત, વીરશૈવમત, મહાનુભાવી પંથ, વારકરી સંપ્રદાય જેવા કેટલાય સંપ્રદાયો હિન્દુધર્મમાં છે. આ સર્વે સંપ્રદાય હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યનો સ્વીકાર કરે છે, પરંતુ તે ઉપરાંત પ્રત્યેક સંપ્રદાયને પોતાના સ્વતંત્ર સાંપ્રદાયિક ગ્રંથો છે, જેની રચના પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો દ્વારા થઈ છે. આ સાંપ્રદાયિકગ્રંથોની સંખ્યા પણ હજારોની છે.

૧૨) આગમ ગ્રંથો:

ઉપરોક્ત વેદોથી લઈને સાંપ્રદાયિક ગ્રંથો સુધીની પરંપરાને નિગમ કહેવામાં આવે છે. તેના સિવાય એક બીજી પરંપરા પણ છે, જેને આગમ પરંપરા કહે છે. આગમના બે ભાગ છે. દક્ષિણાગમ (સમયમત) અને વામાગમ (કૌલમત).

સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે. દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ, તેમના મંત્રો અને મંત્રોના ઉદ્ગાર, ધ્યાન, પૂજાવિધિ વગેરેનું વિવેચન આગમગ્રંથોમાં થાય છે.

 

આ લેખ વિષે આપનું મંતવ્ય અને સૂચન નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

પંચામૃત:

ગ્રામોફોન પર ગુંજેલા સૌ પ્રથમ શબ્દો “વેદ”ના મંત્ર હતા. 

ગ્રામોફોનની શોધ ૧૯મી સદીમાં થોમસ આલ્વા એડીસને કરી હતી. ઇલેક્ટ્રિક બલ્બ અને મોશન પિક્ચર કેમેરા સહીત અનેક આવિષ્કારો કરનારા મહાન વૈજ્ઞાનિક એડીસન ઈચ્છતા હતા કે ગ્રામોફોન પર સૌ પ્રથમ કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાનનો અવાજ રેકોર્ડ કરવામાં આવે. આ માટે એમણે જર્મનીના વિદ્વાન પ્રોફેસર મેક્સ મુલરની પસંદગી કરી.

ઇંગ્લેન્ડમાં એક ભવ્ય સમારોહમાં અનેક વિદ્વાનો અને હજારો લોકોની ઉપસ્થિતિમાં એડીસનની વિનંતી પર પ્રો. મુલર સ્ટેજ પર આવ્યા અને ગ્રામોફોનનાં રેકોર્ડીંગ પીસ પર થોડા શબ્દો બોલ્યા. એના પછી એડીસને ડિસ્ક ચાલુ કરીને ગ્રામોફોનથી નીકળતો અવાજ બધા દર્શકોને સંભળાવ્યો. વિશ્વનો સૌ પ્રથમ રેકોર્ડેડ અવાજ સાંભળીને ત્યાં હાજર બધા લોકો રોમાંચિત થઇ ઉઠ્યા અને આ અનોખા આવિષ્કાર માટે એડીસનની ભરપુર પ્રસંશા કરી.

એના પછી પ્રો. મેક્સ મુલર ફરી સ્ટેજ પર આવ્યા અને દર્શકોને પૂછ્યું "મેં ગ્રામોફોન પર જે શબ્દો બોલ્યા હતા તે તમને લોકોને સમજાયા?" આ પ્રશ્ન સાંભળીને શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે પ્રો.મુલર જે બોલ્યા હતા એ કોઈને પણ સમજાયું નહોતું.

તે પછી પ્રો.મુલરે ચોખવટ કરી કે "હું જે શબ્દો બોલ્યો હતો સંસ્કૃત ભાષાના હતા અને ઋગ્વેદના પ્રથમ શ્લોકમાંથી લીધેલ હતા.” 

'અગ્નિમિલે પુરોહિતં' -આ ગ્રામોફોન પર રેકોર્ડેડ પ્રથમ શબ્દો હતા. આખરે પ્રો.મુલરે  વિશ્વના પ્રથમ રેકોર્ડિંગ માટે આ શબ્દો જ કેમ પસંદ કર્યા, તેની ચોખવટ કરતાં કહ્યું, "વેદ વિશ્વનો સર્વપ્રથમ ગ્રંથ છે અને આ શબ્દો ઋગ્વેદના પ્રથમ સૂક્તના છે. અતિ પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્ય પોતાના શરીરને ઢાંકવાનું પણ શીખ્યો નહતો, ગુફાઓમાં રહેતો હતો અને શિકાર પર જીવન વ્યતિત કરતો હતો, ત્યારે હિન્દુઓએ ઉચ્ચ શહેરી સભ્યતા પ્રાપ્ત કરી લીધી હતી. આ સમયમાં હિન્દુસ્તાનના વિદ્વાન ઋષિઓએ વિશ્વને વેદના રૂપમાં એક સાર્વભૌમિક દર્શન પ્રદાન કર્યું. એટલા માટે મેં સૌ પ્રથમ રેકોર્ડ કરવા માટે તે ગ્રંથમાંથી આ શબ્દો પસંદ કર્યા". જ્યારે રેકોર્ડેડ શબ્દો ફરી એકવાર વગાડવામાં આવ્યા, ત્યારે ત્યાં હાજર તમામ લોકોએ ઉભા થઈને આ પ્રાચીન ગ્રંથને સન્માન આપ્યું.   

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s