(૮) અથર્વવેદ

atharvved

આપણે જોયું કે ઋગ્વેદમાં પદ્યરૂપ મંત્રો છે, યજુર્વેદમાં ગદ્યરૂપ મંત્રો છે અને સામવેદમાં ગેયરૂપ મંત્રો છે અને આ ત્રણેય વેદોનાં નામકરણ પણ તેમાં સમાવિષ્ટ મંત્રોના લક્ષણ મુજબ થયેલાં છે. એટલેકે ઋક (=પદ્ય) પરથી ઋગ્વેદ, યજુ: (=ગદ્ય) પરથી યજુર્વેદ અને સામ (=ગેય) પરથી સામવેદ નામ આવ્યાં છે. પરંતુ ચોથા વેદ અથર્વવેદમાં પદ્ય, ગદ્ય અને ગેય એમ ત્રણેય પ્રકારના મંત્રો આપેલા છે અને તેનું નામકરણ તેમાં સમાવિષ્ટ વિષયવસ્તુ અને દ્રષ્ટાના નામને આધારે થયેલ છે.

અથર્વ શબ્દનો અર્થ નિરુકત ગ્રંથમાં (વેદકાલીન શબ્દકોષ) આપવામાં આવ્યો છે, તે અનુસાર थर्व = ચાલવું અને अथर्व = સ્થિર છે તે. અર્થાત જેનું મન સ્થિર હોય, ચળે નહિ, તે અથર્વ અને તેનો વેદ તે અથર્વવેદ. જે મનને કે પ્રાણને વશ કરે તેનો વેદ તે અથર્વવેદ એમ સૂચિતાર્થ કહી શકાય, કારણકે અથર્વવેદમાં મનને કે પ્રાણને વશ કરવાની વાત અનેકવાર આવે છે.

યજ્ઞ કરનાર અથર્વવેદના ઋત્વિજ બ્રાહ્મણને ‘બ્રહ્મા’ કહેવામાં આવે છે, તેથી અથર્વવેદનું એક નામ બ્રહ્મવેદ પણ પડ્યું છે. એક અન્ય મત અનુસાર બ્રહ્મ એટલે જગતનું પરમ તત્વ અને તેનું વર્ણન અથર્વવેદમાં સારી રીતે થયું છે, આથી બ્રહ્મને ઓળખાવતો વેદ હોવાથી તેને બ્રહ્મવેદ કહેવાયો છે.

અથર્વ અને અંગિરા નામના બે ઋષિઓને અથર્વવેદના મંત્રોનું દર્શન થયેલ હોવાથી આ વેદ અથર્વવેદ તેમ જ અંગિરાવેદ તરીકે પણ ઓળખાય છે અને અથર્વાગિરોવેદ તરીકે પણ ઓળખાય છે. આમ દ્રષ્ટાના નામ પરથી વેદનું નામ પડ્યું હોય તેવો એક માત્ર વેદ અથર્વવેદ છે. અત્રે નોંધનીય વાત એ છે કે અથર્વઋષિને જે મંત્રોનું દર્શન થયું એ શાંતિકારક મંત્રો છે, જયારે અંગિરા ઋષિ દ્વારા દ્રષ્ટ મંત્રો આભિચારિક એટલે કે તાંત્રિક -મેલીવિદ્યાના મંત્રો છે.

 આ વેદમાં રાજ્યરક્ષણ, યુદ્ધ, શસ્ત્રાસ્ત્ર વિગેરેનું અત્યાધિક વર્ણન હોવાથી તે રાજા અને ક્ષત્રિયોને ખૂબ ઉપયોગી છે, તેથી તે ક્ષત્રવેદ તરીકે પણ ઓળખાય છે.

અથર્વવેદમાં વિવિધ રોગો અને તેના નિવારણ માટે અનેક ઔષધિઓ અને ઉપચારનું વર્ણન હોવાથી તે ભિષગ્વેદ તરીકે પણ ઓળખાય છે.

અથર્વવેદનાં આટલાં બધાં નામો એક વાત માનવા અવશ્ય પ્રેરે છે કે તેમાં વિષયોની વિવિધતા અન્ય વેદો કરતાં ઘણી વધારે છે અને સમાજમાં તેનું સ્થાન નિરાળું છે. વાસ્તવમાં જનસામાન્ય પ્રજાએ જ જુદા જુદા નિમિત્તને પ્રસ્તુત કરીને અથર્વવેદનાં વિવિધ નામો પ્રચલિત કર્યાં છે. જયંત ભટ્ટ નામના વિદ્વાને તો પોતાના “ન્યાયમંજરી” નામના પ્રસિદ્ધ ગ્રંથમાં અથર્વવેદને પ્રથમ વેદ ગણાવીને તેના પર વિસ્તૃત ચર્ચા કરેલ છે. 

અથર્વવેદ પરમ શક્તિઓનો ગ્રંથ છે. જયારે અર્થ, કામ અને ધર્મ ત્રણેય જીવનમાં ઉતરે છે, ત્યારે મોક્ષનો માર્ગ ખુલે છે. આ મુક્તિ જ્ઞાનના મધ્યમ દ્વારા આવે છે જેને બ્રહ્મજ્ઞાન કહે છે. આ ગ્રંથના દેવતા ચંદ્રને માનવામાં આવે છે, જે શીતળતા આપે છે.

યજ્ઞ કરનાર અથર્વવેદના ઋત્વિજ બ્રાહ્મણને ‘બ્રહ્મા’ કહેવામાં આવે છે. યજ્ઞની રક્ષા કરવી, અન્ય ઋત્વિજો કે યજમાનની ભૂલ થાય તો તેનું નિરાકરણ કરવું અને યજ્ઞ સારી રીતે સંપન્ન થાય તે જોવું, એ બધી જવાબદારી ‘બ્રહ્મા’ની હોય છે. અથર્વવેદમાં આ કાર્ય માટે આવશ્યક મંત્રોનો સંગ્રહ છે.

૧) અથર્વવેદનું સ્વરૂપ:

અથર્વવેદને ૯ શાખાઓ છે, પરંતુ તેમાંથી બે જ શાખાઓ પ્રચલિત છે: શૌનક અને પિપ્લાદ. આમાંથી શૌનક શાખાની સંહિતા જ સંપૂર્ણ સ્વરૂપે મુદ્રિત છે. તેનું સૌ પ્રથમ મુદ્રણ વ્હીટની નામના વિદ્વાને ઈ.સ. ૧૮૫૬માં બર્લિનથી કર્યું હતું. તે પછી પંડિત સાતવલેકર દ્વારા આ સંહિતા છપાયેલ છે, જેમાં ૨૦ કાંડ, ૭૩૧ સૂક્ત અને ૫૯૮૭ મંત્રો છે. જયારે સ્વામી ગંગેશ્વરાનંદજી દ્વારા મુદ્રિત સંહિતામાં ૨૦ કાંડ, ૩૬ પ્રપાઠક, ૧૧૧ અનુવાક, ૭૩૬ સૂક્ત અને ૬૦૩૧ મંત્રો છે. અન્ય કેટલાક વિદ્વાનોના મત મુજબ અથર્વવેદમાં ૧૦ કાંડ જ છે, જયારે અમુક વિદ્વાનોના મત મુજબ તેમાં ૧૯ કાંડ છે.   

અથર્વવેદનું સંકલન વિશિષ્ટ રીતે અને વૈજ્ઞાનિક ઢબે થયેલું છે. તેના પ્રથમ કાંડમાં દરેક સૂકતમાં ચાર મંત્રો છે, બીજા કાંડમાં ૫, ત્રીજામાં ૬, ચોથામાં ૭ અને પાંચમા કાંડમાં ૮ મંત્રો છે. છઠ્ઠા કાંડમાં પ્રત્યેક સૂકતમાં ઓછામાં ઓછા ૩ મંત્રો છે, જયારે સાતમા કાંડમાં સૂક્તદીઠ ૧ કે ૨ મંત્રો છે. આઠથી બાર સુધીના કાંડમાં મોટાં સૂક્તો છે, જેમાં વિષયોની ઘણી વિવિધતા છે. જયારે તેરથી વીશ સુધીના કાંડમાં મોટાં સૂક્તો  છે પરંતુ વિષયો એકરૂપ છે. બારમા કાંડમાં પ્રસિદ્ધ પૃથ્વીસૂક્ત આવેલું છે. તેરમા કાંડમાં અધ્યાત્મવિષયક મંત્રો છે. ચૌદમા કાંડમાં લગ્નવિષયક વાતો છે, જયારે પંદરમો કાંડ વાત્ય કાંડ છે. સોળમા કાંડમાં દુ:સ્વપનનાશક મંત્રો છે. સત્તરમા કાંડમાં મનુષ્યની ઉન્નતિ માટેની પ્રાર્થના છે. અઢારમા કાંડમાં શ્રાદ્ધ અને ઓગણીશમાં કાંડમાં ભૈષજ્ય એટલેકે વૈદકીય, રાષ્ટ્રવૃદ્ધિ અને અધ્યાત્મના મંત્રો છે. વીસમા કાંડમાં સોમયાગને લગતા ઋગ્વેદના મંત્રોનો સંગ્રહ છે.

અથર્વવેદમાં લગભગ ૧૨૦૦ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે, જેથી કહી શકાય કે આ સંહિતાનું સંકલન ઋગ્વેદ પછી થયું હશે. પરંતુ અમુક વિદ્વાનો તો અથર્વવેદના કેટલાક મંત્રો ઋગ્વેદની રચના કરતાં પણ પ્રાચીન છે તેવો મત ધરાવે છે અને માને છે કે ભલે અથર્વવેદ ઋગ્વેદથી પ્રાચીન નહિ હોય, તો પણ સમકાલીન તો જરૂરથી હશે જ.

૨) અથર્વવેદનું જ્ઞાન:

અધ્યાત્મવિષયક દાર્શનિક ચિંતન એ અથર્વવેદનો મૂળભૂત અને મુખ્ય વિષય છે. તદુપરાંત તેમાં ચિકિત્સા, શાન્તિક અને પૌષ્ટિક કર્મ, રાજધર્મ, પ્રાયશ્ચિત કર્મ, આયુષ્ય કર્મ, યજ્ઞરક્ષા કર્મ, અભિચાર કર્મ (તાંત્રિક -મેલીવિદ્યા) વિગેરેના મંત્રો છે. જો કે અથર્વવેદમાં તાંત્રિક એટલેકે મેલીવીદ્યાના મંત્રો પણ છે, પરંતુ તેની સંખ્યા ઘણી ઓછી છે અને મુખ્યત્વે તો અથર્વવેદ બ્રહ્મવિદ્યાનો જ વેદ છે. વાસ્તવમાં અથર્વવેદમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થનાં સર્વે અંગોનું વર્ણન જોવા મળે છે.      

અથર્વવેદમાં બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત વર્ણન વિશેષ થયેલું છે અને તેમાં અનેકવિધ દ્રષ્ટિકોણથી બ્રહ્મતત્વનું ચિંતન જોવા મળે છે. બ્રહ્મ શું છે, તેનું સ્વરૂપ શું છે, તેની પ્રાપ્તિનાં સાધનો ક્યાં છે, બ્રહ્મનો દેવો સાથે કેવા પ્રકારનો સંબંધ છે, જીવાત્મા અને પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે વિગેરે અનેક વિષયોની વિસ્તારપૂર્વક વિચારણા અથર્વવેદમાં થયેલી છે. તદુપરાંત પદાર્થવિજ્ઞાન (Physics), વનસ્પતિશાસ્ત્ર (Botany), જીવવિજ્ઞાન (Zoology), રાજ્યશાસ્ત્ર (Political Science), ચિકિત્સાશાસ્ત્ર (Medical Science) વિગેરેના અભ્યાસુઓને પર્યાપ્ત સામગ્રી પૂરી પાડવા અથર્વવેદ સક્ષમ છે.

૩) અથર્વવેદની અગત્ય:

  1. અન્ય ત્રણ વેદની સરખામણીમાં અથર્વવેદ ઉચ્ચવર્ગને બદલે સાધારણ જનસમાજની ભાવનાઓનું પ્રતિબિંબ પાડતો વેદ છે. તે સમયના માનવસમાજના રીતીરિવાજ, આસ્થા, અનુષ્ઠાન, વહેમ અને વિશ્વાસ એમ દરેક પાસાઓનું વ્યાપક અને સૂક્ષ્મદર્શન પૂરું પાડતો હોવાથી અથર્વવેદ સમાજશાસ્ત્રના અભ્યાસની દ્રષ્ટિએ અત્યંત અગત્યનો ગ્રંથ છે.
  2. અથર્વવેદ શત્રુનો સંહાર અને શિશુના સ્વાસ્થ્યની સુરક્ષા, પ્રેમપાત્રનું વશીકરણ અને પુત્રોત્પત્તિના પ્રયાસ, ભૂતપ્રેતથી રક્ષા અને ભયંકર રોગોથી મુક્તિ, જુગારમાં જીત અને જંગલની ઔષધીઓનો ઉપયોગ, જેવા અનેક રસપ્રદ વિષયોના વિશ્વકોષ સમાન છે. તેમાં મારણ, સંમોહન અને વશીકરણ જેવા જાદુ અને મેલીવિદ્યાના પ્રયોગોની વિગતો પણ છે, તો સાથેસાથે કુટુંબપ્રેમ, પ્રેમવિવાહ, દીર્ઘ આયુષ્ય, માનસિક સ્વાસ્થ્ય જેવા શાંતિકારક કર્મોનું પણ વિગતે વર્ણન છે.
  3. આયુર્વેદની દ્રષ્ટિએ અથર્વવેદમાં ઉપચાર અને ચિકિત્સાની અનેક પદ્ધતિઓ અને અસંખ્ય ઔષધોનું અપાર જ્ઞાન આપેલું છે. તેમાં શરદ-ગ્રીષ્મ-વર્ષાઋતુજન્ય જ્વર, હ્રદયશૂળ, અસ્થીશૂળ જેવા અનેક રોગોનું વર્ણન અને તેમાંથી બચવાના ઉપાયો દર્શાવેલ છે. તદુપરાંત રોગનિવારણ માટે વાઢકાપની અનેક પદ્ધતિઓ પણ બતાવી છે, જે હાલની મેડીકલ ઓપરેશન પદ્ધતિઓ સાથે પણ સુસંગત છે. સૂક્ષ્મ જંતુઓ (જેને આપણે બેક્ટેરિયા કહીએ છીએ) દ્વારા રોગ ફેલાય છે અને સૂર્યનાં કિરણોથી તેમનો નાશ કરી શકાય છે, એવી અનેક હકીકતો તેમાં આપેલી છે, જે આધુનિક શરીરશાસ્ત્ર વિજ્ઞાન દ્વારા માન્ય ગણાઇ છે. રોગોના ઉપચારની આપણી દેશી પદ્ધતિ, જે આયુર્વેદ તરીકે ઓળખાય છે, તેનો મૂળભૂત ગ્રંથ ‘આયુર્વેદ’ એ અથર્વવેદનો ઉપવેદ ગણાય છે.
  4. વેદકાલીન સાહિત્યમાં ‘વેદત્રયી’ શબ્દનો ઉલ્લેખ અવારનવાર જોવા મળે છે. તેને લીધે એક એવી સમજ પ્રવર્તે છે કે વેદત્રયી એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ જ વેદ. જયારે અથર્વવેદ પાછળથી ઉમેરાયેલો હોવાથી વેદત્રયીમાં તેનો સમાવેશ થતો નથી. વળી એવી પણ માન્યતા છે કે મંત્રોના ઋક, યજુ: અને સામ એમ ત્રણ સ્વરૂપને આધારે વેદના ત્રણ વિભાગ થાય છે, જેને વેદત્રયી કહેવાય છે, એટલે અથર્વવેદનો વેદત્રયીમાં સમાવેશ થતો નથી. પરંતુ આ સમજ બરાબર નથી. અનેક વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે અથર્વવેદના ઘણા મંત્રો ઋગ્વેદના મંત્રો જેટલાજ પ્રાચીન છે. વળી ઋગ્વેદમાં ઘણી જગ્યાએ અથર્વવેદનો ઉલ્લેખ જોવા મળે છે. તે જ રીતે તૈતરીય બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણમાં પણ અથર્વવેદનો ઉલ્લેખ છે. એટલા માટે અથર્વવેદ પાછળથી ઉમેરાયેલો હોવાની માન્યતા સાચી નથી. વળી કોઈપણ વૈદિક ગ્રંથમાં ત્રયી એટલે ત્રણ જ વેદ એવો ભાવ નથી, પરંતુ ત્રયી એટલે ત્રણ પ્રકારના મંત્રોથી રચાયેલા ચાર વેદ એવો અર્થ અભિપ્રેત થાય છે. વળી વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એમ ત્રણ જ વેદો છે એવો ઉલ્લેખ પણ ક્યાંય મળતો નથી. પણ આથી ઉલટું એટલે કે ‘વેદ ચાર છે’ એવા ઉલ્લેખ અનેક જગ્યાએ જોવા મળે છે. આમ ‘વેદત્રયી’માં અથર્વવેદનો પણ સમાવેશ થાય જ છે.

૪) અથર્વવેદની શાખાઓ:

અથર્વવેદની શાખા નવ છેઃ (૧) પિપ્લાદ (૨) શૌનક, (૩) દામોદ, (૪) તોત્તાયન, (૫) જાયલ, (૬) બ્રહ્મપાલાશ, (૭) કુનખ, (૮) દેવદર્શી અને (૯) ચારણ. અથર્વવેદને ૯ શાખાઓ છે, પરંતુ હાલ આમાંથી બે જ શાખાઓ પ્રચલિત છે: શૌનક અને પિપ્લાદ.

આમાંથી ફક્ત શૌનક શાખાની સંહિતા જ સંપૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ છે. શૌનક શાખાનો પ્રચાર ગુજરાતમાં વધારે હતો અને આજે અથર્વવેદના જે ગણ્યાગાંઠ્યા વિદ્વાન ઉપલબ્ધ થાય છે, તે ગુજરાતમાં નર્મદા કિનારે જ છે.

પિપ્લાદ શાખાના પ્રવર્તક મહર્ષિ પિપ્લાદ બ્રહ્મવિદ્યાના પ્રખર જ્ઞાતા હતા, તેથી પૈપ્પલાદીય અથર્વવેદને બ્રહ્મવિદ્યાનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. તે સમયમાં અનેક ઋષિઓ પોતાની અધ્યાત્મવિષયક શંકાઓનું નિવારણ કરવા મહર્ષિ પિપ્લાદ પાસે ગયા હતા અને મહર્ષિ પિપ્લાદે તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપેલા હતા, જે પ્રશ્નોપનિષદ નામના ગ્રંથમાં ઉપલબ્ધ છે. જો કે પિપ્લાદ શાખાની સંહિતા સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ થઇ શકી નથી.

અથર્વવેદનું એક જ બ્રાહ્મણ ઉપલબ્ધ છે જેનું નામ ગોપથ છે. વિદેશી વિદ્વાનોના મત મુજબ ગોપથ બ્રાહ્મણ અન્ય બ્રાહ્મણ ગ્રંથોની સરખામણીમાં અર્વાચીન છે, એટલેકે ઘણું પાછળથી રચાયેલું છે. ગોપથ બ્રાહ્મણના સંકલનકર્તા ગોપથ ઋષિ મધ્યપ્રદેશના વતની અને પિપ્લાદ શાખાના પ્રતિનિધિ હોવાનું મનાય છે. મૂળ ગોપથ ૧૦૦ પ્રપઠાકોનું બ્રાહ્મણ હતું, પરંતુ હાલ ૫ પ્રપાઠકનું પૂર્વગોપથ અને ૬ પ્રપાઠકનું ઉત્તરગોપથ એમ બે ભાગ જ ઉપલબ્ધ છે.

ગોપથ બ્રાહ્મણમાં અથર્વવેદની પ્રશંશા, બ્રહ્મચારીના નિયમો, ઋત્વીજોનાં કાર્યો, તેમની દિક્ષા, અશ્વમેઘ અને પુરુષમેઘ જેવા અનેક યજ્ઞોનું વર્ણન અને વિવિધ આખ્યાયિકાઓનું સુંદર સંકલન છે. ગોપથ બ્રાહ્મણમાં સૌ પ્રથમ વાર ॐ ની માત્રાઓ તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એક સાથે વર્ણન જોવા મળે છે.

ગોપથ બ્રાહ્મણ અથર્વવેદનું એક માત્ર ઉપલબ્ધ બ્રાહ્મણ હોવાથી અને તેમાં વિષયનું ઘણું નાવીન્ય હોવાથી વેદના અભ્યાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

અથર્વવેદનું કોઈ આરણ્યક હાલ ઉપલબ્ધ નથી.

અથર્વવેદનાં ત્રણ ઉપનિષદો છે – મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.

 

આ લેખ વિષે આપનું મંતવ્ય અને સૂચન નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

પંચામૃત:

સીધું અને ઊંધું બંને રીતે વાંચતાં એકસરખું હોય તેવું વાક્ય અંગ્રેજીમાં પેલિનડ્રોમ (Palindrome) અને સંસ્કૃતમાં ગતિચિત્ર કહેવાય છે. માળવાના રાજા અને કવિ ભોજ દ્વારા રચાયેલ सरस्वती कंठाभरणम નામના કાવ્યસંગ્રહની એક રચના આપણે જોઈ, જેમાં બે લીટીના એક શ્લોકમાં દરેક લીટી સીધું અને ઊંધું બંને રીતે વાંચતાં તદ્દન એકસરખી જણાય છે, આમ છતાં તે સુંદર અર્થસભર વાક્ય બને છે.

હવે આ જ सरस्वती कंठाभरणम કાવ્યસંગ્રહની તેનાથી પણ અદભૂત બીજી એક રચના જોઈએ:
     
 निशितासिरतोs भीको न्येजतेsमरणा रुचा I 

चारुणा रमते जन्ये को भीतो रसिताशिनी II

અર્થ: “હે અમર અવિનાશીઓ, ખરેખર તિક્ષ્ણ તલવારોને પ્રિય ગણતો નિર્ભય (યોદ્ધો) સુંદર રથોના અને નરભક્ષક રાક્ષસોના આ સંગ્રામમાં ડરી ગયેલા મનુષ્યની જેમ કદી થરથરતો નથી.” 

આ આખો શ્લોક જ પેલિનડ્રોમ છે. એટલે કે અકેક લીટી સવળેથી કે અવળેથી એકસરખી રહેવાને બદલે પહેલી લીટી અવળેથી વાંચતાં બીજી લીટીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલું જ નહિ, બીજી લીટી પણ અવળેથી વાંચતાં પ્રથમ લીટીનું સ્વરૂપ ધારણ કરે છે. આમ છતાં બંને લીટી સ્વતંત્ર રીતે અર્થસભર છે. શબ્દોની કેવી અદભૂત ચમત્કૃતિ ધરાવતી રચના !   

 

Advertisements

One thought on “(૮) અથર્વવેદ

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s