(૨) શક્ય છે!

Napoleon

સમ્રાટ નેપોલિયન એમ કહેતો હતો કે મારી ડીક્ષનેરીમાં ‘અશક્ય’ નામનો શબ્દ જ નથી. કદાચ નેપોલિયનને જિંદગીમાં મળેલી જ્વલંત સફળતાનું રહસ્ય તેની આ વિચારસરણીમાં જ છુપાયેલું છે. તેણે બધાં જ યુદ્ધ “આપણી જીત શક્ય છે” એમ ધારણા અને આત્મવિશ્વાસ રાખીને લડ્યાં અને તેને લીધે જ તે આ બધાં યુદ્ધોમાં વિજયી નીવડ્યો.

યુદ્ધ રણક્ષેત્રનું હોય કે કારકિર્દીમાં સફળતા મેળવવાનું હોય, શારીરિક સ્પર્ધામાં જીતવાનું હોય કે માનસીક ક્ષમતાની કસોટી હોય, દુશ્મન સામે લડવાનું હોય કે ખુદ પોતાની જાત સામે જીતવાનું હોય, સૌ પ્રથમ તો પોતાના મનથી જીતવાની તૈયારી કરી હોય, તો જ સફળ થઇ શકાય છે. બાકી ફક્ત સૈન્યબળ, સંખ્યાબળ, શારીરિક તાકાત કે માનસિક ક્ષમતાથી કંઇ વળતું નથી.            

તમારે જે ધ્યેય સિદ્ધ કરવાનું છે, તે ‘શક્ય છે’ એમ માનીને આગળ વધશો, તો તમારા આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થશે. તેનાથી તમારો ઉત્સાહ વધશે અને ઉત્સાહ વધવાથી તમારી કાર્યક્ષમતા વધશે. તેને લીધે તમારા કાર્યનું પ્રમાણ અને ગુણવત્તા વધશે, જે છેવટે તમારા ધ્યેયની પ્રાપ્તિનું કારણ બનશે.

હવે આ જ સિધ્ધાંતને જરા ઉલટી રીતે પણ જોઈ લઈએ. યુદ્ધ લડાય તે પહેલાં જ સેનાપતિ એમ માનવા લાગે કે દુશ્મનોનો પ્રભાવ કે સંખ્યાબળ વધુ હોવાથી આપણો વિજય શક્ય નથી, તો તે સેનાપતિ યુદ્ધ કયારેય જીતી શકે નહિ. એક જાણીતી કહેવત છે કે ‘રોતો જાય તે મૂવાના ખબર લાવે.’ એટલે કે શરૂઆતથી જે નકારાત્મક વિચારસરણી રાખીને કોઈ કાર્ય માટે જાય, તે પાછો આવે ત્યારે ચોક્કસ નિષ્ફળતાના સમાચાર જ લાવે.       

પરંતુ સંખ્યાબળને આધારે દુશ્મન સૈન્ય કરતાં અડધી સંખ્યાના સૈન્યે પણ પોતાના સેનાપતિની હિંમત, આત્મવિશ્વાસ અને કુશળતા દ્વારા વિજય મેળવ્યો હોય એવાં અસંખ્ય ઉદાહરણ આપણી નજર સામે છે. મહાભારતમાં એક પ્રસંગ છે. હસ્તિનાપુરની મહાશક્તિશાળી સેનાએ ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન જેવા મહારથી સાથે રાખીને વિરાટનગર પર ચડાઈ કરી હતી. તે વખતે વિરાટરાજા પોતાની સંપૂર્ણ સેના લઈને બીજા કોઈ યુદ્ધ માટે અન્યત્ર ગયેલ હતા. પરંતુ બૃહન્નલા સ્વરૂપે નગરમાં રહેલ એક માત્ર યોદ્ધા અર્જુને પોતાના આત્મવિશ્વાસ, બાહુબળ અને યુદ્ધકૌશલ્યથી એકલે હાથે અગણિત કૌરવસેનાને ધૂળ ચટાડી દીધી હતી.

આધુનિક સમયનું પણ એક ઉદાહરણ જોઈએ. આજે દેશની સૌથી મોટી ખાનગી કંપની ગણાતી રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી એક જમાનામાં કાપડની ફેરી કરીને એકદમ નાના પાયે ધંધો કરતા હતા. પરંતુ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. નાના માણસ માટે પણ મોટા ઉદ્યોગપતિ થવાનું ‘શક્ય છે’ તેમ માનીને તેમણે જીવનસંઘર્ષ ચાલુ રાખ્યો. પરિણામે તેઓ સફળતાનાં એક પછી એક પગથિયાં ચઢતા ગયા અને પોતાના જીવનકાળ દરમ્યાન જ છેક ટોચ પર પહોંચી ગયા.

એક ઉદાહરણ સ્પોર્ટ્સ ક્ષેત્રનું પણ જોઈએ. હંગેરી દેશમાં કેરોલ ટકાસ નામનો એક આર્મીમેન વર્ષ ૧૯૩૮માં શૂટિંગ સ્પર્ધામાં નેશનલ ચેમ્પિયન બન્યો. તેનું એકમાત્ર સ્વપ્ન હતું શૂટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું અને તે માટે તે દિલ લગાવીને તનતોડ મહેનત કરતો હતો. કમનસીબે લશ્કરના ટ્રેનીંગ કેમ્પ દરમ્યાન અકસ્માતે એક ગ્રેનેડ તેના જમણા હાથમાં ફાટ્યો અને જે હાથની કરામતથી તે નેશનલ ચેમ્પિયન બન્યો હતો, તે જમણો હાથ કપાઈ ગયો. પરંતુ હોસ્પીટલના બિછાને પડેલા ટકાસને ક્રૂર કુદરતને કોસીને આખી જિંદગી રોતા રહેવાનું મંજૂર નહોતું. પોતાનું સ્વપ્ન સાકાર કરવાનું હજુ પણ  ‘શક્ય છે’ તેમ આત્મવિશ્વાસ ધરાવતા ટકાસે તે પછી ડાબા હાથે શૂટિંગ કરવાની પ્રેક્ટિસ શરુ કરી.

જયારે તે વર્ષ ૧૯૩૯ની નેશનલ સ્પર્ધામાં પહોંચ્યો, ત્યારે આટલી મોટી દુર્ઘટના થઇ હોવા છતાં પ્રોત્સાહન માટે હાજરી આપવા માટે બધા ખેલાડીઓએ તેનો આભાર માન્યો. પરંતુ ટકાસે જાહેર કર્યું કે તે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નહિ, પણ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો છે, ત્યારે બધા દંગ રહી ગયા. જે હાથથી શૂટિંગ થતું હોય, તે હાથ ગુમાવ્યા પછી પણ કોઈ ખેલાડી બીજા હાથે શૂટિંગ સ્પર્ધામાં ભાગ લે, તે કોઈના માન્યામાં આવતું ન હતું. પણ ટકાસે સ્પર્ધામાં ભાગ લીધો એટલું જ નહિ, પરંતુ તે સ્પર્ધા જીતીને નેશનલ ચેમ્પિયન પણ બન્યો.

પરંતુ તે અહીંથી અટક્યો નહિ. તેનું મૂળ સ્વપ્ન તો શૂટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું હતું. આકરી પ્રેક્ટિસ ચાલુ રાખીને તે આખરે ૧૯૪૮માં ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો. એટલું જ નહિ, ફરીથી ૧૯૫૨માં પણ તે ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો અને ઓલિમ્પિકના ઇતિહાસમાં સતત બે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર સૌ પ્રથમ વ્યકિત બન્યો. આ છે આત્મવિશ્વાસનો જાદુ. ટકાસે પોતાની શારીરિક ખામીને દ્રઢ મનોબળથી ખૂબીમાં પલટી દીધી.                

નિષ્ફળતામાં સફળતા સમાયેલી છે:

karoliyo

જો કે હરહંમેશાં ‘શક્ય છે’ એમ માનીને શરુ કરેલ કાર્ય પ્રથમ પ્રયત્ને શક્ય બની જ જાય, એ પણ જરૂરી નથી. કોઈપણ કાર્યમાં નિષ્ફળતા મળવી એ સ્વભાવિક પ્રક્રિયા છે, પરંતુ નિષ્ફળતાથી નિરાશ થઈને ભાંગી પડવું એ બીમારીની નિશાની છે. વાસ્તવમાં નિષ્ફળતા મળ્યા પછી તો સફળતા મેળવવા માટેનો ઉત્સાહ બમણો થવો જોઈએ. મારું કાર્ય ભલે નિષ્ફળ ગયું, પરંતુ હું નિષ્ફળ ગયો નથી, એવો દ્રઢ આત્મવિશ્વાસ રાખીને ફરી પ્રયત્ન કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે. નિષ્ફળતામાં પણ સફળતા સમાયેલી છે, એ હંમેશાં યાદ રાખવું જોઈએ.

કવિ દલપતરામની કવિતા ‘કરતાં જાળ કરોળિયો’ યાદ છે? વારંવાર ભોંય પછડાયા પછી પણ કરોળિયાએ ઉપર ચડવાના પ્રયત્ન ચાલુ રાખ્યા અને છઠ્ઠા પ્રયત્ને તે સફળતાપૂર્વક પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયો. માત્ર બાર પંક્તિમાં આ ઘટનાનું અદભૂત વર્ણન કરીને છેલ્લી પંક્તિઓમાં કવિએ આપણને મહાન સંદેશ આપ્યો છે:

“એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત,

આળસ તજી, મહેનત કરે, પામે લાભ અનંત.”

મનમાં ખંત રાખવી, એટલે આત્મવિશ્વાસ રાખીને કામ કરવું અને સાથે સાથે પૂરતી મહેનત કરવી. પછી તો સફળતા તમારાં કદમ ચૂમવા સામે તૈયાર ઉભેલી જોવા મળશે.

આવી જ પ્રેરણાદાયક કથા યુરોપના એક રાજાની પણ છે. કિંગ બ્રુસ યુદ્ધમાં હારી જઈને પોતાનું રાજ્ય ગુમાવી બેસે છે. તે પછી રાજ્ય પાછું મેળવવા ત્રણ-ચાર વખત યુદ્ધ કરે છે, પરંતુ દરેક વખતે પરાજય મળવાથી તે નાસીપાસ થઇ જાય છે. નિરાશ થયેલો અને ભાંગી પડેલો બ્રુસ જંગલમાં રખડતો હોય છે, ત્યારે તેણે એક કરોળિયાને પોતાની જાળ પર ચડવા માટે પ્રયત્ન કરતાં કરતાં પછડાતો જોયો. અઢાર વખત ભોંય પર પડ્યા પછી પણ તે કરોળિયાએ પોતાના પ્રયત્ન ચાલુ રાખ્યા અને અંતે પોતાના સ્થાને પહોંચી ગયો. આ ઘટનાને ધ્યાનથી જોઈ રહેલા બ્રુસને તેમાંથી પ્રેરણા મળી અને તે પોતાની નિષ્ફળતાઓનો બોજો ખંખેરી નાખી ફરી યુદ્ધ કરવા તૈયાર થયો અને વિજયને વર્યો.

અમેરિકાના પ્રખ્યાત લેખક અને ચિંતક હ્યુ પ્રેથરે લખ્યું છે: “પરિણામોનું સ્વરૂપ અનિશ્ચિત રહેવાનું. એટલે જ મારો કોઈ પણ પ્રયત્ન નિષ્ફળતામાં જ પરિણામવાનો છે એવું મારે પહેલેથી માની ન લેવું જોઈએ. નિષ્ફળતા આવશે તો પણ એનું સ્વરૂપ હું ધારું છું એવું નહિ હોય. ભવિષ્યમાં શું બનશે એવું વિચારવા માટેનો સૌથી વ્યવહારુ દ્રષ્ટિકોણ આ જ છે; જે થશે તે જોવાની મઝા આવશે.”

અહીં હ્યુ પ્રેથર સમજાવે છે કે આપણો પ્રયત્ન સફળ થશે જ તેમ માનીને જ કાર્ય કરો, પરંતુ કદાચ નિષ્ફળતા મળે તો પણ તે કોઈ જુદી જાતની હશે. એટલે કે નિષ્ફળતામાં પણ કંઇક મઝા છૂપાયેલી હશે, તે માણી લો. અને પછી તો નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને ફરીથી મુકાબલો કરવા તૈયાર તો રહેવાનું જ છે. આમ નિષ્ફળતામાં પણ મઝા માણવાનો મસ્ત સંદેશ હ્યુ પ્રેથર આપે છે.

પ્રારબ્ધનું નિર્માણ:

002

જો કે આપણો સર્વસામાન્ય અનુભવ તો એવો છે કે મોટાભાગના લોકો કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે એટલે તરત જ નિરાશ થઇને ભાગ્યને દોષ આપવા માંડે છે. ‘મારું તો નસીબ જ વાંકું છે’, ‘મારી સાથે દર વખતે આવું થાય છે’, ‘છોડો, મારા નસીબમાં એ નહિ હોય’, ‘આપણે તો બનતો પ્રયત્ન કરી જોયો, પરંતુ અંતે તો ભાગ્યમાં લખેલું હોય તે જ થાય છે’, આવાં સ્ટેટમેન્ટ આપીને પાછા આપણને સુવાક્ય પણ સંભળાવે છે, ‘માણસને એના પ્રારબ્ધમાં જે હોય તે જ મળે છે.’

આપણાં હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ મુજબ પણ પ્રારબ્ધનો સિધ્ધાંત સ્વીકારાયેલો છે અને તે રીતે જોવા જઈએ તો આ સુવાક્ય સાચું છે, પરંતુ તે અધૂરું સત્ય છે. આ સુવાક્યનો બીજો ભાગ પણ પહેલા ભાગની સાથે વાંચવો જરૂરી છે:

“માણસને એના પ્રારબ્ધમાં જે હોય તે જ મળે છે,

અને આ પ્રારબ્ધનું નિર્માણ માણસ જાતે જ કરે છે.”

પ્રારબ્ધ એટલે આપણે કરેલાં સારાં-નરસાં કર્મોનું ભવિષ્યમાં મળનારું ફળ. માણસ જે કંઇ અને જેવાં કંઇ કર્મો કરે છે, તેનું તેવું અને તેટલું ફળ તેને મળે છે, જેને આપણે પ્રારબ્ધ કે નસીબ કહીએ છીએ. હવે આ કર્મો માણસ જ કરે છે, અર્થાત્ પ્રારબ્ધનું નિર્માણ પણ માણસ જ કરે છે.

જો જરૂરી અને યોગ્ય કર્મો ના કર્યા હોય તો તે મુજબના પ્રારબ્ધનું નિર્માણ થતું નથી. એટલે તેનાં તેવાં ફળ પણ મળતાં નથી. માટે ‘માણસના નસીબમાં નહોતું એટલે ના મળ્યું’ એમ કહેવું સાચું નથી. વાસ્તવમાં તો તે માણસે યોગ્ય કર્મો (જરૂરી પ્રયત્નો) નહોતા કર્યા, એટલે તેનું પ્રારબ્ધ નિર્માણ ના થયું, અને એટલે જ તે માણસને તેનું ફળ પણ ના મળ્યું. પરંતુ હવે નવેસરથી તે યોગ્ય કર્મો (જરૂરી પ્રયત્નો) કરીને પોતાનું નસીબ જાતે જ નક્કી કરશે, તો તે મુજબના નસીબનું નિર્માણ થશે, અને અંતે તેનું ફળ તે માણસને જરૂરથી મળશે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ આ જ સંદેશ આપે છે કે ‘તું કર્મ કર અને ફળની પ્રાપ્તિ મારા પર છોડી દે.’ અર્થાત કર્મ કરવું ફરજીયાત છે અને ફળ મળવું એ ઈશ્વર પર કે પ્રારબ્ધ પર આધારિત છે. એટલા માટે ઘણીવાર એવું પણ બને છે કે કોઈને ઓછા પ્રયત્નોથી સફળતા મળી જાય છે, તો કોઈને ઘણા સંઘર્ષ પછી સફળતા મળે છે. પરંતુ પ્રયત્નો કરનારને સફળતા મળે છે, તે સનાતન સત્ય છે. ઈશ્વરના દરબારમાં કદાચ દેર હશે, પરંતુ અંધેર તો નથી જ.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તુ જ તારા ભાગ્યનો વિધાતા છે.’ અર્થાત્ ભાગ્યને નક્કી કરવાનું પણ દરેક વ્યક્તિના હાથમાં જ હોય છે. માટે જયારે નિષ્ફળતા મળે ત્યારે ભાગ્યને દોષ દેવાને બદલે પોતાના ભાગ્યનું નિર્માણ પોતાના હાથમાં જ છે તે સમજી લઈને ‘ભલે આ વખતે નિષ્ફળતા મળી, હવે પછીના પ્રયત્નમાં તો સફળતા મળશે જ’, એવો દ્રઢ આત્મવિશ્વાસ રાખીને સફળતા મેળવવાના ઝનૂન સાથે ફરી ને ફરી પ્રયત્ન કરો તો સફળતા જરૂર શક્ય છે.

મનની શક્તિઓને ઓળખો:

krishna_arjuna

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે અર્જુન, હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું.’ હવે જો ભગવાન સ્વયં દરેક મનુષ્યના શરીરમાં વસતો હોય, તો પછી તે મનુષ્ય પણ ભગવાનના જેવી અનંત શક્તિઓ ધરાવતો હોય જ ને. મનુષ્યને જરૂર છે ફક્ત તે શક્તિઓને ઓળખવાની. અગર મનુષ્ય મનમાં બીજરૂપે રહેલી આ શક્તિઓને ઓળખીને તેને પ્રયત્નરૂપી પાણી અને પરિશ્રમરૂપી ખાતરનું પોષણ આપશે, તો તે વટવૃક્ષ સમાન વિકાસ સાધીને તેને મીઠાં ફળ આપ્યા જ કરશે.

હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાનના જેવી આ અનંત શક્તિઓ મનુષ્યમાં હોય છે, તો તે ક્યાં હોય છે અને તેને જગાડવા માટે શું કરવું જોઈએ? એનો જવાબ એ છે કે આ અનંત શક્તિઓ મનુષ્યના મનમાં રહેલી છે અને મનને યોગ્ય રીતે કેળવીને આ શક્તિઓ જગાડીને તેમના દ્વારા ધાર્યું કામ પૂર્ણ કરી શકાય છે.

બીજો પ્રશ્ન એ થાય કે મનને કેળવવું કઈ રીતે? આ માટે નીચે આપેલાં પાંચ સુત્રો યાદ રાખો અને તેનો મનને કેળવવા માટે ઉપયોગ કરો:

૧) જેવી તમારી માન્યતાઓ, તેવી તમારી જિંદગી

૨) જેવા તમારા મનોભાવ, તેવી તમારી જિંદગી

૩) જેવી તમારી કલ્પનાઓ, તેવી તમારી જિંદગી

૪) જેવા તમારા શબ્દો, તેવી તમારી જિંદગી

૫) જેવા તમારા વિચારો, તેવી તમારી જિંદગી

તમારી માન્યતાઓ, મનોભાવ, કલ્પનાઓ, શબ્દો અને વિચારોને સકારાત્મક, સર્જનાત્મક, પ્રેરણાત્મક, આનંદદાયક, ઉત્સાહવર્ધક અને પ્રેમપૂર્ણ બનાવીને મનને કેળવશો, તો તમારા જીવનમાં તંદુરસ્તી, ખુશહાલી, સફળતા, શાંતિ, અને આનંદ આવશે. પરંતુ જો તમે નકારાત્મક, અવરોધક, અભાવસર્જક, ખંડનાત્મક, અને રોગીષ્ટ માન્યતાઓ, મનોભાવ, કલ્પનાઓ, શબ્દો અને વિચારો દ્વારા મનને કેળવશો, તો તમારા જીવનમાં સમસ્યા, અવરોધ, રોગ, નિષ્ફળતા, દુઃખ અને નિરાશા આવશે. ટૂંકમાં, જેવી તમારા મનની માનસિકતા હશે, તે મુજબ તમારી જિંદગી ઘડાશે.

જેવું વિચારો તેવું પામો:

bhim

ઘણીવાર જોવા મળે છે કે આપણે મનથી જેવું વિચારીએ છીએ, તેવો અનુભવ આપણને જીવનમાં થાય છે. હવે દરેક માણસ પોતાના મનથી અલગ અલગ રીતે વિચારે છે, એટલે દરેક માણસને એક જ વ્યક્તિ માટે કે એક જ ઘટના માટે કે એક જ સ્થળ માટે અલગ અલગ અનુભવ થાય છે. આ વાત એક દ્રષ્ટાંતથી સમજીએ.   

મહાભારતનો એક પ્રસંગ છે. એક વખત શ્રીકૃષ્ણ એવું બોલ્યા કે ‘દરેક વ્યક્તિ પોતાના મનથી જેવું વિચારે, તેને દુનિયામાં તેવું જ દેખાય.’ આ વાત સાંભળીને ભીમસેને શંકા બતાવી: ‘દુનિયા તો બધા માટે એકસરખી જ હોય. તો અલગ અલગ વ્યક્તિને તે દુનિયા અલગ અલગ કઈ રીતે દેખાય?’ એટલે શ્રીકૃષ્ણે કહ્યું: ‘ચાલો આપણે આ સિધ્ધાંતની કસોટી કરીએ અને જોઈએ કે તે સાચો છે કે નહિ.’

આ કસોટી માટે શ્રીકૃષ્ણે પહેલાં દુર્યોધનને બોલાવ્યો અને તેને કહ્યું કે ‘હે દુર્યોધન, તું સમસ્ત હસ્તિનાપુર નગરમાં ફરી વળ અને નગરમાં જેટલા સારા માણસો હોય તે બધાને મારી પાસે લઇ આવ. મારે તે બધાને શિરપાવ આપવો છે.’ દુર્યોધન તો શ્રીકૃષ્ણના આદેશ મુજબ ગયો અને ખાલી હાથે પાછો આવીને બોલ્યો: ‘હે દેવકીનંદન, હું સમસ્ત હસ્તિનાપુર નગરમાં ફરી વળ્યો, પરંતુ મને તો આખા નગરમાં એક પણ સારો માણસ મળ્યો નથી.’

હવે શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને બોલાવીને કહ્યું કે ‘તમે સમસ્ત હસ્તિનાપુર નગરમાં ફરો અને નગરમાં જેટલા ખરાબ માણસો હોય તે બધાને મારી પાસે લઇ આવો. મારે તે બધાને દંડ આપવો છે.’ યુધિષ્ઠિર પણ શ્રીકૃષ્ણના આદેશ મુજબ ગયા અને ખાલી હાથે પાછા આવીને બોલ્યા: ‘હે વાસુદેવ, હું સમસ્ત હસ્તિનાપુર નગરમાં ફરી વળ્યો, પરંતુ મને તો આખા નગરમાં એક પણ ખરાબ માણસ મળ્યો નથી.’

ભીમસેન આ સમગ્ર ઘટનાક્રમનો સાક્ષી હતો. હવે શ્રીકૃષ્ણે તેને સમજાવ્યું: “જુઓ વૃકોદર, દુર્યોધનને હસ્તિનાપુરમાં એક પણ સારો માણસ ના મળ્યો, એનો અર્થ એ થાય કે હસ્તિનાપુરમાં બધા જ માણસો ખરાબ છે. આમ છતાં યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાં એક પણ ખરાબ માણસ નથી મળ્યો. હવે હસ્તિનાપુર નગર તો એક જ છે અને તેના બધાં પ્રજાજનો પણ એ ના એ જ છે. આમ છતાં એક વ્યક્તિને નગરમાં કોઈ સારો માણસ દેખાતો નથી અને બીજી એક વ્યક્તિને કોઈ ખરાબ માણસ મળતો નથી. તો તેનું શું કારણ? કારણ એ છે કે દરેક વ્યક્તિની પોતાની જેવી માનસિકતા હોય છે તેવું જ તેને સામેની વ્યકિતમાં દેખાય છે. દુર્યોધન મનમાં ખરાબ વિચાર રાખે છે એટલે તેને બધા માણસો ખરાબ દેખાય છે અને યુધિષ્ઠિર મનમાં સારા વિચાર રાખે છે એટલે તેને બધા માણસો સારા દેખાય છે. એટલે તમે જેવું વિચારો, એવું તમને જોવા મળે.”

આમ દુનિયા બધી વ્યકિતઓ માટે એકસમાન હોવા છતાં જે તે વ્યકિતની પોતાની માનસિકતા મુજબની દુનિયા તેને દેખાય છે. હકીકતમાં દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબ હોતો નથી. દરેક સારા માણસને પણ કોઈ નબળી બાજુ હોય છે, તેમજ દરેક ખરાબ માણસમાં પણ કંઇક સારા ગુણ હોય છે. હવે સામેના માણસની માનસિકતા સારી હોય, તો તે સારા અને ખરાબ એ બંને પ્રકારના વ્યક્તિઓનાં સારાં પાસાં જ જોશે, એટલે તેને બધી વ્યકિતઓ સારી લાગશે. પરંતુ જયારે સામેના માણસની પોતાની માનસિકતા ખરાબ હશે, ત્યારે તે સારા અને ખરાબ બંને પ્રકારના વ્યક્તિઓની ફક્ત નબળી બાજુ જ જોશે, એટલે તેને બધી જ વ્યકિતઓ ખરાબ લાગશે.

એટલું જ નહિ, જે તે વ્યકિતઓ સાથે કાર્ય કરવાનો અનુભવ પણ પોતાની માનસિકતા મુજબનો જ રહેશે. અર્થાત્ સારી માનસિકતા ધરાવતા વ્યકિતને બીજા માણસો સાથે કાર્ય કરવાનો અનુભવ પણ સારો રહેશે અને તેનું કાર્ય સફળ થવાની શક્યતા વધુ રહેશે. એનાથી ઉલટું, નબળી માનસિકતા ધરાવતા વ્યકિતને બીજા માણસો સાથે કાર્ય કરવાનો અનુભવ પણ નબળો થશે અને તેનું કાર્ય સફળ થવાની શક્યતા ઓછી રહેશે.

માનસિકતા બદલો:

જીવનમાં સફળ થવા માટે સૌ પ્રથમ તમારી માનસિકતા બદલો. જો તમે અવરોધક માન્યતાઓ ધરાવતા હો તો તે બદલીને સહાયક માન્યતાઓ ધરાવતા થાઓ. નકારાત્મક લાગણીઓને મુક્ત કરીને સકારાત્મક વલણ અપનાવો. સર્જનાત્મક કલ્પનાઓ અને સકારાત્મક સ્વસૂચનો દ્વારા મનને પોઝીટીવ બનાવો. સારા વિચાર કરીને જીવનની દિશા બદલો. સારા વિચારો એટલે કેવા? થોડાં ઉદાહરણ જોઈએ:

 • માંદગીને બદલે સ્વાસ્થ્યના વિચારો કરો.
 • અછતને બદલે ભરપૂરતાના વિચારો કરો.
 • લોકોની કુટેવોને બદલે તેમના સારા ગુણો વિષે વિચારો કરો.
 • દુનિયાના બધા લોકો ખરાબ છે એવું વિચારવાને બદલે મોટાભાગના લોકો સારા છે એવા વિચારો કરો.
 • તમારી પાસે જે નથી તેની યાદી બનાવવાને બદલે જે છે તે વિષે વિચારો.
 • મંદીને બદલે તેજીના વિચારો કરો.
 • શું અશક્ય છે તેને બદલે શું થઇ શકે છે તેના વિચારો કરો.
 • સમસ્યાને બદલે તેના ઉકેલના વિચારો કરો.
 • દુનિયામાં જે ખોટું ચાલી રહ્યું છે તેને બદલે જે સારું ચાલે છે તેના વિચારો કરો.
 • મને નહિ આવડે એવું વિચારવાને બદલે દિલથી પ્રયત્ન કરીએ તો બધું શીખી શકાય એવા વિચારો કરો.

આ રીતે મનમાં સારા, સાત્વિક અને ફળદાયી વિચારો ઘડાશે, તો તે મુજબનું જીવન વાસ્તવિકતામાં ઘડાશે. એક કવિએ કહ્યું છે:

“જાણતાં બને કે અજાણતાં બને,

જે મનમાં બને તે જીવનમાં બને.”

વીઝ્યુલાઈઝેશન:

ઉત્તમ વિચારોની સાથે કલ્પનાશક્તિનો પણ ઉપયોગ કરીને મનોજગતમાં એવા અહેસાસનું સર્જન કરો કે તમે જે સિદ્ધી પ્રાપ્ત કરવા માંગતા હતા તે તમને મળી ગઈ છે. આ પ્રક્રિયાને વીઝ્યુલાઈઝેશન કહેવાય છે. વ્યક્તિ વીઝ્યુલાઈઝેશનની મદદથી પોતાની કાર્યકુશળતામાં જબરદસ્ત વધારો કરી શકે છે.

તમારે કોઈ મોટી ડીગ્રી હાંસલ કરવાની હોય, નવું વાહન લેવું હોય, નવું ઘર લેવું હોય, કોઈ રોગ મટાડવો હોય, કોઈ વ્યસનમાંથી મુક્તિ મેળવવી હોય, ધંધામાં અમુક સિદ્ધિ મેળવવી હોય, સારી નોકરી મેળવવી હોય, નોકરીમાં પ્રમોશન મેળવવું હોય, કોઈ વ્યક્તિ સાથેના સંબંધોને ગાઢ બનાવવા હોય, આવી કોઈપણ નાની મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલાં એ ઘટનાનું મનમાં સર્જન કરો. તે પછી દરરોજ કલ્પના કરો કે તે સિદ્ધિ તમે પ્રાપ્ત કરી ચૂક્યા છો. બસ આ રીતે વીઝ્યુલાઈઝેશન નિયમિત કરો, દરરોજ કરો અને કરતા રહો. એ ઘટના તમારા જીવનમાં જરૂર સાકાર બનશે. તમારી કલ્પનાશક્તિ એ તમારી અંદર રહેલા ઈશ્વરની શક્તિ છે, એટલે એ ઘટનાએ સર્જાવું જ પડશે.        

શબ્દોની શક્તિ:

વીઝ્યુલાઈઝેશન જેવી જ શક્તિ શબ્દોમાં પણ છે. શબ્દોની શક્તિ પણ અસીમ છે. આપણા દ્વારા બોલતા શબ્દો આપણું વર્તમાન અને ભવિષ્ય બંને નક્કી કરવાની તાકાત ધરાવે છે. શબ્દોના વારંવાર ઉપયોગથી તે શબ્દો મનના ઊંડા સ્તર સુધી પહોંચે છે, જે તે વ્યક્તિની માનસિકતા ઘડે છે, અને પછી તેના જેવી પરિસ્થિતિ જીવનમાં આકાર લે છે.

એમિલ કુ નામના ફ્રેંચ સાયકોલોજીસ્ટે એક પ્રેરણાદાયક વાક્યના રટણ વડે લાખો લોકોને બીમારી, તણાવ અને હતાશામાંથી બહાર લાવ્યા છે. આ વાક્ય છે: “હું દરરોજ દરેક રીતે બહેતર અને બહેતર થતો જાઉં છું.” (Everyday in every way, I am getting better and better). બસ દર કલાકે એક મિનીટ સુધી આ વાક્યનું સતત મનોમન રટણ કરવાનું. એકાગ્રતાપૂર્વક રટણ કરતા રહેવાનું. સતત દિવસો સુધી રટણ કરતા રહેવાનું. એકવાર આ શબ્દો મનના ઊંડા સ્તરે પહોંચી જશે, પછી તે આપમેળે શરીર પર કાર્યાન્વિત થતા રહેશે.

શબ્દો દ્વારા પોતાના મનની સાથે બીજાના મન પર પણ પોઝીટીવ અસર મેળવી શકાય છે, ખાસ કરીને બાળકોના કિસ્સામાં. ઘણા લોકોને પોતાનાં બાળકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ તેની સમજણ પડતી નથી. ‘તું સાવ ડફોળ છે’, ‘તુ છેલ્લો નંબર લાવવાનો છે’, ‘તને કશું આવડતું નથી’, ‘તને કશી ખબર પડતી નથી’, એવા શબ્દો સાથે બાળકોને વઢતાં માબાપ તમે ઘણીવાર જોયાં હશે. વારંવાર આવાં નકારાત્મક વિધાનો સાંભળીને આ બાળકો મોટા થાય ત્યાં સુધીમાં ખરેખર તેવાં જ બની જાય છે. તેમનામાં લઘુતાગ્રંથી પેદા થાય છે અને આત્મવિશ્વાસનો અભાવ રહે છે. તેને લીધે તેમના જીવનમાં હિંમત, ખુમારી, દ્રઢતા, જેવાં મૂલ્યો પેદા થતાં નથી અને તેઓ જીવનમાં દરેક તબક્કે હાર માનીને બેસી રહે છે. આવું બનવા પાછળ આ બાળકોનો નહિ, પણ તેમનાં માબાપનો વાંક હોય છે.

જો તમે તમારાં બાળકોને સર્વશ્રેષ્ઠ બનાવવા માંગતા હો તો તેમની ટીકા કોઈ દિવસ કરશો નહિ, તેમના મિત્રો અને શિક્ષકની હાજરીમાં તો કદી પણ નહિ. તેમનાથી શું નહિ થઇ શકે તે કહેવાને બદલે શું થઇ શકશે તેની વાતો કરો. તેમની સાથે પ્રેરણાદાયક વાતો કરો. ઘરનાં બધાં સભ્યો પણ અરસપરસ શાલીનતાભર્યું વર્તન કરે, જેથી બાળકો તેમાંથી કંઇક શીખે. સાથે સાથે તેમને ‘સુપરકીડ’ બનાવવાની હાઇપર ઈચ્છાનો ત્યાગ કરીને તેમને સારી અને સફળ વ્યક્તિ બનાવવા માટે પ્રયત્ન કરતા રહો.    

હવે એક કાલ્પનિક પણ ખરેખર પ્રેરણાદાયક કિસ્સો જોઈએ.

ત્રણ સફળ અને ધનવાન વ્યક્તિઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો: તમારે બીએમડબલ્યુ ખરીદવાની હોય, તો તે માટે કેટલા સમયની જરૂર પડે ?

એન્જીનીયરે થોડું વિચારીને કહ્યું: ત્રણેક વર્ષની બચતમાંથી હું બીએમડબલ્યુ ખરીદી લઉં.

ડોકટરે તરત જવાબ આપ્યો: એક વર્ષમાં તો હું આરામથી ખરીદી લઉં.

ગુજરાતી બિઝનેસમેન ખૂબ ગણતરી કરીને બોલ્યો: ભાઈ, મને દશેક વર્ષ તો લાગે.          

હવે પ્રશ્નકર્તાએ આ બિઝનેસમેનને પૂછ્યું: તમને કેમ આટલો બધો સમય લાગે? ત્યારે તેણે દંગ થઇ જવાય તેવો જવાબ આપ્યો: અરે ભાઈ, બીએમડબલ્યુ ઘણી મોટી કંપની છે, એટલા માટે તેને ખરીદવાના પૈસા ભેગા કરવામાં એટલો સમય તો લાગે જ ને!

જોયો આ બિઝનેસમેનનો  આત્મવિશ્વાસ! સ્વાભાવિક રીતે બીએમડબલ્યુ કાર ખરીદવાની વાત થતી હોય ત્યાં બીએમડબલ્યુ કાર બનાવતી આખી ને આખી કંપની જ ખરીદી લેવાનું પણ ‘શક્ય છે’, તેવું જે વ્યક્તિ વિચારી શકે, તે માણસ પછી જ્વલંત સફળતા મેળવે તો તેમાં કંઇ નવાઈ!  

 

આ લેખમાળાના પ્રથમ પ્રકરણ ૧) મનની શક્તિ અપાર પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના ત્રીજા પ્રકરણ “(૩) મનની શક્તિથી તંદુરસ્તી”  પર જવા અહીં ક્લિક કરો.

 

આ પેજને લાઇક કરવા વિનંતી છે.

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

સુરેશ ત્રિવેદી  

  

 

 

Advertisements

6 thoughts on “(૨) શક્ય છે!

 1. ખુબ સરસ.
  સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s