(૩) મનની શક્તિથી તંદુરસ્તી

mind

ટાઈટલ જોઇને ચોંકશો નહિ, કારણ કે કોઈપણ જાતની દવા લીધા વગર ફક્ત મનની શક્તિથી જ તંદુરસ્તી મેળવવી શક્ય છે. આ વાત મનઘડંત નથી પણ અનુભવસિદ્ધ છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે અને વૈદો અને ડોક્ટરો દ્વારા પણ સ્વીકારાયેલી છે. તો ચાલો હવે જોઈએ કે મનની શક્તિથી તંદુરસ્તી કઈ રીતે શક્ય બને છે.

રોગપ્રતિકારક શક્તિ:

કુદરતે આપણું શરીર ખરેખર અદભૂત બનાવ્યું છે. શરીરની અનેક વિશિષ્ટતાઓમાંની એક મહત્વની વિશિષ્ટતા એ છે કે આપણું શરીર કોઈપણ રોગ લાગુ ના પડે તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. છતાંય જો કોઈ રોગ શરીરમાં પ્રવેશી જાય, તો તેની સામે પોતાની જાતે લડે છે. એટલું જ નહિ, જેવો કોઈ રોગ લાગુ પડે તે ક્ષણથીજ તેનો પ્રતિકાર કરવાનું ચાલુ કરી દે છે અને તે રોગને દૂર કરીને જ જંપે છે. શરીરની આ શક્તિ રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) તરીકે ઓળખાય છે.

આપણા શરીરની આવી જ બીજી એક વિશિષ્ટ શક્તિ સેલ્ફ હિલીંગની છે. શરીરનાં હાડકાં અને ચામડી જેવાં કેટલાંક અંગો ક્ષતિગ્રસ્ત થયા પછી પોતાની જાતે તે ક્ષતિપૂર્તિ કરી દે છે. ઉદાહરણ તરીકે અકસ્માતે કોઈનું હાડકું ભાંગી જાય તો આપણે તરતજ તેણે ડોક્ટર પાસે લઇ જઈએ તો ડોક્ટર શું કરે છે? ઓપરેશન કરીને હાડકું સાંધી દે છે? ના, ડોક્ટર ફક્ત ઓપરેશન કરીને તે હાડકું મૂળ સ્થિતિમાં ગોઠવીને મજબુત રીતે ફક્ત બાંધી દે છે. તે પછી હાડકાના તૂટેલા ભાગોમાંથી કુદરતી રીતે એક પ્રકારનો સિમેન્ટ જેવો રસ નીકળે છે, જે થોડા સમયમાં હાડકાને મજબુત રીતે સાંધી દે છે. આમ શરીરની સેલ્ફ હિલીંગ શક્તિથી હાડકું આપમેળે સંધાઈ જાય છે. આજ રીતે ચામડી પર પણ કોઈ ઘા પડે છે, ત્યારે આ ચામડી થોડા સમયે પોતાની મેળે સંધાઈ જાય છે.    

હવે આ રોગપ્રતિકારક શક્તિ અને સેલ્ફ હિલીંગ શક્તિ દરેક વ્યક્તિમાં ઓછાવત્તી હોઈ શકે છે અને તેનો આધાર વારસાગત કારણો ઉપરાંત તે વ્યક્તિની જીવનશૈલી પર રહેલો હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતાના આહાર, વિહાર અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરીને આ શક્તિઓમાં વધારો કરી શકે છે. પણ અગત્યની વાત એ છે કે મનને સ્વયં-સુચના (ઓટો સજેશન) આપીને તથા દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ દ્વારા આ શક્તિઓ વધારી શકાય છે અને તે રીતે રોગ અટકાવી તંદુરસ્તી પ્રાપ્ત કરી શકાય છે.

જિજીવિષા:

આમ તો દૈનિક જીવનની સામાન્ય મુશ્કેલી પણ માણસને દુ:ખી તથા નિરાશ બનાવી દે છે. પરંતુ જયારે જીવલેણ સંકટ ઉભું થાય છે, ત્યારે માણસની જિજીવિષા તરત જ જાગૃત થઇ જાય છે, જેને લીધે તે માણસ અત્યંત હિંમત, ચપળતા, બહાદુરી અને હોંશિયારી બતાવીને આશ્ચર્યજનક પરિણામો લાવી શકે છે.

સામાન્ય માણસ માટે ખોરાક અને પાણી વગર એક દિવસ પસાર કરવો પણ ઘણો કઠીન બની રહે છે. પરંતુ વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલ ભયંકર ધરતીકંપ વખતે કાટમાળમાં દટાઈ ગયેલ એક વ્યક્તિ પાંચમા દિવસે જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. તો આ વ્યક્તિ પાંચ દિવસ સુધી બિલકુલ ખોરાક અને પાણી વગર દટાયેલી સ્થિતિમાં કઈ રીતે જીવતો રહી શક્યો, તેનું વિશ્લેષણ આપણે કરીએ તો માણસની જિજીવિષાની તાકાત કેટલી છે, તે ખબર પડે છે.

આ જિજીવિષા શું છે? તે કોઈ શારીરિક તાકાત નથી, પરંતુ માણસના મનની એક પ્રકારની શક્તિ છે. જીવલેણ પરિસ્થિતિમાં મનની આ શક્તિ જાગ્રત થઇ જાય છે અને તે શરીરને વિપરીત સંજોગોમાં ટકાવી રાખે છે, અસાધારણ બળ આપે છે અને અધિક માત્રામાં રોગપ્રતિકારક શક્તિ પણ પેદા કરે છે.     

પ્લેસીબો ગોળીઓ:

images

માનસિક રીતે મજબૂત ના હોય તેવા લોકો જલ્દીથી બીમાર  થઇ જાય છે. આવા લોકો બીજા બીમાર  લોકોને જોઇને કે તેમનાં દર્દની વાત સાંભળીને પોતે તેવા જ દર્દનો અનુભવ કરવા માંડે છે. ઘણીવાર છાપામાં રોગનાં લક્ષણોનું વર્ણન વાંચીને પોતાને પણ એવો રોગ થયો છે, તેમ માનવા માંડે છે. આવા દર્દીઓ જયારે ડોક્ટર પાસે જાય છે, ત્યારે તેમને તપાસીને ડોક્ટરને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ દર્દીને ફક્ત માનસિક બીમારી છે.

આ માનસિક બીમારી એટલે મગજની કોઈ ખામી નહિ, પરંતુ શરીરથી દુરસ્ત હોવા છતાં માનસિક રીતે બીમાર હોવાનું માનવું તે. આવા દર્દીઓને તેમનાં કુટુંબીજનો કે ખુદ ડોક્ટર પણ સમજાવે કે તમને કોઈ રોગ કે અન્ય કોઈ તકલીફ નથી, તો પણ તેઓ માનવા તૈયાર હોતા નથી. આવા દર્દીઓ તે દર્દનાં લક્ષણો ખૂદ અનુભવતા હોય છે, એટલે તેમને માનસિક બીમારી નહિ, પરંતુ સાચેસાચ રોગ થયો છે તેવું રટણ જ કર્યા કરે છે.

આવા સંજોગોમાં ડોક્ટર તે દર્દીને ‘પ્લેસીબો ગોળી’ આપે છે. પ્લેસીબો ગોળી એટલે કોઈપણ જાતની દવાના ડોઝ વગર ફક્ત ગ્લુકોઝ કે એવા નિર્દોષ દ્રવ્યોવાળી રંગબેરંગી ગોળીઓ. અને આશ્ચર્યની વાત તો એ બને છે કે આ પ્લેસીબો ગોળીઓ ખાઈને દર્દી સાજો પણ થઇ જાય છે. કારણકે પોતાના મનથી તે એમ માને છે કે હવે ડોક્ટરે મને દવા આપી છે, એટલે હું સાજો થઇ જઈશ અને તે ખરેખર સાજો પણ થઇ જાય છે. તો આ છે મનની તાકાત. મન માણસને બીમાર પાડી શકે છે અને સાજો પણ કરી શકે છે.     

અરે, એવા કિસ્સા પણ જોયેલા છે કે દર્દથી પરેશાન થતો દર્દી ડોક્ટર પાસે જઈ આવે પછી દવા લીધા પહેલાં જ સારું ફિલ કરવા માંડે. કારણકે તેને માનસિક રાહત થઇ જાય છે કે હવે ડોકટરે દવા આપી છે, એટલે મને સારું થઇ જશે. આવું હકારાત્મક સૂચન જેવું અજાગ્રત મનને મળે છે તેવું તે તેના પર કામ શરુ કરી દે છે અને તેની પ્રેરણાથી જાગ્રત મન દર્દને ઓછું કરે છે.

ડોકટરના દવાખાનામાં ઘણીવાર બોર્ડ લટકાવેલું હોય છે: “હું તમને ફક્ત દવા આપું છું, તમને સાજા તો ભગવાન જ કરે છે.” આ ભગવાન એટલે તમારા શરીરમાં રહેલો ભગવાન, એટલે કે તમારો આત્મા, જેને આપણે મન તરીકે ઓળખીએ છીએ. આમ દવા એ ફક્ત પૂરક વસ્તુ છે, તે સહાય કરે છે, પરંતુ સાજા થવાનું મુખ્ય કાર્ય તો મન દ્વારા જ કરવામાં આવે છે.

મનનો પ્રભાવ:

મનનો શરીર પર બહુ મોટો પ્રભાવ પડે છે. જેનું મન સ્વસ્થ હોય છે તેનું શરીર દુરસ્ત હોય છે અને જેનું શરીર  દુરસ્ત હોય છે તેનું મન સ્વસ્થ હોય છે. આમ, મન શરીરને અને શરીર મનને પ્રભાવિત કરે છે. છતાં પણ મનની અસર શરીર પર વધારે પડે છે.

માનસિક સ્વસ્થતા શરીરને રોગમુક્ત રાખે છે, જયારે માનસિક અસ્વસ્થતાથી શરીરમાં અનેક બીમારીઓ પેદા થાય છે. બ્લડ પ્રેસર, એસીડીટી, હૃદયરોગ, ડાયાબિટીસ જેવા અનેક રોગો માનસિક અસ્વસ્થતાને કારણે થાય છે અથવા વૃદ્ધિ પામે છે.

માનસિક સ્વસ્થતા હોવા છતાં કોઈ કારણસર શરીરમાં રોગ લાગુ પડી જાય તો તે જલ્દીથી મટાડી શકાય છે. કેન્સર જેવા ભયાનક અને જીવલેણ રોગમાં પણ દર્દીનું આત્મબળ મજબુત હોય અને તે દર્દી ‘મને કશી જ તકલીફ નથી અને મને કંઇ જ નહિ થાય’ એવા હકારાત્મક વિચારો કર્યા કરે, તો તે દર્દીનું કેન્સર મટી ગયું હોય તેવા કેટલાય કિસ્સા જોવા મળે છે. 

અવરોધક માન્યતાઓ:

મનુષ્યના જીવનની પ્રગતિમાં સહાય કરનાર માન્યતાઓ સહાયક માન્યતાઓ અને અવરોધ પેદા કરનાર માન્યતાઓને અવરોધક માન્યતાઓ કહે છે. કેટલાંક ઉદાહરણ જોઈએ:

  • હું સુંદર છું / હું સુંદર નથી
  • હું તંદુરસ્ત છું / હું બીમાર  છું
  • મારો પુત્ર હોંશિયાર છે / મારો પુત્ર ડફોળ છે
  • મારા વિકાસ માટે ઘણી તકો છે / મારી આવક હવે વધી શકે તેમ નથી
  • મારી રોગપ્રતિકારક શક્તિ સારી છે / પચાસ વર્ષ પછી તો તબિયત નબળી જ રહે

ઉપર મુજબની જેવી માન્યતા આપણે ધરાવીએ, તેવું આપણા જીવનમાં બને. તંદુરસ્ત અને બીમાર  વ્યક્તિઓ વચ્ચેનો પહેલો તફાવત તેમની માન્યતાઓનો હોય છે. તે જ રીતે સુખી અને દુ:ખી માણસ, સજ્જન અને દુર્જન માણસ, તેજસ્વી અને નબળા વિદ્યાર્થી, અમીર અને ગરીબ વ્યકિત વચ્ચેનો પહેલો તફાવત તેમની માન્યતાઓનો હોય છે. એક મનોચિકિત્સક કહે છે: What you believe, you receive. અર્થાત તમે જે માનો છો તે તમને મળે છે.

એક જાણીતા ડાયેટીશીયન એક કિસ્સો કહે છે: તેમની પાસે વધુ વજનવાળાં એક બહેન સારવાર માટે આવેલ. યોગ્ય ડાયેટ, કસરત અને દિનચર્યામાં પરિવર્તન કરીને તે બહેનનું વજન ઘટાડવામાં સફળતા તો મળી, પરંતુ થોડા દિવસ પછી ફરીથી તેમનું વજન વધવા માંડ્યું. ડાયેટીશીયને વારંવાર સારવાર બદલી, પણ દર વખતે થોડી સફળતા પછી ફરીથી આ બહેનનું વજન વધવા લાગતું.

છેવટે ડાયેટીશીયનને ખ્યાલ આવ્યો કે તે બહેન એવી માન્યતા ધરાવતાં હતાં કે તેમના પપ્પા અને દાદા વધુ વજનવાળા હતા, એટલે તેમનું વજન વધુ જ રહેશે. આ અવરોધક માન્યતાને લીધે તે બહેનને સારવારની પોઝીટીવ અસર થતી નહોતી. છેવટે મનોચિકિત્સક પાસે સીટીંગ લઈને તે બહેનની અવરોધક માન્યતા દૂર કરવામાં આવી, તે પછી તે બહેન વજન ઘટાડવામાં કામયાબ બની શકયાં. એટલા માટે જો તમે સ્વાસ્થ્ય અંગે અવરોધક માન્યતાઓ ધરાવતા હો, તો તેને બદલીને પુનઃ તંદુરસ્ત બની શકો છો.

રોગનાં ભાવનાત્મક કારણો:

કુદરતે આપેલી રોગપ્રતિકારક શક્તિ આપણને કોઈપણ રોગથી દૂર રાખી શકે છે. પરંતુ આપણે જાણતાં અજાણતાં નકારાત્મક લાગણીઓ મનમાં સંઘરી રાખીને આ રોગપ્રતિકારક શક્તિને કામ કરતી અટકાવીએ છીએ. આ કઈ રીતે બને છે તે આપણે વૈજ્ઞાનિક રીતે સમજીએ:

૧) જીવનમાં કોઈ અણગમતી ઘટના બને છે ત્યારે મનના ઊંડાણમાં તેની સ્મૃતિ કંડારાઈ જાય છે. શરીરના દરેક કોષમાં સંઘરાયેલી આ સ્મૃતિ વિનાશક કોષીય સ્મૃતિ (Destructive cellular memory) કહેવાય છે.

૨) આ વિનાશક કોષીય સ્મૃતિનાં ચિત્રો ખાસ પ્રકારની ફ્રિકવન્સી પ્રસારિત કરે છે, જે શરીરની સીમ્પેથેટીક અને પેરા સીમ્પેથેટીક એ બંને પ્રકારનાં ચેતાતંત્રના સંતુલનને ખોરવી નાખે છે.

૩) ચેતાતંત્રના અસંતુલનને લીધે શરીરમાં ફિઝીયોલોજીકાલ સ્ટ્રેસ પેદા થાય છે.

૪) જેમ જેમ આ સ્ટ્રેસ વધતો જાય છે, તેમ રોગપ્રતિકારક શક્તિને અવરોધ પેદા થવાથી તેનું કામ ધીમું પડે છે.

૫) રોગપ્રતિકારક શક્તિ નબળી પડે એટલે શરીરમાં રોગ હાવી થઇ જાય છે.

એટલા માટે નકારાત્મક લાગણીઓને સંઘરી ન રાખીને મુક્ત કરતા જઈએ અને સકારાત્મક લાગણીઓને દિલમાં વધુને વધુ સ્થાન આપીએ તો જીવનપર્યંત રોગપ્રતિકારક શક્તિ એવી ને એવી જળવાઈ રહે છે.      

અંત:સ્ત્રાવી ગ્રંથીઓ:

Endocrine glands

મન દ્વારા જ રોગ થાય છે અને મટે પણ છે તે આપણે જોયું. પરંતુ આવું કઈ રીતે થાય છે અને તે વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જાણવા માટે શરીરની રચના જરા ઊંડાણથી સમજીવી પડશે.    

આજના જમાનામાં વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે, પરંતુ કુદરતનો સંપૂર્ણ તાગ મેળવવાનું કાર્ય હજુ પૂર્ણ થયું નથી. જેમ બ્રહ્માંડનાં ઘણાં રહસ્યોનો તાગ માનવી પામી શક્યો નથી તેમ શરીરનાં કેટલાંક અંગોની અલૌકિક શક્તિઓનો તાગ પણ માનવી હજુ મેળવી શક્યો નથી.

એક સમયે હૃદય, ફેફસાં, આમાશય, આંતરડાં, જેવાં અંગોને શરીરના સંચાલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવતાં હતાં. પરંતુ જેમ વિજ્ઞાન ઊંડું ઉતરતું ગયું તેમ જાણ થઇ કે શરીરનાં બધાં અંગોનો વિકાસ, પોષણ, સંચાલન અને નિયમન જેવાં મુખ્ય કાર્યો ઉપરાંત પ્રજનન, રોગપ્રતિકાર, વ્યક્તિત્વનું નિર્માણ, બીક કે ઝનુન પેદા કરવું, પૌરુષભાવ કે સ્ત્રીસહજ સ્વભાવ અને લક્ષણો પેદા કરવાં એવાં અનેક બેહદ જરૂરી કાર્યો તો શરીરમાં આવેલી અંત:સ્ત્રાવી ગ્રંથીઓ દ્વારા થાય છે.

આપણા શરીરમાં આવી આઠ અંત:સ્ત્રાવી ગ્રંથીઓ આવેલી છે: મસ્તકમાં પીચ્યુટરી અને પીનીયલ, ગળામાં થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ, અને ધડમાં થાયમસ, પેન્ક્રીયાસ, એડ્રીનલ અને પ્રજનન ગ્રંથીઓ.

આમાંની અમુક તો વટાણા જેવડા જ કદની અને એક ગ્રામથી પણ ઓછા વજનની ગ્રંથીઓ છે. આ દરેક અંત:સ્ત્રાવી ગ્રંથીઓમાંથી જુદાજુદા પ્રકારના રસ નીકળે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે ‘હોર્મોન’ તરીકે ઓળખીએ છીએ. આ હોર્મોનનું પ્રમાણ એકદમ ઓછું હોય છે, તેમ છતાં તેની ક્ષમતાઓ અને અસર આશ્ચર્યજનક હોય છે.

મનુષ્યની કેટલીય વિશેષતાઓને વધારવા માટે કે ઘટાડવા માટે આ અંત:સ્ત્રાવી ગ્રંથીઓના રસ જવાબદાર હોય છે. જેમ કે મનુષ્યના શરીરની લંબાઈ, કૃશતા કે સ્થૂળતા, હાથની આંગળીઓ કે પગના પંજા અસાધારણ મોટા કે નાના હોવા, પુરુષ શરીરમાં સ્ત્રીઓને હોય તેવાં અંગો તથા સ્વભાવનો વિકાસ અથવા તેનાથી ઉલટું હોવું, એવી કેટલીય બાબતો માટે આ અંત:સ્ત્રાવી ગ્રંથીઓના રસ એટલે કે હોર્મોન જવાબદાર હોય છે.

આ હોર્મોન એટલા ઓછા પ્રમાણમાં પેદા થાય છે અને એટલી ઝડપથી લોહીમાં ભળીને શરીરમાં પ્રસરી જાય છે કે તેનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ હજુ સુધી થઇ શક્યું નથી. આથી આ હોર્મોન વિષે હજુ ઘણી બાબતો અજાણી છે, પરંતુ તેની અદભૂત અને આશ્ચર્યજનક અસરો વિષે તો બેમત નથી જ.

વિવિધ અંત:સ્ત્રાવી ગ્રંથીઓમાંથી અનેક પ્રકારનાં હોર્મોન પેદા થાય છે, જે દરેક જુદાજુદા અંગોના નિયમનનું કાર્ય કરે છે. જેમ કે ક્રોધ, ભય, દુર્ઘટના વિગેરે સમયમાં એડ્રીનલ ગ્રંથી એડ્રીનેલીન નામનું હોર્મોન સામાન્ય કરતાં એક હજારગણા વધારે પ્રમાણમાં પેદા કરી નાખે છે, જે તરત જ લોહીમાં ભળીને શરીરના અવયવોને લડવા અને બચવા માટે તૈયાર કરે છે. આ આખી પ્રક્રિયા અમુક સેકંડમાં જ થઇ જાય છે અને તે આપોઆપ થઇ જાય છે, કારણકે તેનું નિયમન અજાગ્રત મન કરે છે. જો તમે માનસિક રીતે મજબુત હો, તો આવા સંજોગોમાં હોર્મોનના યોગ્ય સ્ત્રાવ મેળવીને ક્રોધ કે ભય પર તરત જ કાબુ મેળવી શકો છો અને તે રીતે ક્રોધ કે ભયની આડઅસરોથી બચી શકો છો.  

ટૂંકમાં શરીરનાં બધાં જ અંગોની કાર્યક્ષમતા અને વિવિધ પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિક્રિયા આપવાની શરીરની શક્તિઓ  વિવિધ અંત:સ્ત્રાવી ગ્રંથીઓમાં પેદા થતા હોર્મોન પર આધારિત હોય છે. આ દરેક હોર્મોનના સ્ત્રાવ અમુક નિશ્ચિત માત્રામાં જ થવા જોઈએ. જો આ માત્રામાં વધારો થાય કે ઘટાડો થાય, તો એ બંને સંજોગોમાં તે અંગોની કાર્યક્ષમતા બગડે છે, જેને આપણે રોગ થયો તેમ કહીએ છીએ.

જયારે આ હોર્મોનની માત્રા ફરીથી યોગ્ય પ્રમાણમાં થઇ જાય, ત્યારે શરીરનું તે અંગ પાછું પૂર્ણ ક્ષમતાથી કામ કરતુ થઇ જાય છે, જેને આપણે રોગ મટી ગયો તેમ કહીએ છીએ. આમ શરીરની બધી જ ક્રિયાઓનું સંચાલન અને નિયમન તથા રોગની ઉત્પતિ અને રોગનું નિવારણ બધાનો આધાર વિવિધ અંત:સ્ત્રાવી ગ્રંથીઓ દ્વારા પેદા થતાં હોર્મોન પર છે.

આ અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું નિયમન અજાગ્રત મન કરે છે. એટલે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી અજાગ્રત મનને આદેશ આપીને અંત:સ્ત્રાવી ગ્રંથીઓ પર પણ કાબુ મેળવી શકાય છે. એટલા માટે કહી શકાય કે તંદુરસ્તીનો મુખ્ય આધાર મનની શક્તિ છે.

કુદરતના નિયમો:

આ હોર્મોનની શક્તિ એક ઉદાહરણથી વધુ સારી રીતે સમજીએ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણા માણસો અપચો, એસીડીટી, ગેસ ટ્રબલ, કબજીયાત, પેટનો દુખાવો જેવી પાચનતંત્રને લગતી અનેક સમસ્યાઓથી પીડાય છે. તો તેનું શું કારણ? કુદરતે તો શરીરની રચના એટલી પરફેકટ કરી છે કે તેમાં સામાન્ય રીતે કોઈ તકલીફ થવી ના જોઈએ. પરંતુ તકલીફ થાય છે તેનો અર્થ એ છે કે આપણે કુદરતના કોઈ નિયમનો ભંગ કરીએ છીએ. એક ઉદાહરણથી આ વાત સમજીએ.

એક વ્યક્તિએ  નવું ફ્રીઝ વસાવ્યું. બીજા દિવસે તેણે કંપનીમાં ફરિયાદ કરી કે ફ્રીઝમાં પાણીમાંથી બરફ બનતો નથી. જયારે કંપનીનો એન્જિનિયર ચેક કરવા આવ્યો, ત્યારે ખબર પડી કે તે વ્યક્તિનો નાનો પુત્ર ઠંડક મેળવવા માટે આખો દિવસ ફ્રિઝનો દરવાજો ખુલ્લો રાખીને ઉભો રહી જતો હતો. આમ ફ્રિઝનો દરવાજો બંધ રાખવાના કંપનીના નિયમનું પાલન ના થાય તો પછી ફ્રીઝ બરાબર કામ કઈ રીતે કરે?

આપણા શરીરમાં પણ આવું જ થયું છે. શરીરની રચના સાથે કુદરતે એક નિયમ બનાવ્યો કે જયારે ભૂખ લાગે ત્યારે જ ખાવું. આ નિયમ મુજબ પેટ જયારે ખાલી હોય અને તેને ખોરાકની જરૂર પડે ત્યારે તે સ્નાયુઓ દ્વારા હાઈપોથેલેમસને આદેશ આપે છે. એટલે આમાશયના આકુંચન અને પ્રસરણ દ્વારા પેટમાં બિલાડાં બોલવા માંડે છે. હવે પેટના આદેશ મુજબ જેવો આપણે ખોરાક લઈએ છીએ, ત્યારે જરૂરી પાચક રસો છૂટવાના શરુ થઇ જાય છે. તે પછી ખોરાકને બરાબર ચાવીને પ્રવાહી જેવો બનાવીને ઉતારવામાં આવે, એટલે આ પાચક રસો ખોરાકનું સારી રીતે પાચન કરી નાખે છે.

પરંતુ વાસ્તવમાં શું થાય છે? માણસ ભૂખ ના લાગી હોય તો પણ અમુક સમય થાય એટલે ખાવા બેસી જાય છે અને કોઈવાર તો આખો દિવસ કંઈને કંઇ ખાધા કરે છે. તે વખતે અંત:સ્ત્રાવી ગ્રંથીઓને પેટ દ્વારા ‘ભૂખ લાગી છે’ એવો આદેશ મળ્યો ના હોવાથી તે પાચક રસો છોડવાનો આદેશ આપતી નથી. માટે પાચક રસો વગર ખોરાકનું પાચન બરાબર થતું નથી.

બીજું ખોરાક બરાબર ચાવીને ખાવામાં આવતો નથી, એટલે તેમાં પાચક રસો બરાબર ભળી ન શકવાથી તેથી તેનું પાચન થતું નથી.

ત્રીજું કારણ, ખોરાક પેટ સંપૂર્ણપણે ભરીને, અને કેટલીક વાર તો પેટની કેપેસિટીથી પણ વધારે માત્રામાં ભરીને ખાવામાં આવે છે, જેથી ખોરાકને વલોવવા માટે પેટમાં જગ્યા બચતી નથી. તમે ગ્રાઈન્ડરના જારને પૂરેપૂરો ભરીને કોઈ વસ્તુ ગ્રાઈન્ડ કરશો, તો તે બરાબર ગ્રાઈન્ડ નહિ થાય. આવુંજ ખોરાકની બાબતમાં થાય છે.

હજુ ચોથું કારણ પણ છે: સાત્વિક, સાદો અને પાચક ખોરાક લેવાને બદલે જીભને સ્વાદ પડે તેવો ભારે, અપાચ્ય અને અપથ્ય ખોરાક લેવામાં આવે છે.

આમ શરીરના કુદરતી નિયમો ના પાળો તો, શરીર બરાબર કામ કઈ રીતે કરી શકે? હવે આ નિયમો ના પાળવા પાછળ મુખ્ય રીતે જવાબદાર કોઈ હોય તો તે મન છે. મન કાબુમાં ના હોય એટલે માણસ ગમે ત્યારે, ગમે તેવું, ગમે તેટલું, ગમે તેનું અને ગમે તે રીતે ખાવાનું ખાય છે, જેનાથી શરીરમાં વિવિધ પ્રકારના રોગ પેદા થાય છે. આમ મૂળભૂત રીતે પાચનની તકલીફો માટે મન જવાબદાર છે.

આ વાત શ્વસન, ઉત્સર્ગ, પ્રજનન એવી બીજી બધી જ શારીરિક ક્રિયાઓ માટે પણ સાચી છે. તેથી કુદરતના નિયમોને અનુસરીને આ બધી શારીરિક ક્રિયાઓ યોગ્ય રીતે કરવામાં આવે તો કોઈપણ રોગ થતા નથી અને જો થાય તો પણ તરત મટાડી શકાય છે. પરંતુ તે માટે મન સ્વસ્થ હોવું જોઈએ અને મન પર કાબુ હોવો જોઈએ.  

તણાવ:

 

Tension

ડાયાબિટીસની તકલીફવાળા દર્દીને ડોક્ટર વારંવાર સલાહ આપે છે કે તણાવ (ટેન્શન) ઓછો કરો. શા માટે? કારણકે જયારે તણાવ પેદા થાય, કે તરત જ પેન્ક્રીયાસ તણાવ ઓછો કરવા માટેનાં હોર્મોન્સ પેદા કરવા માંડે છે. પણ તે સાથે જ તેનું ઈન્સ્યુલીન પેદા કરવાનું રેગ્યુલર કાર્ય ખોરવાઈ જાય છે. તેથી ઈન્સ્યુલીનના અભાવે ગ્લુકોઝનું પાચન ના થવાથી શરીરમાં ખાંડનું પ્રમાણ વધી જવાથી ડાયાબિટીસ વધી જાય છે. બ્લડ પ્રેસરની તકલીફમાં પણ તણાવ વખતે આવી જ પ્રક્રિયા થાય છે. આમ માનસિક કારણોથી રોગમાં વધઘટ થાય છે, જે આપણા બધાનો રોજનો અનુભવ છે.     

ધર્મગુરુઓ અને સંતો આપણને વારંવાર સલાહ આપે છે કે મંદિર જાઓ, પ્રાર્થના કરો, ભજન કરો, કથા સાંભળો, સત્સંગ કરો. તો આનું શું મહત્વ છે? મંદિરના શાંત અને પવિત્ર વાતાવરણ, દીપકના પ્રકાશ, ધૂપની સુગંધ, ઘંટનાદ, ત્યાં હાજર સંતો અને અન્ય શાંત વ્યક્તિઓના પોઝીટીવ વાયબ્રેશન્સ, વિગેરેની પોઝીટીવ અસરથી ચિંતા, ઉદ્વેગ અને તણાવ ભૂલીને આપણું મન શાંત થાય છે. તેની પોઝીટીવ અસરથી અંત:સ્ત્રાવી ગ્રંથીઓ તેમનું કાર્ય રીતે કરે છે, જેને લીધે રોગમાં ફાયદો થાય છે.

ડોક્ટર કે મનોચિકિત્સક પણ ઘણીવાર સલાહ આપે છે કે એકલા રહેવાને બદલે પરિવાર કે બાળકો સાથે સમય પસાર કરો અથવા હવાફેર માટે જાઓ. એના પાછળનો હેતુ પણ એ જ હોય છે કે મનને શાંત કરીને રોગ પર કાબુ મેળવવામાં આવે.

ભય, ઘૃણા, ઈર્ષ્યા, સંદેહ, લોભ, માયા, હીનતા, અહંકાર, દ્વેષ જેવી નકારાત્મક ભાવનાઓ દ્વારા જીવનમાં તણાવ, નિરાશા, અસહાયતા, ઉદ્વિગ્નતા, દુઃખ, અસફળતા, બીમારી, દરિદ્રતા, થાક, કંટાળો, અસંતોષ જેવાં પરિણામ પેદા થાય છે, જે અનેક બીમારીઓ માટે કારણભૂત બને છે. તેનાથી ઉલટું વિશ્વાસ, ઉત્સાહ, અભય, ધૈર્ય, સહિષ્ણુતા, મૃદુતા, શ્રદ્ધા, નિષ્ઠા, પ્રસન્નતા, વીરતા જેવી હકારાત્મક ભાવનાઓ દ્વારા જીવનમાં સફળતા, નિશ્ચિતતા, આંતરિક શાંતિ, મિત્રતા, સ્વાસ્થ્ય, સુખ, વિકાસ, સાહસ, પ્રેમ જેવાં પરિણામ પેદા થાય છે, જેનાથી કોઈ બીમારી હોય તો તે દૂર થાય છે અને જીવન આનંદ અને ઉલ્લાસભર્યું બને છે.

જોકે અત્યારે માનવજીવન એટલું કોમ્પલેક્ષ બની ગયું છે કે આપણે જાણતા હોઈએ છીએ કે નકારાત્મક ભાવનાઓ નુકશાનકર્તા છે, છતાં પણ જીવનમાં અવારનવાર એવા દુ:ખદ અને કરુણ અકસ્માતો બન્યા કરે છે કે મનમાં જાણે-અજાણ્યે નકારાત્મક ભાવનાઓ પ્રવેશ કરી જ જાય છે. આ માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન, મંત્ર, જપ, પૂજા, પ્રાર્થના, ભજન જેવી આપણી ટ્રેડીશનલ પદ્ધતિઓ દ્વારા મનને શાંત કરીને આ નકારાત્મક ભાવનાઓ પર કાબુ મેળવી શકાય છે.

તદુપરાંત એક્યુપ્રેશર, એકયુપંકચર, પ્રેક્ષાધ્યાન, કાયોત્સર્ગ, વિપશ્યના, કલર થેરપી, મેગ્નેટ થેરપી, રેકી, પ્રાણિક હિલીંગ, સૂર્યશક્તિ, જેવી ત્રણસોથી પણ વધારે વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ અત્યારે દુનિયામાં ઉપલબ્ધ છે.

આ બધી સારવાર પદ્ધતિઓમાં મુખ્યત્વે મન તથા અંત:સ્ત્રાવી ગ્રંથીઓ પર સીધી કે આડકતરી અસર કરીને રોગ મટાડવાની ટેકનીક અજમાવવામાં આવે છે. તો પોતાને માફક અને અનુકુળ આવે તેવી સારવાર પદ્ધતિના ઉપયોગ દ્વારા મનને શાંત કરીને શરીરને તંદુરસ્ત રાખી શકાય છે.

 

આ લેખમાળાનો ચોથો ભાગ “(૪) મનની શક્તિથી સફળતા” ટૂંક સમયમાં અહીં રજૂ થશે…. તો થોડી રાહ જોવા વિનંતી…. 

 

આ લેખમાળાના પ્રથમ પ્રકરણ ૧) મનની શક્તિ અપાર પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના બીજા પ્રકરણ ૨) શક્ય છે  પર જવા અહીં ક્લિક કરો.

 

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

સુરેશ ત્રિવેદી  

 

 

      

Advertisements

4 thoughts on “(૩) મનની શક્તિથી તંદુરસ્તી

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s