(૪) મનની શક્તિથી સફળતા

success

સફળતા એટલે દરેક માણસમાં બીજા કરતાં વધારે આગળ નીકળી જવાની, બીજા કરતાં વધારે શ્રેષ્ઠ બનવાની અને બીજા કરતાં વધારે સારું જીવન જીવવાની કુદરતી રીતે જ ધરબાયેલી જન્મજાત વૃત્તિ.

માણસજાતની મોટાભાગની પ્રવૃત્તિઓ, પરિશ્રમ અને મહેનત પાછળનું મુખ્ય કારણ આ સફળતા મેળવવા માટે જ હોય છે. તો પણ આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા ઓછા લોકો સફળતા મેળવી શકે છે.

સફળતા દરેક વ્યકિતને ગમે છે, એટલે બધાજ લોકો સફળતા મેળવવા તલપાપડ થતા હોય છે અને તે  માટેના પ્રયત્ન અને પરિશ્રમ પણ મોટાભાગના લોકો કરતા જ હોય છે. આમ છતાં અમુક જ માણસો સફળતા મેળવી શકે છે, જયારે બાકીના મોટાભાગના લોકો અસફળ રહે છે. તો આની પાછળનું કારણ શું?

એક સંશોધન મુજબ એનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકોમાં સફળતા મેળવવા માટે જરૂરી હકારાત્મક અભિગમ, ખંત અને ધીરજનો અભાવ હોય છે.     

વળી સફળતા એ કોઈ મંઝિલ નથી કે પર્વતની ટોચનું કોઈ આખરી મુકામ નથી, પરંતુ સતત પ્રવાસનું નામ સફળતા છે. અર્થાત્ સફળતા એ સતત વિકાસ પામવાની પ્રક્રિયા છે.

સામાન્ય માણસ એકવાર થોડી સફળતા મેળવી લે, તો તેનાથી સંતોષ પામીને કે પછી છકી જઈને વધુ સફળતા મેળવવાના પ્રયત્ન અને પરિશ્રમ છોડી દે છે. જયારે સફળ માણસ જિંદગીભર સફળતાના કાંટાળા માર્ગ પર ચાલતા રહેવાનું પસંદ કરે છે. પરંતુ એવી વ્યક્તિઓની સંખ્યા નાની હોવાથી ખરેખર સફળ થયા હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી હોય છે.  

દુનિયાના સફળ લોકો વિષે મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે સમય અને સંજોગો એવા બન્યા કે તેઓ અચાનક સફળતાના ઉચ્ચતમ શિખરે પહોંચી ગયા. વળી કેટલાક નકારાત્મક લોકો તો વળી ‘તેમનું નસીબ સારું હતું એટલે તેઓ સફળ થયા’ એવું કહીને સફળ લોકોની સફળતાને સસ્તી બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.

જયારે તમે સફળ થાઓ છો, ત્યારે દુનિયા એમ માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાયનાં બાકીનાં બધાં જ પરિબળો કારણભૂત છે અને જયારે તમે નિષ્ફળ જાઓ છો, ત્યારે આ જ દુનિયા એમ માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો.

પરંતુ વાસ્તવમાં બધા જાણે છે કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ત્રણ ‘પ’ ની જરૂર પડે છે: પ્રયત્ન, પરિશ્રમ અને પ્રતિક્ષા. સૌ પ્રથમ ધ્યેય પ્રાપ્ત કરવા યથાયોગ્ય પ્રયત્નો કરવા પડે છે, તે પછી તનતોડ પરિશ્રમ કરવો પડે છે અને છેવટે યોગ્ય સમયની પ્રતિક્ષા કર્યા પછી સફળતાની દેવી તમને વિજયનો હાર પહેરાવે છે.    

પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે દરેક પ્રયત્ન અને પરિશ્રમ પછી સફળતા મળે જ એવી કોઈ ગેરન્ટી હોતી નથી. તમારે નિષ્ફળતાનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.

સફળ લોકોના જીવન વિષે જાણશો તો ખ્યાલ આવશે કે કેટલીય નિષ્ફળતા મળ્યા પછી પણ તેઓ પોતાના ધ્યેયને વળગી રહ્યા, ધીરજ અને આત્મવિશ્વાસ રાખી ફરી ને ફરી પ્રયત્ન, પરિશ્રમ અને પ્રતિક્ષા કરતા રહ્યા અને અંતે ધ્યેય પ્રાપ્ત કરી સફળતાને વર્યા.

કહેવાય છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. માટે નિષ્ફળતા પ્રાપ્ત થાય ત્યારે નાહિંમત થયા વગર વધારે જોશથી મંડ્યા રહો, તો સફળતા તમારી રાહ જોતી ઉભી જ હશે. માલ્કમ એસ. ફોર્બ્સ કહે છે કે નિષ્ફળતામાંથી જો આપણે શીખીએ તો તે સફળતા છે.

થોમસ આલ્વા એડીસન તેની અસંખ્ય વૈજ્ઞાનિક શોધો માટે જગવિખ્યાત છે. પરંતુ તમે જાણો છો કે વીજળીનો ગોળો શોધતાં પહેલાં તેણે ૧૦૦૦ વખત નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા?

શું તમે જાણો છો કે મોટરકાર બનાવનારી વિશ્વપ્રસિદ્ધ કંપની ફોર્ડના સ્થાપક હેનરી ફોર્ડ, અગાઉના પાંચ બિઝનેસ સાહસમાં નિષ્ફળ ગયા હતા?

આટલા બધા નિષ્ફળ પ્રયત્નો પછી સામાન્ય માણસ તો સ્વાભાવિકપણે નિરાશ થઇ જાય અને પોતાના પ્રયત્નો છોડી દે. પરંતુ સફળ માણસ અને સામાન્ય માણસમાં આ જ તફાવત હોય છે. સફળ માણસ નિષ્ફળતાને પચાવી જાણે છે. નિષ્ફળતા મળ્યા પછી તે વધારે જોશથી, વધારે ઉત્સાહથી અને વધારે ક્ષમતાથી પ્રયત્નો ચાલુ રાખે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરીને જ જંપે છે.   

સફળ લોકોના જીવનનો અભ્યાસ કરીને અનેક સંશોધકો અને મનોવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સફળતા જન્મ લેતી નથી, પરંતુ મેળવાય છે. અર્થાત્ માણસ સફળ વ્યક્તિ તરીકે જન્મ લેતો હોતો નથી, પરંતુ તે પોતાના પ્રયત્નો અને પરિશ્રમથી જીવનમાં સફળ બને છે.

પ્રતિભાશાળી કુટુંબોમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થઇ શકતો નથી અને ગરીબ કુટુંબમાં જન્મનાર તથા સંઘર્ષમાં જિંદગી ગુજારનાર ઘણા લોકો પોતાના જીવનમાં મોટી સફળતા હાંસલ કરે છે. અરે, જન્મથી જ હાથ, પગ કે આંખો જેવાં અગત્યનાં અંગોની ખામી સાથે જન્મેલા અથવા બાળવયમાં અકસ્માતે આવાં અંગો ગુમાવનાર વ્યક્તિઓ પણ જીવનમાં અત્યંત સફળ થાય છે. આમ સફળતાની દેવી કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યકિતને વિજયનો હાર પહેરવાની તક આપે છે.

જહોન લીચ કહે છે કે વાસ્તવમાં સફળતાનો બધો આધાર તમારી માનસિકતા પર હોય છે. એટલા માટે ગમે તે માણસ સફળ બની શકે છે. હકીકતમાં સફળતા એક પસંદગી છે. જો તમે ઈચ્છો તો તમે જાતે પસંદ કરી શકો છો કે તમારે સફળ થવું છે કે નહિ. સફળતા તરફના કઠીન માર્ગ માટે તમારી જાતને માનસિક રીતે તૈયાર કરશો, તો પછી આ માર્ગમાં આવતી કોઈ પણ અડચણ માટે તે હંમેશાં તૈયાર રહેશે.

ટૂંકમાં કહીએ તો સફળતાનો માર્ગ કઠીન છે, લાંબો છે, તેમાં કોઈ શોર્ટકટ નથી, પરંતુ સાથે સાથે આ રસ્તો દરેક વ્યક્તિ માટે ખુલ્લો છે. આ રસ્તા પર ચાલવા માટે જન્મ, ધર્મ, જાતી, રંગ, લિંગ, દેશ એવા કોઈ ભેદભાવ નથી. પ્રયત્ન, પરિશ્રમ અને પ્રતિક્ષા માટે તૈયાર કોઈપણ વ્યક્તિ માટે આ માર્ગ લાલ જાજમ બિછાવીને તૈયાર છે. તદુપરાંત જો કોઈ વ્યક્તિ દ્વારા વ્યવસ્થિત રીતે આયોજન કરીને પ્રયત્ન અને પરિશ્રમ કરવામાં આવે તો પછી લાંબી પ્રતિક્ષા પણ કરવી પડતી નથી.   

સફળતાનાં સાત સ્ટેપ:

7 steps

મહાન લેખક અને મોટીવેશનલ સ્પિકર બ્રાયન ટ્રેસી સફળતાની સીડીનાં સાત સ્ટેપ બતાવે છે. જો તમે નિયમાનુસાર એક પછી એક સ્ટેપ ચડવા માંડશો, તો તમે ક્યારે ટોચ પર પહોંચી ગયા તેની તમને જ ખબર નહિ પડે. તમે એવું અનુભવશો કે સફળતા મેળવવી ઘણી સહેલી છે.

પરંતુ સીડીનો ઉપયોગ કરતાં પહેલાં એક અગત્યની વસ્તુનું ધ્યાન રાખવું પડે છે.

સુપ્રસિદ્ધ લેખક સ્ટિફન કવી કહે છે કે, ‘તમે સફળતાની સીડી ચડવાનું શરુ કરો તે પહેલાં એ વાતની ખાતરી કરી લેજો કે સીડી યોગ્ય ઈમારતની દીવાલ પર ટેકવેલી છે.’ જેમ સીડીને હવામાં લટકાવી શકાતી નથી, તેમ સફળતાની સીડીને પણ નક્કર ટેકાની જરૂર પડે છે.

આ ટેકો છે, દ્રઢ મનોબળ, નક્કર આત્મવિશ્વાસ, ગાંડું ઝનુન અને ઊંડી ધીરજનો. તો સફળતાની સીડીને આવો મજબૂત ટેકો આપીને ચડવા માંડો બ્રાયન ટ્રેસીએ બતાવેલાં એક પછી એક સ્ટેપ.

૧) પહેલું સ્ટેપ: ધ્યેય નક્કી કરવું:

સફળતાની સીડીનું સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું પ્રથમ સ્ટેપ છે, ‘ધ્યેય નક્કી કરવું’. સફળતા મેળવવા માટેના પ્રયત્નોની તમે શુભ શરૂઆત કરો, તે પહેલાં તમારે શું મેળવવું છે તે નક્કી કરો. જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં તમે શું શું પ્રાપ્ત કરવા માંગો છો તે નક્કી કરી લો.

વ્યક્તિગત ક્ષમતા કેળવવામાં અગત્યની અને ઉપયોગી બાબત છે હેતુની સ્પષ્ટતા. કેટલાક લોકો જીવનમાં બહુ ઝડપથી સફળતા મેળવી લે છે, કેમ કે તેમણે પહેલેથી જ નક્કી કરી દીધું હોય છે કે તેઓ જીવનમાં શું મેળવવા માંગે છે. તેમનાં ધ્યેય નક્કી હોવાથી તેઓ આ ધ્યેય સિદ્ધ કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાના માર્ગ પરથી ક્યારેય ચલિત થતા નથી. સ્પષ્ટ ધ્યેય અને તે ધ્યેય પ્રાપ્ત કરવા માટેની સતત જાગૃતતાને લીધે તેઓ પોતાનું ધ્યેય જલ્દીથી પ્રાપ્ત કરી શકે છે.      

ચોક્કસ ધ્યેય:

જીવનનાં દરેક કામમાં સફળતા મેળવવા માટે ‘ચોક્કસ ગોલ’ અર્થાત ‘ધ્યેય નક્કી કરવું’ બહુ જરૂરી છે.

ભલે પાંચ મીનીટમાં થઇ જાય તેવું નાનું કામ હોય કે દિવસો અથવા મહિનાઓ વીતી જાય તો પણ પૂરું ના થાય તેવું મોટું સાહસ હોય, રોજબરોજની જિંદગીને લગતું સામાન્ય કાર્ય હોય કે પછી વર્ષો પછી પ્રાપ્ત થઇ શકે એવી કોઈ મહાન સિદ્ધિ હોય, પોતાના જ પ્રયત્નોથી પૂરું થઇ જાય તેવું કોઈ કાર્ય હોય કે પછી અનેક માણસોના યોગદાનથી સંપૂર્ણ થાય તેવું કોઈ સામૂહિક કાર્ય હોય, સૌથી પહેલાં ચોક્કસ ધ્યેય નક્કી કરવું ખૂબ જરૂરી છે.

ધ્યેય નક્કી કરતાં પહેલાં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ધ્યેય સ્પષ્ટ, અર્થપૂર્ણ અને ચોક્કસ હોવું જોઈએ. અર્થ નક્કી ના થઇ શકે તેવું અથવા અનેક અર્થ નીકળી શકે તેવું ધ્યેય નક્કી કરવામાં આવે તો તેનો યોગ્ય ફાયદો મળતો નથી. આ વાતને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ.

ધારોકે તમે આવતી કાલથી રોજ સવારે વહેલા ઉઠી જવું એવું નક્કી કર્યું છે. પણ તે માટે તમે “આવતી કાલથી સવારે વહેલા ઉઠવું છે’ એવું ધ્યેય નક્કી કરો, તો તે અસ્પષ્ટ અને અચોક્કસ ધ્યેય ગણાશે.  કારણકે એવું પણ બને કે તમે દરરોજ સવારે સાત વાગે ઉઠતા હો અને આ ધ્યેય નક્કી કર્યા પછી પોણા સાતે ઉઠો, તો ધ્યેય પ્રાપ્ત કર્યું તો ગણાશે, પરંતુ ફક્ત પંદર મિનીટ વહેલા ઉઠવાથી તમારો મુખ્ય આશય (વહેલા ઉઠીને કસરત કરવાનો કે અભ્યાસ કરવાનો) સફળ નહિ થાય.

એટલા માટે તમારે ‘આવતી કાલથી સવારે પાંચ વાગે ઉઠવું છે” એવું સ્પષ્ટ અને ચોક્કસ ધ્યેય નક્કી કરવું જોઈએ. એકવાર આવું સ્પષ્ટ ધ્યેય નક્કી કરવામાં આવ્યું હશે તો ધ્યેયની પ્રાપ્તિ સંપૂર્ણ રીતે થઇ છે કે નહિ, તે તરત જ અને ચોક્કસપણે નક્કી કરી શકાશે. વળી જો ધ્યેયની સંપૂર્ણ પ્રાપ્તિ ના થઇ હોય, અર્થાત પાંચ વાગે ઉઠવાને બદલે સાડાપાંચ વાગે ઉઠ્યા હોઈએ, તો પછીના દિવસે પ્રયત્નો અને આયોજનમાં યોગ્ય ફેરફાર કરીને મૂળ ધ્યેયની પ્રાપ્તિ માટેની તજવીજ કરી શકાય.

એકદમ સરળ ઉદાહરણથી સમજાવેલ આ વાત ટૂંકી મુદતના ગોલ કે લાંબા સમયના ગોલ,  સહેલા ગોલ કે અઘરા ગોલ, એમ દરેક પ્રકારના કિસ્સાઓને એકસરખી રીતે લાગુ પડે છે. જેમકે કોઈ વિદ્યાર્થી એવું ધ્યેય નક્કી કરે કે ભણતરમાં ખૂબ ઉંચી ડીગ્રી મેળવવી છે, તો તેણે અચોક્કસ ધ્યેય વિચાર્યું છે તેમ ગણાશે. ખરેખર તો આ વિદ્યાર્થીએ પીએચડીની ડીગ્રી મેળવવી છે; આઇઆઇએમની એમબીએની ડીગ્રી મેળવવી છે; કે આઇઆઇટીમાંથી બીટેક એન્જિનિયર થવું છે; એવો કોઈ ચોક્કસ અને ફોકસ્ડ ગોલ નક્કી કરવો જોઈએ.        

તે જ રીતે કોઈ વ્યક્તિ ગાડી કે બંગલાની આકાંક્ષા રાખતો હોય તો તેણે મર્સીડીઝ કે ઓડી કંપનીની ગાડી મારે ખરીદવી છે અથવા અમદાવાદ શહેરમાં ૪ બેડરૂમ વાળો બંગલો લેવો છે, એવું ચોક્કસ ધ્યેય નક્કી કરવું જોઈએ.

આ રીતે મક્કમ નિર્ધાર કરીને જીવનમાં કરવાનાં અગત્યનાં કામો અને લક્ષ્યો ક્યાં ક્યાં છે તે નક્કી કરી નાખો. તમારા મનમાં આ વિષે અવઢવ હોય તો તમારાં માતાપિતા, ગુરુ, જીવનસાથી, બોસ કે અન્ય કોઈપણ માર્ગદર્શક અથવા સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કરીને નક્કી કરો, પરંતુ જીવનનાં ટૂંકા ગાળાનાં કે લાંબા ગાળાનાં સ્પષ્ટ ધ્યેય નક્કી કરવાં એ સફળતા મેળવવા માટેનું સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું પ્રથમ પગથિયું ચૂકશો નહિ. કારણકે તમે સફળતાના માર્ગ પર ચાલવા માટે તૈયાર થયા છો તો તમારે ક્યાં પહોંચવું છે તે નક્કી કર્યા વગર યાત્રા પ્રારંભ કઈ રીતે થઇ શકે? વળી એકવાર ગંતવ્ય સ્થાન નક્કી થાય, તે પછી જ તે જગ્યા પર પહોંચવા માટેનું આયોજન કઈ રીતે કરવું તે વિષે વિચારી શકાય. એટલે સૌ પ્રથમ સ્પષ્ટ અને ચોક્કસ ધ્યેય નક્કી કરી લો.

એકવાર ધ્યેય નક્કી થઇ જાય પછી જરૂર છે, તે ધ્યેયની પ્રાપ્તિ માટે વ્યવસ્થિત, સંપૂર્ણ ચોકસાઈવાળું અને ફૂલપ્રૂફ આયોજન કરવાનું. કોઈપણ કાર્યની સફળતા માટે દરેક શક્યતાઓ વિચારીને તથા દરેક તકનો ઉપયોગ કરી શકાય તેવું આયોજન કર્યું હોય તો તે કાર્યની સફળતાના ચાન્સ ઘણા વધી જાય છે.

પ્રતિષ્ઠિત અમેરિકન લેખક નેપોલિયન હિલ તેમના બેસ્ટ સેલર પુસ્તક ‘થીંક અને ગ્રો રીચ’ માં કહે છે કે “સફળ થવા માટે સૌથી અગત્યની છે તમે શું હાંસલ કરવા માગો છો તેની સ્પષ્ટતા, તમારા હેતુની મક્કમતા અને તેને પ્રાપ્ત કરવા માટેની તીવ્ર મહત્વાકાંક્ષા. એટલે કે સ્પષ્ટ ધ્યેય નક્કી કર્યું હોય, તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે મનને મક્કમપણે આદેશ આપેલ હોય અને તે ધ્યેયની સિદ્ધિ ના થાય ત્યાં સુધી તીવ્ર મહત્વાકાંક્ષા રાખીને યોગ્ય આયોજનપૂર્વક પોતાની સમગ્ર શક્તિઓ તેની પાછળ લગાડી દીધી હોય, તો વ્યક્તિ તે ધ્યેય પ્રાપ્ત કરે જ તેમાં કોઈ શંકા નથી.” એક સરળ ઉદાહરણથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.

અગાઉ એક ઉદાહરણમાં આપણે ‘આવતી કાલથી સવારે પાંચ વાગે ઉઠવું છે” એવું ધ્યેય નક્કી કરેલ હતું. હવે આ ધ્યેયની પ્રાપ્તિ માટે કઈ રીતે ચોક્કસ આયોજન કરવું તે જોઈએ.

સવારે પાંચ વાગે ઉઠવું છે એવું ધ્યેય નક્કી કર્યા પછી, જો દ્રઢપણે તમારા મનને સવારે પાંચ વાગે ઉઠવાનો આદેશ અવિરત આપ્યા જ કરો, તો તમારું અજાગ્રત મન તમને ચોક્કસ પાંચ વાગે ઊંઘમાંથી જગાડી દેશે. પરંતુ જ્યાં સુધી તમારા અજાગ્રત મનને તમારા આદેશને સંપૂર્ણ વશ થવાની ટેવ પડે, ત્યાં સુધી તમારે તેને બાહ્ય મદદ પહોંચાડવી પડશે. આ બાહ્ય મદદ વ્યવસ્થિત આયોજન દ્વારા પહોંચાડી શકાય.

જેમ કે તમારે એલાર્મ ઘડિયાળમાં પાંચ વાગ્યાનો એલાર્મ મૂકવો જોઈએ. એલાર્મ ઘડિયાળ પણ તમારા પલંગથી થોડે દૂર રાખવી જોઈએ, જેનાથી એલાર્મ બંધ કરવા તમે ઉભા થાઓ એટલે તમારી ઊંઘ ઉડી જવાથી ઉઠી જવાય.

જો તમને એલાર્મ સાંભળ્યા પછી પણ ઊંઘી રહેવાની આદત હોય, તો ઘરના વડીલ, પાર્ટનર કે અન્ય કોઈ વ્યક્તિને તમને પાંચ વાગ્યે ઉઠાડવાની વિનંતી કરવી જોઈએ. તે ઉપરાંત સવારે વહેલા ઉઠવું હોય તો રાત્રે વહેલા સુઈ પણ જવું જોઈએ.

આવી રીતની બાહ્ય મદદ થોડા દિવસ આપ્યા પછી તમારું અજાગ્રત મન એટલું સજાગ બની જશે કે તે પછી તમે કોઈ પણ જાતના એલાર્મ સિવાય પણ નિયત પાંચ વાગ્યાના સમયે આપોઆપ ઉઠી જશો.

ધ્યેયની પ્રાપ્તિ માટેના વ્યવસ્થિત, સંપૂર્ણ ચોકસાઈવાળું અને ફૂલપ્રૂફ આયોજન કરવા માટે બ્રાયન ટ્રેસીએ બતાવેલ સૌથી અગત્યનું પ્રથમ સ્ટેપ આ રીતે પૂરું કર્યા પછી બાકીનાં છ સ્ટેપ હવે આપણે જોઈએ.

૨) બીજું સ્ટેપ:

 

સ્પષ્ટ ધ્યેય નક્કી કર્યા પછીનું બીજું સ્ટેપ છે, આ ધ્યેયને લેખિતરૂપે કોઈ કાગળ કે ડાયરીમાં ઉતારી લો. સફળતા માટેનો આ એક જોરદાર નિયમ છે: વિચારોને કાગળ પર ઉતારો.

એક નિરિક્ષણ મુજબ દુનિયાના ફક્ત ત્રણ ટકા જ લોકો પોતાનાં લક્ષ્યો વિષે સ્પષ્ટ હોય છે અને તેને લેખિતરૂપે રાખે છે. પરંતુ આ ત્રણ ટકા લોકો તેમનાથી વધારે ભણેલા-ગણેલા અને વધુ આવડત ધરાવતા લોકો કરતાં અનેકગણી વધારે સફળતા મેળવે છે. તેનું કારણ એ છે કે બાકીના લોકોએ ક્યારેય કાગળ પર અક્ષરો પાડીને જીવનમાં તેમણે શું કરવાનું છે તે નક્કી કર્યું હોતું નથી.

ધ્યેયને લેખિતરૂપ આપવું શા માટે જરૂરી છે? તમે તમારા ધ્યેયને કાગળ પર લખી લો છો ત્યારે તમે તેને નક્કર રૂપ આપો છો. જીવનનાં ધ્યેય હવે તમારા માટે મૂર્તિમંત બને છે. જ્યાં સુધી તમે એ ધ્યેય કાગળ પર ઉતારતા નથી ત્યાં સુધી તે મનની કલ્પના જ રહી જાય છે. પરંતુ કાગળ પર લખેલું ધ્યેય તમે જોઈ શકો છો, વાંચી શકો છો, સ્પર્શી શકો છો અને તમારા સાથીદાર અથવા ટીમને તે બતાવી પણ શકો છો. આવું કરવાથી તમારામાં એક જાતના જોશનો સંચાર થાય છે, જે સફળતા મેળવવામાં મદદરૂપ બને છે.

જીવનનાં ધ્યેય સ્પષ્ટપણે લખેલાં હોય તો વિચારો પર તેની અદભૂત અસર પડે છે. તેનાથી પ્રેરણા મળે છે. તે તમને પ્રવૃત્ત કરે છે. તેનાથી તમારી ક્રિએટીવીટી ખીલે છે, ઉર્જાનો નવો સંચાર થાય છે અને ઉત્સાહ વધે છે. આ બધાં પરિબળો તમારા ધ્યેયને પરિપૂર્ણ કરવામાં મહત્વનો રોલ અદા કરે છે.

જો ધ્યેય ફક્ત મનમાં જ સંગ્રહાયેલ હોય, તો તે અસ્પષ્ટતા અને અનિર્ણાયકતા પેદા કરે છે, તે તમને ભળતી જ દિશામાં લઇ જાય છે અને ભૂલો કરવા પ્રેરે છે. વળી મનમાં જ રાખેલું ધ્યેય કપરા સંજોગોમાં બદલાઈ પણ જાય છે. એટલા માટે ધ્યેયને લેખિતરૂપ આપો, આપો ને આપો.

હવે લેખિતરૂપે રહેલા તમારા ધ્યેયને નજર સમક્ષ રાખીને તમારે આ ધ્યેય ‘શક્ય છે જ’ તેવો આદેશ મનને દ્રઢપણે આપવાનું કામ કરવાનું છે. અહીં એક ચોખવટ પણ કરી દઉં. આ આદેશ આપતી વખતે તમારે જાગ્રત મન કે અજાગ્રત મન, એ બેમાંથી કોને આદેશ આપવો એવી દ્વિધામાં પડવાની બિલકુલ જરૂર નથી. કારણકે કુદરતે શરીર અને મનની રચના એટલી સુંદર રીતે કરી છે કે તમારા બધાજ વિચાર અને આદેશ બંને મન પૂર્ણ રીતે જાણી લે છે અને યાદ પણ રાખી લે છે. 

એટલે જયારે તમે દ્રઢપણે તમારા મનને કોઈ આદેશ અવિરત આપ્યા જ કરો છો, ત્યારે અજાગ્રત મનમાં તે આદેશ સંગ્રહિત થઇ જાય છે અને પછી ક્યારેય ભૂંસાતો નથી. અજાગ્રત મનના અગોચર ખૂણામાં પડેલો તે આદેશ તમને સદાય તમારા ગોલની પ્રાપ્તિ માટે ચાનક ચડાવ્યા કરશે અને જ્યાં સુધી તમારો ધારેલો ગોલ સિદ્ધ નહિ થાય ત્યાં સુધી તમને જંપીને બેસવા નહિ દે.

વળી લેખિતરૂપે રહેલું આપણું ધ્યેય જયારે જયારે આપણી નજર સમક્ષ આવશે, ત્યારે આપણું અજાગ્રત મન તેની નોંધ લેતું રહેશે. વારંવાર આવી નોંધ લીધા પછી તે ધ્યેય અજાગ્રત મનની પાટી પર કદી ના ભૂંસાય તેવા અક્ષરે લખાઈ જશે. અને પછી તો આ ધ્યેય પૂરું કરવાની આપણી જવાબદારી આપણું અજાગ્રત મન જ લઇ લેશે અને તમારું કામ સરળ થઇ જશે.

૩) ત્રીજું સ્ટેપ:

ત્રીજું સ્ટેપ છે નક્કી કરેલ ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ માટે ચોક્કસ ડેડલાઇન નક્કી કરવાનું. જો ધ્યેય મોટું અને લાંબા ગાળાનું હોય તો તેને ટુકડાઓમાં વહેંચીને દરેકની સબ- ડેડલાઇન નક્કી કરો.

જો તમે ચોક્કસ ડેડલાઇન નક્કી નહિ કરો તો તે કામ લંબાતું જશે અને પછી ક્યારેય પૂરું નહિ થાય. તો તમારા ધ્યેયના પ્રકાર, તમારી ક્ષમતા અને તમારી પાસેનાં સાધનોને ધ્યાનમાં રાખીને યોગ્ય ડેડલાઇન નક્કી કરો અને તે ડેડલાઇન દરમ્યાન તમારું ધ્યેય પ્રાપ્ત કરવા સજાગ રહો.

૪) ચોથું સ્ટેપ:

ચોથું સ્ટેપ છે ધ્યેયની પ્રાપ્તિ માટે શું કરવું પડશે તેની યાદી બનાવો. ધ્યેયને સિદ્ધ કરવા તમારી દ્રષ્ટિએ જે કાર્યો કરવાં જરૂરી લાગે તે બધાં ક્રમબદ્ધ લખતા જાઓ. જયારે જયારે નવો વિચાર આવે, તેમ તેમ તેમાં સુધારાવધારા કરતાં જાઓ. આમ સમગ્ર યોજનાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરો.

આ યાદી પરથી તમારું કાર્ય કેટલું વિશાળ છે, તમારે કઈ કઈ જાતના પ્રયત્ન કરવાના છે, આ દરેક પ્રયત્નમાં કેટલો સમય જશે વિગેરે માહિતી તમને મળી જશે. આવી યાદીને કારણે ધારેલી દિશામાં આગળ વધવાનું, ધાર્યું હોય તે રીતે અને તેટલા સમયમાં કાર્ય પૂરું થવાની શક્યતા અનેકગણી વધી જાય છે.

૫) પાંચમું સ્ટેપ:

પાંચમું સ્ટેપ છે તમારી યાદીને યોજનામાં ફેરવી નાખો.

પ્રવૃત્તિઓની જે યાદી તમે તૈયાર કરી છે, તે પ્રવૃત્તિઓને એક સુનિશ્ચિત ક્રમમાં ગોઠવો. સૌથી પહેલાં કયું કાર્ય હાથમાં લેવું પડશે, તે પછી કયું કામ પતાવવાનું છે એ બધું વિચારીને યોજના ઘડવા માંડો. મુશ્કેલ કામોને અનેક વિભાગોમાં વહેંચી દો, જેથી વિભાગવાર સફળતા મળતી જશે, તેમ તે મુશ્કેલ કાર્ય પૂરું થતું જશે.

કાગળ પર ઉતારેલી યોજનાથી તમે તમારું ધ્યેય વધારે સારી રીતે, વધારે ઝડપથી અને ઓછામાં ઓછા અવરોધોથી પ્રાપ્ત કરી શકશો.

૬) છઠ્ઠું સ્ટેપ:

છઠ્ઠા સ્ટેપમાં તમારી યોજના જેવી તૈયાર થાય એટલે તરત તેના અમલમાં લાગી જાવ.

બિલકુલ રાહ ના જોશો. કોઈ એક નાનું કામ પણ હાથમાં લઈને શરૂઆત તો કરી જ દો.

એકવાર શરૂઆત થઇ જાય પછી તે કાર્ય ચાલુ જ રહે છે. પણ શરૂઆત જ ના કરો તો નાનું કામ પણ જલદી ખતમ થતું નથી. જેમ મોટરકાર ચાલુ કરવા માટે પહેલા ગિયરમાં નાખીને વધુ ફોર્સ આપવો પડે છે. પરંતુ એક વાર ચાલુ થઇ ગયા પછી ત્રીજા કે ચોથા ગીયરની ઓછી શક્તિ પણ કારને ગતિ આપવા માટે પૂરતી થઇ પડે છે. એજ રીતે યોજના પણ એક વાર શરુ કરી દીધા પછી ઓછી શક્તિથી ચાલુ રાખી શકાય છે.

૭) સાતમું સ્ટેપ:

સાતમું અને છેલ્લું સ્ટેપ એ છે કે લાંબા ગાળાની યોજના માટે, ભલે નાની તો નાની, પણ જરૂરી કોઈ એક પ્રવૃત્તિ તો દરરોજ કરો જ કરો. રોજેરોજ કશુંક તો કરવું જ જોઈએ. એક પણ દિવસ ખાલી ના જવો જોઈએ.

આનાથી તમારું કાર્ય ક્યારેય અટકી નહિ જાય. નાની એવી પ્રગતિ તો દરરોજ થતી જ રહેશે. આ પ્રકારની મક્કમતા અને નિયમિતતા તમારી કાર્યક્ષમતા અનેકગણી વધારી દેશે.

બસ હવે તમારાં ધ્યેયો વિષે વિચારતા રહો અને રોજેરોજ તેનું એનાલિસિસ કરતા રહો. કેટલું કામ થયું અને કેટલું બાકી રહ્યું તેનો તાળો મેળવતા રહો. બાકીના કામ વિષે આયોજન બરાબર છે કે બદલાયેલ સંજોગો મુજબ તેમાં ફેરફાર કરવાના છે તે વિચારતા રહો. અને રોજ તમને જરૂરી લાગે તેવું ઓછામાં ઓછું એક કામ તો હાથ પર અવશ્ય લો.

આ રીતે આયોજનબદ્ધ વ્યૂહરચના સાથે કામ કરવાથી વ્યક્તિગત કાર્યક્ષમતા માટે સૌથી જાણીતો ૧૦/૯૦નો નિયમ પરિપૂર્ણ થાય છે. આ નિયમ મુજબ જો પ્રથમ ૧૦ ટકા સમય આયોજન પાછળ ગાળવામાં આવે તો તે કામ પૂરું કરવામાં ૯૦ ટકા સમય બચી જાય છે. માટે આયોજનબદ્ધ વ્યૂહરચના સાથે પરિશ્રમ કરીને પ્રયત્ન કરતા રહેશો અને સાથેસાથે દ્રઢ મનોબળ અને અટલ આત્મવિશ્વાસ રાખીને આગળ વધશો, તો જીવનમાં સફળતા તમારી રાહ જોતી ઉભેલી જોવા મળશે.

અત્યારની પેઢી માટે ખુશીની વાત એ છે કે ઉદારીકરણના આ જમાનામાં સિધ્ધિઓ મેળવવા માટેના અનેક નવા માર્ગ ખુલી ગયા છે. દુનિયા એટલી ગ્લોબલ થઇ ગઈ છે અને એટલા બધા વિકલ્પો મળી રહે છે કે ઓછા પ્રયત્ને મોટી સફળતા મેળવી શકાય છે.

ઈન્ટરનેટના જમાનામાં ઘરમાં બેસીને દુનિયાના દરેક ખૂણામાં ક્ષણમાત્રમાં પહોંચી શકાય છે. તમારે ફક્ત પોતાની પસંદગીનું ક્ષેત્ર નક્કી કરવાનું છે. પછી તો લક્ષ્ય નક્કી કરીને તથા કામની અગ્રતા નક્કી કરીને એક સૈનિકની જેમ શિસ્તબદ્ધ રીતે વિજય મેળવવાની પ્રબળ લાલસા સાથે યુદ્ધ શરુ કરો અને ધારેલી સફળતા મેળવીને જ વિરામ લો.

સફળતા મળ્યા પછી પણ અટકી ના જાવ. સફળતાનો આનંદ માણી લીધા પછી સફળતાને એક આદત બનાવી દો. નવું લક્ષ્ય નક્કી કરી ફરી તેની પ્રાપ્તિ માટે મંડી પડો અને આમ એક પછી એક સફળતાનાં શિખર સર કરતા જાઓ.

નાનું કે મોટું કોઈ પણ કામ પૂરું કરીએ, એટલે મગજમાં એન્ડોર્ફિન નામનું રસાયણ છૂટે છે. એન્ડોર્ફિનને કારણે મનમાં ઉત્સાહ જાગે છે, પોઝીટીવ લાગણીઓ પેદા થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જેને લીધે અઘરાં લાગતાં કામ પણ પૂરાં કરવા માટેનો ઉત્સાહ જાગે છે. એ સમયે ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે તમારી જાગી ઉઠેલી શક્તિઓ અને વધેલો ઉત્સાહ તમારા મુખ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ વપરાય અને અન્ય ફાલતુ બાબતો માટે ખર્ચાઈ ના જાય.

સ્વેટ માર્ડનનું આ વાક્ય હંમેશાં યાદ રાખો: “દરેક મહાન માણસ મહાન અને દરેક સફળ માણસ સફળ એટલા માટે બન્યો કે  તેણે પોતાની તમામ શક્તિઓ કોઈ એક લક્ષ્ય પાછળ કામે લગાડી.” એટલે તમારી તમામ શક્તિઓ તમારા લક્ષ્ય પર જ કેન્દ્રિત કરો અને જેમ અર્જુનને નિશાન તાકતી વખતે ફક્ત પક્ષીની આંખ જ દેખાતી હતી, તેમ તમને પણ તમારું મુખ્ય લક્ષ્ય જ નજર સામે આવવું જોઈએ.

નોર્મન વિન્સેન્ટ પીલ કહે છે કે,”આપણે તન અને મનથી કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે સમસ્યા ઉકેલવાની આપણી શક્તિ અનેકગણી વધી જાય છે.” એટલા માટે તન અને મનથી તમારા લક્ષ્યને સમર્પિત થઈને યુદ્ધ કરતા હો તેવા ઝનૂનથી તૂટી પડશો, તો તમારી કાર્યક્ષમતા અનેકગણી વધી જશે અને લક્ષ્યની પ્રાપ્તિ ધાર્યા કરતાં વહેલી અને સહેલાઈથી થઇ જશે.  

 

આ લેખમાળાનો પાંચમો અને છેલ્લો ભાગ “(૫) મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ” ટૂંક સમયમાં અહીં રજૂ થશે…. તો થોડી રાહ જોવા વિનંતી…. 

 

આ લેખમાળાના પ્રથમ પ્રકરણ ૧) મનની શક્તિ અપાર પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના બીજા પ્રકરણ ૨) શક્ય છે  પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના ત્રીજા પ્રકરણ ૩) મનની શક્તિથી તંદુરસ્તી પર જવા અહીં ક્લિક કરો.

 

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

સુરેશ ત્રિવેદી  

 

      

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s