ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં

Fruits

મિત્રો,

મારી લેખમાળા ‘પહેલું સુખ તે…’ અંતર્ગત હું મારા મૌલિક આર્ટીકલ્સ મૂકું છું. પરંતુ ગુજરાતી મીડ ડે માટે  જીગીષાબેનનો લખેલો આ આર્ટીકલ મને ઘણો ઉપયોગી જણાયો. એટલે ગુજરાતી મીડ ડે અને જીગીષાબેનના આભાર સાથે વાંચકોના લાભાર્થે અહીં મૂક્યો છે.

 

તમારી કઈ ખોટી આદતો હેલ્ધી ફળોને બનાવે છે અનહેલ્ધી?
લેખક:  જિગીષા જૈન

(સૌજન્ય  : ગુજરાતી મીડ ડે)

જે ખોરાક હેલ્ધી છે એ ગમે ત્યારે અને ગમે તે રીતે ખાઓ તો હેલ્ધી જ હોય એવું જરૂરી નથી. ફળોને હંમેશાં હેલ્ધી જ માનવામાં આવે છે, પરંતુ જો એ ખાવાની આદત ખોટી હોય તો એ હેલ્ધી ફળો અનહેલ્ધી બની જતાં હોય છે. આવો જાણીએ ફળો અને એના જેવા કેટલાક હેલ્ધી ગણાતા ખાદ્ય પદાર્થોને ખાવાની આપણી કેટલીક ખોટી આદતો અને એને ભૂલીને અપનાવીએ એને ખાવાની સાચી અને હેલ્ધી આદતો

ફળો કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકથી લઈને મોટેરાઓ સુધી બધા માટે એ પોષણનો ખજાનો છે અને અત્યંત જરૂરી ખાદ્ય પદાર્થ બની રહે છે.

દરરોજ એક કે બે ફળ ખાવાં ખૂબ જ હેલ્ધી આદત માનવામાં આવે છે; પરંતુ એને પણ જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે એટલું જ નહીં, એ ખોટી રીતોને કારણે ફળોમાં રહેલાં કુદરતી તત્વો નાશ પામે છે અને જેટલું પોષણ આપણને મળવું જોઈએ એ ન મળે એવું પણ બને.

જ્યારે આપણે એને ખોટી રીતે ખાઈએ ત્યારે પાચનક્રિયા નબળી પડે છે અને ચરબીમાં વધારો થાય છે. ખાસ કરીને પેટ પર જામેલી ચરબી પાછળ આ ખોટી આદતો જવાબદાર ગણી શકાય. આજે ફીમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી ફળો ખાવાની કેટલીક ખોટી રીતોને આપણે સમજીએ અને એના બદલે એની સાચી રીતોને અપનાવી લઈએ.

સમય

ખોટી આદત : રાત્રે ડિઝર્ટમાં ફળો ખાવાં

શા માટે ખોટી? : ફળોને ઘણા લોકો રાત્રે ખાય છે. જમીને રાત્રે ડિઝર્ટમાં આઇસક્રીમ ખાઓ કે બીજી કોઈ મીઠાઈ ખાઓ એને બદલે ફળો ખાવાનો ઑપ્શન ઘણા લોકોને હેલ્ધી લાગે છે, પરંતુ એ હેલ્ધી ઑપ્શન નથી; કારણ કે ફળોમાં જે સાકર રહેલી છે એ હોય છે ફ્રક્ટોઝ. કોઈ પણ પ્રકારની સાકરમાં ઘણી વધારે કૅલરી હોય છે, જેનું પાચન કરવું મુશ્કેલ જ છે.

રાત્રે વધુ કૅલરીવાળો ખોરાક ખાવો ન જોઈએ, કારણ કે રાત્રે આપણું પાચન મંદ હોય છે. એટલે રાત્રે ક્યારેય કોઈ પણ ફૉર્મમાં ફળો ન ખાવાં. હંમેશાં એને દિવસે જ ખાવાં જોઈએ.

સાચી આદત : સવારે ઊઠીને તરત જ અથવા એક્સરસાઇઝ કર્યા પછી અથવા સ્નૅક સમયે એટલે કે સાંજે ૪-૫ વાગ્યે ફળો ખાઈ શકાય છે.

કોની સાથે ખવાય?

ખોટી આદત : જમવા સાથે ફળો ખાવાની આદત

શા માટે ખોટી? : ગુજરાતીઓમાં આ આદત ખાસ જોવા મળે છે. ખાસ કરીને કેરી કે કેળાં જેવાં ફળો ઘણા લોકો જમવા સાથે ખાતા હોય છે, પરંતુ આ આદત સાચી નથી.

જમવામાં આપણે જે-જે વસ્તુ ખાતા હોઈએ છીએ એ બધી જ વસ્તુઓની પોતાની કૅલરી હોય અને એની સાથે-સાથે ફળોની ઊંચી કૅલરી એમાં ભળે. એટલે જમવાના અંતે તમે તમારા પેટમાં અઢળક કૅલરી પધરાવો છો. એકસાથે વધુ કૅલરીનો ભરાવો તમારી પાચનક્રિયા માટે સારો નથી. આવું થાય ત્યારે પાચનમાં તકલીફ થાય છે અને ફળોનું સમગ્ર પોષણ શરીરને મળે નહીં અને એની કૅલરી વપરાવાને બદલે જમા થતી જાય અને મેદનું સ્વરૂપ લે.

સાચી આદત : ફળોને કોઈ બીજા ખોરાક સાથે ન ખાતાં એકલાં જ ખાવાં જોઈએ. જોકે એને નટ્સ એટલે કે બદામ, અખરોટ, કાજુ સાથે પણ ખાઈ શકાય છે. આ કૉમ્બિનેશન યોગ્ય ગણી શકાય.

કઈ રીતે ખવાય?

ખોટી આદત : દૂધ સાથે કે એનો રસ બનાવીને એટલે કે જૂસના સ્વરૂપમાં પીવું.

શા માટે ખોટી? : આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર ફળો અને દૂધ જ્યારે ભેગાં થાય ત્યારે એ વિરુદ્ધ આહાર બને છે અને શરીરમાં વિકાર ઊભો કરે છે. એટલે કોઈ પણ પ્રકારનાં ફળોને દૂધ સાથે ન લેવાં જોઈએ. બાકી રહી વાત જૂસની તો જૂસમાં ફળોના ગુણ તો હોય છે, પરંતુ ફળોમાં રહેલાં ફાઇબર્સ હોતાં નથી.

જ્યારે આપણે ફળ ચાવીને ખાઈએ છીએ ત્યારે એમાં રહેલાં ફાઇબરને કારણે એનું શરીરમાં પાચન ધીમું થાય છે અને એ એનર્જી‍ ધીમે-ધીમે રિલીઝ થાય છે જે હેલ્ધી છે, પરંતુ જો સીધો એનો રસ પી જઈએ તો શરીરને અચાનક જ એનર્જીનો જથ્થો મળે જેનો ઉપયોગ જલદી ન થાય તો એ એનર્જી‍ ફૅટમાં પરિણમે.

સાચી આદત : ફળોને આખાં જ ચાવીને ખાવાં.

પકવવાં (રાંધવાં) નહીં

ખોટી આદત : ઘણાં ફળોનું શાક બનાવીને કે મીઠાઈમાં નાખવા માટે એને પકવવામાં આવે છે.

શા માટે ખોટી? : ઘણાં ઘરોમાં જામફળનું શાક બનતું હોય છે. આજકાલ ચીકુ, સફરજન કે કેળાંનો હલવો બનાવવામાં ઉપયોગ થાય છે. એ જ રીતે એની ખીર પણ બને છે. સ્ટ્રૉબેરી કે કોઈ પણ પ્રકારના બેરીઝનો જૅમ બનાવાય એમાં એને પકવવામાં આવે છે.

ફળોમાં જે પોષક તત્વો રહેલાં હોય છે એને પકવીએ તો એ પકવવાની પ્રોસેસને કારણે એ ઊડી જાય છે. ખાસ કરીને એમાં રહેલાં વિટામિન્સ નાશ પામે છે. ફળોનો પૂરો લાભ ઉઠાવવો હોય તો એને પકવવાં નહીં.

સાચી આદત : ફળોને હંમેશાં કાચાં જ ખાવાં. ફળને સુધારીને ખાવા કરતાં પણ સીધાં ખાઈ શકાય એ વધુ સારું. વળી એક વખત ફ્રૂટ સુધારો એટલે એને તરત ખાઈ જવું, એને રાખી મૂકવું નહીં. ઘણી વખત લોકો અડધું સફરજન ખાઈને ફ્રિજમાં મૂકી દે છે. એવું ન કરવું. એક ફળ સુધારો તો એ આખું જ તરત ખાઈ જવું.

ફળો સિવાયની બીજી હેલ્ધી વસ્તુઓ

ફળો સિવાય બીજા પણ ઘણા હેલ્ધી ખોરાક છે જેને ખાવાની આપણી રીતો જો ખોટી હોય તો એ હેલ્ધી ખોરાક અનહેલ્ધી બની જાય છે. આ ખોરાક અને એની ખોટી આદતો શું છે એ જાણીએ ધ્વનિ શાહ પાસેથી.

નટ્સ

ખોટી રીત : ડિઝર્ટ સાથે એટલે કે મીઠાઈઓમાં આપણે નટ્સ ભરપૂર નાખીએ છીએ, પરંતુ એને મીઠાઈમાં ન નાખવાં જોઈએ.

સાચી રીત : નટ્સના પૂરા ફાયદા ઉઠાવવા હોય તો એને ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ સાથે ખાવાં જોઈએ. બદામ જેવા નટ્સને ૪-૬ કલાક પલાળીને જ ખાવાં વધુ યોગ્ય છે.

ઘી

ખોટી રીત : ઘી માટે ઘણા પ્રકારના ભ્રમ જોવા મળે છે. ઘણા લોકો વજન વધી જવાના ડરે ઘી સંપૂર્ણપણે છોડી જ દે છે. ઘીનો કોઈ પણ ખોરાક તળવા માટે થતો ઉપયોગ ખોટી રીત ગણાય છે. ખાસ કરીને ઘીમાં તળાતી પૂરી કે બાટી કે પરાઠાં શેકવામાં વપરાતું ઘી અનહેલ્ધી ગણી શકાય.

સાચી રીત : દરરોજ યોગ્ય માત્રામાં ઘી તમારા પાચનમાં મદદરૂપ થાય છે, કબજિયાતથી બચાવે છે, સ્કિન અને વાળને સારાં કરે છે, ઍસિડિટીને દૂર કરે છે, મેમરી વધારે છે. ખાસ કરીને ઘીનો ઉપયોગ કઠોળ અને દાળ વઘારવામાં થવો જોઈએ, કારણ કે ઘી આ હેવી ખાદ્ય પદાર્થોનું પાચન સરળ બનાવે છે અને ગૅસ, બ્લોટિંગથી બચાવે છે.

શાકભાજી

ખોટી રીત : શાકભાજીને એકદમ ગાળી નાખીએ એ ઠીક નથી એટલે કે એમને વધારે પકવવાં યોગ્ય નથી. વધુ પકવવાથી શાકભાજીમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે.

સાચી રીત : શાકભાજીને કુકરમાં બાફવા કરતાં કડાઈમાં ધીમા તાપે ચડવાં દેવાં. જે શાકભાજીને સ્ટર ફ્રાય કરી શકાય છે એમને એવાં જ રાખવાં જેમ કે ફ્લાવર, ગાજર, કોબી વગેરે.

મધ

ખોટી રીત : મધનો ઉપયોગ આજકાલ ઘણા લોકો મીઠાઈ બનાવવા માટે કરે છે જેમાં મીઠાઈ પકવતી વખતે ખાંડની જગ્યાએ મધ નાખવાનું હોય છે. ઘણી ચાઇનીઝ વાનગી જેમ કે નૂડલ્સમાં પણ આજકાલ મધ નાખવાની રીત અપનાવાઈ રહી છે.

સાચી રીત : મધ કુદરતી સ્વીટનર છે. ખાંડ કે ગોળ કરતાં એ વધુ હેલ્ધી છે, પરંતુ આયુર્વેદ અનુસાર મધને ક્યારેય ગરમ કરાય નહીં. એટલે કોઈ વાનગીમાં નાખવું હોય તો પણ વાનગી ગૅસ પર હોય ત્યારે નખાય નહીં. ઠંડું જ વાપરવું જોઈએ.

 

 

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

આપનો ફીડબેક આપશો તો મઝા આવશે.

અવારનવાર અહીં મળતા રહેજો.

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

 

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s