હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

heart-attack

સામાન્યપણે ભારતીયો બીમારીમાંથી સાજા  થવા માટે જાતજાતના અખતરા અને નુસખાઓ અજમાવવા માટે પ્રસિદ્ધ છે. એલોપથી અને આયુર્વેદ જેવી વૈજ્ઞાનિક અને સર્વસ્વીકૃત ઈલાજ પદ્ધતિઓ કરતાં તેમને હોમિયોપેથી, નેચરોપથી, યુનાની, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરપી, જેવી માન્ય પદ્ધતિઓ ઉપરાંત ઘરગથ્થુ ઉપાયો, દાદીમાનું વૈદું, દોરા-ધાગા, બાધા-આખડી, ભૂવા, માનતા, એવા અનેક પ્રયોગો વધારે પસંદ છે.

આમ છતાં જયારે હાર્ટએટેકની વાત આવે ત્યારે બધાજ ભારતીયો તરત જ એલોપથીને શરણે જાય છે. કદાચ હાર્ટએટેક જીવલેણ રોગ હોવાથી તેમાં આવા પ્રયોગો કરવાનું જોખમ લેવાનું કોઈને યોગ્ય લાગતું નહિ હોય!

પરંતુ ભારતીયોની અયોગ્ય અને બિનતંદુરસ્ત જીવન પદ્ધતિને લીધે હવે હાર્ટએટેકના કિસ્સાઓ  વધતા જાય છે, તો તેની સાથે એલોપથીના ઈલાજ માટેના ખર્ચાઓ પણ અનેકગણા વધી ગયા છે. વળી  ભાતભાતના ખર્ચાળ ટેસ્ટ કરાવવાના અને બિનજરૂરી ઓપરેશન કરવાના કિસ્સાઓ પણ વધતા જાય છે. એટલા માટે હાર્ટએટેક વખતે એલોપથી સારવાર લગભગ ફરજીયાત અને એકમાત્ર વિશ્વાસુ ઈલાજ હોવા છતાં તેની સામે ઘણીવાર પ્રશ્નો ખડા થાય છે. 

તાજેતરમાં એક લેખ વાંચવામાં આવ્યો, જેમાં એમએસ ડિગ્રીધારી ક્વોલિફાઇડ ડોક્ટર, એનોટોમીના પ્રોફેસર અને તબીબી ક્ષેત્રનો પચાસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા પ્રસિદ્ધ ગુજરાતી ડોકટર મનુ કોઠારીએ ‘હાર્ટએટેક અને એલોપથી’ વિષે કેટલાક આશ્ચર્યજનક ખુલાસાઓ રજૂ કર્યા છે.

આ લેખમાળા ‘પહેલું સુખ તે…’ અંતર્ગત હું મારા મૌલિક આર્ટીકલ્સ જ મૂકું છું. પરંતુ શિશિર રામાવતનો લખેલો આ આર્ટીકલ મને ઘણો ઉપયોગી જણાયો. એટલે શિશિરભાઈના આભાર સાથે વાંચકોના લાભાર્થે અહીં મૂક્યો છે.

હાર્ટએટેકની હૈયાહોળી

લેખક: શિશિર રામાવત

 

ડો. મનુ કોઠારી સ્પષ્ટપણે કહે છે કે હૃદયરોગને અટકાવવાનો કે એને મટાડવાનો એક પણ અકસીર ઇલાજ આધુનિક મેડિકલ સાયન્સ પાસે છે જ નહીં.

આમ આદમી માટે આ સત્ય સ્વીકારવું બહુ અઘરું છે. હૃદયરોગ શું છે, તે શાના કારણે થાય છે તેની જ ગતાગમ ન હોય ત્યારે રામબાણ ઇલાજની આશા જ કેવી રીતે રાખી શકાય? ટ્રીટમેન્ટના નામે ડોક્ટરો ઘણું કરીને અંધારામાં ગોળીબાર કરતા હોય છે.

હજુ હમણાં સુધી મેડિકલ સાયન્સનું ક્ષેત્ર એક પવિત્ર ગાય ગણાતી હતી. ડોક્ટરો ભગવાનનું રૂપ ગણાતા હતા. ધીમે ધીમે જનમાનસમાંથી આ બધા ખ્યાલો અને ભ્રમો ભાંગતા ગયા છે. પોતાના જ ક્ષેત્રની બદીઓ વિશે નિર્ભીકપણે સતત જાહેરમાં ચર્ચા કરવી એ બહુ કઠિન હોય છે. પરંતુ તબીબી ક્ષેત્રનાં કૌભાંડો વિશે ડો. મનુ કોઠારીએ ખૂબ લખ્યું છે.

આ ગુજરાતી ડોક્ટરે લખેલાં ‘કેન્સરઃ કેટલીક ભ્રમણા કેટલુંક સત્ય’, ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્રઃ વાસ્તવિક નજરે’, ‘તબીબી ક્ષેત્રે હિંસા’ જેવાં કેટલાંય પુસ્તકો ખૂબ વંચાયાં છે. દિવાળીના થોડા દિવસ પહેલાં પક્વ ઉંમરે તેમનું દુઃખદ નિધન થયું. તેઓ સ્વયં એમએસ ડિગ્રીધારી ક્વોલિફાઇડ ડોક્ટર હતા,એનોટોમીના પ્રોફેસર હતા અને તબીબી ક્ષેત્રનો પચાસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હતા, તેથી જ તેમની વાતોમાં સતત અધિકૃત વજન રહેતું.

આજે લોકોને જુવાનીમાં અને મધ્ય વયે હાર્ટએટેક આવી જાય છે. હૃદયરોગનું નામ પડતાં જ આપણને ગભરાટ થઈ જાય છે. શું આધુનિક મેડિકલ સાયન્સ પાસે એનો ઇલાજ છે? ડો. મનુ કોઠારી કહે છે કે માણસ દૂર દૂર છેક મંગળ ગ્રહને તો આંબી ગયો, પણ પોતાના જ શરીરમાં મુઠ્ઠી જેવડાં હૃદય પર અંકુશ રાખતા એને હજુ આવડયું નથી.

હાર્ટએટેક માટે સામાન્યપણે હૃદયને લોહી પૂરું પાડતી ધમનીને જવાબદાર ગણવામાં આવે છે. આવડીક અમથી ધમની થોડી સંકોચાઈ ગઈ હોય તો એને પહોળી કરવાથી કે એની જગ્યાએ બીજી ધમની મૂકી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ, રાઈટ? ડો. મનુ કોઠારી કહે છે કે, રોંગ.

એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફી ને બાયપાસ સર્જરી ને એ બધી ભારેખમ અને મોડર્ન લાગતી વિધિઓની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ બધામાં સરવાળે તો બાદબાકી જ થાય છે. શી રીતે?

સૌથી પહેલાં તો હૃદયરોગનો હુમલો એટલે એક્ઝેક્ટલી શું એની વ્યાખ્યા જ સુનિશ્ચિત થઈ શકી નથી. હૃદયમાં પુષ્કળ દુખાવો ઊપડવો અને હૃદયરોગનો હુમલો થવો આ બન્ને બાબતોને એકબીજાની સમાનાર્થી માનવામાં આવે છે. હકીકત એ છે કે હાર્ટએટેકના પચીસ ટકા કેસમાં છાતીમાં કોઈ દુખાવો ઊપડયો હોતો નથી. આમ,  હૃદયરોગની વ્યાખ્યા છાતીના દુખાવાના આધારે કરી શકાતી નથી.

એ જ રીતે હાર્ટએટેક અને હૃદયને લોહી પહોંચાડતી ધમનીનું સંકોચાઈ જવું – આ બન્ને વચ્ચે પણ સીધો સંબંધ જોવા મળતો નથી. એવા અસંખ્ય કિસ્સાઓ છે, જેમાં ધમનીઓ સાવ સાંકડી અને વિકૃત થઈ ગઈ હોય, પણ હૃદય ફર્સ્ટકલાસ કામ કરતું હોય. સામે પક્ષે, ધમનીઓ સાજી સારી હોય છતાંય માણસ હાર્ટએટેકનો ભોગ બન્યો હોય એવુંય બનતું રહે છે. ધમનીની કામગીરી પર પુષ્કળ સંશોધનો થયાં છે, પણ તેનું નક્કર પરિણામ આવ્યું નથી.

ડો. કોઠારી એક સરસ ઉદાહરણ આપે છે. સામાન્યપણે ગર્ભાશયને લોહી પહોંચાડતી ધમનીઓ બહુ નાની હોય છે, પણ સ્ત્રી ગર્ભવતી બને અને ગર્ભ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ ધમનીઓ મોટી થતી જાય છે. બાળકના જન્મ પછી આ ધમનીઓ પાછી પોતાના મૂળ રૂપમાં આવી જાય છે.

આનો સાદો અર્થ એ થયો કે ધમનીનું સંકોચન અને વિસ્તરણ લોહીની જરૂરિયાત પર આધાર રાખે છે. શરીરકાર્યના સિદ્ધાંતના આધારે એમ કહેવું વધારે યોગ્ય ગણાય કે હૃદયની ધમની સંકોચાવાથી હૃદય પર માઠી અસર પડતી નથી, બલ્કે હૃદય પોતે જ હવે ઓછું લોહી માગતું હોવાથી ધમની સંકોચાય છે.

ટૂંકમાં, ડો. કોઠારીના કહેવા પ્રમાણે, ધમનીનું સંકોચન એ મૃત્યુનું કારણ નથી, તેથી જ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી પછી દર્દીનું આયુષ્ય ખાસ લંબાવી શકાતું નથી.

હૃદયરોગનો હુમલો કોણ નોતરે છે? આ માટે અઢીસો જેટલાં પરિબળોનું લિસ્ટ આગળ ધરવામાં આવે છે. તેમાં તેલ અને ઘી સૌથી ઉપર હોય છે. જીવનનો આનંદ આપતી એક પછી એક વસ્તુ આ લિસ્ટમાં ઉમેરાતી જાય છે.

ડોકટરો લોહીમાંથી ચરબીનું પ્રમાણ ઓછું કરવા સ્ટ્રોંગ દવાઓ આપતા હોય છે. વચ્ચે મુંબઈની ઓબેરોય (હવે ટ્રાઇડન્ટ) હોટલમાં હૃદયરોગના ખેરખાંઓની કોન્ફરન્સ ભરાઈ હતી. એમાં એક વાત સર્વાનુમતે સ્વીકારવામાં આવી કે ખોરાકમાંથી ઘી-તેલની બાદબાકી કરવાથી હૃદયને તો ફાયદો થાય છે, પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે! બકરું કાઢતાં ઊંટ પેઠું તે આનું નામ.

ડો. મનુ કોઠારી સ્પષ્ટપણે કહે છે કે હૃદયરોગને અટકાવવાનો કે એને મટાડવાનો એક પણ અકસીર ઇલાજ આધુનિક મેડિકલ સાયન્સ પાસે છે જ નહીં. આમ આદમી માટે આ સત્ય સ્વીકારવું બહુ અઘરું છે. હૃદયરોગ શું છે, તે શાના કારણે થાય છે તેની જ ગતાગમ ન હોય ત્યારે રામબાણ ઇલાજની આશા જ કેવી રીતે રાખી શકાય? ટ્રીટમેન્ટના નામે ડોક્ટરો ઘણું કરીને અંધારામાં ગોળીબાર કરતા હોય છે.

આજકાલ મોટાં શહેરોમાં ફુલ બોડી ચેક-અપનો બિઝનેસ ફાટી નીકળ્યો છે. ડાયગ્નોસ્ટિક સેન્ટર જાતજાતની સ્કીમો બહાર પાડે છે અને આપણા પર ઈ-મેઇલ અને એસએમએસની તડી બોલાવે છે. મોટી હોસ્પિટલો ફ્રી મેડિકલ કેમ્પ્સનાં આયોજન કરે છે. માણસ ફુલ બોડી ચેક-અપ કરાવે એટલે કોઈકને કે કોઈક અંગમાં કશુંક તો વધતું-ઓછું નીકળવાનું જ.

ડો. કોઠારી ચેક-અપ ક્લિનિકની ચોટડુક વ્યાખ્યા કરે છેઃ ચેક-અપ ક્લિનિક એટલે એવું સ્થળ જ્યાં સાજોસારો માણસ પ્રવેશે છે અને પેશન્ટ બહાર નીકળે છે!

ડો. રુસ્તમ જાલ વકીલ નામના એક નિષ્ઠાવાન ડોક્ટરનું જાણીતું ક્વોટ છે કે માણસજાતને એટમબોમ્બે જેટલું નુકસાન કર્યું છે એના કરતાં કાર્ડિયોગ્રામ કાઢવાના મશીને વધારે નુકસાન કર્યું છે.

ફુલ બોડી ચેક-અપમાં ધારો કે તમે સોએ સો ટકા ફિટ-એન્ડ-ફાઇન નીકળ્યા તોપણ તમને હાર્ટએટેક નહીં જ આવે તેવી કોઈ ગેરંટી હોતી નથી. અમુક ફાઇવસ્ટાર હોસ્પિટલના ચેક-અપ વિભાગમાં ચોખ્ખા શબ્દોમાં ચેતવણી અપાય છે કે, ચેક-અપ માટે વપરાતાં સાધનો અને વિધિઓની મર્યાદા હોય છે. આ સાધનો કે ડોક્ટરો શરીરમાં છુપાયેલાં અને શાંત પડી રહેલાં દર્દોને પકડી શકતાં નથી!

જોતાં જ ડરી જવાય એવાં મશીનો ખડકેલાં આઈસીયુ વોર્ડ એક ઔર મહામાયા છે. મુંબઈની એક જાણીતી હોસ્ટિપટલના ડિનને પૂછવામાં આવ્યું કે આટલા મોટા અને આધુનિક આઈસીયુ વોર્ડ બનાવવાથી શો ફાયદો થયો? ડિને જવાબ આપ્યોઃ દર્દીઓની મરણ સંખ્યામાં કોઈ ફરક પડયો નથી, પણ પેશન્ટનાં સગાંવહાલાંને સંતોષ રહે છે કે અમે આધુનિક ઉપચાર કરાવી રહ્યાં છીએ ને અમે કોઈ વાતની કસર રહેવા દીધી નથી. આવી ધરપત મેળવવા માટે અને ગિલ્ટથી બચવા માટે સગાંવહાલાં બાપડા લાખો રૂપિયાના ખર્ચના ખાડામાં ઊતરી જાય છે.

બાયપાસ સર્જરી પછી દુખાવો મટી જતો હોય છે એનું કારણ શું? બને છે એવું કે બાયપાસની શસ્ત્રક્રિયા વખત હૃદય ફરતે રહેલા પેરાકાર્ડિઅલ આવરણને કાપવું પડે છે. તેને લીધે જ્ઞાાનતંતુઓ પણ ભેગેભેગા કપાઈ જાય છે, તેથી પીડાના સિગ્નલ્સ મગજ સુધી પહોંચતા જ નથી. આથી દર્દીને રાહત જેવું લાગે છે!

ડોક્ટરો શું જાણીજોઈને દર્દી અને એનાં સગાંવહાલાં વાર આખું અને સાચું ચિત્ર રજૂ કરતા નથી? ડોક્ટરને ખુદને ટ્રીટમેન્ટની મર્યાદા વિશે સમજ ન હોય એવું બને? 

ડો. મનુ કોઠારી કહે છે કે શરીરના કેટલાય રોગ સામે તબીબીશાસ્ત્ર તદ્દન લાચાર છે, એવી ચર્ચા મેડિકલ કોલેજોના સિલેબસમાં ક્યાંય જોવા મળતી નથી. ડોક્ટરનું ભણી રહેલો વિદ્યાર્થી તબીબીશાસ્ત્રની મર્યાદાઓની ચર્ચા કરતાં, એની કડક સમીક્ષા કરતાં લેખો-સાહિત્યથી દૂર રહે છે.

એ તો એલોપથીમાં જે કંઈ લેટેસ્ટ છે એ બધું ભણી કાઢે છે. મલ્ટિપલ ચોઇસવાળા પ્રશ્નોના જવાબો યાદ કરી કરીને એ એવું માનતો થઈ જાય છે કે એલોપથી પાસે દરેક સમસ્યાના એક નહીં, ચાર-પાંચ ઉપાયો છે. અમુક બીમારીઓ માટે તબીબીશાસ્ત્ર સાવ લાચાર અને વામણું છે, એની પાસે કોઈ ઉત્તર નથી એ હકીકતનો સામનો કરવા માટે આવો વિદ્યાર્થી બૌદ્ધિક સ્તરે તૈયાર થતો જ નથી.

બહુ ટેન્શન કરાવી દે એવું છે આ બધું. ખુદની કે સ્વજનની બીમારી વખતે ડોક્ટરોની મદદ લઈએ તે બરાબર છે, પણ આખરે તો બધું ખુદની કોમનસેન્સ પર અને ભગવાનના ભરોસે જ છોડવું પડે છે.

 

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

આપનો ફીડબેક આપશો તો મઝા આવશે.

અવારનવાર અહીં મળતા રહેજો.

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી

Advertisements

6 thoughts on “હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

  1. ખુબજ મદદરૂપ માહિતી આપી પરંતુ માહિતી નાં અંતે હૃદય રોગના લક્ષણો કે તેની માટે લેવી પડતી કાળજી વિષે કાઈ જાણવા નાં મળ્યું જો એ વિષે જાણવા મળે તો વધારે કામનું

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s