અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સુંદર ફ્લાવર શૉ નું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલિકા અંતર્ગત આ વર્ષે પણ અમદાવાદના સાતમા ફ્લાવર શૉ “અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯” નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ ૧૬.૦૧.૨૦૧૯ના રોજ સવારે ૮.૩૦ કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલ ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ ગ્રાઉન્ડ, ટાગોર હોલ પાછળ, પાલડી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
આ વખતનો ફ્લાવર શૉ અગાઉના દરેક શૉ કરતાં વધુ મોટો, વધુ સુંદર અને ઘણો મનમોહક બનેલ છે. આશરે ૧.૨૮ લાખ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલ આ પ્રદર્શનમાં સાત લાખથી વધારે ફૂલોની સજાવટ કરવામાં આવી છે. અહીં ૭૫૦ જેટલી ફૂલછોડની વેરાયટી જોવા મળશે અને અગાઉ ક્યાંય ન જોયા હોય અથવા ફક્ત પુસ્તકોમાં જોયા હોય તેવાં ફૂલો જોવાની તક અહીં મળે છે, જે ચૂકવા જેવી નથી.
તા. ૧૬ થી ૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી સાત દિવસ ચાલનારા આ અદભૂત પ્રદર્શનને જોવા અને માણવા માટે સમગ્ર ગુજરાતમાંથી ૧૦ લાખથી પણ વધુ લોકો ઉમટી પડશે તેવી ધારણા છે.
આ પ્રદર્શન સવારે ૧૦ થી રાત્રે ૯ સુધી જોઈ શકાશે. જોકે છેલ્લી માહિતી મુજબ પ્રદર્શનનો સમય લંબાવીને રાત્રે ૧૧ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તા. ૧૭ જાન્યુઆરીના રોજ લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની રીવરફ્રન્ટની મુલાકાતને પગલે બપોરે ૧૨ વાગ્યા પછી જાહેર જનતા માટે પ્રદર્શન બંધ રહેવાનું છે, જેની નોંધ લેવા વિનંતી છે.
અત્યાર સુધીના બધા ફ્લાવર શૉમાં જાહેર જનતાને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ અનિચ્છનીય તત્વો નિયંત્રણમાં રહે એટલા માટે આ વર્ષે વ્યક્તિદીઠ રૂપિયા ૧૦ની નોમીનલ એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેના માટે જનમિત્ર કાર્ડ દ્વારા અથવા રોકડેથી ચૂકવણી કરી શકાય છે.
ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગની સરળતા માટે વલ્લભસદનથી ફ્લાવર ગાર્ડન સુધીના રિવરફ્રન્ટના રસ્તા પર એએમટીએસની મફત બસ સુવિધા ગોઠવવામાં આવી છે.
આ વર્ષે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઇ રહી છે, એટલે તે થીમ પર આધારિત આ ફ્લાવર શૉમાં મુખ્ય આકર્ષણ સફેદ ફૂલોમાંથી બનાવેલ ગાંધીબાપુનાં ચશ્માં છે. ફૂલોનું આ વિશાળ શિલ્પ એક અદભૂત દ્રશ્ય ખડું કરીને બાપુને યથાયોગ્ય અંજલી અર્પે છે. જુઓ આ દ્રશ્ય:
તે ઉપરાંત અહીં ગાંધીબાપુનાં ૧૫૦ દુર્લભ ચિત્રો પણ મૂકવામાં આવ્યાં છે અને ફૂલોમાંથી બનાવેલ ચરખો પણ મૂકવામાં આવેલ છે. આમ આ રીતે સુંદર ફ્લાવર શૉ દ્વારા રાષ્ટ્રપિતાને યાદ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અન્ય આકર્ષણો પણ એટલાં બધાં છે કે એક જુઓ અને બીજું ભૂલો. લગભગ ૫૦ જેટલાં અદભૂત શિલ્પો રંગબેરંગી ફૂલોની સજાવટ દ્વારા બનાવવામાં આવ્યાં છે, જેમાં બુલેટ ટ્રેન, ફુટ બ્રીજ, બાર્બી ડોલ, ૧૮ ફૂટ ઊંચું ટેડીબેર, કળા કરતો મોર, ફૂલોથી ઉભરાતો કળશ, જિરાફ, બટરફ્લાયનું ઝૂમખું, હરણ, ફ્લેમિંગો, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન,વિગેરેનો સમાવેશ થાય છે. જુઓ આ ફોટા:
રંગબેરંગી ફૂલોમાંથી બનાવેલ અનેક શિલ્પો ઉપરાંત અન્ય વેરાયટીમાં ૧૦ વર્ટીકલ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગાર્ડન જમીન પર હોય, પરંતુ જ્યારે તે વર્ટિકલ એટલે કે દિવાલ સ્વરૂપે હોય, ત્યારે તે એક અદભૂત દ્રશ્ય ખડું કરે છે અને ખરેખર જોવા લાયક બની રહે છે.
દેશી અને વિદેશી કુળના અસંખ્ય જાતોના રોપાનું પ્રદર્શન અહીં જોવા મળે છે. વળી મોટાભાગના રોપા તથા ફૂલછોડને તેના નામનું લેબલ લગાડેલું હોવાથી જે તે વનસ્પતિની ઓળખ કરી શકવાનો લ્હાવો મળે છે. તો આ પ્રદર્શન તમારાં બાળકોને બતાવવાનું ચૂકશો નહિ.
ગ્રીન હાઉસ બનાવવા માટેનું લાઈવ ડેમોસ્ટ્રેશન અહીં રાખવામાં આવ્યું છે.
યુવા વર્ગના મોબાઇલ સેલ્ફી પ્રત્યેના લગાવને ધ્યાનમાં રાખીને અહીં ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલ છે.
ગાર્ડનને લગતાં બાગાયતી સાધનો, ઓજારો, મશીનરી, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ વિગેરેના વેચાણ માટે ૩૬ જેટલા પ્રતિષ્ઠિત કંપનીઓના સ્ટોલ અહીં રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત દેશ તથા શહેરની ખ્યાતનામ નર્સરીઓ આ પ્રદર્શનમાં ભાગ લઇ રહી છે, જ્યાં લોકોને વિવિધ જાતના ફૂલછોડના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રોનો લાભ એકજ જગ્યાએથી મળશે અને અવનવા ફૂલછોડ, ઇન્ડોર પ્લાન્ટ્સ તથા વિવિધ છોડના રોપા, અવનવા આકાર અને કદનાં કુંડાં જેવી અનેક વસ્તુઓની ખરીદી કરી શકાશે.
ખાણીપીણીના શોખીન ગુજરાતીઓ માટે ૫૦ જેટલા વિવિધ વાનગીઓનો રસથાળ ધરાવતા ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે. પાર્કિંગ, પીવાનું પાણી તથા યુરીનલની પૂરતી અને સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રદર્શનમાં બાળકોને ઇન્વોલ્વ કરવા માટે વોક ઇન ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં બાળકો કોઈ પણ સમયે એન્ટ્રી લઈને પોતાનું ચિત્ર દોરીને સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.
ટૂંકમાં વર્ષમાં એક જ વાર આવો મોકો મળે છે, જે ચૂકવા જેવો નથી. આમ છતાં સંજોગોવશાત તમે આ પ્રદર્શનની મુલાકાત કરી શકો તેમ ના હો, તો આ વિડીઓ દ્વારા સમગ્ર પ્રદર્શનનું વિહંગાવલોકન કરીને મજા માણો.
Video Courtsey and Thanks: Gujju 4 you and You Tube
છેલ્લે એક વાત એ પણ જાણી લો કે અમદાવાદ ફ્લાવર શૉ 2019નું લાઇવ ફોટોગ્રાફ સાથેનું આટલું વિગતવાર વર્ણન ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વખત ફક્ત આ વેબસાઈટ પર જ રજૂ થયું છે.
આ જ રીતે આ વેબસાઈટ, “દાદાજીની વાતો”ની મુલાકાત www.dadajinivato.com પર અવારનવાર કરતા રહેજો.
આ લેખ આપને ગમ્યો હોય તો, વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.
આ લેખ અને આ બ્લોગ વિષે આપનો ફીડબેક અહીં આપશો તો આભારી થઈશ.
આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લો એવી અપેક્ષા રાખું છું.
આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે,
-સુરેશ ત્રિવેદી
Super.