અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

asf-1ભારતના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ “અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯” અમદાવાદમાં શરૂ થઇ ગયો છે. આ “ખરીદોત્સવ” વિષેની રજેરજ માહિતી ગુજરાતી ભાષામાં ફક્ત આ વેબસાઈટ “દાદાજીની વાતો” @dadajinivato.com પર રજૂ થઈ રહી છે.

તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન બાર દિવસ સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારંભમાં વડાપ્રધાને એક રસપ્રદ વાત પણ કરી કે “કેરીમાંથી રસ કાઢીને તેનાં છોતરામાંથી પણ ફજેતો બનાવવાની ટેવ હોય, એવા અમદાવાદીઓના શહેરમાં આટલો મોટો શોપિંગ ફેસ્ટિવલ યોજાય, તે એક મોટો બદલાવ ગણાય.”   

asf-34

ઉદ્ઘાટન પછી અમદાવાદ રીવરફ્રન્ટ પર વિવિધ સ્ટોલોની મુલાકાત દરમ્યાન શ્રી નરેન્દ્રભાઈએ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલ પરથી રૂ.૩૦૦૦ની કિંમતનું ખાદીનું એક સફેદ જેકેટ ખરીદ્યું અને કાર્ડથી તેનું પેમેન્ટ કરીને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવ્યું.

asf-16

જાહેર કરાયેલ માહિતી મુજબ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯માં ૫૦૦૦થી પણ વધુ બ્રાન્ડ્સ ભાગ લઇ રહી છે અને ૧૫૦૦૦થી પણ વધુ વેપારીઓ અને ધંધાર્થીઓ આ ફેસ્ટીવલ માટે રજિસ્ટ્રેશન કરાવીને તેમાં જોડાયા છે.

sam_5296

આ ફેસ્ટિવલનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાતના બેનર હેઠળ ઇન્ડેક્સટ બી ના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝેશન ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને ગુજરાતના વેપારીઓનાં મોટાભાગનાં મહામંડળો આ ઉત્સવનો હિસ્સો બનીને ભાગ લઇ રહ્યાં છે.

asf-20

ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણના સમય દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે, જેમાં ઢગલાબંધ ઉદ્યોગપતિઓ અને એનઆરઆઈ મહેમાનો ઉમટી પડે છે. આ સમિટનું આયોજન મોટાપાયે થાય છે, પરંતુ સામાન્ય જનતા આ ઇવેન્ટમાં ભાગ લઇ શકતી નથી. એટલે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બેનર હેઠળ સમગ્ર ગુજરાતની જનતાને ઇન્વોલ કરવા માટે આ શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટીવલની ટેગ લાઈન પણ જાણે કે દરેક વ્યક્તિને ઇન્વોલ કરવા માટે જ રાખી છે: “અહીં છે દરેક માટે કંઈક” –

asf-23

અર્થાત્  –    There is something for everyone.

asf-2 આ ફેસ્ટીવલના કાર્યક્રમની જાણકારી આપતાં અમદાવાદનાં મેયર બીજલ પટેલ કહે છે, “દર વર્ષે દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની તર્જ પર આ આયોજન કરાયું છે. શોપિંગ, પ્રવાસન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો અમારો ઉદ્દેશ છે. આ કાર્યક્રમને સફળતા મળશે તો અમે દર વર્ષે તેનું આયોજન કરવા વિચારીએ છીએ. આ ફેસ્ટમાં ઑટોમોબાઇલ, હાર્ડવેર, પેપર, ઑઇલ, ગારમેન્ટ્સ, ફૂટવેર સહિત ૮૦ જેટલાં સંગઠનો ભાગ લઈ રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે ખાસ વ્યવસ્થા કરી છે. મને વિશ્વાસ છે કે, ઉત્સવપ્રેમી અમદાવાદીઓને આ નવું નજરાણું જરૃર ગમશે.”

દુબઈમાં દર વર્ષે એક મહિના માટે આવા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન થાય છે, જેનાથી વેપારીઓને વેચાણ અનેકગણું વધવાથી ફાયદો થાય છે. તો ગ્રાહકોને મસમોટાં ડિસ્કાઉન્ટ મળવાથી મઝા પડી જાય છે. વળી આ સમયે સંખ્યાબંધ વિદેશી પ્રવાસીઓ ઉમટી પડતા હોવાથી ટુરીઝમને ઉત્તેજન મળવાથી દેશને પણ વિદેશી હુંડીયામણનો મોટો લાભ મળે છે.

asf-31

આ ફેસ્ટીવલ કોઈ એક જગ્યાએ સીમિત રહેવાને બદલે આખા દુબઈ શહેરની દરેક દુકાનો અને ધંધાના સ્થળોએ ઉજવાય છે. તે ઉપરાંત ઠેર ઠેર ગીત, સંગીત અને મનોરંજનના વિવિધ કાર્યક્રમો ગોઠવાય છે. ટૂંકમાં એક મહિના માટે આખું દુબઈ મસ્તીના કોઈ અનેરા રંગે રંગાઈ જાય છે.

હવે આ જ મોડલ પર અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ દ્વારા વેપારીઓ તથા ગ્રાહકો એટલેકે જાહેર જનતા એ બંને માટે વીન વીન સિચ્યુએશન થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

asf-32

ફેસ્ટિવલ દરમિયાન શહેરની જાણીતી રેસ્ટોરાંઓ વાયબ્રન્ટ થાળી પીરસવાની છે, જેમાં અનેક સ્પેશિયલ વાનગીઓ હશે. આ સિવાય રોજ સવારે શહેરના ૪૦ પસંદગીના બગીચાઓમાં યોગા, જુમ્બા, ધ્યાન અને ફ્રી આરોગ્ય ચકાસણીના કાર્યક્રમો યોજાશે. રંગભૂમિના રસિયાઓ માટે કોર્પોરેશનનાં ઑડિટોરિયમોમાં સેલિબ્રિટી નાટકોના શૉ યોજાવાના છે, તો સિટી ગોલ્ડ સિનેમા ખાતે જાણીતી ગુજરાતી ફિલ્મોનું ફ્રી સ્ક્રીનિંગ પણ થશે.

asf-29

ફેસ્ટિવલ વિશે લોકોને જાણકારી મળે તે માટે ૨૭ જેટલાં સ્થળો પર કલાકારો પરફોર્મન્સ કરીને પ્રચાર કરતાં રહેશે.  ૧૮ જાન્યુઆરીએ નિકોલમાં બેટી બચાવો ગ્રાઉન્ડ પર ભવ્ય લોકડાયરો, ૨૦ જાન્યુઆરીએ કાંકરિયા ટ્રાન્સટેડિયામાં મ્યુઝિક કોન્સર્ટ અને ૨૯ જાન્યુઆરીએ સમાપન સમારંભમાં મેગા લકી ડ્રો તથા બોલિવૂડ કોન્સર્ટ યોજાશે.

asf-24

ગયા વર્ષે મુંબઈમાં આ પ્રકારનું આયોજન હાથ ધરાયું હતું, પણ તેને ધારી સફળતા મળી નહોતી. એટલે સરકારી અધિકારીઓ દ્વારા મુંબઈના આયોજનમાં રહી ગયેલી ખામીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને તથા તેમાં જરૂરી ફેરફાર કરીને આયોજનને સફળ બનાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જો આ પ્રયત્ન સફળ થશે તો આગામી વર્ષોમાં ભારતનાં અનેક શહેરોમાં આવા શોપિંગ ફેસ્ટિવલ યોજાશે.

ગ્રાહકોને શું લાભ?

ગ્રાહકોને પહેલો ફાયદો એ છે કે રજીસ્ટર્ડ વેપારી કે ધંધાર્થી પાસેથી કરેલ દરેક ખરીદી પર નાનું-મોટું ડિસ્કાઉન્ટ અને/અથવા ગીફ્ટ કુપન મળશે.

બીજું રૂ. ૫૦૦ની દરેક ખરીદી પર ઈનામી કુપન મળશે, અર્થાત રૂ. ૫૦૦ની ખરીદી પર ૧ કુપન અને રૂ. ૫૦૦૦ની ખરીદી પર ૧૦ કુપન મળશે.  આ કુપનનો ડ્રો થશે, જેમાં કુલ રૂ. ૧૦ કરોડનાં ઇનામો જીતવાની તક મળશે. કેટલાંક ઇનામો દરરોજ જાહેર થશે અને મુખ્ય ઇનામો મેગા ડ્રોના દિવસે જાહેર થશે. ઇનામ જીતનારને એસએમએસ દ્વારા અને એપ દ્વારા જાણ કરાશે. 

asf-30

ત્રીજો ફાયદો એ છે કે સમગ્ર ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગકારો અને ધંધાર્થીઓનાં ઉત્પાદનો અને સેવાઓ એક જગ્યાએથી ખરીદી કરવાની તક મળશે. જે લોકોને કોઈ પણ ખરીદી ના કરવી હોય, તેમને આરોગ્ય, સામાજિક જાગૃતિ અને મનોરંજનના વિવિધ કાર્યક્રમો તો માણવા મળશે જ.

ભાગ લેનારા મુખ્ય ધંધાર્થીઓ:

આમ તો આ ફેસ્ટિવલમાં મોલથી લઈને પાથરણાવાળા સુધીના અનેક વેપારીઓ અને ધંધાર્થીઓ જોડાઈ રહ્યા છે. પરંતુ જે જાણીતી બ્રાન્ડ જોડાઈ છે તેમાંથી કેટલીક નીચે મુજબ છે:

મોલ: ઇસ્કોન, સેન્ટ્રલ, બિગ બજાર, બ્રાન્ડ ફેક્ટરી, ડી માર્ટ, હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ,  ઓશિયા મોલ, અગોરા મોલ

ઇલેક્ટ્રોનિક્સ: રિલાયન્સ ડિજિટલ, સેલ્સ ઇન્ડિયા, વિજય સેલ્સ,  

જ્વેલરી: રિલાયન્સ જ્વેલ્સ, ટીબીઝેડ, કલ્યાણ જ્વેલર્સ, એ બી જ્વેલ્સ, એન.એસ જ્વેલ્સ

મલ્ટિપ્લેક્સ: સિટી ગોલ્ડ, પીવીઆર, સીનેપોલીસ, કાર્નિવલ સિનેમા

હોટલ: હયાત રિજન્સી, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, રેડીસન બ્લ્યુ, ફોર્ચ્યુન પાર્ક  

ક્લબ: રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ, જીમખાના

ફૂડ: અમુલ, હેવમોર, વાડીલાલ, ડોમિનોઝ, મેકડોનાલ્ડ, ટીજીબી, ઓનેસ્ટ, સંકલ્પ, જયભવાની વડાપાવ, દાસ ખમણ, ગાંઠિયા રથ, સબ વે, કેએફસી, મોન્જીનીઝ કેક, કંદોઈ ભોગીલાલ, ગ્વાલીયા સ્વીટ્સ, વિપુલ દુધિયા

વસ્ત્રો: અરવિંદ, રેમંડ, ઝેડ બ્લ્યુ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, પીટર ઈંગ્લેંડ, આસોપાલવ, ગરવી ગુર્જરી

પેથોલોજી લેબ: ગ્રીન ક્રોસ, સાયન્ટિફિક, સુપ્રાટેક

આ ફેસ્ટિવલનું આયોજન બે રીતે થઈ રહ્યું છે:

૧) અમદાવાદમાં પોતાના શોરૂમ અથવા દુકાન ધરાવતા ધંધાર્થીઓ તેમના ધંધાના સ્થળે તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી દરમ્યાન થયેલ ખરીદી માટે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ તથા રૂ. ૫૦૦ની દરેક ખરીદી માટે કુપન આપશે.

૨) અમદાવાદ બહારનાં જે વેપારી સંગઠનો આમાં જોડાયા છે, તેઓ રિવરફ્રન્ટ ઉપર વિશાળ ડોમ્સમાં બનાવેલ ૬૦૦થી વધુ સ્ટોલ્સમાંથી પોતાની પ્રોડક્ટસનું વેચાણ કરીને ગ્રાહકોને ડિસ્કાઉન્ટ તથા રૂ. ૫૦૦ની દરેક ખરીદી માટે કુપન આપશે.

sam_5299

આમ ગ્રાહકો અમદાવાદમાં કોઈપણ જગ્યાએ આવેલ અને ફેસ્ટીવલમાં રજીસ્ટર્ડ થયેલ શોરૂમ/દુકાન પરથી અથવા રિવરફ્રન્ટ પર જઈને કોઈપણ સ્ટોલમાંથી ખરીદી કરીને ડિસ્કાઉન્ટ તથા કુપનનો લાભ મેળવી શકાશે.

sam_5342

ખરીદી કરવા માટેનો સમય પણ લંબાવવામાં આવ્યો છે, એટલે ગ્રાહકો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ખરીદી કરી શકશે.

sam_5335

સરકાર દ્વારા જાહેરાતોમાં ૬૦% ટકા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ મળવાનો દાવો થાય છે, પરંતુ દરેક પ્રોડક્ટ કે દરેક વેપારી પોતપોતાની રીતે ડિસ્કાઉન્ટ નક્કી કરે છે. એટલે ગ્રાહકોએ બહુ મોટા ડિસ્કાઉન્ટની આશા રાખવી નહિ.

sam_5336

એપ ASF 2019:

આ શોપિંગ ફેસ્ટિવલની જાણવા જોગ માહિતી ઓફિસીયલ વેબસાઈટ amdavadshoppingfestival.com પરથી અંગ્રેજીમાં મળે છે, પરંતુ આ વેબસાઈટ ધંધાર્થીઓ માટે વધુ ઉપયોગી છે.

ગ્રાહકો માટે તો ખાસ આ ફેસ્ટીવલ માટે બનાવેલ એપ “ASF 2019’ ખૂબ ઉપયોગી નીવડશે. આ એપ ફેસ્ટીવલ વિષે સંપૂર્ણ માહિતી ધરાવે છે અને યુઝર ફ્રેન્ડલી પણ છે. વળી ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આ એપ્લિકેશન જોઈ શકાય છે.

asf-33

એપ ડાઉનલોડ કરનારને તરત જ અમુક ગીફ્ટ કુપન પણ મળી જાય છે. જેમ કે મને આ એપ ડાઉનલોડ કરી કે તરત જ વિવિધ કંપનીઓની 55 ગીફ્ટ કુપન મળી ગઈ છે.

આ ફેસ્ટિવલમાં જોડાયેલ દરેક વેપારીઓનાં નામ, સરનામાં, પ્રોડક્ટની માહિતી, વેચાણનો સમય તથા તેમના દ્વારા કઈ ઓફર આપવામાં આવી છે તેની વિગત આ એપ દ્વારા મળે છે. તે ઉપરાંત તેમના સ્થળનું લોકેશન પણ ગુગલ મેપ મારફત મળી જાય છે. વળી તમે જે વિસ્તાર પસંદ કરો, તેમાં આવેલાં વેપાર કેન્દ્રોનું લિસ્ટ પણ અલગથી મળે છે. ટૂંકમાં તમે શોપિંગ કરવાનો શોખ ધરાવતા હો તો આ એપ ખૂબ ઉપયોગી નીવડશે.

જે ગ્રાહકને ઈનામ મળશે, તેને ઓર્ગેનાઈઝર્સ દ્વારા એસએમએસ મારફત જાણ કરવામાં આવશે. જો આવી વ્યક્તિએ આ એપ ડાઉનલોડ કરી હશે, તો એપ પર પણ ઈનામનો મેસેજ મળશે.

ખરીદી સિવાય જે સામાજિક અને મનોરંજક કાર્યક્રમોનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે, તે બધાની વિગતો પણ એપ દ્વારા મળે છે.

sam_5347

હવે આપણે જોઈએ કે ખરીદી ઉપરાંત બીજા કયા સામાજિક અને મનોરંજક કાર્યક્રમો આ ફેસ્ટિવલના સમય દરમ્યાન અમદાવાદનાં વિવિધ સ્થળોએ યોજાઇ રહ્યા છે:

આરોગ્ય: યોગા, મેડીટેશન, પ્રેક્ષાધ્યાન, નેચરોપથી, આયુર્વેદ, એક્યુપ્રેશર, એરોબિકસ, મળ થેરપી, ડાયેટ, બ્લડ ટેસ્ટ, બીએમઆઈ, યોગિક ડાયેટ, જીમ  

મનોરંજન: ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો, ડાયરો, મ્યુઝીકલ નાઇટ, રેટ્રો રોક બેન્ડ, બોલીવુડ ડાન્સ, ઝુમ્બા ડાન્સ, સ્ટેન્ડ અપ કોમેડી, હાસ્યના કાર્યક્રમ  

સામાજિક જાગૃતિ: સ્વચ્છ ભારત, નોલેજ શેરીંગ, ગર્ભ સંસ્કાર

કળા કારીગરી: હેન્ડીક્રાફ્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ફલી માર્કેટ,

અન્ય: ફૂડ ફેસ્ટીવલ, ઓટો એક્સપો

આ ફેસ્ટિવલની ભવ્ય ક્લોઝિંગ સેરેમની ૨૯ જાન્યુઆરીના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે સવારે ૧૧ વાગ્યાથી યોજાનાર છે.

તો હવે લાભ લેવા માંડો દેશના સૌથી મોટા શોપિંગ ફેસ્ટીવલનો, ઘૂમો… ફીરો… ખરીદો… ખાઓ… પીયો… નાચો… ગાઓ… અને મજા કરો… …   

આ લેખ વિષે તમારો અભિપ્રાય જરૂર જણાવો અને ખાસ તો આ શોપિંગ ફેસ્ટીવલમાં તમને ઇનામ લાગે તો તેની માહિતી અહીં ચોક્કસ શેર કરજો.  

 

આ લેખમાળાના અગાઉના લેખ “અમદાવાદ ફ્લાવર શૉ 2019 ” પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના હવે પછીના લેખ “ ” પર જવા અહીં ક્લિક કરો.

આ લેખ આપને ગમ્યો હોય તો, વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.  

આ લેખ અને આ બ્લોગ વિષે આપનો ફીડબેક અહીં આપશો તો આભારી થઈશ.

આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લો એવી અપેક્ષા રાખું છું.

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

Advertisements

4 thoughts on “અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s